Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > મુંબઈ યુનિવર્સિટી કરતાં એલ્ફિન્સ્ટન કૉલેજ વધુ જૂની

મુંબઈ યુનિવર્સિટી કરતાં એલ્ફિન્સ્ટન કૉલેજ વધુ જૂની

21 January, 2023 01:00 PM IST | Mumbai
Deepak Mehta | deepakbmehta@gmail.com

માત્ર મુંબઈ શહેર માટે જ નહીં, આખા બૉમ્બે પ્રેસિડન્સી માટે યુનિવર્સિટી અને એની કૉલેજો - ખાસ કરીને એલ્ફિન્સ્ટન કૉલેજ - ઉચ્ચ કેળવણીનું કેન્દ્ર બની રહી

એલ્ફિન્સ્ટન કૉલેજનું જૂનું મકાન, ભાયખળા ચલ મન મુંબઈનગરી

એલ્ફિન્સ્ટન કૉલેજનું જૂનું મકાન, ભાયખળા


માત્ર મુંબઈ શહેર માટે જ નહીં, આખા બૉમ્બે પ્રેસિડન્સી માટે યુનિવર્સિટી અને એની કૉલેજો  - ખાસ કરીને એલ્ફિન્સ્ટન કૉલેજ - ઉચ્ચ કેળવણીનું કેન્દ્ર બની રહી. ગુજરાતી સાહિત્યમાં જે સમયગાળાને પંડિત યુગ કહેવાય છે એ સમયના ઘણાખરા લેખકો, પત્રકારો, સમાજ સુધારાના અગ્રણીઓ, યુનિવર્સિટી ઑફ બૉમ્બેના અને એલ્ફિન્સ્ટન કૉલેજના જ વિદ્યાર્થીઓ હતા

જસ્ટિસ સુજાતા મનોહર, અભિનેત્રી સ્મિતા પાટીલ, લેખિકા ધીરુબહેન પટેલ, અભિનેત્રી સ્વરૂપ સંપટ, નાગરિક હકોનાં હિમાયતી તિસ્તા સેતલવડ, કળામર્મજ્ઞ સરયુ દોશી – જુદાં જુદાં ક્ષેત્રોમાં કામ કરતી આ મહિલાઓ વચ્ચે એક બાબત સમાન છે. એ કઈ?
બાળગંગાધર ટિળક, પ્રેમચંદ રાયચંદ, કવિ નર્મદ, દાદાભાઈ નવરોજી, મહાદેવભાઈ દેસાઈ, જમશેદજી તાતા, અભિનેતા સલમાન ખાન, ક્રિકેટર અજિત વાડેકર, પાકિસ્તાનના પહેલા પ્રમુખ ઇસ્કન્દર મિર્ઝા, ફૅશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રા, લેખક સુરેશ જોશી, ગાયક કુણાલ ગાંજાવાલા – આ બધા જુદા-જુદા ક્ષેત્રમાં કામ કરનારાઓ એક યા બીજે વખતે એક જ સંસ્થા સાથે સંકળાયેલા હતા. એ સંસ્થા તે કઈ?
જવાબ: આજના લેખને અંતે.
lll
આપણે ત્યાં એક એવો ખ્યાલ પ્રવર્તે છે કે ૧૮૫૭માં મુંબઈ યુનિવર્સિટીની સ્થાપના થઈ એ પછી જ બૉમ્બે પ્રેસિડન્સીમાં ઉચ્ચ શિક્ષણની શરૂઆત થઈ, પણ હકીકતમાં આ યુનિવર્સિટીની સ્થાપના પહેલાં અસ્તિત્વમાં આવેલી એલ્ફિન્સ્ટન કૉલેજ દ્વારા ઉચ્ચ શિક્ષણની શરૂઆત થઈ ચૂકી હતી. ૧૮૨૭ના નવેમ્બરની પહેલી તારીખે બૉમ્બે પ્રેસિડેન્સીના ગવર્નર પદેથી માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટન નિવૃત્ત થયા. તેમની અત્યંત વિશિષ્ટ કામગીરીની યાદ કાયમ રાખવા માટે શું કરવું જોઈએ એ વિશે વિચારણા કરવા નાગરિકોની એક જાહેર સભા ૧૮૨૭ના ઑગસ્ટની ૨૮મી તારીખે મુંબઈમાં નેટિવ એજ્યુકેશન સોસાયટીની લાઇબ્રેરીમાં મળી. સભાપતિનું સ્થાન માધવદાસ રણછોડદાસે સંભાળ્યું હતું. એલ્ફિન્સ્ટનના નિકટના સાથી કૅપ્ટન જર્વિસે કહ્યું કે ગવર્નર એલ્ફિન્સ્ટન પણ રાજી થાય એવું કામ આપણે કરવું જોઈએ. અને શિક્ષણના ક્ષેત્ર કરતાં વધુ સારું બીજું કયું ક્ષેત્ર આ માટે હોઈ શકે? એટલે ‘એલ્ફિન્સ્ટન પ્રોફેસરશિપ’ શરૂ કરવી એ ઉત્તમ રસ્તો છે એવું ઠરાવવામાં આવ્યું. તથા એ વિશે મુંબઈની સરકાર અને ગ્રેટ બ્રિટનમાંની ઈસ્ટ ઇન્ડિયા કંપનીને વિનંતી કરવી એમ પણ નક્કી થયું. આ કામ પાર પાડવા માટે એક સમિતિ રચવામાં આવી, જેમાં આટલાનો સમાવેશ થતો હતો : જમશેદજી જીજીભોય, ફરામજી કાવસજી બનાજી, બહમનજી હોરમજજી વાડિયા, ધાકજી દાદાજી, દેવીદાસ હરજીવનદાસ, જગન્નાથ શંકરશેટ અને મહંમદઅલી રોગે.આ બાબતે ‘દેશીઓ’ પાસેથી ફાળો ઉઘરાવવાનું પણ નક્કી થયું. કુલ ૨,૨૬,૧૭૨ રૂપિયાનો ફાળો ભેગો થયો. (૧૮૨૭ના સવાબે લાખ એટલે આજના કંઈ નહીં તો પચીસ કરોડ.) અંગ્રેજી ભાષા-સાહિત્ય ઉપરાંત યુરોપનાં કળા, સાહિત્ય, વિજ્ઞાન વગેરે વિષયો શીખવી શકે એવા એક કે વધુ પ્રોફેસરોની પસંદગી એલ્ફિન્સ્ટન પોતે કરે એવી વિનંતી પણ સરકારને કરવામાં આવી. અલબત્ત, સરકાર સાથેની લખાપટ્ટીમાં ઘણો વખત ગયો. છેવટે ૧૮૩૫માં એલ્ફિન્સ્ટન કૉલેજની સ્થાપના થઈ શકી. પહેલાં બે પ્રોફેસરો આર્થર બેડફર્ડ ઓર્લેબાર અને જૉન હાર્કનેસ મુંબઈ આવ્યા પછી ૧૮૩૬માં પહેલવહેલા વર્ગો શરૂ થયા. અલબત્ત, બીજી કોઈ જગ્યાની સગવડ થઈ ન હોવાથી એલ્ફિન્સ્ટન કૉલેજની શરૂઆત મુંબઈના ટાઉન હૉલના મકાનમાં થઈ હતી. યુનિવર્સિટીની ઑફિસ તો એ મકાનમાં હતી જ, પણ વર્ગો પણ ત્યાં જ લેવાતા અને વાર્ષિક પરીક્ષાઓ પણ ત્યાં જ લેવાતી. શરૂઆતમાં આ કૉલેજ અગાઉની એલ્ફિન્સ્ટન સ્કૂલ સાથે જોડાયેલી હતી. ૧૮૪૫માં કૉલેજ અલગ થઈ એ પછી જૉન હાર્કનેસ એના પહેલા પ્રિન્સિપાલ બન્યા. આજે જેનું સત્તાવાર નામ જમનાદાસ મહેતા રોડ છે એ રસ્તાનું અસલ નામ હાર્કનેસ રોડ હતું, કારણ કે એ રોડ પરના એક બંગલોમાં તેઓ રહેતા હતા.


૧૮૪૫માં ઉચ્ચ શિક્ષણની દિશામાં બૉમ્બે પ્રેસિડન્સીએ બીજું એક મહત્ત્વનું પગલું ભર્યું. એ વર્ષે આ ઇલાકાની પહેલવહેલી મેડિકલ કૉલેજ, ગ્રાન્ટ મેડિકલ કૉલેજની શરૂઆત મુંબઈમાં થઈ. એની સાથે જોડાયેલી સર. જે. જે. હૉસ્પિટલ પણ સાથોસાથ શરૂ થઈ. શરૂઆતમાં એલ્ફિન્સ્ટન કૉલેજ અને ગ્રાન્ટ મેડિકલ કૉલેજ, બંને પોતે જ વિદ્યાર્થીઓને ડિગ્રી આપતી. ૧૮૬૦માં એ બંને કૉલેજ યુનિવર્સિટી ઑફ બૉમ્બે સાથે જોડાઈ ગઈ અને ત્યારથી ડિગ્રી આપવાનું કામ યુનિવર્સિટી કરતી થઈ.  
૧૮૫૭માં દેશમાં પહેલી ત્રણ યુનિવર્સિટીઓ સ્થપાઈ એમાંની એક યુનિવર્સિટી ઑફ બૉમ્બે ૧૮૫૭ના જુલાઈની ૧૮મી તારીખે અસ્તિત્વમાં આવી. એ વખતે એમાં માત્ર બે જ વિદ્યા શાખા હતી – આર્ટ્સ અને મેડિસિન. પણ શરૂઆતમાં શિક્ષણ માટેની કોઈ વ્યવસ્થા ન હોવાથી આર્ટ્સના વિદ્યાર્થીઓ એલ્ફિન્સ્ટન કૉલેજમાં અને મેડિસિનના વિદ્યાર્થીઓ ગ્રાન્ટ મેડિકલ કૉલેજમાં અભ્યાસ કરતા. ૧૮૫૯માં યુનિવર્સિટીએ પહેલી વાર મેટ્રિકની પરીક્ષા લીધી. મુંબઈના ટાઉન હૉલ ખાતે લેવાયેલી આ પરીક્ષામાં કુલ ૧૩૨ છોકરાઓ બેઠા હતા, પણ એમાંથી માત્ર ૨૨ પાસ થયા હતા. એમાંના બે ગુજરાતીભાષી હતા : ઝવેરીલાલ ઉમિયાશંકર અને નાનાભાઈ હરિદાસ. એ વખતે મેટ્રિકની પરીક્ષામાં ગુજરાતી-મરાઠી વગેરે ભાષાઓના ત્રણ-ત્રણ પેપર રહેતા : એક વ્યાકરણનો, બીજો અંગ્રેજીમાંથી અનુવાદનો અને ત્રીજો ગુજરાતી-મરાઠી વગેરેમાંથી અંગ્રેજી અનુવાદનો. 

શરૂઆતનાં ઘણાં વરસ દરેક વિષયમાં લેખિત ઉપરાંત મૌખિક પરીક્ષા પણ લેવાતી. એ વખતના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ વચ્ચેના સંબંધનો ખ્યાલ આપતો એક કિસ્સો : ૧૮૭૧માં ગોવર્ધનરામ ત્રિપાઠીએ મેટ્રિકની પરીક્ષા આપી ત્યારે સંસ્કૃતના પરીક્ષક હતા પ્રકાંડ પંડિત રામકૃષ્ણ ગોપાળ ભાંડારકર. મૌખિક પરીક્ષા માટે વિદ્યાર્થીઓને તેમની અટકના alphabetical orderમાં બોલાવતા. એટલે ગોવર્ધનરામનો વારો લગભગ છેલ્લો. આગલે દિવસે આખી રાત તૈયારી કરવા જાગેલા. એટલે વારો આવે એની રાહ જોતાં-જોતાં બાંકડા પર જ સૂઈ ગયા. ભાંડારકરે બે વખત ‘ત્રિપાઠી’ના નામની બૂમ પાડી, પણ કોઈ આવ્યું નહીં. એટલે પોતાની કૅબિનમાંથી બહાર જઈ જોયું તો એક વિદ્યાર્થી સૂતો હતો. ઢંઢોળીને પૂછ્યું : ‘તમે જ મિસ્ટર ત્રિપાઠી?’ ‘હા જી સાહેબ.’ ‘ચાલો મૌખિક પરીક્ષા માટે.’


 યુનિવર્સિટી ઑફ બૉમ્બેએ ૧૮૬૨માં પહેલી વાર બી.એ.ની પરીક્ષા લીધી એમાં તો માત્ર ચાર છોકરા જ પાસ થયા હતા, જેમાંનો એક પણ ગુજરાતીભાષી નહોતો. લાઇસેન્સિયેટ ઇન મેડિસિનની ડિગ્રી મેળવનારાઓમાં ત્રણ પારસી હતા અને એક હતા મરાઠીભાષી. ૧૮૬૩ની બી.એ.ની બીજી પરીક્ષામાં માત્ર ત્રણ છોકરા ગ્રૅજ્યુએટ થયા હતા અને એમાંનો એક ગુજરાતીભાષી હતો. તેમનું નામ નગીનદાસ તુલસીદાસ મારફતિયા. આ નગીનદાસ તે કવિ નર્મદના મિત્ર. ૧૮૬૨માં છપાયેલા પહેલા મૌલિક ગુજરાતી નાટક ‘ગુલાબ’ના કર્તા. બી.એ. પછી એલએલબી થઈ વ્યવસાયે વકીલ બન્યા, પણ વૃત્તિએ સમાજ સુધારાના પુરસ્કર્તા રહ્યા. 
પરીક્ષા શરૂ થાય એ પહેલાં પેપર ફૂટી ન જાય એ માટે આજે યુનિવર્સિટીઓ જાતજાતની તરકીબ અજમાવે છે અને છતાં ઘણી વાર પેપર ફૂટી જાય છે. જ્યારે એ જમાનામાં દરેક પ્રશ્નપત્રના મથાળે જ એના પેપર સેટર્સનાં નામ છાપવામાં આવતાં! લેખિત પરીક્ષા પછીની મૌખિક પરીક્ષા પણ એ જ પેપર સેટર્સ લેતા. છતાં તેમનાં નામ આ રીતે જાહેર કરવામાં વાંધો જણાતો નહોતો. એવી જ રીતે ઉત્તરપત્રમાં દરેક પાનાને મથાળે વિદ્યાર્થીએ પોતાનું નામ અને નંબર લખવાનાં રહેતાં. એટલે કે એ વખતે યુનિવર્સિટીને પરીક્ષકો તેમ જ વિદ્યાર્થીઓ પર પણ પૂરેપૂરો વિશ્વાસ હતો. 
યુનિવર્સિટી ઑફ બૉમ્બેને તેનું પોતાનું મકાન મળ્યું એ તો છેક ૧૮૭૧માં, સર કાવસજી જહાંગીરની સખાવતથી. એ મકાન તે આજનું કોટ વિસ્તારમાં આવેલું મકાન નહીં. અસલ મકાન ભાયખળામાં વિક્ટોરિયા ગાર્ડનની સામે હતું. આજે એ મકાનમાં ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકર રેલવે હૉસ્પિટલ છે. ત્યાર બાદ કૉલેજને હાલના કાળા ઘોડા સામેના નવા મકાનમાં ખસેડાઈ હતી. આ મકાન ૧૮૮૮માં બંધાયું હતું. આજે એ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ બિલ્ડિંગનો દરજ્જો ધરાવે છે. આપણા પ્રખ્યાત ભાષાશાસ્ત્રી, કવિ, વિવેચક નરસિંહરાવ દિવેટિયા આ કૉલેજમાં વર્ષો સુધી ગુજરાતીના અધ્યાપક રહ્યા હતા.

૧૮૬૧ના ડિસેમ્બરની ૧૪મી તારીખે બીજી એક કૉલેજ – વિલ્સન કૉલેજ – યુનિવર્સિટી ઑફ બૉમ્બે સાથે જોડાઈ. છેક ૧૮૩૨માં સ્કૉટિશ પાદરી જૉન વિલ્સને ગિરગામમાં આમ્બ્રોલી ઇંગ્લિશ સ્કૂલ શરૂ કરી હતી. પછીથી એનું નામ વિલ્સન સ્કૂલ રાખવામાં આવ્યું. ૧૮૩૬માં એમાં ‘કૉલેજ સેક્શન’ ઉમેરવામાં આવ્યું. સ્કૂલથી અલગ થયા પછી એ વિલ્સન કૉલેજ તરીકે ઓળખાયું. એ પછી ૧૮૬૯ના જાન્યુઆરીની બીજી તારીખે શરૂ થયેલી સેન્ટ ઝૅવિયર્સ કૉલેજ યુનિવર્સિટી ઑફ બૉમ્બે સાથે જોડાઈ. પહેલા વરસે એમાં ફક્ત બે જ વિદ્યાર્થીઓ ભણવા માટે દાખલ થયા હતા.

માત્ર મુંબઈ શહેર માટે જ નહીં, આખા બૉમ્બે પ્રેસિડન્સી માટે યુનિવર્સિટી અને એની કૉલેજો – ખાસ કરીને એલ્ફિન્સ્ટન કૉલેજ – ઉચ્ચ કેળવણીનું કેન્દ્ર બની રહી. નવું જ્ઞાન, નવા વિચારો, નવા આદર્શો, ફેલાવવામાં તેણે મહત્ત્વનો ભાગ ભજવ્યો. ગુજરાતી સાહિત્યમાં જે સમયગાળાને પંડિત યુગ તરીકે ઓળખવાનો ચાલ છે એ સમયના ઘણાખરા લેખકો, પત્રકારો, સમાજ સુધારાના અગ્રણીઓ, યુનિવર્સિટી ઑફ બૉમ્બેના અને એલ્ફિન્સ્ટન કૉલેજના જ વિદ્યાર્થીઓ હતા. આજના ગુજરાત રાજ્યના વિસ્તારમાંની પહેલવહેલી કૉલેજ છેક ૧૮૭૯માં અમદાવાદમાં શરૂ થઈ, ગુજરાત કૉલેજ. ત્યાં સુધી તો આખા ગુજરાતમાંથી ઉચ્ચ શિક્ષણ માટે વિદ્યાર્થીઓ મુંબઈ જ આવતા. એટલે આજના ગુજરાત રાજ્યના શૈક્ષણિક, સાંસ્કૃતિક, સાહિત્યિક વિકાસમાં મુંબઈનો ફાળો અનન્ય છે. આજના ગુજરાતના શિક્ષણ, સંસ્કૃતિ, સાહિત્યની અગ્રણી સંસ્થાઓ કે વ્યક્તિઓ આ વાત સ્વીકારે કે ન સ્વીકારે, તેથી કાંઈ હકીકત બદલાઈ જતી નથી.

યુનિવર્સિટી ઑફ બૉમ્બે અને એની સાથે સંકળાયેલી કૉલેજોએ બીજું એક મહત્ત્વનું કામ કર્યું એ સામાજિક સીડીનાં પગથિયાં ચડવા માટે એક ભરોસાપાત્ર સાધનની સગવડ ઊભી કરી આપી. અને પહેલાં ગ્રેટ બ્રિટનના અને પછી આખી દુનિયાનાં જ્ઞાન-વિજ્ઞાન, સાહિત્ય-સંસ્કૃતિ, શોધન-સંશોધન સાથે ઘરોબો બાંધી આપ્યો. આ નવી આબોહવામાં શ્વાસ લેનાર કવિ નર્મદે કદાચ એટલે જ ગાયું : ‘દીપે અરુણું પરભાત.’
આ લેખની શરૂઆતમાં પૂછેલા સવાલનો જવાબ : જુદા-જુદા ક્ષેત્રની આ બધી જ અગ્રણી વ્યક્તિઓ વચ્ચે એક સમાન બાબત એ હતી કે એક યા બીજા વખતે તે એલ્ફિન્સ્ટન કૉલેજમાં ભણી હતી અને એટલે યુનિવર્સિટી ઑફ બૉમ્બેની સંતાન હતી. 

Whatsapp-channel Whatsapp-channel

21 January, 2023 01:00 PM IST | Mumbai | Deepak Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK