Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > કૉલમ > વો દિન ભી ક્યા દિન થે...

વો દિન ભી ક્યા દિન થે...

13 November, 2023 03:49 PM IST | Mumbai
Heena Patel | feedbackgmd@mid-day.com

દિવાળીથી એક વર્ષ પૂરું થાય અને પછી શરૂ થાય એકદમ નવુંનક્કોર નૂતન વર્ષ. સાલ મુબારક કહેવા અને નવા વર્ષની વધાઈઓ આપવા એકમેકને મળવાનો શિરસ્તો હવે ભૂંસાઈ રહ્યો છે. નવા વર્ષને વધાવવાનો જે આનંદ અને ઉત્સાહ પહેલાં લોકોમાં જોવા મળતો હતો એ પણ હવે ફિક્કો થતો..

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીરહિન્દુ વર્ષ પૂરું થાય દિવાળીએ અને નવું વર્ષ શરૂ થાય કારતક સુદ એકમથી. જૂના વર્ષને રંગેચંગે વિદાય કરવાનો અને નવા વર્ષને ધામધૂમથી આવકારવાનો ઉત્સવ એટલે દિવાળી અને નૂતન વર્ષ. જોકે આજે હવે આપણે આ પાંચ દિવસના તહેવારોની ઉજવણી તો કરીએ છીએ, પણ એની ઉજવણીની જે રીત છે એ બદલાઈ ગઈ છે. નાસ્તા, મીઠાઈ, નવાં કપડાં, રંગોળી, લાઇટ્સનો ઝગમગાટ આજે પણ છે. એમ છતાં દિવાળીની ઉજવણીમાં હવે એ ભાઈચારો કે આત્મીયતા નથી રહ્યાં. એની જગ્યાએ હવે ફક્ત નામ પૂરતું સેલિબ્રેશન રહી ગયું છે. આજે કોઈની પાસે હળવા-મળવાનો સમય નથી. પરિણામે નવા વર્ષની શુભેચ્છાઓ વૉટ્સઍપના મેસેજ સુધી સીમિત રહી ગઈ છે. એવામાં એવા લોકો સાથે વાત કરીએ જેમણે એક સમયે દિવાળીની ખરી ઉજવણી કરી છે અને હાલમાં જે પરિવર્તન આવ્યું છે એના પણ સાક્ષી રહ્યા છે. 


એક રૂપિયાની નોટ પણ જાણે હજાર રૂપિયા હોય એવા વટથી દોસ્તોને દેખાડતા
ભુલેશ્વરમાં રહેતા ૪૯ વર્ષના જિજ્ઞેશ શાહ કહે છે, ‘છેલ્લાં ૨૦ વર્ષમાં દિવાળી ઉત્સવમાં ધરમૂળથી ફેરફાર થઈ ગયો છે. અમે મહિના પહેલાંથી જ દિવાળીની રાહ જોઈએ. આખા વર્ષમાં ફક્ત બે જોડી કપડાં મળતાં. એક, દિવાળીના દિવસે અને એક, બેસતા વર્ષે પહેરવાનાં. મારા ઘરે તો મારે જમવું હોય તો મમ્મી બૂમો પાડે કે શાંતિ રાખ, હમણાં દિવાળીના નાસ્તા બને છે. એક ​દિવસ ઘૂઘરા બને. એક દિવસ મઠિયાં બને. એક દિવસ ચેવડો બને. એટલે હું બીજાના ઘરે જમવા ચાલ્યો જાઉં. અમે નાનપણમાં ચાલીમાં રહેતા. સવારે વહેલા ઊઠીને પહેલાં મંદિરમાં દર્શન કરવા જઈએ. મા-બાપને પગે લાગીએ. એ પછી બધાના ઘરે મળવા જઈએ અને ત્યાંથી મુઠ્ઠી ભરીને પીપર લઈ આવીએ. અમુક ઘરે એક રૂપિયાની નોટ હાથમાં મળતી. એ સમયે તો એક રૂપિયાની નોટ પણ જાણે કોઈએ હજાર રૂપિયા આપ્યા હોય એવા વટથી દોસ્તોને દેખાડતા. દિવાળીના દિવસે તો સવારે સૌથી પહેલાં લૂમ ફોડવાની સ્પર્ધા થાય. ખૂબ જલસા કરતા. આજકાલનાં બાળકોને તો ખબર જ નથી કે દિવાળીની મજા શું હોય. આજકાલ તો બધા દિવાળીની રજામાં બહારગામ ફરવા ચાલ્યા જાય. અમે હજી દિવાળી ઊજવવાની પરંપરા છે એ જાળવી રાખી છે. આપણે કરીશું તો આપણને જોઈને આપણા છોકરાઓ કરશે. ૯૨ વર્ષનાં પપ્પા, મમ્મી, પત્ની, પુત્ર, નાનો ભાઈ, ભાભી, ભત્રીજો, ભત્રીજી અમે બધા સંયુક્ત પરિવારમાં રહીએ છીએ. બાળકોને અમે ચોપડા પૂજનનું મહત્ત્વ શું છે એ સમજાય એ માટે અમારી સાથે દુકાનમાં લ​ઈ જઈએ. કૅડબરી નહીં, કાજૂકતરી અને ઘૂઘરા ખાતાં શીખવીએ. ફટાકડા ફોડવા માટે નીચે લઈ જઈએ. આજે એ લોકો શીખજે તો આવતી કાલે તેમના છોકરાઓને શીખવશે.’ રેડીમેડ દિવાળી બહુ ફિક્કી લાગે છે
મુલુંડમાં રહેતાં ૫૮ વર્ષનાં વર્ષા જોશી કહે છે, ‘મારું બાળપણ મલાડમાં વીત્યું છે. એ સમયે તો જાણે લગ્નપ્રસંગમાં જેટલી ધામધૂમ હોય એટલા હરખથી દિવાળીનો તહેવાર ઊજવાતો. બેસતા વર્ષે ઘરના બધા જ સભ્યો વહેલી સવારે ચાર વાગ્યે ઊઠી, નાહી, નવાં કપડાં પહેરીને રેડી થઈ જાય. સૌથી પહેલાં બધા દેવદર્શને જતા. એ પછી સગાંસંબંધીઓના ઘરે સાલ મુબારક કરવા જતા. ઘરમાં સરસ નાસ્તો બનતો. બધા સવારે પાંચ વાગ્યે ભેગા મળીને એકસાથે ફટાકડા ફોડતા. પાડોશમાં રહેતી બહેનપણીઓ સાથે મળીને ઘરની બહાર રંગોળી કાઢતી. ઘરે બનાવેલા નાસ્તાની આપ-લે કરતા. નવા વર્ષની એક અલગ મજા હતી. આજના જમાના તો વૉટ્સઍપ પર જ લોકો એકબીજાને વિશ કરી દે છે. કોઈને કોઈના ઘરે જવું ગમતું નથી. ભાઈચારો જેવું કંઈ રહ્યું જ નથી. બધા એકલવાયા બની ગયા છે. સમાજમાં કુટુંબવ્યવસ્થા ફક્ત નામપૂરતી રહી ગઈ છે. ઘરમાં કોઈને નાસ્તો બનાવવાની માથાકૂટ કરવી પસંદ નથી. ઘરમાં રેડીમેડ પૅકેટ લાવીને મૂકી દે. બહાર રેસ્ટોરાંમાં જમી આવે. એ સમયે તો એકબીજાના ઘરે જાય તો પ્રેમથી નાસ્તો ખાય. આજે તો લોકો ડાયટ-કૉન્શ્યસ થઈ ગયા છે. બસ, ફક્ત ચાખીને ચાલ્યા જાય. રંગોળી પણ બહારથી રેડીમેડ લાવીને ઘરની બહાર ચીપકાવી દે. ફટાકડા પણ મોડી રાત્રે એકલા-એકલા ફોડે. એટલે હવે દિવાળીની ઉજવણી બહુ ફિક્કી લાગે.’


નવા વર્ષના શકન સબરસના પડીકાથી થતા 
કાંદિવલીમાં રહેતાં ૬૨ વર્ષનાં જાસ્મિન શાહ કહે છે, ‘દિવાળીની અસલી મજા દાયકાઓ પહેલાં આવતી. નવરા​ત્રિ જેવી પૂરી થાય એટલે ઘરની સફાઈ ચાલુ થઈ જાય. આજુબાજુના ઘરે હરીફાઈ હોય કે કોનું દિવાળીનું કામ પહેલાં શરૂ થઈ ગયું. પહેલાં લોકોના ઘરમાં પિત્તળનાં વાસણ હતાં. આમલી પલાળીને એનાથી વાસણો ધોતાં. હવે કોઈના ઘરમાં પિત્તળનાં વાસણો રહ્યાં નથી. તડકામાં ગાદલાં-ગોદડાં સુકાતાં. દિવાળીના દિવસોમાં સવારે ખૂબ વહેલા જાગી જતા અને દેવદર્શન કરવા જતા. ખાસ નવા વર્ષના દિવસે નવાં કપડાં પહેરતા. દરજી સવારમાં આવીને નવાં કપડાં આપીને બોણી લઈ જતો. નવા વર્ષના શકન માટે મીઠાનું પડીકું આપીને બદલામાં એક રૂપિયો લઈ જતા. દિવાળીમાં અમુક વાનગીઓ નક્કી હોય. ચોળાફળી, મૂઠિયાં, ઘૂઘરા જે ફક્ત દિવાળીમાં જ બને. હવે તો બધું રેડીમેડ બને. કંડીલ, રંગોળી બધું જાતે બનાવતા. કોઈ રંગોળી બગાડી ન જાય એ માટે આજુબાજુ લાકડાની પટ્ટી ગોઠવી દેતા. નવા વર્ષના દિવસે લોકો ઘરે આવશે તો મીઠું મોઢું કરાવવા માટે જાત-જાતના નાસ્તા અને મીઠાઈ મૂકતા. હવે તો આડોશપાડોશમાં પણ બહુ ઓછા લોકો આવે-જાય. ડિશ રેડી કરી હોય, પણ નજીકનાં ભાઈ-બહેન સિવાય કોઈ આવતું નથી. હવે નજીકના પરિવારના સભ્યો હળવા-મળવાનું હોટેલમાં જ ગોઠવી દે. વૉટ્સઍપના જમાનામાં હવે નૂતન વર્ષનાં અભિનંદન પણ ફોનમાં કરી દે છે. પહેલાં વડીલો પાંચ રૂપિયા કે દસ રૂપિયાનું બંડલ લઈને બેસતા અને જે આવે તેને આપતા. આ રિવાજ તો હવે જાણે રહ્યો જ નથી. ફટાકડા આખી રાત ફૂટતા. સવારે આ ફટાકડા વીણવા જતા. એમાંથી દારૂ કાઢીને પેપરમાં ભેગો કરતા અને ફરી એને બાળતા. આમાં પણ ખૂબ આનંદ આવતો.’

સવારે વહેલા ઊઠી નાહીધોઈને બધાને સાલમુબારક કહેવા જવાની મજા જ ઔર હતી
વિરારમાં રહેતાં ૩૨ વર્ષનાં વિધિ ગાંધી કહે છે, ‘મારું બાળપણ રાજકોટમાં વીત્યું છે. આજથી ૧૫-૨૦ વર્ષ પહેલાં નાના હતા ત્યારે દિવાળી અને નવા વર્ષનો અલગ જ ઉત્સાહ રહેતો. સ્કૂલમાં ૧૫-૨૦ દિવસનું વેકેશન આપતા. પપ્પાને પણ અઠવાડિયાની રજા રહેતી. દિવાળીના દસ-બાર દિવસ પહેલાંથી શૉપિંગ ચાલુ થઈ જતું. કપડાં, મીઠાઈઓ, દીવા, લાઇટ્સ, રંગોળીના કલર, લાભ-શુભનાં સ્ટિકર્સ વગેરેની ખરીદી માટે દુકાનોમાં ભીડ લાગતી. ધનતેરસમાં ઘરેણાંનું પૂજન, કાળીચૌદસના દિવસે દહીંવડાંનો આનંદ, દિવાળીમાં ફટાકડા ફોડવાના અને નવા વર્ષે સવારે વહેલા ઊઠી નાહીધોઈને નવાં કપડાં પહેરી પાડોશીઓના ઘરે સાલ મુબારક કરવા જવાનું. એ સમય લાઇફનો બેસ્ટ સમય હતો. પહેલાંના સમય કરતાં હવે બધું બદલાઈ ગયું છે. ધનતેરસની પૂજા અને કાળીચૌદસનાં વડાં તો થાય છે, પણ દિવાળીમાં ફટાકડા હવે એટલા નથી ફૂટતા કે નવા વર્ષમાં હવે સંબંધીઓ અને પાડોશીઓના ઘરે જવાનું નથી થતું. સાલ મુબારક રસ્તે ચાલતા મળીએ ત્યારે જ કહી દઈએ. સમય જતાં માણસના મનમાં પહેલાં જેવો ઉમંગ ઉત્સાહ રહ્યો નથી.’ 


કોના ઘરેથી કેટલા રૂપિયાની બોણી કે કેટલી ચૉકલેટ મળી એમાં મજા હતી
કાંદિવલીમાં રહેતાં ૪૮ વર્ષનાં અમી ત્રિવેદી બાળપણની યાદોને વાગોળતાં કહે છે, ‘દિવાળીની સાફસફાઈ શ્રાદ્ધથી ચાલુ થઈ જતી. તાંબા-પિત્તળનાં વાસણો આમલી-મીઠાથી ઘસવાં પડે. દીવાલો સાબુથી ધોવી પડે. એટલે સફાઈકામમાં અઠવાડિયું-દસ દિવસ લાગી જતા. દિવાળી આવે એટલે કપડાં સિવડાવવા આપવાં પડે. એ સમયે રેડીમેડ કપડાંનું એટલું ચલણ નહોતું. એ સમયે તો આખા વર્ષમાં ફક્ત દિવાળીમાં જ નવાં કપડાં મળે. આજે તો લોકોને જોઈએ એટલે તરત ઑનલાઇન અથવા તો બહાર માર્કેટમાં જઈને ખરીદી લે. એ સમયે નવાં કપડાંનો એક ક્રેઝ અલગ હતો. અત્યારે તો એ બહુ કૉમન લાગે. એ પછી ફાફડા, મઠિયાં, મગજ, મોહનથાળ, નાનખટાઈ વગેરે નાસ્તાની તૈયારી હોય. એ પણ બધું ઘરે જ બનાવવાનું હોય. પાડોશમાં રહેતી બહેનો એકબીજાના ઘરે જઈને નાસ્તા બનાવવામાં મદદ કરે. એટલે કયા દિવસે કોના ઘરે ભેગા થવાનું એનો વારો રાખ્યો હોય. અત્યારે તો રાત્રે બાર વાગે એટલે બધા વૉટ્સઍપ પર ન્યુ યર વિશ કરી દે. એ સમયે તો સોશ્યલ લાઇફ એટલી સારી હતી કે દેવદિવાળી સુધી બધા એકબીજાના ઘરે સાલમુબારક કરવા જાય. અમે નાના હતા ત્યારે કોના ઘરેથી કેટલા રૂપિયાની બોણી મળી કે કેટલી ચૉકલેટ મળી એ બધામાં ઇન્ટરેસ્ટ વધારે હતો. મારા મામા તેમનાં ત્રણ બાળકો સાથે અમારા માટે પણ ફટાકડા લઈને આવતા. એટલે પછી જ્યારે ફટાકડાની વહેંચણી થાય ત્યારે આના ભાગે વધારે આવ્યા એને લઈને અમારી વચ્ચે તૂતૂ-મૈંમૈં થાય. અમે બધાં ભાઈ-બહેનો સાથે મળીને ફટાકડા ફોડતાં.’

વેકેશનની જેમ નહીં, તહેવારની જેમ ઊજવાતું હતું નવું વર્ષ
કાંદિવલીમાં રહેતાં ૪૬ વર્ષનાં કાજલ શાહ કહે છે, ‘અત્યારના સમયમાં લોકો ખૂબ વ્યસ્ત છે. લગભગ દરેક ઘરમાં બધાં કામ કરતા થઈ ગયા છે એટલે લોકોને એકબીજા માટે સમય જ નથી. અમારા સમયમાં તો દિવાળી આવે એના અઠવાડિયા પહેલાં જ શાળાઓમાં પરીક્ષા પૂરી થઈ જતી. એટલે અમે ઘરની સાફસફાઈથી લઈને નાસ્તા બનાવવા સુધીનાં બધાં જ કામમાં મમ્મીને મદદ કરતાં. આજકાલ તો અગિયારસ-બારસ સુધી પરીક્ષા ચાલુ જ હોય. ઘરે બનાવેલા નાસ્તાની પણ એક અલગ મજા હતી. બહાર ગમે એટલી સારી વસ્તુ મળતી હોય, પણ ઘરમાં મમ્મીના હાથે બનાવેલા નાસ્તાનો ટેસ્ટ કંઈક જુદો હતો. દિવાળીના દિવસોમાં સવારે વહેલા ઊઠીને દેરાસર જઈએ. એ પછી ઘરે આવીને સાથે નાસ્તો કરીએ, ઘરમાં ડેકોરેશન અને રંગોળીનું કામ કરીએ. જે પણ કરીએ એ બધું બધા મળીને કરીએ. એટલે એમાં પરિવારના બધા જ સભ્યોના હાથનો સ્પર્શ હતો. અત્યારે તો મમ્મીના ભાગે જ દિવાળીની સફાઈનું બધું કામ આવે. બીજી થોડી ઘણી મદદ કામવાળાઓ કરે. નાસ્તા તો બધા બહારથી રેડીમેડ આવે. એ વખતે સહિયારું કામ થતું. નાસ્તો બનાવવાનો હોય તો આજુબાજુમાં રહેતી બહેનો પણ મદદ કરવા આવતી. હવે એ શક્ય નથી, કારણ કે એક વ્યક્તિ કરી-કરીને કેટલું કરે. એ વખતે વર્ષમાં એક વાર દિવાળીમાં જ ભારેવાળાં કપડાં લેવામાં આવતાં. એટલે એનો ખૂબ જ ઉત્સાહ રહેતો. એ કપડાં અમે આંખુ વર્ષ જીવની જેમ સાચવતાં. હવે તો એકસાથે ચાર જોડી કપડાં લઈ આવીએ તો પણ એ ખુશી નથી થતી. અત્યારના છોકરાઓ પાંચ હજારનાં કપડાં લેશે તો પણ જોઈને ડૂચો વાળીને નાખી દેશે. હવે તો માણસની વૅલ્યુ નથી રહી ત્યારે કપડાંની તો શું હોય? અમે નાના હતા ત્યારે બિલ્ડિંગના દરેક ફ્લોરમાં જેટલાં ઘર હોય એ બધાના ઘરે જતા. ત્યાં પગે પડી, હૅપી ન્યુ યર વિશ કરી મુઠ્ઠી ભરીને ચૉકલેટ લઈ આવતા. આજકાલનાં બાળકોને તો બીજાના ઘરે જવામાં શરમ આવે. પહેલાં દેવદિવાળી સુધી બધા એકબીજાના ઘરે સાલમુબારક કરવા જતા. હવે તો લોકો દિવાળીના દિવસોમાં જ્યારે ખરેખર દીવા પ્રગટાવવાના હોય, રંગોળી કરવાની હોય ત્યારે ઘરને તાળું મારીને બહાર ફરવા ઊપડી જાય છે. સમય પ્રમાણે દરેકે બદલાવું પડે. ઉત્સવ એવી એક વસ્તુ છે જે આપણા જીવનમાં રંગ ભરે છે, એકબીજાને નજીક લાવવાનું કામ કરે છે ત્યારે એને આપણે થોડું વધારે મહત્ત્વ આપવું જોઈએ. દિવાળીને લોકો હવે તહેવારને બદલે વેકેશનની જેમ ઊજવી નાખે છે.’ 

Whatsapp-channel Whatsapp-channel

13 November, 2023 03:49 PM IST | Mumbai | Heena Patel

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK