Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > કૉલમ > આજે ધોકો: નિવૃત્તિ પછી પણ પ્રવૃત્ત રહી જ્ઞાનની ઊલટીઓ કરનારાઓ માટે સર્જાયેલો ખાસ દિવસ

આજે ધોકો: નિવૃત્તિ પછી પણ પ્રવૃત્ત રહી જ્ઞાનની ઊલટીઓ કરનારાઓ માટે સર્જાયેલો ખાસ દિવસ

13 November, 2023 09:23 AM IST | Mumbai
Manoj Joshi | manoj.joshi@mid-day.com

હા, મારું તો એ જ માનવું છે કે આજનો આ જે દિવસ છે એ ખરેખર એવા લોકો માટે જ સર્જાયો છે, ધોકો. ટેક્નિકલી આજનો આ દિવસ અગાઉના વર્ષ દરમ્યાન થયેલા તિથિના ક્ષયને કારણે સર્જાતો હોય છે.

ગુજરાતી મિડ-ડે લૉગૉ

ગુજરાતી મિડ-ડે લૉગૉ


હા, મારું તો એ જ માનવું છે કે આજનો આ જે દિવસ છે એ ખરેખર એવા લોકો માટે જ સર્જાયો છે, ધોકો. ટેક્નિકલી આજનો આ દિવસ અગાઉના વર્ષ દરમ્યાન થયેલા તિથિના ક્ષયને કારણે સર્જાતો હોય છે. પહેલાં આવું બહુ ઓછું થતું હતું, પણ છેલ્લાં ૧૦-૧૫ વર્ષથી ધોકા-દિવસ બહુ આવવા માંડ્યો છે. ધોકાનો આજનો આ દિવસ જો કોઈને સમર્પિત હોય તો એવા લોકોને જે નિવૃત્તિ પછી પણ પ્રવૃત્ત રહીને સતત પોતાનું જ્ઞાન પીરસ્યા કરે છે. જ્ઞાન પીરસે એની સામે આપણો કોઈ વિરોધ નથી. સારું છે કે તે પોતાનો અનુભવ બીજા સાથે શૅર કરે છે, પણ ધરાર કોઈના ઘરમાં ઘૂસીને, કોઈની અંગત જિંદગીમાં ડોકાબારી બનાવીને એમાં દાખલ થાય અને દાખલ થયા પછી વગર કારણનો ચંચુપાત કરે. બહુ ખરાબ માનસિકતા છે આ. આ પ્રકારની માનસિકતા ધરાવતા અઢળક લોકો તમને તમારી આસપાસ જોવા મળશે.
તમારે તેમની સાથે કોઈ સંબંધ નથી, તમારે તેમની સાથે કોઈ વ્યવહાર નથી અને તમારે તેમની સાથે કોઈ સ્નાનસૂતકનોય નાતો નથી અને એ પછી પણ દરરોજ સવારે એ પ્રજા મોબાઇલના વૉટ્સઍપ પર પ્રકટે છે અને આવીને કહે છે, તમે આમ કરશો તો આ રીતે તમને બહુ ફાયદો થશે અને તમે આમ રહેશો તો આ રીતે તમને બહુ લાભ થશે. ચાલો, એક વાર માની પણ લીધું કે તમારા લાભની વાત કરી રહ્યા છે, પણ તમે જે કામ કરી લીધું છે એમાં આવીને સુધારા કરવાનાં સલાહ-સૂચન કરે એ સમયે તમને કેવી લાગણી થવી જોઈએ? એવા સમયે તમને કેવું લાગવું જોઈએ જ્યારે તમે કોઈ જાતનાં સલાહ-સૂચન માગી નથી રહ્યા કે નથી માગી રહ્યા વિકાસના રસ્તા?
બસ, મનમાં જે અપશબ્દ આવ્યો એ જ અપશબ્દ એ સમયે મનમાં ઝળકે જે સમયે તમારી સામે નિવૃત્ત થયેલી એ વ્યક્તિના પ્રવૃત્તિ‍મય જીવન વચ્ચે સલાહ આવે છે. વાત માત્ર પ્રોફેશનલ ફીલ્ડની સાથે જ નિસબત નથી ધરાવતી, વાત સાંસારિક જીવન સાથે પણ એટલી જ લાગુ પડે છે.
જો તમે એવું ધારતા હો કે તમારી સલાહ વિના સામેની વ્યક્તિનો કોઈ ઉદ્ધાર નથી તો તમે ખાંડ ખાઓ છો. તમારી સલાહ વિના માણસ ચંદ્ર પર પણ જઈ આવ્યો અને તમારી સલાહ વિના વ્યક્તિએ ઍન્ટાર્કટિકા પર પણ જઈને ધ્વજ લહેરાવી લીધો. તમારો સમય હતો, તમે એ સમયે જાહોજલાલી ભોગવી લીધી, પણ હવે શું છે એનું? હવે તમે ભૂતકાળ છો અને તમારે એ વાતને સહર્ષ સ્વીકારીને આગળ વધવાનું છે. જો એમાં તમે ભૂલ કરશો તો સમજો, તમારે જ ધોકો ખાવાનો આવશે. કાં તો શાબ્દિક અને કાં તો વૈચારિક. એ ભલા માણસનો આભાર માનો જે તમને કશું જ કહ્યા વિના તમારા જ્ઞાનની ઊલટીઓને ચૂપચાપ પોતાના કપડા પર ઝીલી, બહાર જઈને વસ્ત્ર બદલી નાખે છે. દરેકેદરેક એવા પ્રવૃત્ત લોકોને આજના દિવસે સૂચન કરવું છે, યાદ દેવડાવવું છે કે તમે હવે રેસમાં નહોતા રહ્યા એટલે જ તમને નિવૃત્ત કરવામાં આવ્યા છે. જે વાત ત્રાહિત સમજી ગયા એ વાત તમને સમજતાં કેમ આટલી વાર લાગે છે ભલા માણસ.
જરાક તો સમજો, પ્લીઝ.


Whatsapp-channel Whatsapp-channel

13 November, 2023 09:23 AM IST | Mumbai | Manoj Joshi

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK