આલિયા ભટ્ટ અને વિકી કૌશલની ફિલ્મ ‘રાઝી’ પણ ભારત અને પાકિસ્તાનના ૧૯૭૧ના વૉર સાથે સીધી સંકળાયેલી છે.

1971 અવિસ્મરણીય ખમીરની સત્યગાથા
પહેલી ડિસેમ્બર, ૧૯૭૧.
જે સમયે પાકિસ્તાની આર્મી એમના સિનિયર્સ સાથે મીટિંગ કરતી હતી એ સમયે ભારતમાં ટેન્શન હતું. વૉરનો અંદાજ હતો, એ થવાનું છે એ પણ ઑલમોસ્ટ ફાઇનલ હતું; પણ પિક્ચર ક્લિયર નહોતું જે અકળામણ સૅમ માણેકશૉને ચરમસીમા પર લઈ જવાનું કામ કરી ગઈ હતી અને એ જ દરમ્યાન એક સમાચાર એવા મળ્યા જેણે સૅમ માણેકશૉની અકળામણની ચરમસીમાને પણ તોડી નાખી.
‘આપ એક કામ કરો...’ પ્રાઇમ મિનિસ્ટર સાથે વાત થઈ ત્યારે માણેકશૉએ ફોન પૂરો કરતાં પહેલાં તેમને કહ્યું હતું, ‘આજનાં કલકત્તાનાં ન્યુઝપેપરો મગાવીને જરા નજર નાખી લો. બધું સમજાઈ જશે...’
‘ઇમિજિયેટલી કલકતાનાં ન્યુઝપેપરોની વ્યવસ્થા કરો...’
રિસિવર ક્રેડલ પર મૂકતાં પહેલાં જ ઇન્દિરા ગાંધીએ ઇન્સ્ટ્રક્શન આપી અને ન્યુઝપેપરની તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવી.
lll
કાશ્મીર બૉર્ડર પાસે એક ડેડ-બૉડી ફેંકી દેવામાં આવી છે જેના પર અનેક ઘા છે અને એ ઘા વચ્ચે બૉડી પર ક્રૉસ અને ઓમકાર બન્ને સાથે એક જ ચેઇનમાં હોય એવું એક લૉકેટ પણ મળ્યું છે. ન્યુઝપેપરમાં લખ્યું છે કે લોકલ પોલીસે એ વ્યક્તિની ઓળખ મેળવવાની તજવીજ હાથ ધરી છે. મરનારી વ્યક્તિ પાસેથી કલકતાના કેટલાક ડૉક્યુમેન્ટ્સ મળ્યા હોવાથી લોકલ પોલીસે વ્યક્તિની તપાસ કલકત્તામાં પણ શરૂ કરી છે.
કલકત્તાનાં ચાર મુખ્ય ન્યુઝપેપરના ફ્રન્ટ પેજ પર આ એક ન્યુઝ કૉમન હતા. આ ન્યુઝે પ્રાઇમ મિનિસ્ટરને સમજાવું પણ દીધું કે જેની ડેડ-બૉડી મળી છે એ બીજું કોઈ નહીં પણ રૉનો ઑફિસર મિત્રા છે.
lll
મિત્રા પોતાના એક સાથીને મળવા માટે ગયા હતા. રૉનો વણલખ્યો નિયમ છે કે પોતાના ખબરીઓની સાથે જે-તે ઑફિસર જ કૉન્ટૅક્ટમાં રહે અને એ ખબરીને રૂબરૂ મળવાનું બને તો પણ તે જ મળે.
ઈસ્ટ પાકિસ્તાનમાં પાકિસ્તાનની આગળની સ્ટ્રૅટેજી શું છે એ ઇન્ફર્મેશન મિત્રાના ખબરીને મળી હતી, જે જાણકારી હિન્દુસ્તાન માટે બહુ અગત્યની હતી. રૉ માટે કામ કરતા અને હજી હમણાં જ મિત્રાના સંપર્કમાં આવેલા એ ખબરીની ઇઈચ્છા હતી કે તે રૂબરૂ જ મળે અને જરૂરી ડૉક્યુમેન્ટ્સ પણ મિત્રાને સોંપી દે.
ઈસ્ટ પાકિસ્તાનમાં નેવીની ઍક્ટિવિટી વધી હતી, જે વિશે રૉને આછોસરખો અંદાજ પણ આવ્યો હતો અને ખબરી પાસે નેવીને સંબંધિત જ માહિતી હતી એટલે મિત્રા માટે આ મીટિંગ અગત્યની બનતી હતી. મિત્રાએ મળવા જતાં પહેલાં પોતાના ડિપાર્ટમેન્ટના અધિકારીઓને એ વિશે જાણકારી આપી હતી અને એ પછી સત્તાવાર રીતે રજા મૂકીને મિત્રા ખબરીને મળવા માટે રવાના થયા. ત્યાર પછી સીધા મિત્રાની હત્યાના સમાચાર આવ્યા. અલબત્ત, એક વાત સારી એ હતી કે મિત્રા પોતાના એક જુનિયરની સાથે તમામ માહિતી શૅર કરતા હતા અને એ જ કારણે ૧૯૭૧ના વૉરમાં પાકિસ્તાની નેવી ઍક્ટિવ થઈને INS વિક્રાન્ત પર હુમલો કરે એ પહેલાં જ એ હુમલાને નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો.
lll
જો તમે ફિલ્મ ‘રાઝી’ જોઈ હોય તો એમાં આ જ વાત છે. વિક્રાન્ત પર થનારા એ હુમલાને ખાળવાનું કામ ફિલ્મમાં સહમત ખાન સૈયદના હાથે થાય છે એવું દેખાડવામાં આવ્યું છે, પણ એ હુમલાને ખાળવામાં રૉ અને રૉના ઓફિસર મિત્રાનો પણ એટલો જ મોટો ફાળો હતો.
સ્વાભાવિક રીતે ફિલ્મ હોવાને લીધે ‘રાઝી’માં અનેક પ્રકારનો ડ્રામા ઉમેરવામાં આવ્યો હતો, પણ મૂળ વાત એ હતી કે વૉર શરૂ થતાંની સાથે જ પહેલાં હિન્દુસ્તાની ઍરફોર્સને વિકલાંગ કરવી અને એ પછી ઇન્ડિયન નેવીને પણ અપંગ બનાવવી, જેના માટે INS વિક્રાન્તને તહસનહસ કરીને હિન્દુસ્તાનમાં સોપો પાડી દેવો. આ પ્રક્રિયા ચાલુ હોય એ દરમ્યાન પાકિસ્તાની આર્મી પોતાનું કામ કરતી રહે.
વિક્રાન્ત પર હુમલો કરવા માટે પાકિસ્તાને જે ગાઝી નામની સબમરીનને જવાબદારી સોંપી હતી એ ગાઝી આ દિવસોમાં ઈસ્ટ પાકિસ્તાનની સરાઉન્ડમાં ચોકીદારી કરતી હતી.
lll
રૉના મિત્રાને આ વિશે ઇન્ફર્મેશન આપવા જ ખબરી પાકિસ્તાનથી રવાના થયો અને મિત્રા દિલ્હીથી. બન્ને કાશ્મીરમાં મળવાના હતા. એ સમયે કાશ્મીર સરહદ પર સામાન્ય અવરજવર શક્ય હતી અને એ જ શક્યતાનો લાભ લઈને ખબરીએ કાશ્મીર વૅલીમાં મિત્રા સાથે મીટિંગ કરી. મીટિંગ દરમ્યાન પોતાની પાસે જે કોઈ પેપર્સ હતા એ પેપર્સ પણ તેણે મિત્રાને આપ્યા. મિત્રાની સુચના મુજબ આગળની કાર્યવાહી સમજીને ખબરી ફરી પાકિસ્તાનહસ્તકના કાશ્મીરમાં દાખલ થઈ ગયો અને મિત્રા વાયા કલકત્તા થઈને દિલ્હી આવવા માટે નીકળ્યા. અલબત્ત, કાશ્મીર છોડતાં પહેલાં તેમણે પોતાની પાસે રહેલી તમામ ઇન્ફર્મેશન પોતાના જુનિયર સાથે શૅર કરી લીધી અને એ જ રાતે તેમની જમ્મુની હોટેલમાં હત્યા થઈ.
પોતાની સાથે કલકત્તાના નકલી ડૉક્યુમેન્ટ્સ બનાવીને ગયા હોવાથી જમ્મુ પોલીસે ઇન્ક્વાયરી શરૂ કરી અને તપાસ કલકત્તા પહોંચી.
lll
તાત્કાલિક ધોરણે મિત્રા પાસેથી મળેલા ડૉક્યુમેન્ટ્સ મેળવવામાં આવ્યા અને એ પેપર્સ પર ઇમિજિયેટ ચેકિંગ શરૂ થયું.
ઇન્ફર્મેશન અને ડૉક્યુમેન્ટ્સના આધારે એવું લાગતું હતું કે પાકિસ્તાન પોતાના ઈસ્ટ પાકિસ્તાનના ભાગથી ભારત પર હુમલો કરશે. યુદ્ધના ધોરણે ઇન્ડિયન નેવીને તૈયાર કરવામાં આવી તો સાથોસાથ વેસ્ટમાં રહેલાં અમુક ફાઇટર પ્લેન પણ ઈસ્ટ ઇન્ડિયાના વિભાગ પર શિફ્ટ કરવાનો આદેશ આપવામાં આવ્યો અને અન્ય સુરક્ષા પણ કડક કરવામાં આવી. અલબત્ત, કરવામાં આવેલા આ તાત્કાલિક સુધારાઓએ ભારત માટે ટેન્શન ઊભું કરવાનું કામ કર્યું, જેની ખબર ત્રણ દિવસ પછી પાકિસ્તાને હુમલો કર્યો ત્યારે પડી.
મળેલી ઇન્ફર્મેશનને કારણે હિન્દુસ્તાન હવે થોડું મુશ્તાક બન્યું હતું. એને એવું લાગ્યું કે પાકિસ્તાનની આખી બાજી હવે તેમના હાથમાં છે. જોકે આખી બાજી નહીં, ત્રણ ચરણમાં થનારા હુમલાની વચ્ચેની માહિતી જ તેમની પાસે આવી હતી. પ્રથમ અને અંતિમ ચરણ વિશે ભારત સંપૂર્ણ અંધારામાં હતું અને એમ છતાં એ પોતાને મળેલી માહિતીના આધારે પ્લાનિંગ પર લાગી ગયું હતું.
એ જ રાતે ઇમર્જન્સી મીટિંગ બોલાવવામાં આવી અને મીટિંગમાં મહત્ત્વનો કહેવાય એવો એક નિર્ણય લેવામાં આવ્યો.
lll
‘અગર પશ્ચિમ સે કુછ આગે નહીં બઢતા તો...’ એ રાતે પ્રાઇમ મિનિસ્ટરે ઑફિશ્યલ નિર્ણય લઈ લીધો, ‘હમ છઠ્ઠી ડિસેમ્બર કો ઈસ્ટ પાકિસ્તાન પે હમલા કરેંગે...’
વિધિની વક્રતા જુઓ. જે દિવસે પાકિસ્તાને ભારત પર હુમલો કરવા માટે ત્રીજી ડિસેમ્બર નક્કી કરી લીધી હતી ત્યારે એ જ દિવસે ભારતે નક્કી કર્યું હતું એ છઠ્ઠી ડિસેમ્બરે હુમલો કરશે! ભારત જ્યાંથી અટૅક કરવાનું વિચારતું હતું એનાથી બિલકુલ વિપરીત દિશામાં પાકિસ્તાને હુમલો કરવાની તૈયારી કરી હતી!
lll
દિવસની સાથોસાથ ભારત સરકારે સમય પણ નક્કી કર્યો.
રાતે ૧૧ વાગ્યાનો.
પાકિસ્તાન આ બાબતમાં પણ છ કલાક આગળ હતું!
જે દિવસે આ નિર્ણય લેવાયો એ સમયે સૅમ માણેકશૉની ટેલિફોનિક હાજરી હતી તો ડિફેન્સ મિનિસ્ટર બાબુ જગજીવનરામ અને પ્રાઇમ મિનિસ્ટર ઇન્દિરા ગાંધીએ બોલાવેલી આ મીટિંગમાં ડિફેન્સના અન્ય અધિકારીઓ અને ઑફિસ બેરર્સને હાજર રાખવામાં આવ્યા હતા.
મીટિંગ પૂરી થઈ ત્યારે પહેલી ડિસેમ્બર ઑલરેડી પૂરી થઈ ગઈ હતી અને બીજી ડિસેમ્બરના દિવસના ચોવીસ કલાકમાંથી પણ બે કલાક પસાર થઈ ગયા હતા.
બીજા દિવસે એટલે કે ત્રીજી ડિસેમ્બરે ઇન્દિરા ગાંધીએ કલકત્તા જવાનું હતું. છઠ્ઠી ડિસેમ્બરને ધ્યાનમાં રાખીને અડતાલીસ કલાક પછીના જે કાર્યક્રમો ગોઠવાયા હતા એ હવે તેમણે કૅન્સલ કરાવી નાખ્યા હતા. મિસિસ ગાંધીને ખબર ક્યાં હતી કે ત્રીજી ડિસેમ્બરનો કાર્યક્રમ પણ તેમને દોડતાં કરી દેવાનો છે.
lll
૧૯૭૧, ૩જી ડિસેમ્બર અને રવિવાર.
પીએમ કલકતા જવા માટે રવાના થઈ ગયા અને એ જ દિવસે બપોરે અગિયાર વાગ્યે ડિફેન્સ મિનિસ્ટર બાબુ જગજીવનરામ પણ બિહારના પટનામાં રાખવામાં આવેલા એક પૉલિટિકલ કાર્યક્રમમાં હાજર રહેવા માટે રવાના થઈ ગયા.
દેશના બન્ને સર્વોચ્ચ નેતા હવે દિલ્હીની બહાર હતા અને બીજા દિવસ પછી બન્ને નેતા નવી સૂચના ન મળે ત્યાં સુધી દિલ્હી છોડવાના પણ નહોતા. તેમના માટે કયામતના દિવસો હવે શરૂ થવાના હતા અને હિન્દુસ્તાન માટે કયામતનો દિવસ આંખ સામે આવી ગયો હતો.
lll
દેશભરનો માહોલ સાવ જ જુદો છે.
શિયાળો શરૂ થઈ ગયો હતો અને ઠંડીએ પણ વહેલી તાકાત દેખાડવાની શરૂ કરી દીધી હતી. દેશવાસીઓ રવિવારની રજા માણવાના મૂડમાં હતા. ક્યાંય કોઈ ટેન્શન નહીં, ક્યાંય કોઈ તનાવ નહીં. શિયાળાના આરંભના દિવસોનો સૌકોઈને આનંદ માણવો હતો. મોટા ભાગના દેશમાં સૌકોઈ જાણતું હતું કે આરંભે જે આકરો છે એ શિયાળો આવતા દિવસોમાં તો કેવો વિકરાળ હશે. બહેતર છે કે આજને માણી લઈએ.
બપોરે બાર વાગ્યે પણ હજી આકાશ કુમળો તડકો આપવાનું કામ કરતો હતો, જેને માણવા ગાર્ડનથી માંડીને બીજી ખુલ્લી જગ્યાઓમાં સૌ બહાર આવી ગયા હતા. શરીરે ગરમ કપડાં હતાં તો પુરુષોએ કાન પર મફલર કે મન્કી કૅપ અને મહિલાઓએ બન્ને કાન ઢંકાઈ જાય એમ માથા પર સ્કાર્ફ બાંધી લીધા હતા. ગાર્ડનમાં બાળકો હીંચકા ખાતાં હતાં કે લસરપટ્ટી સાથે ધિંગામસ્તી કરતાં હતાં. દાદાઓએ ઘરેથી જ ન્યુઝપેપર સાથે લઈ લીધું હતું, જે હવે ગાર્ડનમાં ખોલીને તેઓ વાંચવા બેસી ગયા હતા તો દાદીમાના હાથ કાં તો શાકભાજી સુધારવામાં અને કાં તો ઊનનું ભરતકામ કરવામાં વ્યસ્ત હતા.
ક્યાંક તડકામાં ચા પીવાતી હતી તો ક્યાંક તડકામાં ઊભા રહી બે હાથ ઘસીને ગરમાટો લાવવાનો પ્રયાસ ચાલુ હતો.
દિલ્હીમાં એ દિવસે ટેમ્પરેચર ૪.૭ ડિગ્રી જેટલું નીચું થઈ ગયું હતું, જેને લીધે લોકો બપોરે બાર વાગ્યા સુધી બહાર જ નહોતા નીકળ્યા. ચેન્નઈમાં ટ્રામ શરૂ કરવી કે નહીં એનો સર્વે શરૂ થઈ ગયો હતો અને કૉલેજના સ્ટુડન્ટ્સ એ પૃચ્છા કરતાં રસ્તા પર ફરતા હતા, જ્યારે કલકત્તા ટેન્શનમાં હતું. પ્રાઇમ મિનિસ્ટર કલકત્તામાં હતા એટલે પોલીસે અલર્ટ હતી, પણ આ જ તકનો લાભ લઈને કૉલેજના સ્ટુડન્ટ્સે રૅલી કાઢી હતી. તેમની માગ હતી કે ઈસ્ટ પાકિસ્તાનના લોકો માટે સરકાર જેટલી જહેમત ઉઠાવે છે એનાથી અડધી મહેનત પણ એ વિસ્તારમાં ફસાયેલા બંગાળીઓને બહાર લાવવા માટે નથી લઈ રહી. મૌન રૅલી કોઈ જાતનું તોફાન ન કરી બેસે એ વાતનું ધ્યાન રાખીને પોલીસસ્ટાફ એ રૅલીની આગળ અને પાછળ ચાલતો હતો.
ગુજરાતમાં પણ વાતાવરણ નબળું જ હતું.
ગુજરાતમાં રાષ્ટ્રપતિશાસન હતું, જેની વિરુદ્ધ અને ખાસ તો પ્રેસિડન્ટ વરાહગિરિ વેન્કટગિરિ વિરુદ્ધ રૅલી કાઢવામાં આવી હતી. ગાંધીનગરમાંથી કાઢવામાં આવેલી આ રૅલીમાં સૂત્રોચ્ચાર ચાલુ હતા અને પ્રેસિડન્ટના નામનો હાય-હાય થતી હતી. અલબત્ત, આ વિરોધનો કોઈ અર્થ સરતો નહોતો, કારણ કે પ્રેસિડન્ટશિપને લાગુ કરવાનો અધિકાર માત્ર પ્રાઇમ મિનિસ્ટર પાસે હતો તો ગવર્નરને ચેન્જ કરવાનો અધિકાર પણ માત્ર પ્રાઇમ મિનિસ્ટર પાસે હતો. આ એક એવી ડિમાન્ડ હતી જે ગુજરાતમાં રૅલી કાઢવાથી ક્યારેય પૂરી નહોતી થવાની, પણ મનમાં રહેલો રોષ કોઈ જગ્યાએ તો પ્રતિબબિબીત થશે એવા દૃષ્ટિકોણથી એ કાઢવામાં આવી હતી.
ગાંધીનગરમાં આ હાલત હતી તો ગુજરાતના જ કચ્છ જિલ્લાના ભુજ શહેરમાં સાવ જુદું જ વાતાવરણ હતું.
૧૯૬૦માં મુંબઈ રાજ્યના બે ભાગ કરીને ગુજરાત અને મહારાષ્ટ્ર એમ બે રાજ્યો બનાવવામાં આવ્યાં. એ સમયે થઈ રહેલા સર્વેમાં જ કચ્છીઓએ માગ મૂકી હતી કે જો ભાષા અને રહેણીકરણીના હિસાબે મુંબઈને બદલે ગુજરાત અને મહારાષ્ટ્ર બનાવવામાં આવે છે તો પછી અત્યારથી જ ગુજરાતના પણ બે હિસ્સા કરીને ગુજરાત અને કચ્છ એમ બે અલગ રાજ્યો બનાવવામાં આવે. ભારત સરકારે એ વાત માની નહીં અને એ નહીં માનવાનાં પણ એની પાસે કારણો હતાં. અલબત્ત, એ કારણો સાથે કચ્છને નિસબત નહોતી અને એટલે તેમણે અલગ કચ્છ રાજ્યની માગ શરૂ કરી.
એ દિવસે ભુજ શહેરમાં કચ્છના રાજવીએ આ જ સંદર્ભની બેઠક બોલાવી હતી અને કચ્છને અલગ રાજ્ય બનાવવામાં આવે એ માટે શું પગલાં લેવાં એ વિશેની ચર્ચા સ્થાનિક કચ્છી આગેવાનો સાથે ચાલતી હતી, જ્યારે કચ્છના માધાપરમાં...
માધાપરનું વાતાવરણ એવું જ હતું જેવું સામાન્ય એક ગામડાનું હોય. બધા પોતપોતાની રીતે જીવી રહ્યા હતા. સવાર વહેલી પડી ગઈ હતી. કચ્છની ઠંડીની આદત સૌકોઈના લોહીમાં વણાઈ ગઈ હતી એટલે પરોઢથી ગામ કામે પણ લાગી જતું. ગાયો દોહવાઈ ગઈ હતી અને બાર વાગ્યા સુધીમાં તો ગાયો ચરાવવાનું કામ પણ પૂરું થઈ ગયું હતું. રવિવાર હતો એટલે ગામનાં બાળકોને પણ નિરાંત હતી. છોકરાઓ ચડ્ડી અને શર્ટ પહેરીને રખડતા હતા તો ક્યાંક ગોટી રમતા હતા. ક્યાંક છોકરીઓ કૂંડાળાં કરીને રમતી હતી તો ક્યાંક છોકરીઓ પાચિકાથી રમતી હતી. ચોરપોલીસની રમત ગામના પાદરને ભરેલું બનાવતી હતી તો છોકરીઓની સાંકળ-સાતતાળીની રમત ગામની ગલીઓને ટૂંકી બનાવવાનું કામ કરતી હતી.
પાદરનું વાતાવરણ જુદું હતું.
lll
‘આ તડકોય તીખો થાવા માંયડો હવે...’
ગામના પાદરમાં પશ્ચિમનો તડકો ઝીલતા મુખીએ આંખો ઝીણી કરી. તડકાની આક્રમકતા ડિસેમ્બરમાં વધે એવું તેની અનુભવો આંખો માનવા તૈયાર નહોતી, પણ વાતાવરણ બદલાઈ રહ્યું હતું એવું તો તેના ચહેરા પરથી સ્પષ્ટતા સાથે ખબર પડતી હતી. બાજુમાં બેઠેલા ગોરુભાએ મુખી માવજી ડોસાની વાતમાં હોંકારો ભણ્યો. હોંકારાના બે અર્થ છે. વાતનો સ્વીકાર પણ થાય અને વાતમાં રસ નહીં હોવાનો ભાવ પણ પ્રદર્શિત થાય. માવજીએ આ બીજા ભાવને પ્રથમ ક્રમે મૂકીને ગામ તરફ નજર કરી.
ભુજથી બાર કિલોમીટર દૂર આવેલા માધાપર માટે ભુજ હટાણું-મથક હતું. ગામનો આધાર ભુજ પર પણ ભુજ જવા કોઈ રાજી નહીં. ગામની માટી સાથે જાણે કે લોહચુંબક અને લોખંડ જેવો સંબંધ હતો ગામવાસીઓને.
‘એ’લા, દૂધના ભાવનું પછે શું કયરું?’
‘ડેરિયુંવાળાએ ના પકડાવી દીધી.’
‘માળું બેટું હદ છે...’ માવજી ડોસાએ માથેથી પાઘડી ઉતારી કાબરચીતરા થઈ ગયેલા વાળ પર હાથ ફેરવ્યો, ‘જગતઆખાને મોંઘવારી નડે, ભાવ દોઢો માગે; પણ આપણને ડિંગો દઈને ઊભા રઈ જાય...’
‘કાન્યા, હાલ ઘરમાં...’
શાંતાના પહાડી અવાજે દીકરાને હાંક પહોંચી, પણ એ હાંક માવજી ડોસાની આંખો તંગ કરી ગઈ. મહત્ત્વની વાતો વચ્ચે આવનારી નકામી વાતો હંમેશાં શૂળ ભોંકવાનું કામ કરતી હોય છે. અત્યારે એવું જ થયું હતું માવજી ડોસાને. માવજીએ ગોરુભા સામે જોયું.
‘કાન્યા...’
‘મુખી, ગોરુભા...’ ગોરુભાએ સુધારો કર્યો, ‘કાન્યો તો શાંતાનો નાનકો...’
‘ઈ જે હોય એ, વાત સાંભરને...’ માવજીએ છાશિયું કર્યું, ‘મારું મન ક્યે છે આપણે આ શહેરવાળા થાય હવે... રેલિયું-બેલિયું કાઢી તો બધાયને ભાન થાય કે અમનેય બધુંય આવડે છે, ખાલી કરતા નથી અમે કાંય...’
‘હં...’ ગોરુભાને પહેલી વાર મુખીની વાતમાં રસ પડ્યો, ‘મુખી, વાત ઊંચા માયલી છે હોં... કરો કાલે બધાયને ભેગા. પાળી દઈ છાકો.’
‘હં...’
મુખીના હોંકારામાં વાતના સ્વીકારનો ભાવ હતો. જોકે તેમને ખબર નહોતી પાડોશી દેશ તેમની આ મુરાદ પર પાણી ફેરવવાનું કામ આરંભી થઈ ચૂક્યો છે અને કલાકમાં દેશ પર ગાજવીજ સાથે બૉમ્બાર્ડિંગ શરૂ થવામાં છે.
વધુ આવતા રવિવારે