વ્લૉગ્સની એક દુનિયા હોઈ શકે અને વ્લૉગ્સ બનાવવાનો શોખ પણ હોઈ શકે
મેરે દિલ મેં આજ ક્યા હૈ?
પ્રતીકાત્મક તસવીર
હા, એ અતિરેક એ સ્તર પર છે કે વ્યક્તિ અને ખાસ તો યંગસ્ટર્સ રીતસર ડિપ્રેશન વચ્ચે જીવતા થઈ ગયા છે. લાઇક્સ અને સબસ્ક્રાઇબર્સની વાતો આખો દિવસ તેમના મનમાં ચાલે છે. એટલું જ નહીં, બીજાની લાઇક્સ અને બીજાના સબસ્ક્રાઇબર્સ પણ તેમના મનમાં જીવી રહ્યાં છે, એ પણ સતત.
સોશ્યલ મીડિયાએ દેખાદેખીને એ સ્તર પર મોટી કરી નાખી છે જેની કલ્પના પણ ન થઈ શકે. સોશ્યલ મીડિયા એક એવી બારી થઈ ગઈ છે જેના કિનારે બેસીને આખો દિવસ બીજાના ઘરમાં અને બીજાના રૂમમાં નજર કરાવ્યા કરે છે. ફલાણાએ આ લખ્યું અને ઢીંકણાએ પેલું કર્યું, ફલાણાને આટલી લાઇક મળી ગઈ અને એક દિવસમાં ઢીંકણાના આટલા સબસ્ક્રાઇબર્સ વધી ગયા. આ જે ગણતરીઓ છે, આ જે સરખામણી છે એ યંગસ્ટર્સના જીવનનો સંતોષ ખાઈ જવાનું કામ કરે છે. યુટ્યુબર્સ હવે પોતાની લાઇફમાં નથી રહ્યા. હવે તે બીજાની લાઇફમાં જ જીવે છે. રીલ્સ, વિડિયોઝ, પ્રમોશન અને એના થકી આવકોની ગણતરીએ એ સ્તર પર યંગસ્ટર્સની લાઇફની દિશા બદલી નાખી છે જેની કોઈ ધારણા પણ નથી થઈ શકતી. હવે કોઈને કામ કરવું નથી. સોશ્યલ મીડિયા થકી થતી આવક પર નિર્ધાર કરનારાઓ એ હદે વધતા ચાલ્યા છે જેની કોઈ સીમા ન હોય. શું કરો છો તો એક જ જવાબ મળે, યુટ્યુબ પર વ્લૉગ્સ બનાવે છે.
ADVERTISEMENT
વ્લૉગ્સની એક દુનિયા હોઈ શકે અને વ્લૉગ્સ બનાવવાનો શોખ પણ હોઈ શકે. એનાથી આવક થતી હોય તો એમાં પણ કશું ખોટું નથી. જોકે એક વાત ધ્યાનમાં રાખજો કે પૅશન્સના કારણે ક્યારેય તમારા જીવનની દિશા બદલવી નહીં. મૂળ વ્યવસાયને ક્યારેય સાઇડ પર મૂકવો નહીં અને ધારો કે મૂળ વ્યવસાય હજી નક્કી ન થયો હોય તો એ નક્કી કરવાના કામે લાગ્યા પછી, એમાં પગભર થયા પછી જ પૅશન્સની દિશામાં વિચારવું જોઈએ. અલગ-અલગ ઇન્ડસ્ટ્રીમાં ઘણા લોકો એવા છે જેઓ આજે બબ્બે ક્ષેત્રમાં પોતાની નામના સજ્જડ સ્તર પર પહોંચાડીને બેઠા છે અને એ પછી પણ તેમણે બેમાંથી કોઈ એક ક્ષેત્રને તિલાંજલિ આપવાનું કામ કર્યું નથી. ધારે તો તેઓ એ કરી શકે છે અને એવું પણ નથી કે તેમને બન્ને કામો કરીને આર્થિક સધ્ધરતા વધારવી છે. ના, જરા પણ નહીં, કારણ માત્ર એટલું જ છે કે તેમને ખબર પડે છે કે પૅશન્સને પ્રોફેશનમાં ફેરવ્યા પછી એ પોતાના શોખને આધારિત થઈ જશે અને શોખ હંમેશાં વાજબી સ્તરનો હોવો જોઈએ. તમને કેરી ભાવતી હોય, પણ એનો અર્થ એવો નથી કે ભોજનમાં કેરી જ હોય અને એ પણ સવાર-બપોર-સાંજ અને બારેય મહિના. જો એવું બને તો એક તબક્કો એવો આવી જાય કે તમે કેરીથી ત્રાસી જાઓ અને સાહેબ, એક વાત યાદ રાખજો કે જ્યારે માણસ પોતાના પૅશન્સથી ત્રાસે છે ત્યારે તે દુખી થવાની દિશામાં આગળ વધી જાય છે.
કામથી માણસ કંટાળે ત્યારે તે ગમતા ફીલ્ડ તરફ નજર કરે, પણ જરા વિચારો કે માણસ ગમતા ફીલ્ડથી થાકે એ પછી તે કઈ દિશામાં જોવાનું વિચારી શકે?! એક પણ દિશા નહીં, કારણ કે એવા સમયે તે દિશાશૂન્ય બને છે અને સોશ્યલ મીડિયામાં ઘર માંડીને બેસી ગયેલાઓની એ જ હાલત થઈ રહી છે, થવાની છે.