દૃઢ નિશ્ચય, આત્મવિશ્વાસ, પ્રોત્સાહન અને યોગ્ય માર્ગદર્શન સાથે દિવ્યાંગ લોકો પણ રમતગમતના ક્ષેત્રમાં હોય કે અન્ય કોઈ પણ ક્ષેત્રમાં સફળતાના શિખર પર પહોંચી શકે છે
નીતિન મહેતા ગુજરાતી ભાષાના કવિ-લેખક, નિવૃત્ત બૅન્ક-ઑફિસર અને ફેલોશિપ ઑફ ધ ફિઝિકલી હૅન્ડિકૅપ્ડના ટ્રસ્ટી છે
સંયુક્ત રાષ્ટ્ર સંસ્થાએ ૧૯૮૧ના વર્ષને આંતરરાષ્ટ્રીય વિકલાંગ વર્ષ તરીકે ઊજવવાનું નક્કી કર્યું. એનો મુખ્ય ઉદ્દેશ દિવ્યાંગોની સમસ્યાઓ અને પ્રશ્નો પ્રત્યે સમાજમાં જાગૃતિ લાવવાનો હતો, જેની પ્રથમ શિખર પરિષદ સિંગાપોર ખાતે અને દ્વિતીય ઑસ્ટ્રેલિયામાં હતી. એશિયા ખંડના લગભગ ૩૦ દેશોમાંથી આશરે ૪૦૦ દિવ્યાંગો તેમના મદદનીશ સાથે ઉપસ્થિત હતા. મેં પણ ત્યાં મારા વિચારો દર્શાવ્યા હતા. અહીં એક બંધારણ ઘડાયું, જેનો પ્રધાન સૂર હતો સંપૂર્ણ સહભાગિતા અને સમાન હક. આની અસર દુનિયાના ઘણા દેશોમાં થઈ. વિકસિત ભારતમાં પણ એના સકારાત્મક પડઘા જોવા મળ્યા.
આ પહેલાં દિવ્યાંગો પરિવાર કે સમાજમાં બોજ છે એવું વાતાવરણ હતું. પરિણામે તેમની ઉપેક્ષા થતી રહેતી. ધીરે-ધીરે દિવ્યાંગો પ્રતિ જાગૃતિ અસ્તિત્વમાં આવી. શારીરિક, આર્થિક અને સામાજિક પુનર્વસન એ દિવ્યાંગોનો આધિકાર છે જે મળે તો દિવ્યાંગ પણ સામાન્ય માનવીની જેમ સ્વમાનભેર જીવન જીવી શકે. આજે અનેક સામાજિક સંસ્થાઓ છે જે દિવ્યાંગોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ અને સક્રિય છે. તેમના મનમાં ઘર કરી ગયેલી લઘુતાગ્રંથિ, શરમ કે સંકોચ દૂર કરીને તેમનામાં રહેલી સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરવાનું ઉત્તમ કાર્ય આ સંસ્થાના પદાધિકારીઓ નિ:સ્વાર્થ ભાવે કરે છે એ નોંધનીય છે. દેશનાં અનેક રાજ્યોમાં આવી અનેક સંસ્થાઓ કાર્યરત છે જે દિવ્યાંગો સાથે મૈત્રીપૂર્ણ સંબંધ સ્થાપીને તેમને તેમના હકો પ્રાપ્ત કરવામાં સહાયરૂપ બને છે.
ADVERTISEMENT
હાજી અલી પર આવેલી ફેલોશિપ ઑફ ધ ફિઝિકલી હૅન્ડિકૅપ્ડ નામની સંસ્થા છેલ્લાં ૭૦ વર્ષથી દિવ્યાંગોને વિવિધ તાલીમ આપે છે. આવી જે કોઈ સંસ્થાઓ કામ કરે છે એમને લીધે સમાજમાં જાગૃતિ નિર્માણ થઈ છે અને હવે દિવ્યાંગો પ્રત્યેનો સમાજનો અભિગમ બદલાતો જોવા મળે છે. માત્ર આવી સંસ્થાઓ જ નહીં, પ્રત્યેક નાગરિક દિવ્યાંગો પ્રતિ ફરજ સમજી મૈત્રીભર્યો હાથ લંબાવીને તેમને પ્રોત્સાહિત કરે તો દિવ્યાંગો પણ અન્યોની જેમ ગૌરવભેર જીવન જીવી શકે. આખરે દિવ્યાંગોને દયાભાવનાની નહીં, પ્રેમ તથા સહાનુભૂતિની જરૂર છે.
સંઘર્ષ શબ્દ લોકોના જીવનમાં ઊંડે સુધી વણાયેલો છે. દૃઢ નિશ્ચય, આત્મવિશ્વાસ, પ્રોત્સાહન અને યોગ્ય માર્ગદર્શન સાથે દિવ્યાંગ લોકો પણ રમતગમતના ક્ષેત્રમાં હોય કે અન્ય કોઈ પણ ક્ષેત્રમાં સફળતાના શિખર પર પહોંચી શકે છે. વિશ્વમાં જ નહીં, આપણા દેશમાં પણ દિવ્યાંગોએ વિવિધ ક્ષેત્રોમાં પોતાનું તથા દેશનું નામ રોશન કર્યું છે જે આપણે જાણીએ છીએ.
દિવ્યાંગોને હું આ સંદેશ આપવા માગું છું કે પોતાને નબળા ન સમજો, ઈશ્વરે આપણને કંઈક ઓછું આપ્યું છે પરંતુ એને બદલે કંઈક અદૃશ્ય શક્તિ આપી છે જે આપણે દુનિયાને બતાવવાની છે જેથી લોકોને ખ્યાલ આવે કે આપણે દિવ્યાંગ છીએ, લાચાર નથી.
