જાણી લો કે આવાં એક્ઝૉટિક વેજિટેબલ્સ જો યોગ્ય રીતે ન વાપરીએ તો એ બહુ ગુણકારી હોવા છતાં એનો પૂરતો ફાયદો નથી મળતો
કિચન ટિપ્સ
પ્રતીકાત્મક તસવીર
આપણી લીલી કોબીજ કરતાં પર્પલ વધુ સત્ત્વવાળી છે અને ખાસ કરીને બહેનો માટે એ સુપરફૂડ બની શકે છે એવું ઇટાલિયન રિસર્ચરોએ તારવ્યું છે. જોકે ખાવાનું વિચારતા હો તો પહેલાં જાણી લો કે આવાં એક્ઝૉટિક વેજિટેબલ્સ જો યોગ્ય રીતે ન વાપરીએ તો એ બહુ ગુણકારી હોવા છતાં એનો પૂરતો ફાયદો નથી મળતો
જેમ દરેક ક્વિઝીનમાં ચોક્કસ વેજિટેબલ્સ હોય છે એમ એ વેજિટેબલને રાંધવાની પોતાની આગવી પદ્ધતિ પણ હોય છે. એટલે જ જ્યારે વિદેશી વેજિટેબલ્સ આપણે ખાતા હોઈએ તો એ કઈ રીતે કન્ઝ્યુમ થાય તો બેસ્ટ અસર કરે એ સમજી લેવું જોઈએ. તાજેતરમાં ઇટલીના રિસર્ચરોએ પર્પલ કૅબેજ ડાયાબિટીઝના દરદીઓ અને પ્રેગ્નન્ટ મહિલાઓ માટે પોષક વેજિટેબલ હોવાનું ગણાવ્યું છે. પર્પલ કૅબેજમાં રહેલા ફોલેટ અને વિટામિન સીના પ્રકારને કારણે ફૂડમાંથી આયર્ન ઍબ્સૉર્પ્શનનું કામ સરળ બને છે જે મહિલાઓને ઇન જનરલ પણ ખૂબ મદદરૂપ બને છે.
ADVERTISEMENT
આ વેજિટેબલનો ઉપયોગ ફક્ત રેસ્ટોરાંમાં જ થાય છે એવું નથી. હવે ગૃહિણીઓ પણ આ શાકભાજી ખરીદતી થઈ ગઈ છે ત્યારે સમજીએ કે શાકની ન્યુટ્રિશનલ વૅલ્યુ શું છે અને એ ખાવાથી શરીરને કઈ રીતે ફાયદો થાય. પર્પલ કૅબેજ આમ તો આપણી લીલી કોબીના કુળની જ છે, પણ એનો રંગ ખૂબ આકર્ષક છે અને આ રંગ જ એને વધુ પોષક બનાવે છે. ડાયટિશ્યન યોગિતા ગોરડિયા કહે છે, ‘એનો રંગ જેટલો આકર્ષક છે એટલાં જ એમાં પોષક તત્ત્વો પણ છે. લો-કૅલરી ફૂડ છે અને ફાઇબરનું પ્રમાણ સારું એવું હોવાથી એ ધીમે-ધીમે પચે છે અને એટલે ડાયાબિટીઝના દરદીઓ માટે સૂટેબલ છે. વિટામિન સી, વિટામિન કે, વિટામિન બી૬, ફોલેટ, પોટૅશિયમ અને મૅન્ગેનીઝ જેવાં ખનીજ એમાં સારીએવી માત્રામાં મળે છે જે પ્રેગ્નન્ટ મહિલાઓની ઘણી જરૂરિયાતો પૂરી કરી શકે છે. અલબત્ત, એનાથી ડેઇલી રેકમન્ડેડ જરૂરિયાત પૂરી નથી થઈ જતી એટલે જો તમારે સપ્લિમેન્ટ્સ લેવાની જરૂર છે એવું ડૉક્ટરે કહ્યું હોય તો એની અવેજીમાં પર્પલ કૅબેજ ખાવાથી ફાયદો નહીં થઈ જાય.’
કાચી એટલી સાચી
મુખ્યત્વે આ શાક સૅલડમાં અને કાચી સૅન્ડવિચમાં વપરાય છે એમ સમજાવતાં યોગિતા ગોરડિયા કહે છે, ‘આપણા કોબીની જેમ પર્પલ કૅબેજમાંથી પણ ભરપૂર માત્રામાં ફાઇબર મળી આવે
છે. વળી એ પોટૅશિયમનો રિસોર્સ છે જેને કારણે મોટા ભાગે લોકોને થતો વૉટર રિટેન્શનનો પ્રૉબ્લેમ સૉલ્વ થાય છે. વૉટર રિટેન્શનને કારણે શરીર ફૂલી જાય છે. ખાસ કરીને સ્ત્રીઓમાં આ
સમસ્યા વધુ જાવા
મળે છે, જેને ઓછી કરવામાં પર્પલ કૅબેજ ઉપયોગી બને છે. એમાં વિટામિન ‘સી’ અને વિટામિન ‘એ’ની માત્રા પણ વધુ પ્રમાણમાં હોવાથી એ આંખો માટે પણ ખૂબ ઉપયોગી સાબિત થાય છે. મોટી ઉંમરના લોકો માટે પણ એ ખૂબ ફાયદાકારક હોય છે.’
કઈ રીતે ખવાય?
પર્પલ કૅબેજની કિમચી બેસ્ટ છે. એમાં કોબીજને આથી દેવામાં આવે છે. કોરિયન ફૂડમાં એનો બહુ સરસ રીતે ઉપયોગ થાય છે જે એમાં રહેલા ગુણોને મલ્ટિપ્લાય કરે છે. યોગિતાબહેન કહે છે, ‘પર્પલ કૅબેજને ક્યારેય પકવવું જોઈએ નહીં. એને કાચું જ ખાવું હિતાવહ છે. પકવવાથી નુકસાન નહીં થાય, પણ જે ફાયદા માટે તમે એ ખાઈ રહ્યા છો એ નહીં મળે. તેલમાં સાંતળવા કે પાણીમાં બાફવાથી એનો રંગ બદલાઈ જાય છે અને પર્પલ કૅબેજને રંગ બક્ષતાં કેમિકલ્સમાં જે ફાયટોકેમિકલ્સ છે, એ રાંધવાથી ઊડી જાય છે.’