મળીએ એજ્યુકેશનિસ્ટ કિન્નરી કોટેચા શાહને. તેઓ જ્યારે સ્કૂલમાં હતાં ત્યારે તેમને ભણવાનું બોરિંગ લાગતું હતું એટલે આજે તેઓ સ્કૂલોને ઇન્ટરેસ્ટિંગ બનાવી રહ્યાં છે. એજ્યુકેશન સિસ્ટમમાં કઈ રીતે બદલાવ લાવી શકાય એનું તેઓ પ્રશિક્ષણ આપી રહ્યાં છે
કિન્નરી કોટેચા શાહ
એક એજ્યુકેશનિસ્ટ તરીકે જીવનમાં મારો ઉદ્દેશ જ એ છે કે સ્કૂલમાં બાળકો માટે એવું વાતાવરણ ઊભું થાય જેમાં બાળકો કંટાળા સાથે નહીં પણ ઉત્સાહ સાથે ભણે, વિષય ગોખવાને બદલે એમાં રસ લઈને સમજવાનો પ્રયત્ન કરે, ભણવા સિવાય એવી ઇતર પ્રવૃત્તિઓ શીખે જે તેમને જીવનભર કામમાં આવે. આ શબ્દો છે મુલુંડમાં રહેતાં એજ્યુકેશનિસ્ટ કિન્નરી કોટેચા શાહના, જે આ દિશામાં કામ કરી રહ્યાં છે. તેમને કેટલાક સવાલો કરીને એના જવાબ મેળવીએ.
સવાલ : એજ્યુકેશન સિસ્ટમમાં બદલાવ લાવવો એ જીવનનો ઉદ્દેશ કઈ રીતે બન્યો?
ADVERTISEMENT
જવાબ : હું એવી વિદ્યાર્થિની હતી જે સ્કૂલથી ખૂબ નાખુશ હતી. ખાસ કરીને ગણિત વિષય ભણવામાં મને બહુ કંટાળો આવતો. શિક્ષક શું ભણાવે છે એમાં જરાય ધ્યાન રહેતું નહોતું. એમાં ઘણી વાર વઢ પણ ખાવી પડે. હું એમ વિચારતી કે ભણવાનું ખતમ થઈ જાય તો સારું. મારામાં જરાય આત્મવિશ્વાસ પણ નહોતો. મને એમ લાગતું કે હું જ ડફોળ છું, બાકી બધા મારાથી હોશિયાર છે. કૉલેજમાં આવ્યા પછી મને સારુંએવું એક્સપોઝર મળ્યું. એ પછી મને રિયલાઇઝ થયું કે મને તો કેટલુંબધું આવડે છે, હું કેટલું સરસ કરી શકું છું. એ સમયે મને ખબર પડી કે પ્રૉબ્લેમ મારામાં નથી, સ્કૂલની ટીચિંગ-સ્ટાઇલમાં છે. એટલે મેં બૅચલર ઑફ એજ્યુકેશન (BEd)નો અભ્યાસ કરેલો. એ સમયે મને ઇન્ટરવ્યુમાં પૂછવામાં પણ આવેલું કે તારે BEd કેમ કરવું છે? તો એ સમયે મેં જવાબ આપેલો કે મારે એજ્યુકેશન સિસ્ટમ બદલવી છે. મારો ઇન્ટરવ્યુ લેનાર સરે એ સમયે મને સવાલ પણ કરેલો કે તને લાગે છે કે એક ટીચર થઈને તું એજ્યુકેશન સિસ્ટમ ચેન્જ કરીશ?
સવાલ : એજ્યુકેશનિસ્ટ બનવાની સફર કઈ રીતે શરૂ થઈ?
જવાબ : BEd કર્યા પછી મેં એક ટીચર તરીકે IB બોર્ડની એસ. એમ. શેટ્ટી સ્કૂલમાં કામ કર્યું. અહીં હું વિદ્યાર્થીઓને બિઝનેસ સ્ટડીઝ ઍન્ડ ઇકૉનૉમિક્સ ભણાવતી. મારી ટીચિંગ-સ્ટાઇલથી વિદ્યાર્થીઓ એટલા ખુશ હતા એને કારણે બીજા શિક્ષકોને ઈર્ષા થવા લાગી. તેમણે મને મારાં કપડાંને લઈને, કૅરૅક્ટરને લઈને કમેન્ટ્સ કરવાનું શરૂ કરી દીધું. એક રીતે મને મેન્ટલી ટૉર્ચર કરવાનું શરૂ કરી દીધું. એટલે મને મારો ગ્રોથ અટકી જશે એવું લાગ્યું. દરમિયાન મારા સદ્નસીબે મને પોદાર એજ્યુકેશન નેટવર્ક સાથે કામ કરવાની તક મળી. તેમણે મને ક્રીએટિવ કરિક્યુલર ડેવલપમેન્ટનું કામ સોંપ્યું. એ લોકોએ મને UK મોકલી. મને ટ્રેઇનિંગ અપાવી, જ્યાં હું અલગ-અલગ સ્કૂલ્સમાં ગઈ. તેમની આખી એજ્યુકેશન સિસ્ટમ સમજી. એ પછી હું અહીં આવી અને એક ટીમ બની. અહીંની સ્કૂલોમાં શું બદલાવ લાવી શકીએ એ હિસાબે કરિક્યુલમ ડિઝાઇન કરવાનું ચાલુ કર્યું. એનો CBSE, ICSE બોર્ડની સ્કૂલમાં અમલ કરવાની શરૂઆત કરી. એક-બે કરતાં-કરતાં કુલ ૧૬૦ સ્કૂલમાં એનો અમે અમલ કર્યો. મેં પોદાર એજ્યુકેશન નેટવર્ક માટે પાંચ વર્ષ કામ કર્યું. એ પછી અંગત કારણસર મારે UAEમાં રીલોકેટ થવું પડ્યું. આઠ વર્ષ હું ત્યાં રહી. અહીં મેં જેમ્સ એજ્યુકેશન-દુબઈ, મિનિસ્ટ્રી ઑફ એજ્યુકેશન-દુબઈ સાથે કામ કર્યું. દરમિયાન કોવિડના સમયગાળામાં મેં ઇંગ્લૅન્ડની યુનિવર્સિટી ઑફ ચિચસ્ટરથી માસ્ટર ઑફ એજ્યુકેશનલ લીડરશિપની ડિગ્રી મેળવેલી છે. ગયા વર્ષે જ હું ભારત પાછી ફરી છું. હાલમાં હું નારાયણા એજ્યુકેશનલ ગ્રુપ સાથે કામ કરી રહી છું. એ સિવાય પણ ઇન્ડિવિજ્યુઅલ લેવલ પર અન્ય સ્કૂલ સાથે મળીને કામ કરી રહી છું. હાલમાં હું ૪૦૦થી વધુ સ્કૂલોના પ્રિન્સિપાલ, વાઇસ-પ્રિન્સિપાલને ટ્રેઇનિંગ આપી રહી છું. ટ્રેઇનિંગ એટલે એવું નહીં કે હું બોલ્યા કરું અને એ લોકો સાંભળ્યા કરે. આ ટ્રેઇનિંગમાં હું તેમને એક્ઝૅક્ટ્લી એ જ કરાવું છું જે એ લોકોએ ક્લાસરૂમમાં જઈને કરવાનું છે. હું પ્રિન્સિપાલ અને વાઇસ-પ્રિન્સિપાલને ટ્રેઇનિંગ આપું અને એ પછી તેઓ તેમના ટીચર્સને ટ્રેઇનિંગ આપે. મારું કામ ફક્ત ટ્રેઇનિંગ આપીને ખતમ નથી થઈ જતું, ટ્રેઇનિંગ આપ્યા પછી હું સ્કૂલોમાં ઑડિટ કરવા માટે પણ જાઉ છું કે મેં જે રીતની ટ્રેઇનિંગ આપી એ રીતનો અમલ સરખી રીતે થઈ રહ્યો છે કે નહીં.
સવાલ : આપણી એજ્યુકેશન સિસ્ટમમાં બદલાવ લાવવાની કેમ તાતી જરૂર છે?
જવાબ : આપણી એજ્યુકેશન સિસ્ટમ બ્રિટિશરોના ટાઇમની હતી. એ લોકોને જોઈતા હતા વર્કર્સ જે આવીને કામ કરે અને તેમની સામે અવાજ ન ઉપાડે, પોતાની બુદ્ધિ ન વાપરે, ગોખણપટ્ટી કરે, પરીક્ષા આપે અને માર્ક્સ લઈને આવે. આમાં પછી બાળક વિષય સમજવાને બદલે ફક્ત જવાબ યાદ રાખવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે. એમાં તેમની નવું વિચારવાની શક્તિ ઓછી થઈ જાય. માર્ક્સ પાછળ ભાગવામાં તેઓ બીજી મહત્ત્વની જે લાઇફ-સ્કિલ્સ હોય એ વિકસાવી શકતા નથી. મારો એ જ પ્રયત્ન છે કે એજ્યુકેશન સિસ્ટમને સમજાવી શકું કે માર્ક્સ મહત્ત્વના નથી, એ ફક્ત એ સમજવાનું એક પૅરામીટર છે કે આપણે જે સમજાવ્યું એ બાળકોને કેટલું સમજાયું છે; એ આપણી ટેસ્ટ છે, છોકરાઓની ટેસ્ટ છે જ નહીં. આપણે બાળકોને જે ભણાવ્યું એમાંથી જીવનમાં તે કેટલું વાપરી શક્યાં એ જ રિયલ ટેસ્ટ છે. આપણી ગવર્નમેન્ટ, આપણા પૉલિસી-મેકર્સ એ વસ્તુ સમજ્યા છે અને એ રીતની પૉલિસી બનાવી રહ્યા છે પણ આપણી સ્કૂલોની કામ કરવાની સિસ્ટમ એટલી રિજિડ છે કે એને ચેન્જ થતાં હજી વર્ષો લાગી જશે. ભારતમાં આજે પણ મોટા ભાગની સ્કૂલોમાં બાળકોને એ જ જૂનીપુરાણી રીતથી ભણાવવામાં આવી રહ્યાં છે. છેલ્લાં અમુક વર્ષોમાં થોડો ઘણો બદલાવ આવ્યો છે. બાળકોની વિચારક્ષમતા વિકસિત થાય એ માટે શિક્ષણની નવી રીતો અપનાવવામાં આવી રહી છે. રેગ્યુલર સબ્જેક્ટ્સ ઉપરાંત તેમને નવી લાઇફ-સ્કિલ્સ શીખવાડવામાં આવી રહી છે જે તેમને જીવનમાં ખરેખર કામ આવી શકે. જોકે આ દિશામાં હજી ઘણું કામ કરવાનું બાકી છે.
સવાલ : આપણે ત્યાં શિક્ષકોની ભણાવવાની રીતને લઈને પણ કેવા બદલાવ કરવા જોઈએ?
જવાબ : સામાન્ય રીતે આપણે ત્યાં કોઈ શિક્ષક ક્લાસમાં દાખલ થાય એટલે તરત બાળકોને કહે કે આજે બુકમાં આ ચૅપ્ટર ખોલો, આપણે આજે એ ભણવાના છીએ. એટલે એમાં વિદ્યાર્થીઓને કંટાળો આવે. એની જગ્યાએ જો બાળકમાં પહેલાં જિજ્ઞાસાવૃત્તિ જગાવવામાં આવે અને પછી સમજાવવામાં આવે તો પછી તેઓ એ વસ્તુને ધ્યાનપૂર્વક સાંભળશે. ફૉરેનની સ્કૂલમાં ટીચરોને બાળકોમાં ક્યુરિયોસિટી કે જેને આપણે જિજ્ઞાસાવૃત્તિ કહીએ એ જગાવતાં આવડે છે. પેન્ગ્વિન કેમ બરફમાં રહે છે અને ઊંટ કેમ રણમાં રહે છે? ઊંટ બરફમાં રહે તો શું થાય? આવા સવાલો પૂછવામાં આવે ત્યારે બાળક આપમેળે વિચારતું થાય. તેનામાં એનો જવાબ જાણવાની ક્યુરિયોસિટી જાગે. મારી ટ્રેઇનિંગમાં પણ હું તેમને એ જ બધું શીખવાડું કે ટીચરે કેવી-કેવી ટીચિંગ મેથડ અપનાવવી જોઈએ જે બાળકોનો ઇન્ટરેસ્ટ જગાવી રાખે. મોટા ભાગની સ્કૂલમાં ટીચર જાતે પ્રેઝન્ટેશન આપતા જાય અને બોલતા જાય અને સ્ટુડન્ટ્સે ફક્ત સાંભળવાનું હોય, કોઈ એક્સપરિમેન્ટ કરવાનો હોય તો પણ ટીચર એને જાતે કરીને સ્ટુડન્ટ્સને દેખાડે. એ ટીચરને એમ લાગતું હોય કે તે આ બધું કરીને વિદ્યાર્થીઓને બેસ્ટ એજ્યુકેશન આપી રહી છે, પણ એવું નથી. ટૉપિક સીધેસીધો ભણાવી દેવા કરતાં પહેલાં બાળકોનાં ગ્રુપ બનાવવામાં આવે, તેમને ડિસકશન કરવાનું કહેવામાં આવે, તેમનો શું મત છે એ જાણવામાં આવે તો દરેક વિદ્યાર્થી ઍક્ટિવલી પાર્ટિસિપેટ કરી શકશે. કોઈ એક્સપરિમેન્ટ હોય તો એ ટીચરે કરવાને બદલે સ્ટુડન્ટ્સને કરવા માટે આપવું જોઈએ. ટીચરે ફક્ત તેમને ગાઇડન્સ આપવું જોઈએ. આ રીતે જો ભણાવવામાં આવે તો બાળકની નવું વિચારવાની શક્તિ વિકસશે, કમ્યુનિકેશન સ્કિલ સારી થશે, સમસ્યાનો ઉકેલ લાવવાની આવડત વિકસશે. એ માટે પહેલાં શિક્ષકોએ ટ્રેઇન થવું પડશે.
સવાલ : શાળામાં એક્સ્ટ્રા-કરિક્યુલર ઍક્ટિવિટીઝમાં કેવા બદલાવ કરવાની જરૂર છે?
જવાબ : અમારા જમાનામાં માતા-પિતા એમ કહેતાં કે ડ્રૉઇંગ, ડાન્સ કરીને તને શું ફાયદો થવાનો છે? ચૂપચાપ ભણવામાં ધ્યાન આપ. આજના પેરન્ટ્સમાં અવેરસેનસ આવી છે અને એટલે જ તેઓ તેમનાં બાળકોને કોડિંગ, પબ્લિક સ્પીકિંગ, ક્રીએટિવ રાઇટિંગ, આર્ટ, ડાન્સ, મ્યુઝિક, સ્પોર્ટ્સ ક્લાસમાં મોકલે છે. જોકે સ્કૂલમાં હજી ડ્રૉઇંગ, ફિઝિકલ એજ્યુકેશનને ગણિત, વિજ્ઞાન જેવા મેઇન સબ્જેક્ટ જેટલું મહત્ત્વ આપવામાં આવતું નથી. એક્ઝામ નજીક હોય અને ચૅપ્ટર્સ ભણાવવાનાં બાકી હોય તો ડ્રૉઇંગ, ફિઝિકલ એજ્યુકેશનના લેક્ચરમાં બીજા સબ્જેક્ટ્સ ભણાવવામાં આવે છે; જે બિલકુલ યોગ્ય નથી. આજે આપણે જોઈએ છીએ કે સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ પણ અનેક શારીરિક અને માનસિક સમસ્યા સામે ઝઝૂમતા હોય છે. એવામાં એ જરૂરી છે કે બીજા બધા સબ્જેક્ટ્સ જેટલું પ્રાધાન્ય ફિઝિક્લ એજ્યુશન અને ડ્રૉઇંગ ક્લાસને પણ આપવામાં આવે, જે બાળકોના શારીરિક અને માનસિક વિકાસ માટે જરૂરી છે. આજે ક્રીએટિવ થિન્કિંગ, ક્રીએટિવ રાઇટિંગના અલગથી ક્લાસ હોય છે. આપણે સ્કૂલમાં ડ્રૉઇંગના ક્લાસની અંદર જ એવી ડિફરન્ટ ટેક્નિક્સ અપનાવવી જોઈએ જે બાળકોમાં ક્રીએટિવ થિન્કિંગને વધારે. એવી જ રીતે અંગ્રેજીના ક્લાસમાં બાળકોને લખવાની એવી એક્સરસાઇઝ આપવી જોઈએ જે તેમનામાં ક્રીએટિવ રાઇટિંગને પ્રોત્સાહન આપે.
સવાલ : મેન્ટલ હેલ્થની વધતી સમસ્યા વચ્ચે બાળકોને ઇમોશનલ ઇન્ટેલિજન્સ શીખવાડવાની કેમ જરૂર છે?
જવાબ : આજકાલ બાળકો પણ ભણવાને લઈને, ઘરની આર્થિક સ્થિતિને લઈને, પોતાના દેખાવને લઈને, બુલિંગ વગેરેને લઈને સ્ટ્રેસનો અનુભવ કરતાં હોય છે. એવામાં સ્કૂલે જવાબદાર રીતે વર્તવું પડશે. આપણી જે નૅશનલ એજ્યુકેશન પૉલિસી ૨૦૨૦ છે એમાં પણ કહેવામાં આવ્યું છે કે બધા જ શિક્ષકોએ સ્કૂલમાં ઇમોશનલ ઇન્ટેલિજન્સ શીખવાડવાની જરૂર છે. તમે ભલે ગમે એ વિષય ભણાવતા હો પણ તમે કોઈ દિવસ વિદ્યાર્થીઓને એવું પૂછ્યું છે કે આજે તમને કેવું લાગે છે? તમે દુખી છો તો શા માટે દુખી છો? તમને કઈ વસ્તુથી ખુશી મળે છે? તમે તેમને લાઇફ-જર્નલ લખતાં શીખવાડ્યું છે? રોજબરોજના જીવનમાં તેઓ શું ફીલ કરે છે એ લખતાં શીખવાડ્યું છે? બાળકોમાં તેમના ઇમોશનને લઈને સેલ્ફ-અવેરનેસ આવે એ ખૂબ જરૂરી છે. કોઈ વસ્તુ તેમને ફીલ થાય છે તો એ કઈ રીતે વ્યક્ત કરવી? ઘણી વાર બાળકો તેમનાં ઇમોશન એક્સપ્રેસ કરી શકતાં નથી એટલે પછી ગુસ્સો કરીને, તોડફોડ કરીને કે ન બોલવાનું બોલીને એ બહાર કાઢે છે. એટલે ઇમોશનને મૅનેજ કરતાં શીખવાડવું ખૂબ જરૂરી છે. આજે કોઈ ઇમોશનલી ડિસ્ટર્બ્ડ વ્યક્તિ સાઇકોલૉજિસ્ટ પાસે જાય તો ઘણી વાર તેમને જર્નલ લખવાની સલાહ આપવામાં આવતી હોય છે. તો આ જ વસ્તુ આપણે બાળકોને સ્કૂલમાંથી જ કેમ નથી શીખવાડી શકતા? આ વસ્તુ એવી છે જે આપણને લાઇફટાઇમ પર્સનલ અને પ્રોફેશનલ બન્ને લાઇફમાં કામમાં આવવાની છે.

