Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ૨૦૨૨ની મૉડર્ન દીકરીને તમે કેટલી ઓળખો છો?

૨૦૨૨ની મૉડર્ન દીકરીને તમે કેટલી ઓળખો છો?

25 September, 2022 12:54 PM IST | Mumbai
Jigisha Jain | jigisha.jain@mid-day.com

દીકરીઓના આ ખાસ દિવસે આજની દીકરીઓને થોડી વધુ નજીકથી જાણીએ

પ્રતીકાત્મક તસવીર

ઇન્ટરનૅશનલ ડૉટર્સ ડે

પ્રતીકાત્મક તસવીર


આપણે ત્યાં દીકરી વ્હાલનો દરિયો ગણાતી, પણ પેઢી દર પેઢી આ દીકરીઓએ એટલી પ્રગતિ કરી છે કે વ્હાલનો દરિયો આજે જ્ઞાન અને ટૅલન્ટનો મહાસાગર બની ગઈ છે. ઘરમાં જેનું સ્થાન ફક્ત પ્રેમ આપવાનું અને વડીલોનું કહ્યું માનવાનું હતું એની જગ્યાએ આજે તે આખા ઘરની વડીલ બનીને બધી જવાબદારી ઉપાડતી થઈ ગઈ છે. જોકે તેણે કમાયેલી આ સ્વતંત્રતા કોઈ-કોઈ વાર સ્વછંદતામાં પણ પરિણમી જતી હોય છે. દીકરીઓના આ ખાસ દિવસે આજની દીકરીઓને થોડી વધુ નજીકથી જાણીએ

‘ભારત કી બેટી’ બનીને ઑલિમ્પિક્સમાં મેડલ્સ લાવતી, મોટી કૉર્પોરેટ ઑફિસમાં ૧૫૦ લોકોના સ્ટાફને હૅન્ડલ કરતી અને કરોડો રૂપિયાનો પ્રૉફિટ કમાતી, પોતાના આર્ટ અને સંસ્કૃતિને વિશ્વસ્તરે લઈ જઈને લોકોનાં દિલોમાં રાજ કરતી, પરિવારને જરૂર છે એટલે રિક્ષા ચલાવવામાં પણ સંકોચ ન રાખતી, પોતાની આબરૂ માટે જ નહીં પણ ન્યાય માટે અને આવનારી દીકરીઓની સુરક્ષા માટે પણ મજબૂત બનીને સમાજ અને કાનૂન સામે લડતી અને નવા કાનૂન બનાવતી દીકરીઓને આજે સમાજ જોઈ રહ્યો છે. આ દીકરીઓ આપણી આજુબાજુ જ છે અને તેઓ તેમની કાર્યક્ષમતાથી, ભગવાને આપેલી અદ્ભુત સમજદારીથી, તેમનાં અગણિત સપનાંઓથી અને તેમની અંદર રહેલી અસીમ શક્તિ વડે ખુદને અને સમાજને ધીમે-ધીમે બદલી રહી છે. આ બદલાયેલી અને ૨૦૨૨ની મૉડર્ન દીકરીઓને આજે ડૉટર્સ ડે નિમિત્તે થોડીક નજીકથી જાણીએ.



માતા-પિતા સાથે મિત્રતા


આજની યુવાન દીકરીઓ પેરન્ટ્સની બેસ્ટ ફ્રેન્ડ છે એ વિશે વાત કરતાં ઍક્ટર, ડિરેક્ટ અને પ્રોડ્યુસર જે. ડી. મજીઠિયા કહે છે, ‘મારી દીકરીઓ સાથે મારે મિત્રતાના સંબંધો. કેસરની વાત કરું તો અમે હવે સાથે કામ કરીએ છીએ અને મારા કોઈ પણ કામ પર મારા માટે તેનો ઓપિનિયન ખૂબ મૅટર કરે. ફક્ત એટલે નહીં કે તે મારી દીકરી છે, પણ તેની સમજ એવી વિકસી છે. મિસરી નાની હતી ત્યારે તે સ્કૂલે જાય તો હું તેને ઈ-મેઇલ કરતો. બાપ-દીકરી વચ્ચે ઈ-મેઇલમાં વાતો થતી હોય. આજે અમે બન્ને ઇન્સ્ટાગ્રામ પર એકબીજાને ફૉલો કરીએ છીએ. તેને કોઈ છોકરો ગમે તો તે મને પૂછતી હોય કે આ છોકરો સરસ દેખાય છેને! આવા સંબંધો આજની દીકરીએ પોતાનાં માતા-પિતા સાથે વિકસાવ્યા છે. આજે પણ દીકરીઓ લાગણીશીલ છે છતાં બૌદ્ધિક રીતે એટલી આગળ પડતી છે કે જેની પાસેથી તેઓ બધું શીખી છે એવાં તેમનાં માતા-પિતાને પણ આદર સાથે સલાહ આપી શકે છે અને મહત્ત્વના નિર્ણયોમાં પોતાનો મત પણ મૂકી શકે છે.’

વિષયનું બંધન નથી


દર વર્ષનાં બોર્ડનાં રિઝલ્ટ જણાવે છે કે દીકરીઓ ભણવામાં દીકરાઓને માત આપી રહી છે. જ્ઞાનને તે જીવનનું હથિયાર બનાવીને આગળ વધવામાં વિશ્વાસ ધરાવે છે. સિન્સિયરિટી એ સ્ત્રીનો સ્વભાવ છે - પછી એ પુસ્તકો હોય કે વેલણ. તેના ભાગે જે કામ આવે એ સિન્સિયરિટીથી તે કરે છે. સ્ત્રીઓના ભણતર વિશે વાત કરતાં જે. ડી. મજીઠિયા કહે છે, ‘એક સમય હતો જ્યારે દીકરીઓ ફક્ત હોમ સાયન્સ જ ભણતી કે આર્ટ્સના જ વિષયો લેતી. આજે એવું કશું નથી રહ્યું. કોઈ એવો વિષય બન્યો જ નથી જે દીકરી ભણી ન શકે કે એમાં તે મહારત હાંસલ ન કરી શકે.’

સુંદરતા જાળવવાનો ભાર નથી

આવા જ એક વેલકમ ચેન્જ વિશે વાત કરતાં નાટકો, સિરિયલો અને ફિલ્મોમાં ઍક્ટ્રેસ અને લેખિકા તરીકે કામ કરતાં સ્નેહા દેસાઈ કહે છે, ‘આજની દીકરીઓ સ્કૂલના ગ્રાઉન્ડમાં શૉર્ટ્સ પહેરીને બાસ્કેટબૉલ કે ફુટબૉલ રમતી હોય ત્યારે તેને કોઈ એમ નથી કહેતું કે આવાં કપડાં પહેરીને દોડશે તો ઘૂંટણ છોલાઈ જશે કે તડકામાં નહીં રમ, કાળી પડી જઈશ અથવા ​સ્વિમિંગમાં નહીં જા, તારી સ્કિન ખરાબ થઈ જશે તો પછી છોકરો મળવામાં મુશ્કેલી થશે. સુંદરતાને જાળવી રાખવાનો ભાર તેમના માથે નથી, પરંતુ તેમની પાસે શરીરને સશક્ત બનાવવાનો અને સ્પોર્ટ્સને જીવનનો એક ભાગ બનાવવાનો ચાન્સ છે જે તેમણે ઝડપી લીધો છે.’

બધી રીતે આત્મનિર્ભર

આજની દીકરી ખુદ ભણેલી છે, કરીઅર બનાવે છે, પૈસા કમાય છે, ખુદનું ઘર ખરીદે છે એટલે આર્થિક રીતે તો આત્મનિર્ભર છે જ; પરંતુ સામાજિક રીતે પણ તે આત્મનિર્ભર બની રહી છે એ વિશે વાત કરતાં ઍક્ટ્રેસ અપરા મહેતા કહે છે, ‘આજથી ત્રીસેક વર્ષ પહેલા મેં મારી સરનેમ લગ્ન પછી પણ બદલી નહોતી. આજે લગભગ બધી જ દીકરીઓ નથી બદલતી અથવા પોતાની સરનેમ સાથે પતિની સરનેમ રાખે છે. ખરું કહું તો આજની દીકરીઓને લગ્ન કરવાં તો છે; પરંતુ તેને પતિ નહીં, જીવનસાથી જોઈએ છે. તેને પણ પત્ની બનીને નહીં, જીવનસાથી બનીને રહેવું છે. જ્યારે એવું નથી બનતું ત્યારે તે લગ્નવ્યવસ્થામાંથી બહાર નીકળવા મથે છે. મારી આસપાસની કેટલીયે દીકરીઓએ લગ્ન નથી કર્યાં જેના મૂળમાં આ જ કારણ છે. તેમણે બાળક દત્તક લીધું છે અને તેનું લાલનપાલન પણ ખુદ એકલી બેસ્ટ રીતે કરી રહી છે. આટલું કૌવત છે આજની દીકરીઓમાં.’

આર્થિક જવાબદારીઓનું વહન

એક સમય હતો જ્યારે ઘરમાં દીકરીનો રોલ એ હતો કે બધાને પ્રેમથી રાખે, વડીલોની કહ્યાગરી હોય, ઘરનાં કામોમાં મદદ કરતી હોય અને પરિવારની હાર્મનીને જાળવી રાખતી હોય. એને લીધે પરિવારોને દીકરી પ્રત્યે કોઈ ખાસ અપેક્ષાઓ પણ નહોતી. જોકે આજની દીકરીનો રોલ ઘણો જુદો છે એ વાત કરતાં અપરા મહેતા કહે છે, ‘મેં મારી આસપાસ એવી કેટલીયે દીકરીઓ જોઈ છે જે ૧૮-૨૦ વર્ષની નાની ઉંમરથી પોતાની કરીઅર બનાવે. એટલું જ નહીં, પોતાના કમાયેલા પૈસે નાનાં ભાઈ-બહેનને ભણાવે, તેમને સેટલ કરે અને આખું ઘર તે પોતે ચલાવે. આજની દીકરીને એવું બિલકુલ જ નથી કે હું લગ્ન કરીને બીજાના ઘરે જવાની તો પિયર માટે મારે કશું કરવાની જરૂર નથી. ઊલટું તે પિયરની સામાજિક જ નહીં, આર્થિક જવાબદારી પણ ખૂબ ગરિમાપૂર્ણ રીતે નિભાવે છે. દીકરો ઘર ચલાવતો હોય તો તેનામાં એક અહંકાર જોવા મળે અને દીકરી ઘર ચલાવતી હોય તો તેનામાં ભારોભાર નમ્રતાપૂર્વકની જવાબદારી જોવા મળે. આ ફરક નાનોસૂનો નથી’

જીવનસાથીની પસંદગી

એક સમય હતો જ્યારે દીકરીઓનાં લગ્નની ઉતાવળ ખૂબ હતી અને જ્યાં કહીએ ત્યાં જ પરણવાની જીદ, પણ આજે તેમને એમાં થોડી મોકળાશ મળી છે એ વિશે વાત કરતાં લેખક ગુણવંત શાહ કહે છે, ‘મરજી વિરુદ્ધનાં લગ્નો દ્વારા આપણે કજોડાંનાં કારખાનાં સર્જીએ છીએ એને કારણે આપણી દીકરીઓએ અઢળક સહન કર્યું છે. જે પિતા દહેજ આપીને દીકરીને પરણાવે છે તે ક્રૂર હિંસા આચરે છે. ૨૦૨૨ની દીકરી આવો અત્યાચાર સહન ન કરી શકે. દરેક દીકરીને પોતાનો જીવનસાથી પસંદ કરવાની ચૉઇસ મળવી જ જોઈએ. કેટલાક લોકો પૂછશે કે એ ચૉઇસ સાચી ન નીકળી તો કે પછી લગ્નજીવનમાં પોતાની મન-મરજીને લીધે દીકરી નિષ્ફળ ગઈ તો? તો હું કહીશ કે એવી નિષ્ફળતા પણ મૂલ્યવાન હોય છે.’

ભૂલ કરો તો ભોગવો પણ

નિષ્ફળતા માટે જે. ડી. મજીઠિયા કહે છે, ‘આજની દીકરીઓ ભણેલી-ગણેલી છે અને ઘરની જ નહીં, બહારની દુનિયાથી પણ પૂરી રીતે અવગત છે. હું માનું છું કે દીકરીને દરેક ફ્રીડમ મળવી જ જોઈએ. મારી બન્ને દીકરીઓ કેસર અને મિસરીને અમે એ ફ્રીડમ આપીએ જ છીએ. તેમના નિર્ણયો તેમના જ હોવા જોઈએ, તેમના પર થોપાયેલા નહીં. તો શું એનો અર્થ એ થયો કે તેમના બધા નિર્ણયો સાચા જ હશે? ના, બિલકુલ નહીં.  એ ભૂલોમાંથી તેમણે જાતે જ શીખવાનું છે, પણ ભૂલો થશે કે ખોટું થશે એટલે નિર્ણયો લેવાનું છોડવાનું નથી. આ જ તેમનું લર્નિંગ છે.’

ઘરનાં કામ શીખવાનાં, પણ...

આજની દીકરીઓને ઘરનાં કામ શીખવાનાં જ એવું કોઈ ભારણ નથી. ભણતી હોય, કરીઅર બનાવતી હોય તો ઘરના જ તેને ના પાડી દે છે કે તારે ઘરનાં કામ કરવાની જરૂર નથી. તે તો કમાય છેને તો તેણે રસોઈ બનાવવાની શું જરૂર છે વાળો અભિગમ દીકરીઓને બળ નથી આપતો, તેમને પાંગળી બનાવે છે. બીજી તરફ આજે એવી દીકરીઓ પણ છે જેઓ બહાર એકલા રહીને ઘરની અને બહારની અને પોતાની સંપૂર્ણ જવાબદારી ઉઠાવતાં શીખે છે. આ બાબતે વાત કરતાં સ્નેહા દેસાઈ કહે છે, ‘એક સમય હતો જ્યારે ઘરનાં કામ દીકરીઓએ એટલે શીખવાનાં હતાં કે સાસરે જશે તો તેમને જરૂર પડશે જ. આજે એવું નથી રહ્યું. કામ તો હજી પણ શીખવાનાં જરૂરી છે; પણ એની પાછળનું કારણ સાસરું નથી, સેલ્ફ-લર્નિંગ ઍન્ડ લાઇફ સ્કિલ છે. જીવન જીવવા માટે ઘરનાં કામ કરવાનું કે ખાવાનું બનાવવાનું દીકરી અને દીકરા બંનેને આવડવું જોઈએ. કામ ત્યાં જ રહ્યું છે, પણ એની પાછળના જે આ કારણમાં બદલાવ આવ્યો છે એ પણ પ્રશંસનીય છે.’

પિયર-સાસરી વચ્ચે બૅલૅન્સ

એક સમય હતો કે દીકરી એક વખત સાસરે ગઈ એટલે પિયર ફક્ત મન હળવું કરવા કે આરામ કરવા જ આવતી, પરંતુ આજની દીકરીઓ એવી નથી. બરોડાસ્થિત લેખક ગુણવંત શાહને બે દીકરીઓ છે - અમીષા અને મનીષા. અમીષા બરોડામાં અને મનીષા સુરતમાં સ્થાયી છે, જ્યારે તેમનો દીકરો વિવેક મુંબઈ રહે છે. દીકરો દૂર અને દીકરી પાસે હોવાની પરિસ્થિતિમાં દીકરી કઈ રીતે જવાબદારીઓ નિભાવતી હોય છે એની વાત કરતાં ગુણવંત શાહ કહે છે, ‘આજની દીકરીઓ પોતાનું મન હળવું કરવા પિયર નથી જતી. ઊલટું માતા-પિતાને હળવા કરવા પિયર આવે છે. અમીષા અમારા ઘરથી એક જ કિલોમીટરના અંતરે રહે છે. મજાકમાં તે કહેતી હોય છે કે તે માંદી પડે અને અમે તેને મળી શકીએ એ માટે તે અમારી નજીક રહે છે. હકીકતમાં તે અમારું ધ્યાન રાખવા માટે નજીકમાં રહે છે. પિયર અને સાસરા વચ્ચે એવું અદ્ભુત બૅલૅન્સ આજની દીકરીઓ રાખતી હોય છે કે માતા-પિતાને ખરેખર લાગે કે તેઓ ધન્ય થઈ ગયાં. આ બીજું કઈ નહીં પણ પ્રેમની ક્રાંતિ છે.’

સ્વતંત્રતા સાથે જવાબદારી  

દીકરાને જે સ્વતંત્રતા મળે એ જ દીકરીને પણ મળવી જોઈએ એની ના નહીં, પરંતુ એના નામે તેની સ્વછંદતા તો ચલાવી ન શકાયને? એ વિશે વાત કરતાં અપરા મહેતા કહે છે, ‘ટૂંકાં કપડાં પહેરવાની, દારૂ ઢીંચવાની, સિગારેટ ફૂંકવાની પરવાનગીને જો દીકરીઓ સ્વતંત્રતા સમજતી હોય તો એ ખૂબ જ છીછરી વિચારસરણી છે. એને કઈ રીતે સમાનતા કહેવાય? ઘરનાં કામ નહીં કરવાનું કે જવાબદારીઓમાંથી છટકવાનું નામ સ્વતંત્રતા નથી. તકલીફ એ છે કે સ્ત્રી-જાતિ એક ખૂબ મોટા બદલાવમાંથી પસાર થઈ રહી છે જેને લીધે સ્વતંત્રતાનો કોઈ માપદંડ નક્કી થઈ નથી શકતો. સ્વતંત્રતાની પાંખો ઓઢીને ઊડવું હોય તો જવાબદારીના મજબૂત ખભા જોઈએ. નહીંતર ઊડી નથી શકાતું એ પણ આજની દીકરીઓને સમજવું પડશે અને તે નહીં સમજે તો સમય તેને ચોક્કસ સમજાવી દેશે.’

દામ્પત્યમાં સમાનતા

આજની દીકરીઓને તેમની સ્વતંત્રતા ખૂબ વહાલી છે, પણ એ સ્વતંત્રતા ક્યારેક દામ્પત્યજીવનમાં આડે નથી આવતી? આ પ્રશ્નનો જવાબ સ્પષ્ટ કરતાં ગુણવંત શાહ કહે છે, ‘દીકરીઓએ કોઈ પણ પ્રકારની વૈચારિક ગુલામી ભોગવવાની જરૂર નથી. હા, દામ્પત્યમાં એક સનાતન સત્ય છે કે તમે સુખી થવા માટે નહીં, સુખી કરવા માટે પરણ્યા છો. આજની તારીખે દીકરીઓએ આ સત્ય સ્વીકાર્યું છે, પરંતુ તે આ પણ ધ્યાન રાખે છે કે તેનો પતિ પણ એ સત્ય સ્વીકારીને ચાલે. એટલે જ આજનો પુરુષ જમવા બેઠો હોય તો પોતાની થાળી જાતે ઉપાડતો જ નથી, એને રીન્સ કરીને રાખતાં પણ શીખ્યો છે. આમ દામ્પત્યમાં સમાનતા લાવનારી તે છે.’

સ્ત્રીત્વ ન ગુમાવો

આજની દીકરીને હું શું કામ સહન કરું, હું કેમ ભોગ આપું, મારે જ કેમ બધું કરવાનું જેવા પ્રશ્નો થયા કરે છે. આ પ્રશ્નોમાં સમાજ કે સંબંધોમાં સમાનતા સ્થાપવાની ચાહ ઓછી અને નાહકની બરાબરીની અણસમજ વધુ દેખાય છે. એ વિશે વાત કરતાં સ્નેહા દેસાઈ કહે છે, ‘આજની દીકરીઓ ફેમિનિસ્ટ બને એ ખૂબ સારું છે, પણ ફેમિનાઝી બની રહી છે એ યોગ્ય નથી. પુરુષસમોવડી બનવાની હોડમાં જો તે પોતાનું સ્ત્રીત્વ જ ખોઈ બેસશે તો એ સમાનતા તો નહીં મળે, પરંતુ તે ખુદને જ ગુમાવી બેસશે. દીકરીઓને રાઇટ્સ અને રિસ્પૉન્સિબિલિટી સમાન આપવાનાં છે, તકો સમાન આપવાની છે; પરંતુ દીકરીનું દીકરી હોવું જ છીનવાઈ જાય એ રીતે નહીં.’

Whatsapp-channel Whatsapp-channel

25 September, 2022 12:54 PM IST | Mumbai | Jigisha Jain

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK