મળીએ આજે એવી સ્ત્રીઓને જેમણે પોતાનાં સમય અને સૂઝ વાપરીને આ દિવાળીની સજાવટ માટે અનોખી વસ્તુઓ બનાવી છે અને જાણીએ કે ઓછા ખર્ચે એવી સજાવટ કઈ રીતે કરી શકાય જેને જોઈને લોકો ખુશ થઈ જાય...
અપર્ણા શેઠનું કાપડમાંથી થ્રી-ડી પેઇન્ટિંગની મદદથી બનાવેલું તોરણ, જે લાગે છે ભરતકામ જેવું પરંતુ છે પેઇન્ટિંગ
બહારથી સુશોભનનો સામાન લાવીને તો કોઈ પણ ઘર સજાવી શકે, પરંતુ ઘરમાં જે વસ્તુઓ છે એમાંથી જ પોતાની ક્રીએટિવિટી વાપરીને ખુદ ઘરને સજાવવાનો ચાર્મ કંઈક જુદો જ છે. મળીએ આજે એવી સ્ત્રીઓને જેમણે પોતાનાં સમય અને સૂઝ વાપરીને આ દિવાળીની સજાવટ માટે અનોખી વસ્તુઓ બનાવી છે અને જાણીએ કે ઓછા ખર્ચે એવી સજાવટ કઈ રીતે કરી શકાય જેને જોઈને લોકો ખુશ થઈ જાય...
એક દિવાળી હોય જેમાં બજારમાં ગયા, બે કલાક ફર્યા, ૨-૪ જોયેલી દુકાનોમાંથી સામાન ખરીદ્યો અને ઘરે આવીને એને સજાવી દીધો. આજની તારીખે એકથી એક ચડિયાતી વસ્તુઓ બજારમાં મળે જ છે. પૈસા દો અને ખરીદી લો. પણ એક દિવાળી એવી હોય જેમાં દિવસો અગાઉથી પ્લાનિંગ ચાલતું હોય કે આ દિવાળીએ કેવી સજાવટ કરવી? શું નવું બનાવવું? કઈ રીતે ઘરની સજાવટ જુદી રાખવી કે જે કોઈ આવે એ જોઈને કહે કે વાહ! આમને ત્યાં તો બધું અનોખું જ હોય. એક દિવાળી એવી પણ હોઈ શકે જેમાં બજારમાંથી માટીના દીવડા લાવીને એને ખુદ રંગી એના પર આભલાંનો શૃંગાર કરવામાં ભલે કલાક વીતી જાય; પરંતુ એ દીવડો પ્રગટે ત્યારે ઘરમાં જ નહીં, મનમાં પણ અજવાળું ફૂટે કે આ તો મેં રંગેલો છે. રંગોળીનાં તૈયાર ચોકઠાં ગોઠવી દેવાને બદલે એક દિવાળી એવી પણ હોઈ શકે જેમાં કલાકો કમર તોડીને રંગો પૂરવામાં આવે અને કોઈ ભૂલથી પણ જરાક જેટલો પગ અડાડે તો જીવ અધ્ધર થઈ જાય કે મારી મહેનત છે ભાઈ! ધ્યાન રાખો. ગુજરાતી સ્ત્રીઓ કલાત્મક તો ખરી જ અને પોતે ઘરને સજાવવાનો શોખ પણ મોટા ભાગની સ્ત્રીઓને હોય જ છે. પરંતુ દિવાળીમાં તેમની હોંશ બમણી થઈ જતી હોય છે. આજે મળીએ કેટલીક આવી સ્ત્રીઓને, જે વર્ષોથી પોતાના ઘરને દિવાળીમાં ખુદની મહેનતથી સજાવે છે અને જાણીએ તેમની પાસેથી કેટલાક નવા આઇડિયાઝ જેના દ્વારા આપણે આપણાં ઘરોને દિવાળીમાં ઘણી અનોખી રીતે સજાવી શકીએ છીએ.
ADVERTISEMENT
શોખ
આર્ટ-ક્રાફ્ટનો શોખ ધરાવતી નિશા રાણા દર દિવાળીએ સજાવટમાં કશુંક નવું કરવાના પ્લાનમાં હોય જ છે. એ વિશે વાત કરતાં નિશા કહે છે, ‘એક ગૃહિણી તરીકે સહજ રીતે આપણને ઘર સાથે એક જુદો લગાવ હોય. ખુદના ઘરને પોતાની ક્રીએટિવિટી સાથે એક નવો ઓપ આપવો મને ગમે. દિવાળી માટે આ વર્ષે મેં નવા પ્રકારના દીવડા બનાવ્યા છે, જેમાં કાર્ડબોર્ડ, ફોઇલ પેપર અને માટીનો ઉપયોગ કરીને મેં લક્ષ્મીમાના પગ સાથે દીવડા બનાવ્યા છે. આ સિવાય હું દર વર્ષે સંસ્કાર ભારતીની રંગોળી કરું જ છું પરંતુ આ વખતે મને એમ હતું કે જ્યારે દિવાળીમાં ઘરે જમીએ ત્યારે ટેબલ પર પણ ડેકોરેશન હોવું જોઈએ. એના માટે મેં MDFના કટ-આઉટ પર એક રંગોળી બનાવી જે ફોલ્ડિંગ છે. સેન્ટર ટેબલ કે ડાઇનિંગ ટેબલ પર એ સારી લાગશે. આ સિવાય એક તોરણ પણ મેં બનાવ્યું છે. મને આવું બધું બનાવવાનો ખૂબ શોખ છે અને આવું કશું બનાવું નહીં તો મને તહેવાર ખાસ લાગતો નથી.’
થીમ આધારિત
ચિરોડીના રંગોથી બનતી રંગોળી વધુ ટકે નહીં, એની લાઇફ વધુમાં વધુ ૨-૫ દિવસની રહે. જો એને સાચવવી હોય તો લોકો છેલ્લા કેટલાક સમયથી બોર્ડ પર એને બનાવવા લાગ્યા છે પણ પ્રાર્થના સમાજ, ચર્ની રોડ પર રહેતાં અપર્ણા શેઠના મતે એ પણ હવે જૂનું થઈ ગયું છે. તો નવું શું થઈ શકે એના વિશે વાત કરતાં અપર્ણા શેઠ કહે છે, ‘મને આ વખતે મનમાં એમ છે કે હું ફૅબ્રિક રંગોળી બનાવીશ. જુદા-જુદા ફૅબ્રિકને અલગ રીતે સેટ કરીને એનો લુક એકદમ રંગોળી જેવો આપીશ એવો આઇડિયા આ વર્ષે મને આવ્યો છે. એનાથી આ રંગોળી ફરી-ફરીને ઉપયોગમાં લઈ શકાય.’
દર વર્ષે અપર્ણાબહેન એક પ્રકારની થીમ વિચારતાં હોય છે અને એ મુજબ વસ્તુઓ બનાવતાં હોય છે. છેલ્લાં ૩૦-૩૩ વર્ષથી પોતાનું ઘર દિવાળીમાં એકદમ અલગ તરી આવે એવું સજાવતાં આવ્યાં છે. આ વર્ષની સજાવટના બીજા એલિમેન્ટ્સ વિશે વાત કરતાં અપર્ણાબહેન કહે છે, ‘આપણે ત્યાં કચ્છી ભરતનાં તોરણો પારંપરિક રીતે લોકો દિવાળી પર લગાવતા હોય છે. આ વખતે મેં કપડા પર થ્રી-ડી આઉટલાઇનર્સ વાપરીને એવી રીતે પેઇન્ટ કર્યું છે કે જોઈને લાગે કે કચ્છી ભરત છે; પરંતુ એ ભરત નથી, પેઇન્ટ કરેલું છે.’
નવી-નવી વસ્તુઓ
કપડાને સુશોભન માટે વાપરવાનો શોખ તો વિરારમાં રહેતાં વર્ષા પંચાલને પણ છે. એટલે તેમણે પોતાની ટિશ્યુની સાડીમાંથી નાની-નાની પાંખડીઓ બનાવીને એનાં ફૂલો બનાવ્યાં, જેમાં લાઇટો લગાડીને એને તોરણ કે હૅન્ગિંગ બનાવ્યું છે જે અતિ સુંદર લાગે છે. એને જોઈને કોઈ કહી ન શકે કે આ એમની જૂની સાડી છે. છેલ્લાં કેટલાંય વર્ષોથી આ પ્રકારે દિવાળીમાં ઘરને સ્પેશ્યલ બનાવતાં વર્ષા પંચાલ પોતે બનાવેલી સુશોભનની બીજી વસ્તુઓ વિશે વાત કરતાં કહે છે, ‘મેં એક રંગોળી બનાવી છે જેનાં કટિંગ્સને જુદી-જુદી રીતે ગોઠવો તો ૨૨ પ્રકારની અલગ-અલગ રંગોળી બને. ખરું કહું તો દિવાળીની સજાવટ જ નહીં, હું તો દિવાળીમાં ગિફ્ટ્સ પણ ખુદથી જ બનાવેલી લોકોને આપું છું. હાથેથી બનાવેલા નેક-પીસ કે કાનનાં લટકણ, કૅન્ડલ સ્ટૅન્ડ્સ, જાતે તૈયાર કરેલા દીવાઓ, તોરણો હું આ પ્રકારની અઢળક વસ્તુઓ બનાવું છું અને લોકોને ગિફ્ટમાં પણ એ જ આપું. બજારમાંથી ખરીદીને તો કોઈ પણ ગિફ્ટ આપી શકે. જાતે બનાવેલી ગિફ્ટનું મહત્ત્વ સગાંસંબંધી અને મિત્રોને ઘણું વધારે હોય છે.’
ટ્રેન્ડ
જ્યારે ખુદ ઘર સજાવવાનો શોખ હોય એટલે આજકાલ શું ટ્રેન્ડમાં છે અને શું કરવાથી સારું લાગે એનું પણ એટલું જ ધ્યાન રાખવાનું ગમતું હોય. આ વર્ષે કોઈ પણ વ્યક્તિ જો દિવાળીની સજાવટ કરવા ઇચ્છે તો ટ્રેન્ડી લાગી શકે એવી સજાવટ માટે શું કરી શકાય? આ પ્રશ્નના જવાબમાં અપર્ણા શેઠ કહે છે, ‘આજકાલ દિવાળીમાં એક કૉર્નર સજાવવાની પ્રથા શરૂ થઈ છે. ખાસ કરીને તમારા ઘરના દરવાજા કે એન્ટ્રન્સવાળા પૅસેજને તમે સુંદર સજાવી શકો. એમાં પ્લાસ્ટિક બૉટલને કોતરીને એમાંથી બનાવેલા આર્ટિકલ્સ અથવા સાડીઓની બૉર્ડરમાંથી બનાવેલાં લટકણોથી દીવાલ કે એ કૉર્નર સજાવી શકાય. દીવા, ફૂલો અને રંગોળી પણ આ કૉર્નરની સજાવટનો ભાગ બની શકે છે. મહેમાન આવશે અને પહેલાં જ એ જોશે તો દિવાળીની એક અલગ ફીલ આવશે.’
ફાયદો
શરૂઆતનાં અમુક વર્ષો અપર્ણાબહેનને નિતનવી વસ્તુઓ બનાવતાં જોઈને તેમની આસપાસના લોકોમાં તેમની ખાસ્સી નામના થઈ. લોકોને તેમની બનાવેલી વસ્તુઓ ખૂબ જ અલગ અને સુંદર લાગવા લાગી અને ધીમે-ધીમે લોકો તેમને કહેવા લાગ્યા કે અમને પણ બનાવતાં શીખવો. આવું જ કંઈક વર્ષા પંચાલ સાથે પણ થયું હતું. લોકો દિવાળી પર તેમને ત્યાં એટલે જતા કે આ દિવાળીએ શું નવું છે એ જોવા મળે અને ધીમે-ધીમે તેમણે વર્કશૉપ્સ લઈને શીખવાડવાનું શરૂ કર્યું. આમ તેઓ બંને પોતે તો નવીન વસ્તુઓ બનાવે જ છે પરંતુ એને બીજાને શીખવવાનું પણ કામ કરે છે. દિવાળીએ જાતે વસ્તુઓ બનાવવાનો ફાયદો જણાવતાં અપર્ણા શેઠ કહે છે, ‘બહારથી લાવીને ઘર સજાવવા કરતાં પોતાનો ટચ આપીને કંઈક બનાવવાનો આનંદ જ અલગ છે. તહેવારની ચમક વધુ ખીલે છે જ્યારે આપણે જાતે કશું બનાવીએ છીએ.’
આ વાતમાં પોતાની વાત જોડતાં વર્ષા પંચાલ કહે છે, ‘ખર્ચની દૃષ્ટિએ પણ એ ખૂબ સારું પડે. બજારમાં જે વસ્તુ ૫૦૦ રૂપિયાની મળે એ ઘરે ૫૦ રૂપિયામાં બને. તમારા પોતાના ઘરમાં પડેલી વસ્તુઓમાંથી જ કશું નવીન એવું બની શકે જેમાં ખર્ચ થશે ફક્ત તમારી ક્રીએટિવિટી, બીજું કશું જ નહીં. એક વાર આવું કર્યા પછી તમને ખુદને તૈયાર વસ્તુઓ લાવવી નહીં ગમે. થશે કે જાતે જ કશું કરી લઈએ.’


