જગતમાં સૌથી પાવરફુલ મેમરી જો કોઈની હોય તો એ પાણી છે, માટે પોતાની યાદશક્તિ સાથે શરીરમાં દાખલ થતું પાણી કેવી યાદશક્તિ લઈને આવે છે એના વિશે ગંભીરતાથી વિચારવું જોઈએ
પ્રતીકાત્મક તસવીર
જેમ શરીરમાં મહત્તમ સ્થાન પાણીનું છે એવી જ રીતે જગતમાં પણ પાણી સૌથી વધારે જગ્યા પર વર્ચસ ધરાવે છે. આ પાણીની એક ખાસિયત છે. એની મેમરી બહુ શાર્પ છે. હા, ભાગ્યે જ કોઈ જાણતું હશે કે પાણી પાસે પોતાની યાદશક્તિ છે અને તે એ યાદશક્તિને લઈને શરીરમાં પ્રવેશે છે. જો પાણી પાસે નિમ્ન સ્તરની યાદશક્તિ હશે તો એ શરીરને ઓછામાં ઓછું નુકસાન કરશે, પણ એવું કરવા માટે પાણીને નિમ્ન સ્તર સુધીની યાદશક્તિ સુધી લઈ જવું જરૂરી છે, જેના માટે પાણી પીવાની સાચી રીત જાણવી જરૂરી છે.
પાણી પીવાની સાચી રીત બહુ સરળ છે, જેનું પાલન કરવું પણ સહેજ પણ અઘરું કે કપરું નથી. પાણી પીવાની સાચી રીતનો આજથી જ અમલ કરવામાં આવે એ સૌ કોઈના માટે હિતાવહ છે.
ADVERTISEMENT
૧. વાસણમાં પાણી ભર્યા પછી તરત જ એ ક્યારેય પીવું નહીં. બહારથી ખરીદેલી વૉટર-બૉટલનું પાણી પણ તરત જ પીવું નહીં. જો તમને યાદ હોય તો પહેલાંના સમયમાં ઘરની મહિલાઓ રાતે પાણી ભરતી અને આખી રાત ભરેલું એ પાણી બીજા દિવસે સવારે પીવાના વપરાશમાં આવતું, પણ હવે એવું નથી થતું, જે થાય એ બહુ જરૂરી છે. ધારો કે નાના ઘરમાં કે મોટો વસ્તાર ધરાવતા પરિવારમાં એ શક્ય ન હોય તો પાણી પીતાં પહેલાં પાણીનો ગ્લાસ હાથમાં લઈ, પાણી સામે જોઈને ઇષ્ટદેવનો મંત્રજાપ કરવો જોઈએ. જો મંત્રજાપ ન આવડતો હોય તો ઈશ્વરનું નામ પણ લઈ શકાય. પાણીને સંભળાવેલું ભગવાનનું નામ કે મંત્રજાપ પાણીમાં રહેલી નકારાત્મક મેમરીનું મારક બને છે, જેને લીધે એ નેગેટિવ ઊર્જા પાણી પીનારાના શરીરમાં પ્રવેશતી નથી.
૨. પાણી ક્યારેય ઊભાં-ઊભાં પીવું નહીં. પાણી હંમેશાં બેસીને જ પીવું જોઈએ. આયુર્વેદમાં પણ આ વાત કહેવામાં આવી છે તો જ્યોતિષશાસ્ત્રમાં પણ આ વાતનું મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે. ઊભાં-ઊભાં પીધેલું પાણી રાહુને ઉત્તેજિત કરે છે, જે પાપ-ગ્રહ છે. રાહુ ખરાબ છે એવું નથી, પણ ઊભાં-ઊભાં પાણી પીવાથી શાંત રહેલા રાહુના મસ્તક પર કસમયે પાણીનો છંટકાવ થાય છે એટલે એ કામમાં વિઘ્ન ઊભું કરે છે તો તરસનો કારક એવો ચંદ્ર પણ આ રીતે પાણી પીવાથી તૃપ્ત થતો નથી એટલે ચંદ્ર પણ અશાંત થાય છે.
૩. સતત અને એકદમ ઠંડું પાણી પીવાની આદત ધરાવતા લોકોનો મંગળ કાર્યસિદ્ધિ સુધી પહોંચવામાં તકલીફ કરે છે તો એકધારું હૂંફાળું અને નવશેકું પાણી પીનારા લોકોમાં કેતુ ભ્રમિત થઈને સતત કોઈનો આદેશ માનનારી વ્યક્તિ બનાવવાનું કામ કરે છે. બહેતર છે કે પાણી સામાન્ય વાતાવરણ વચ્ચે રહેલું હોય એવું જ પીવું જોઈએ. દિવસમાં એકાદ વાર નવશેકું પાણી પીવું કે ઠંડું પાણી પીવું એટલું નુકસાનકર્તા નથી, જેટલું દિવસ દરમ્યાન આ નીતિને ફૉલો કરવું. પાણી પીવા માટે ચાંદીનું વાસણ સર્વશ્રેષ્ઠ છે, પણ જો એ ન હોય તો તાંબાના ગ્લાસ કે બૉટલમાં પાણી પી શકાય, જ્યારે અંતિમ ઉપાય તરીકે માટીનું વાસણ ચાલી શકે. કહેવાનો ભાવાર્થ એ કે કુદરતે આપેલી સંપત્તિમાં જ પાણી પીવું જોઈએ. પ્લાસ્ટિક કે એક પણ પ્રકારના આર્ટિફિશ્યલ મટીરિયલમાં પાણી પીવું ન જોઈએ.

