Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > પુરુષોમાં પણ અદેખાઈ હોય છે એ વાત માનો ખરા?

પુરુષોમાં પણ અદેખાઈ હોય છે એ વાત માનો ખરા?

13 March, 2023 04:41 PM IST | Mumbai
Varsha Chitaliya | varsha.chitaliya@mid-day.com

પુરુષોના મગજની ન્યુરોલૉજિસ્ટિક પ્રોગ્રામિંગ સિસ્ટમ બગડે પછી એ ઈર્ષ્યાનું રૂપ ધારણ કરી લે છે એવા અભ્યાસમાં કેટલી સચ્ચાઈ છે એ કપલ્સને પૂછીએ

પ્રતીકાત્મક તસવીર સ્પેશ્યલ સ્ટોરી

પ્રતીકાત્મક તસવીર


મહિલાઓમાં ભારોભાર અદેખાઈ છુપાયેલી હોવાની આપણી સામાન્ય માન્યતા છે. જોકે રિલેશનશિપના મામલામાં આ વિધાન પુરુષોને વધારે લાગુ પડે છે એવું તારણ નીકળ્યું છે. પુરુષોના મગજની ન્યુરોલૉજિસ્ટિક પ્રોગ્રામિંગ સિસ્ટમ બગડે પછી એ ઈર્ષ્યાનું રૂપ ધારણ કરી લે છે એવા અભ્યાસમાં કેટલી સચ્ચાઈ છે એ કપલ્સને પૂછીએ

સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર સ્ત્રીઓના ઈર્ષ્યાળુ સ્વભાવની ઠેકડી ઉડાવતા વ્યંગાત્મક જોક્સ શૅર કરવા નવી વાત નથી. મોટા ભાગના પુરુષોનું માનવું છે કે મહિલાઓમાં ભારોભાર અદેખાઈ છુપાયેલી છે. જો તમે પણ આવું માનતા હો તો કહી દઈએ કે લવ રિલેશનશિપની વાત આવે ત્યારે આ વિધાન પુરુષોને પણ એટલું જ લાગુ પડે છે. ઇન ફૅક્ટ તેઓ વધારે ઈર્ષ્યાળુ હોવાનું પુરવાર થયું છે. રિસર્ચ કહે છે કે સ્ત્રીની ઈર્ષ્યાનો દાયરો મર્યાદિત છે, જ્યારે પુરુષોના આવા સ્વભાવથી સંબંધોમાં ઝંઝાવાત આવી જાય છે. સાઇબર સાઇકોલૉજી, બિહેવિયર ઍન્ડ સાયન્સ નેટવર્કિંગ દ્વારા જેન્ડર, જેલસી (ઈર્ષ્યા) અને ઇમોટિકોન યુઝેજ (સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર ઉપયોગમાં લેવાતાં ફેશ્યલ એક્સપ્રેશન ઇમોજિસ) સંદર્ભે કરવામાં આવેલા અભ્યાસનું તારણ નીકળ્યું હતું કે પુરુષોના મગજની ન્યુરોલૉજિસ્ટિક પ્રોગ્રામિંગ સિસ્ટમ બગડે પછી એ ઈર્ષ્યાનું રૂપ ધારણ કરી લે છે. હવે સવાલ એ કે ઈર્ષ્યાળુ કોણ? આ સવાલનો જવાબ કપલ્સ પાસેથી મેળવીએ.પુરુષોના સિગ્નલને સમજો


પુરુષોમાં પણ ઈર્ષ્યા હોય છે એ વાત સાથે સહમત થતાં કાંદિવલીનાં માનસી ચંદારાણા કહે છે, ‘મહિલાઓ પોતાનાં ઇમોશન્સને જાહેર કરી દે છે અને પુરુષો સીક્રેટ રાખતા હોવાથી તેમની અદેખાઈ દેખાતી નથી. વાઇફ તરત કહી દેશે, બહુ થ,યું ફલાણી સાથે ક્યારનો વાતો કરે છે. પુરુષો આવું રીઍક્શન ન આપે. જોકે તેઓ ગમે એટલું છુપાવવાનો પ્રયાસ કરે, ફીમેલ પાર્ટનર કેટલાંક સિગ્નલ્સથી સમજી જાય. જેમ કે કેવો ડ્રેસ પહેર્યો છે? ફલાણા સાથે આટલીબધી વાતો કરવાની શું જરૂર છે? ધીમે બોલ, બધા તારી સામે જુએ છે. આ પ્રકારનાં સિગ્નલ તેને ઈર્ષ્યા થતી હોવાનું દર્શાવે છે. આપણી સોસાયટીમાં હસબન્ડ દ્વારા પાસઑન થતાં આવાં સિગ્નલ્સને કૅરિંગનું નામ આપવામાં આવે છે. લગ્નજીવનમાં શરૂઆતનાં વર્ષોમાં વાઇફને પણ કૅર કરતો હોવાનું ફીલ થાય છે. વાસ્તવમાં ઈર્ષ્યા અને અસલામતીનું ઇન્ડિકેશન છે. ઈર્ષ્યા બતાવવાની તેમની જુદી સ્ટાઇલને સમજી જાઓ તો રિલેશનશિપને અસર થતી નથી. જો ન સમજો તો ઈર્ષ્યા પ્રતિબંધનું રૂપ ધારણ કરી લે.’


હાઉસવાઇફને આપણો સમાજ સ્વીકારે છે, જ્યારે હાઉસ હસબન્ડ હોઈ શકે એ વાત ગળે નથી ઊતરતી. અદેખાઈનું પણ એવું જ છે. ડૉમિનેટિંગ નેચર અને ઍટિટ્યુડના કારણે મોટા ભાગના પુરુષો ઈર્ષ્યાળુ હોવાની કબૂલાત નથી કરતા એવો અભિપ્રાય આપતાં માનસીના હસબન્ડ રવિ ચંદારાણા કહે છે, ‘પુરુષો એક્સપ્રેસિવ બનીને શરૂઆતમાં જ સ્પષ્ટતા આપી દે કે મને આ વસ્તુ નહીં ગમે તો રિલેશનશિપમાં સ્મૂધનેસ જળવાઈ રહેશે. વારંવાર ઇન્ડિકેશન આપવા કરતાં કહી દો કે હા, મને ઈર્ષ્યા થાય છે. આટલી કબૂલાત કરવાથી તે હર્ટ નહીં થાય પણ છુપાવો અને જાતજાતનાં ગતકડાંઓ કરો છો ત્યારે સામેવાળી વ્યક્તિ અકળાઈ જાય છે. દરેક સમસ્યાનો એક જ ઉપાય છે, કમ્યુનિકેશન.’

ટ્રાન્સપરન્સી આવી છે

પુરુષો વધારે ઈર્ષ્યાળુ હોય છે એવો રિપોર્ટ સો ટકા સાચો છે એમ જણાવતાં વિરારના પ્રશાંત દેસાઈ કહે છે, ‘પુરુષોમાં ઘણા પ્રકારની ઈર્ષ્યા હોય છે. પાર્ટનરનું એક્સપોઝર વધારે હોય તો તેને ઈર્ષ્યા થાય છે. સમાજની અંદર પત્નીની વાહવાહી થાય તો મનમાં વિચારશે કે ઘર હું ચલાવું છું ને લોકો તેની સલાહ માગે છે. પુરુષો ઇન્ટ્રોવર્ટ હોવાથી જલદીથી બહારની દુનિયામાં ભળી શકતા નથી, જ્યારે સ્ત્રીઓના એક્સ્ટ્રોવર્ટ સ્વભાવના કારણે લોકો તેની સાથે જલદી કનેક્ટ થઈ જાય છે. એક સમય હતો જ્યારે મને પણ ઈર્ષ્યા થતી હતી, કારણકે મારી વાઇફ રિમ્પલ એકદમ લાઇવલી પર્સન છે. પાર્ટીમાં કોઈ સામેથી બોલાવે એની રાહ ન જુએ. જાતે જઈને કહે, હેલો, હાઉ આર યુ? ઘણા વખતે મળ્યા નહીં. હું આવું નહોતો કરી શકતો. જોકે હવે પહેલાં જેવો કન્ઝર્વેટિવ નથી રહ્યો તેથી સિનારિયો ચેન્જ થઈ ગયો છે. દરેક સ્ત્રી પુરુષ અને સમાજ વચ્ચેનો બ્રિજ છે એટલી સમજણ વિકસે ત્યારે ઈર્ષ્યાવાળો ફૅક્ટર આઉટ થઈ જાય.’

આ પણ વાંચો: એન્વાયર્નમેન્ટની સુરક્ષા માટે ઍક્શનમાં છો કે ઍન્ગ્ઝાયટીમાં?

ઇન્ટરનેટના યુગમાં એક્સપોઝર વધી જતાં ઈર્ષ્યા દેખાવા લાગી છે એવો મત વ્યક્ત કરતાં રિમ્પલ દેસાઈ કહે છે, ‘સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મના કારણે વર્ષો જૂના મિત્રોને શોધવા સરળ થઈ ગયું છે. તેમની સાથે વાતો કરતી વખતે સ્વાભાવિક છે તમે એ ઝોનમાં ચાલ્યા જાઓ જ્યાં તમે સાથે મળીને ખૂબ ધમાચકડી કરી હતી. ઓલ્ડ ફ્રેન્ડમાં ફીમેલ અને મેલ બન્ને હોય, તેથી ઈર્ષ્યાનો ફૅક્ટર વધી જાય છે. જોકે કોણ વધુ ઈર્ષ્યાળુ એ પ્રશ્ન જેન્ડર બાયસ્ડ નહીં પણ જનરેશન બાયસ્ડ હોવો જોઈએ. મોટી વયનાં કપલને મેલ-ફીમેલ ફ્રેન્ડશિપ ગમતી નથી. મિડલ એજનાં કપલ્સ અમુક હદ સુધી સ્વીકારી લે છે. નવી જનરેશન બ્રૉડ-માઇન્ડેડ છે. તેમની રિલેશનશિપમાં ટ્રાન્સપરન્સી આવી છે. હસબન્ડની ફીમેલ ફ્રેન્ડ હોય એવી જ રીતે વાઇફનો પણ મેલ ફ્રેન્ડ હોઈ શકે છે. એમાં બન્નેમાંથી કોઈને ઈર્ષ્યા થતી નથી. કપલ ટુ કપલ અને જનરેશન ટુ જનરેશન ડિપેન્ડ કરે છે.’

નવી જનરેશન બ્રૉડ-માઇન્ડેડ છે. તેમની રિલેશનશિપમાં ટ્રાન્સપરન્સી આવી છે. હસબન્ડની ફીમેલ ફ્રેન્ડ હોય એવી જ રીતે વાઇફનો પણ મેલ ફ્રેન્ડ હોઈ શકે છે. એમાં બન્નેમાંથી કોઈને ઈર્ષ્યા થતી નથી  - રિમ્પલ પ્રશાંત દેસાઈ

ઈર્ષ્યાના પ્રકાર જુદા

ઈર્ષ્યા માનવસહજ સ્વભાવ છે. દરેક વ્યક્તિને વત્તાઓછા અંશે કોઈકની ઈર્ષ્યા થતી જ હોય છે એવો અભિપ્રાય આપતાં વસઈના દીક્ષિત પરમાર કહે છે, ‘પુરુષોમાં ઈર્ષ્યા રિલેશનશિપ પૂરતી સીમિત નથી. અફકોર્સ, મારી વાઇફના સોશ્યલ મીડિયા પ્રોફાઇલ પર અન્ય પુરુષની કમેન્ટ્સથી મને ઈર્ષ્યા થવાની છે. હું ડાયરેક્ટ રીઍક્ટ ન કરું તોય ઇશારો તો આપી જ દઉં કે આ નથી ગમ્યું. હસબન્ડ-વાઇફની રિલેશનશિપમાં ઈર્ષ્યા અને કૅરિંગને સેપરેટ કરવામાં હું નથી માનતો. મને લાગે છે કે પુરુષો પ્રોફેશનલ લાઇફમાં વધારે અદેખાઈ કરતા હોય છે. આજે દરેકને ઝડપથી પ્રગતિ કરવી છે. ધંધામાં ગળાકાપ સ્પર્ધા હોય ત્યારે પુરુષો એકબીજાની ઈર્ષ્યા કરે છે. તેની પાસે કાર આવી ગઈ, મારે હજી લેવાની બાકી છે. હરીફને પછાડવાના પેંતરા કરો તો ખોટું કહેવાય, પરંતુ આવી ઈર્ષ્યાને પૉઝિટિવલી લેવાથી તમે એ બધું મેળવવા અને આગળ વધવા મહેનત કરો છો.’

પતિદેવની વાત સાથે સહમત થતાં ઉર્વશી પરમાર કહે છે, ‘આ મારા કરતાં વધારે બ્યુટિફુલ લાગે છે, એનો ડ્રેસ કેટલો સરસ છે, આની પાસે તો બ્રૅન્ડેડ બૅગ છે વગેરે નાની-નાની વસ્તુઓમાં એક સ્ત્રી અન્ય સ્ત્રીની ઈર્ષ્યા કરે છે. પુરુષોમાં ઈર્ષ્યાનું પ્રમાણ ઓછું છે પણ તેમની અદેખાઈથી પરિવારની પ્રગતિ થઈ હોય એવા અનેક દાખલા જોવા મળશે. લવ રિલેશનશિપની વાત કરીએ તો જે તેને ન ગમે એ મને પણ નથી જ ગમવાનું. જેમ બિઝનેસમાં એક હદ સુધીની ઈર્ષ્યા પ્રગતિ તરફ લઈ જાય છે એવી જ રીતે રિલેશનશિપમાં થોડીઘણી ઈર્ષ્યા થવી સારું કહેવાય.’ 

Whatsapp-channel Whatsapp-channel

13 March, 2023 04:41 PM IST | Mumbai | Varsha Chitaliya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK