Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > ડૂમસ્ક્રોલિંગથી હોપસ્ક્રોલિંગ : હવે નકારાત્મકતાનો નહીં, આશાનો નશો

ડૂમસ્ક્રોલિંગથી હોપસ્ક્રોલિંગ : હવે નકારાત્મકતાનો નહીં, આશાનો નશો

Published : 17 November, 2026 02:46 PM | Modified : 17 November, 2026 02:57 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સોશ્યલ મીડિયા પર સતત દુખદ અને ચિંતાજનક સમાચાર જોવાથી કંટાળેલા યુઝર્સ હવે સારા સમાચાર, પ્રેરણાદાયી વિડિયો અને ખુશીની ક્ષણો શોધી રહ્યા છે. અમેરિકાની ચૂંટણી પછી ચર્ચામાં આવેલો આ નવો ટ્રેન્ડ બદલાતી માનસિકતાનો સંકેત છે.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

PoV

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


આદત મુજબ રાત્રે સૂતાં પહેલાં મોબાઇલ હાથમાં લીધો. એક સમાચાર વાંચ્યા કે યુક્રેનના યુદ્ધમાં અમુક લોકોનાં મોત થયાં. પછી એક વિડિયો દેખાયો, જેમાં કોઈ અકસ્માત થયો છે. આગળ વધતાં ક્યાંક અન્યાયની વાત, ક્યાંક રાજકીય વિવાદ, ક્યાંક આર્થિક મંદી અને ક્યાંક કોઈની આત્મહત્યાના સમાચાર. દરેક સમાચાર મનને વ્યથિત કરી દે છે. છતાં આંગળી સ્ક્રીન પર સરકતી રહે છે. ૧૦ મિનિટમાં મોબાઇલ મૂકવાનો વિચાર હતો, પણ ક્યારે કલાક વીતી ગયો એની ખબર પણ પડી નહીં. સવારે ઊઠીએ ત્યારે પણ સૌથી પહેલાં મોબાઇલ લઈને દુનિયાની ઉપાધિઓથી જાતે જ મનને દુઃખી કરીએ છીએ.

 આપણી આ આદતને મનોવિજ્ઞાન અને ડિજિટલ કલ્ચરની ભાષામાં ‘Doomscrolling’ કહે છે. ‘Doom’ એટલે વિનાશ કે દુર્ભાગ્ય અને ‘Scrolling’ એટલે મોબાઇલની સ્ક્રીન પર સતત ઉપર-નીચે સરકવું. સરળ ભાષામાં કહીએ તો મનને દુખી અને ચિંતિત કરતી સામગ્રી સતત જોવાની આદત અને એનાથી પરેશાન થયા પછી પણ જોવાનું બંધ ન કરવું એટલે ડૂમસ્ક્રોલિંગ.



કોરોના મહામારીના સમયગાળામાં આ શબ્દનો ઉપયોગ ખાસ પ્રચલિત થયો હતો. લૉકડાઉનમાં લોકો ઘરમાં બંધ હતા. બહારની દુનિયામાં શું ચાલી રહ્યું છે એ જાણવા માટે મોબાઇલ જ એકમાત્ર સાધન હતું. બંધ દીવાલોમાં એક બારી હતી, પરંતુ એ બારીમાંથી દેખાતાં મોટા ભાગનાં દૃશ્યો નેગેટિવિટી બાયસવાળાં હતાં. 


આમાં સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મના ઍલ્ગરિધમનો પણ ફાળો ઘણો મોટો છે. આપણે જે પોસ્ટ પર થોડી વાર રોકાઈએ, જે વિડિયો જોઈએ કે જેના પર પ્રતિક્રિયા આપીએ, એના જેવી વધુ સામગ્રી આપણી ફીડમાં આવતી જાય છે. પરિણામે એક જ પ્રકારની સામગ્રીનું ચક્ર ચાલતું રહે છે. નકારાત્મક સમાચારો જોતા રહીએ તો. 

આપણને લાગે કે આખી દુનિયા ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છે, જ્યારે હકીકતમાં આપણે દુનિયાનો માત્ર એક હિસ્સો જ જોઈ રહ્યા હોઈએ છીએ. સતત આવી સામગ્રી જોવાથી ચિંતા, માનસિક થાક અને લાચારીની લાગણી વધી શકે છે.


હવે આ નકારાત્મક પ્રવાહની સામે એક નવો શબ્દ ચર્ચામાં આવ્યો છે :  Hopescrolling. અમેરિકામાં તાજેતરની મિડ-ટર્મ ચૂંટણીમાં ડેમોક્રૅટ્સે હાઉસ અને સેનેટમાં ફરીથી બહુમતી મેળવી. લાંબા સમયથી રાજકીય નિરાશા અનુભવતા ડેમોક્રૅટિક સમર્થકોમાં આ પરિણામથી આશા અને ઉત્સાહનું વાતાવરણ સર્જાયું. સોશ્યલ મીડિયા પર વિજયની ઉજવણી કરતા વિડિયો, નવા ચૂંટાયેલા નેતાઓનાં પ્રેરણાત્મક ભાષણો, રમૂજી મીમ્સ અને આશાવાદી સંદેશાઓનો ધોધ વહેવા લાગ્યો.

આ ટ્રેન્ડને મળતો આવતો એક બીજો શબ્દ છે Bloomscrolling. Bloom એટલે ખીલવું. એટલે કે સોશ્યલ મીડિયા ફીડમાં એવી સામગ્રી પસંદ કરવી જે સકારાત્મકતા અને જીવન પ્રત્યેનો ઉત્સાહ વધારે. કોઈ અજાણ્યા માણસે રસ્તા પર વૃદ્ધને મદદ કરી હોય, કોઈ બાળકની નાનકડી સિદ્ધિ હોય, કોઈએ મુશ્કેલીમાંથી બહાર આવીને સફળતા મેળવી હોય કે કોઈ પ્રાણીનો હૃદયસ્પર્શી વિડિયો હોય વગેરે. અહીં એક સવાલ ઊભો થાય છે. શું હોપસ્ક્રોલિંગ ખરેખર માનસિકતામાં પરિવર્તન લાવે છે કે પછી સોશ્યલ મીડિયા પરનો બીજો એક નવો ટ્રેન્ડ છે?

સોશ્યલ મીડિયા પર સકારાત્મક સામગ્રી જોવી સારી વાત છે, પરંતુ એની પણ મર્યાદા છે. જો કોઈ વ્યક્તિ માત્ર પોતાની માન્યતાઓને સમર્થન આપતા સમાચારો જ જોયા કરે અને વિપરીત અભિપ્રાયને અવગણે તો તે Echo Chamberમાં ફસાઈ શકે છે. એટલે કે પોતાની જ માન્યતાઓનો પડઘો વારંવાર સાંભળતી રહે. અમેરિકાની ચૂંટણીમાં પોતાના પક્ષની જીતના ઉત્સાહમાં કોઈ વ્યક્તિ એવું માનવા લાગે કે હવે દેશની બધી સમસ્યાઓનો અંત આવી ગયો છે, અચ્છે દિન આને વાલે હૈં, તો એ પણ વાસ્તવિકતાથી દૂર જવું કહેવાય.

આ ઉપરાંત સોશ્યલ મીડિયા ઍલ્ગરિધમને આપણા સુખ કે દુઃખ કરતાં આપણા પ્લૅટફૉર્મ પર વિતાવેલા સમય સાથે વધુ નિસબત હોય છે. આપણે દુખદ વિડિયો જોઈએ કે સુખદ, બન્ને સ્થિતિમાં એ આપણને વધુ સમય સુધી સ્ક્રીન પર રોકી રાખવાનો પ્રયાસ કરે છે. એટલે હોપસ્ક્રોલિંગ પણ ક્યારેક ડિજિટલ આદતનું નવું સ્વરૂપ બની શકે છે.

તો પછી ઉપાય શું? સોશ્યલ મીડિયાથી સંપૂર્ણ દૂર થઈ જવું એ વ્યવહારુ ઉકેલ નથી. એના બદલે સવારે ઊઠતાંની સાથે અને રાત્રે સૂતાં પહેલાં સમાચારની ફીડ જોવાનું ટાળવું. દિવસમાં સમાચાર વાંચવા માટે ચોક્કસ સમય નક્કી કરવો. એક જ સમાચાર વારંવાર જુદાં-જુદાં વિડિયો અને પોસ્ટમાં જોવાનું ટાળવું. મનને આનંદ આપે એવી શૈક્ષણિક, સર્જનાત્મક અને પ્રેરણાદાયી સામગ્રીને પણ ફીડમાં સ્થાન આપવું. ક્યારેક મોબાઇલ બાજુ પર મૂકીને પરિવાર સાથે વાત કરવી, ચાલવા જવું કે પુસ્તક વાંચવું.

સોશ્યલ મીડિયા આપણને દુનિયાની બારી આપે છે, પરંતુ એ બારીમાંથી શું જોવું એની પસંદગી તો આપણી પાસે હોવી જોઈએ. ડૂમસ્ક્રોલિંગ અને હોપસ્ક્રોલિંગ વચ્ચેનો સાચો રસ્તો કદાચ આ બન્નેની વચ્ચે છે. ઓશો કહે છે એમ જગતના વહેણ સાથે વહેતા રહેવું, પણ હોશમાં રહેવું.

બાય ધ વે

તમને ખબર છે ડૂમસ્ક્રોલિંગની માનસિક અસર માત્ર એક ધારણા નથી, પણ પ્રયોગથી સાબિત થયેલી હકીકત છે? આંતરરાષ્ટ્રીય જર્નલ PLOS ONEમાં પ્રકાશિત એક પ્રયોગમાં ૩૦૦ લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. માત્ર બેથી ૪ મિનિટ સુધીના જ નકારાત્મક સમાચાર જોવાથી તેમની હકારાત્મક લાગણીઓમાં તાત્કાલિક ઘટાડો નોંધાયો હતો, જ્યારે માનવતાના સારા પ્રસંગો જોનારાઓમાં આવી નકારાત્મક અસર જોવા મળી નહોતી. આ સંશોધન એક વાત સ્પષ્ટ કરે છે કે સોશ્યલ મીડિયા પર આપણે કેટલો સમય વિતાવીએ છીએ એટલું જ નહીં, પણ શું જોઈએ છીએ એ પણ મહત્ત્વનું છે. હવે તો આદત બદલીશુંને?

યોગેશ શાહ શ્રી ખડાયતા સમાજ-બૉમ્બેના ભૂતપૂર્વ પ્રમુખ છે અને એશિયાટિક સોસાયટી ઑફ મુંબઈની લિટક્લબના સભ્ય તેમ જ ડેવિડ સાસૂન લાઇબ્રેરીના અસિસ્ટન્ટ ટ્રેઝરર છે.

- યોગેશ શાહ

Whatsapp-channel Whatsapp-channel

17 November, 2026 02:57 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK