Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > કૉલમ > બે પગ નથી, એક હાથ નથી એ છતાં એક હાથે સર કર્યો એવરેસ્ટ બેઝ કૅમ્પ

બે પગ નથી, એક હાથ નથી એ છતાં એક હાથે સર કર્યો એવરેસ્ટ બેઝ કૅમ્પ

23 June, 2024 12:20 PM IST | Mumbai
Aashutosh Desai | feedbackgmd@mid-day.com

બે પગ અને એક હાથ ઇલેક્ટ્રિસિટીના કરન્ટમાં બળી ગયા પછી પણ હરિયાણાના ટિન્કેશ કૌશિકે ખુદ પરનો વિશ્વાસ અડગ રાખ્યો. મેટલના આર્ટિફિશ્યલ પગથી એવાં-એવાં સાહસો કર્યાં જે સાચકલા પગ ધરાવનારાઓ માટે પણ મુશ્કેલ હોય. રનિંગ અને સાઇક્લિંગમાં અનેક મુકામો સર કર્યા પછી

ટિન્કેશ કૌશિક

આપ જૈસા કોઈ નહીં

ટિન્કેશ કૌશિક


કી હાઇલાઇટ્સ

  1. રનિંગ અને સાઇક્લિંગમાં અનેક મુકામો સર કર્યા
  2. તાજેતરમાં ટિન્કેશ એવરેસ્ટ બેઝ કૅમ્પ સુધીની સફર ખેડનારો પહેલો ટ્રિપલ ઍમ્પ્યુટી બન્યો
  3. જાણીએ આ સાહસવીરની ગાથા

બિલીવ ઇન યૉરસેલ્ફ, નો મૅટર વૉટ!


આ વાક્ય અનેક મોટિવેશનલ સ્પીકર્સના મોઢે આપણે સાંભળ્યું હશે, પરંતુ એક વ્યક્તિ એવી છે જેણે આ વાક્યને પોતાનો જીવનમંત્ર બનાવ્યો અને ત્યાર બાદ એક-એક એવા માઇલસ્ટોન્સ રચ્યા જે તેમના જેવી વ્યક્તિ માટે આપણને અશક્ય જ જણાય. દરેક વખતે વાત કરતી વખતે તે કહે છે, ‘બિલીવ ઇન યૉરસેલ્ફ, નો મૅટર વૉટ! બસ, પછી જુઓ દરેક બાબત તમારા માટે કેવી સરળ થઈ જાય છે. પછી એ કોઈ લક્ષ્ય હોય, કોઈ ઇચ્છા કે કોઈ કામ. આ એક વાક્ય દિમાગમાં ઠસાવી લીધા બાદ પરિસ્થિતિઓ સાચે જ બદલાઈ જાય છે!’આવું કહેવું છે હરિયાણાના જજ્જર ગામમાં રહેતા ટિન્કેશ કૌશિકનું.


બાળપણની રમત મૃત્યુના મુખે લઈ ગઈ

ચાલો, આપણે પોતપોતાના બાળપણમાં જઈએ. બાળપણમાં આપણે શું કરતા? બૉલબૅટ, લખોટીઓ, પકડાપકડી વગેરે રમતો રમતા. સ્કૂલમાં જતા તો ક્યારેક મમ્મીએ આપેલા ​​ટિ​ફિનનો ડબ્બો ભૂલી આવતા તો ક્યારેક વૉટર-બૉટલ. ખરુંને? પતંગ ચગાવવી, પતંગ લૂંટવા દોડવું આ બધું લગભગ દરેક બાળકના બાળપણનો હિસ્સો રહ્યું જ હોય છે. ટિન્કેશ પણ આપણા બધા જેવો જ એક સામાન્ય બાળક. આવી બધી જ રમતો અને આવું ભુલકણાપણું તેના પણ બાળપણનો હિસ્સો રહ્યું છે. કોઈ પણ વ્યક્તિના જીવનનો આ તબક્કો કદાચ સૌથી સુખમય તબક્કો હશે. જોકે ટિન્કેશ માટે એવું નહોતું રહ્યું. બન્યું કંઈક એવું કે મકરસંક્રાન્તિ નજીક હતી. ૨૦૦૨ની સાલના ડિસેમ્બર મહિનાનો રજાનો દિવસ. ટિન્કેશ એ દિવસે પતંગ ચગાવવાની લાલચે પોતાના ઘરની અગાસીએ ચડ્યો અને એક અણધારી ઘટના ઘટી ગઈ. ટિન્કેશના ઘરની બાજુમાંથી જ ઇલેક્ટ્રિસિટીનો હાઈ-ટેન્શન ઓવરહેડ વાયર પસાર થતો હતો. નવ વર્ષના બાળકને એટલી બધી સમજ તો ક્યાંથી હોય કે આ ઓવરહેડ કેબલ અત્યંત જોખમી હોય છે. પતંગ ચગાવવામાં ટિન્કેશનો પતંગ એ વાયરમાં ભેરવાઈ ગયો. બાળપણમાં પતંગ, લખોટીઓ, રબડી કે ટેનિસ બૉલ આ બધું જ આપણા માટે મહામૂલી મિલકત સમાન હોય છે. એક-એક પતંગ માટે બાળકો લડાલડી અને મારામારી પણ કરી લેતાં હોય છે. હવે આટલી મહામૂલી મિલકત અને એની સાથે જોડાયેલો માંજો તારમાં ભેરવાઈ જાય અને પતંગ ખોવી પડે એ તો કેમ ચાલે? બસ, આટલી લાલચે નાનકડા ટિન્કેશે એ પતંગ કાઢવા માટે તાર તરફ હાથ લંબાવ્યો. ૧૫,૦૦૦ વૉટનો કરન્ટ વહાવતો એ તાર એટલો જબરદસ્ત હતો કે ટિન્કેશ હજી તો થોડો નજીક ગયો એટલામાં એ તારે તે બાળકને પોતાના તરફ ખેંચી લીધો.


એ હાઈ-ટેન્શન તારમાં એટલો જબરદસ્ત કરન્ટ હતો કે ટિન્કેશ કેટલીક ક્ષણ સુધી એ તાર સાથે જ ચોંટેલો રહ્યો. તેનો એક હાથ તો આખો બળી જ ગયો. સાથે જ ખુલ્લા પગે હોવાથી કરન્ટ ટિન્કેશના પગ વાટે જમીન સુધી વહેતો રહ્યો જેને કારણે તેના બન્ને પગ પણ બળીને રાખ થઈ ગયા. એ દિવસની એક પતંગની લાલચ આ બાળક માટે ડાબો હાથ અને બન્ને પગ ગુમાવવાની સજા લઈને આવી હતી. લાઇવ વાયરથી ડાબો હાથ અને બન્ને પગ બાળી ચૂકેલા તે છોકરાને તરત સારવાર માટે દવાખાને લઈ જવામાં આવ્યો. ડૉક્ટરો પોતાની રીતે બધા પ્રયત્નો કરી રહ્યા હતા. ઑપરેશન કે બીજા કોઈ પ્રકારનો ઇલાજ ટિન્કેશનો હાથ કે પગ બચાવી શકે એમ નહોતા. આથી એને કાપી નાખવો એ જ એકમાત્ર ઇલાજ હતો જે ટિન્કેશને જીવંત રાખી શકે એમ હતો.

શરીરનાં ચાર મહત્ત્વનાં અંગોમાંથી ત્રણ અંગ ગુમાવી ચૂકેલું બાળક શરૂઆતના દિવસોમાં તો સાવ પરતંત્ર થઈ જાય એ સ્વાભાવિક છે. બે મહિના સુધી આ અકસ્માતને કારણે હૉસ્પિટલમાં રહેલા ટિન્કેશની ત્યાર પછી પણ સતત ત્રણ વર્ષ સુધી ટ્રીટમેન્ટ ચાલતી રહી. પગ વિનાનું નાનું બાળક ટ્રીટમેન્ટ માટે જાય પણ કઈ રીતે. આપણે કહીએ છીએ કે મા સિવાય બાળકનું દર્દ બીજું કોઈ સમજી ન શકે જે ટિન્કેશની બાબતમાં સાવ સાચી વાત છે. તેની મમ્મી ટિન્કેશને દર વખતે કાખમાં ઊંચકે અને છેક દવાખાના સુધી લઈ જાય. ત્યાર બાદ લાકડાના વજનમાં અત્યંત ભારે એવા નકલી પગ તેની જાંઘે લગાવવામાં આવ્યા.

પરિસ્થિતિ અવળી તો જીદ સવળી કરો

કોઈ બાળકની જિંદગીમાં આવી ઘટના બને તો તે બાળક અને તેના ઘરવાળા સુધ્ધાં કાળી ડિબાંગ નિરાશામાં સારી પડે. જીવન કોઈ અભિશાપ સમું લાગવા માંડે. આખી દુનિયા દયાની નજરે જોવા માંડે જે કોઈ પણ સ્વમાની વ્યક્તિને વસમું લાગે. જોકે ટિન્કેશ કૌશિક એમ હાર માની લેનારાઓમાંનો નહોતો. પરિસ્થિતિઓ વિપરીત બની તો આ બાહોશ બાળકે તેની આખી જિંદગી જ ધરમૂળથી બદલી નાખવાનો નિર્ધાર કર્યો. કોઈ તેને દયામણી નજરે જુએ એ પણ જાણે તેને મંજૂર નહોતું.

આવી અવળી પરિસ્થિતિ વચ્ચે પણ નાનકડો ટિન્કેશ પોતાનું ભણતર છોડવા તૈયાર નહોતો. તેણે પોતાનું ભણતર ચાલુ રાખ્યું અને ગ્રૅજ્યુએશન સુધીનું ભણતર પૂરું કર્યું. આ ભણતર દરમ્યાન રમતગમતમાં તેની રુચિ વધવા માંડી. સામાન્ય રીતે આવી શારીરિક હાલત હોય ત્યારે વ્યક્તિને એવા વિચારો આવે કે હાથ-પગ વિના કઈ રીતે આ બધું શક્ય છે, પ્રયત્ન પણ કરીશું તો એમાં સફળ નહીં થવાય. મહદંશે માણસ આવા વિચારોને કારણે પ્રયત્ન કરવાનું પણ છોડી દેતો હોય છે. ટિન્કેશે એથી સાવ ઊલટું કર્યું. આવા અવળા શારીરિક સંજોગો સામે તેણે સવળા પ્રયત્નો શરૂ કર્યા. બન્ને પગ ગુમાવી ચૂક્યા બાદ મેટલના આર્ટિફિશ્યલ પગ તેની જાંઘે જીવનભર માટે લાગી ચૂક્યા હતા. હવે એની સાથે જ તેણે ધીમે-ધીમે દોડવાથી શરૂ કર્યું. પહેલાં દોડવું, ત્યાર બાદ તરવું અને ત્યાર બાદ થોડી વધુ ઝડપે દોડવું.

ટિન્કેશની આ સકારાત્મક જીદ તેને જીવનનાં એક પછી એક અસામાન્ય પગલાં ભરવા તરફ લઈ ગઈ. સફળતાના પહેલા પગથિયે તેને ત્રણ કિલોમીટરની મૅરથૉન સામે મળી. દોડવાની હિંમત અને સકારાત્મક જીદને મૅરથૉન સાથેનો એ સંબંધ એટલો ગમ્યો કે ત્યાર બાદ તેણે ફરી એક ત્રણ કિલોમીટરની મૅરથૉન દોડી નાખી. આ બન્ને નાની મૅરથૉનની સફળતાએ હવે ટિન્કેશને હિંમત આપી અને ઉત્સાહ પણ. હવે તેણે આ સંબંધ વધુ ગહેરો બનાવવાનું નક્કી કર્યું. જીવન આ પ્રકારની કોઈ શારીરિક ખોડખાંપણ મોકલે છે ત્યારે વ્યક્તિએ પળેપળ પોતાની જાત સાથે લડતા રહેવું પડતું હોય છે. કોઈ બીજા પાસે નહીં પરંતુ પોતાની જાતે પોતાને જ સતત પ્રેરણા આપતા શીખી જવું પડે છે. ટિન્કેશે એ જ કર્યું. ત્રણ કિલોમીટરની સફળતા બાદ તેણે પાંચ કિલોમીટરની મૅરથૉન દોડવાનો નિર્ધાર કર્યો અને સતત ત્રણ વાર પાંચ કિલોમીટરની મૅરથૉન પણ પૂરી કરી!

આ રીતે એક પછી એક તેણે સતત પાંચ મૅરથૉન પૂરી કરી. હવે ટિન્કેશના પગ તેને કહી રહ્યા હતા, ‘યે દિલ માંગે મોર!’ ટિન્કેશ દોડવાથી એક પગલું હજી આગળ વધ્યો, સાઇક્લિંગ. પૅરાસાઇક્લિંગ માટેની તેણે ટ્રેઇનિંગ શરૂ કરી. સાથે જ શરૂ થઈ જિમ ટ્રેઇનિંગ, ઍથ્લેટિક ટ્રેઇનિંગ અને બીજી શારીરિક કેળવણી. ધીરે-ધીરે ટિન્કેશે પોતાના મન અને શરીરને એટલાં મજબૂત બનાવી લીધાં કે તે પોતાની ટ્રેઇનિંગની સાથે-સાથે એવા લોકોને સાઇકોલૉ​જિકલ સિટિંગ્સ આપવા માંડ્યો જેઓ ઍક્સિડન્ટ દ્વારા પોતાનું કોઈ અંગ ગુમાવી ચૂક્યા હોય. ભારત બહારના અનેક લોકોને તે મળતો જેઓ અકસ્માતમાં ગુમાવી ચૂકેલા કોઈ અંગને કારણે નિરાશા અનુભવી રહ્યા હોય કે જીવન ટૂંકાવી લેવા સુધીની નિરાશાએ પહોંચી ચૂક્યા હોય.

પોતાની જાત અને સંજોગો સામે લડતાં-લડતાં ટિન્કેશ હવે બીજાઓ માટે મોટિવેશન તો બની જ ચૂક્યો હતો, સાથે જ હવે પોતાને જ ચૅલેન્જ કરવાની તેની ભૂખ પણ વિસ્તરતી જઈ રહી હતી. હવે ટિન્કેશ એશિયન પૅરાસાઇક્લિંગ માટે તૈયારી કરવા માગતો હતો. હૈદરાબાદ અને પુણે જેવાં શહેરોમાં ચાલતા ટ્રેઇનિંગ કૅમ્પ્સમાં તેણે બે વર્ષ સુધી ટ્રેઇનિંગ લીધી. આદિત્ય મહેતા ફાઉન્ડેશન જે અનેક દિવ્યાંગોને મદદ કરે છે એણે ટિન્કેશને પણ મદદ કરી. આખરે એ સમય આવી પહોંચ્યો જ્યારે એક મહિના પછી એશિયન પૅરાસાઇક્લિંગ માટેનો ક્વૉલિફાઇંગ રાઉન્ડ રમાવાનો હતો. ટિન્કેશની ફાઇનલ ટ્રેઇનિંગ શરૂ થઈ, પરંતુ ટ્રેઇનિંગના આખરી પડાવ પર ત્રણ વાર એવું બન્યું કે ટિન્કેશ પડી ગયો. નકલી પગ સાથે સાઇક્લિંગ કરી રહેલા સ્પોર્ટ‍્સમૅન સાથે ઘણી વાર એવું બનતું હોય છે કે તેના પડી જવાને કારણે નકલી પગના લિમ્બ ફાટી જતા હોય છે. ટિન્કેશના પગના લિમ્બ પણ ફાટી ગયા. હવે નવા લિમ્બનો એક વારનો ખર્ચ ૪૦,૦૦૦ રૂપિયા આવતો હતો. ટિન્કેશને સમજાઈ ગયું કે આ રીતે વારંવાર પડી જવાથી જો ખર્ચો આવતો રહે તો એ પોતાને કે આદિત્ય મહેતા ફાઉન્ડેશનને પણ પોસાઈ શકે એમ નથી. આથી આખરે તેણે એશિયન પૅરાસાઇક્લિંગનો વિચાર પડતો મૂકવો પડ્યો.

હવે સામાન્ય રીતે આટલું આગળ વધ્યા પછી જ્યારે આ રીતે કોઈ સપનું અડધેથી છોડવું પડે તો માણસ નિરાશ થઈ જાય છે, પણ કંઈક જુદી જ માટીથી બનેલા ટિન્કેશે એથી સાવ ઊલટું જ કર્યું.

જ્યાંથી નિરાશા આવી શકે ત્યાં ઉત્સાહ શોધ્યો

ટિન્કેશે પૅરાસાઇક્લિંગનું પોતાનું સપનું છોડવું પડ્યું, પણ એથી નિરાશ થવાની જગ્યાએ તેના નકલી પગ જે કંપની અને હૉસ્પિટલે બનાવ્યા એ પુણેની હાૉસ્પિટલમાં જ તેણે અકસ્માતગ્રસ્ત બીજા લોકોને કાઉન્સેલિંગ આપવાનું કામ કરવા માંડ્યું. ફિઝિકલ ટ્રેઇનિંગથી લઈને મેન્ટલ કાઉન્સેલિંગ સુધીની તમામ પ્રેરણા તે એવા લોકોમાં રોપવા માંડ્યો જે કોઈ ગંભીર અકસ્માતમાં પોતાનું કોઈ નાનું-મોટું અંગ ગુમાવી ચૂક્યા હોય અને ક્યાંક નિરાશા અનુભવી રહ્યા હોય.

ત્યાર બાદ સંજોગો સામે તેણે બીજી એક જીદ કરી. સામાન્ય માણસ પણ જિમમાં જવાની વાત આવે ત્યારે આવતી કાલથી શરૂ કરીશું એમ વિચારીને દિવસો પાછળ ઠેલતો રહેતો હોય છે. એવામાં ટિન્કેશ જેવી કોઈ વ્યક્તિને જો આપણે જિમિંગ કરતા જોઈએ તો સ્વાભાવિક છે કે નવાઈ લાગે કે એક હાથ નથી, બન્ને પગ નથી પછી આ વ્યક્તિ જિમમાં કરે છે શું? તેને જિમિંગની શું જરૂર? ટિન્કેશે આ બધા પ્રશ્નો તો છોડો, એથીયે એક ડગલું આગળનું કામ કર્યું. તે જિમિંગ તો કરતો જ હતો, સાથે જ તેણે જિમમાં ઇન્સ્ટ્રક્ટર તરીકે નોકરી કરવા માંડી.

જીદ લઈ ગઈ વર્લ્ડ રેકૉર્ડ સુધી

છોકરમતમાં થયેલી ભૂલને કારણે એક હાથ અને બન્ને પગ ગુમાવી ચૂકેલા ટિન્કેશને તેની સકારાત્મક જીદ અને મક્કમ નિર્ધાર જિંદગીના એક-એક પડાવ પાર કરતાં-કરતાં આખરે એક મુકામ સુધી લઈ ગયાં કે તેણે એક અનોખો વિશ્વવિક્રમ પોતાના નામે કરી લીધો! એવરેસ્ટ બેઝ કૅમ્પ! વિશ્વનું સૌથી દુર્ગમ ચડાણ જેને ગણવામાં આવે છે એ એવરેસ્ટ બેઝ કૅમ્પ સુધીનું ટ્રે​કિંગ તો છોડો, એની કેટલીયે પાયદાન નીચે જ સામાન્ય વ્યક્તિના શ્વાસ ફૂલી જાય છે, તબિયત બગડી જાય છે ત્યારે ટિન્કેશ થોડા સમય પહેલાં જ એવરેસ્ટ બેઝ કૅમ્પ સુધીનું ટ્રેકિંગ કરી આવ્યો. શરીરનાં ત્રણ મુખ્ય અંગો ગુમાવી ચૂકેલી કોઈ વ્યક્તિ એવરેસ્ટ બેઝ કૅમ્પ સુધી પહોંચી હોય એવી ટિન્કેશ પહેલી વ્યક્તિ છે!

ટિન્કેશની આ સફર એક વિશ્વવિક્રમ છે. ૨૦૨૪ની ૪ મેએ તેણે નેપાલથી પોતાની એવરેસ્ટ તરફની સફરની શરૂઆત કરી. આઠ દિવસ સુધી ટ્રેકિંગ કરતા રહીને ૨૦૨૪ની ૧૧ મેએ ટિન્કેશ એવરેસ્ટ બેઝ કૅમ્પથી પાછો ફર્યો. ૧૭,૫૯૮ ફીટની ઊંચાઈએ આવેલા એવરેસ્ટ બેઝ કૅમ્પ સુધી જવું અને એ પણ આવી શારીરિક પરિસ્થિતિ સાથે એ વાત અહીં વાંચવામાં જેટલી સરળ જણાય છે એટલી વાસ્તવમાં હોતી નથી. જોકે ટિન્કેશ કૌશિકે પોતાના જબરદસ્ત મક્કમ મનોબળ સાથે એ કરી દેખાડ્યું અને ન માત્ર ભારતમાં પણ વિશ્વઆખામાં દાખલો બેસાડ્યો છે.

આજે ટિન્કેશ માનસિક અને શારીરિક રીતે હવે એટલો સક્ષમ બની ચૂક્યો છે કે તે કહે છે કે શારીરિક દિવ્યાંગતા મારે મન મહત્ત્વની કે આડખીલીરૂપ છે જ નહીં, હું એ બધી જ રમતો અને ઍડ્વેન્ચર કરું છું જેમાં મને રસ પડે છે. જરૂરી છે માનસિક સ્વસ્થતા. દરેક વ્યક્તિ તેના જીવનમાં તે જે ચાહે એ કરી શકે એમ છે જો તે મનથી મજબૂત અને મક્કમ હોય. પેલું કહેવાય છેને ‘માન લો તો હાર હૈ ઔર ઠાન લો તો જીત હૈ’.

Whatsapp-channel Whatsapp-channel

23 June, 2024 12:20 PM IST | Mumbai | Aashutosh Desai

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK