° °

આજનું ઇ-પેપર
Sunday, 11 April, 2021

આત્મનિર્ભર@26

28 February, 2021 02:49 PM IST | Mumbai | Rashmin Shah

આત્મનિર્ભર@26

આત્મનિર્ભર@26

આજની અને ૨૬ વર્ષ પહેલાંની આત્મનિર્ભરતામાં જમીન-આસમાનનો ફરક છે: કૈલાશ ખેર (સૂફી સિંગર)

અત્યારે જ્યારે ૨૬ વર્ષની ઉંમરને યાદ કરું છું ત્યારે બધું આસાન લાગે છે, સરળ લાગે છે. એ સમયે તો હું હજી મુંબઈ આવ્યો પણ નહોતો. જિંદગી જબરદસ્ત ઉતાર-ચડાવ વચ્ચે પસાર થતી હતી. મને યાદ છે ત્યાં સુધી હું ૨૯-૩૦ વર્ષનો થયો એ પછી મુંબઈ આવ્યો. ૨૬ વર્ષની ઉંમરે હું ઋષીકેશમાં હતો અને યજ્ઞ-હવન જેવી શાસ્ત્રોક્ત વિધિ શીખતો હતો. આત્મવિશ્વાસ કૂટી-કૂટીને ભર્યો હતો. સપનાંઓ મોટાં હતાં અને કહું કે જે તેવર હતા, ઍટિટ્યુડ હતો એ પણ જબરદસ્ત ઊંચો હતો. એટલું નક્કી હતું કે નીચે ઉડાન કરવી નથી, ઊંચે ઊડવું છે અને એકલા ઊડવું છે. જોકે હું એ સમયે અંતર્મુખી હતો.

દુનિયાને ત્યારે કહેતો નહોતો. બધું મનમાં જ રહેતું. તેર-ચૌદ વર્ષની નાની ઉંમરે જ ઘર છોડી દીધું હતું એટલે બધું જાતે જ કરતો હતો. એને લીધે આત્મનિર્ભરતા તો ત્યારથી જ આવી ગઈ હતી. વાસણથી માંડીને કપડાં ધોવા સુધીની પ્રક્રિયા અને ખાવાનું પણ જાતે બનાવવાનું અને ખાવા માટે જોઈએ એ રૅશન માટે પૈસા કમાવાનું કામ મારા પર જ હતું. એક વાત યાદ રાખજો. વસ્તુઓ આવી જાય તો પણ સ્વયં પરિશ્રમ કરવો પડે છે. ગોળ-ગોળ કે લાડુ-લાડુ બોલવાથી મોઢું મીઠું નથી થતું. તમારે એના માટે મહેનત કરવી પડે.

ગોળ બજારમાં લેવા જાવ, એ ખરીદો, પછી એ હાથમાં આવે. હથેળી પર ગોળ રાખીને પણ કશું નથી થવાનું. એ પછી પણ તમારે પ્રયાસ કરવાનો છે. ગોળને મોઢામાં રાખી લેવાથી પણ નહીં ચાલે. તમારે એ ચાવવો પડે. પરિશ્રમ જ સફળતાની ચાવી છે.

છવ્વીસની ઉંમરે હું કર્મકાંડ કરતો, મ્યુઝિકનાં ટ્યુશનો કરતો. અર્થ ઉપાર્જન માટે ટ્રક પણ મેં ચલાવી છે. એ ઉંમર જ એવી હોય કે જે મળે એ બધું કરી લેવાની હિંમત આવી જાય. તકલીફોનો ઢગલો હતો. હું કહીશ કે ૨૬ વર્ષમાં ૨૬૦૦ વર્ષનો અનુભવ મળી ગયો હતો. તમારે જ કૂવો ખોદવાનો અને તમારે જ પાણી પીવાનું.

હું સંપૂર્ણપણે આત્મનિર્ભર હતો. મને લાગે છે કે આજની અને અમારા સમયની આત્મનિર્ભરતામાં જમીન-આસમાનનો ફરક છે. આજે જેની પાસે લક્ઝરી છે, સાધનસામગ્રી છે, અસિસ્ટન્ટ કે

પછી સ્ટાફ છે એને આત્મનિર્ભર માને છે; પણ ના, એ આત્મનિર્ભરતા નથી. પોતાનાં કપડાં જાતે ધોઈ લે અને જાતે જમવાનું બનાવી લે એ આત્મનિર્ભર છે. આજનો આત્મનિર્ભર આ બધું નથી કરતો. આત્મનિર્ભર એ છે જે બધી બાબતમાં સ્વાવલંબી હોય. નાની-નાની વાતમાં ચાલાકી કરીને પોતાને આત્મનિર્ભર ગણાવે એ આત્મનિર્ભરતા નથી. આત્મનિર્ભરતા એ છે જેમાં સામેવાળાની ચાલાકી જોઈને પણ જતું કરી દે અને હસતા મોઢે સામેવાળાને રાજી રાખે. હું કહીશ કે હું તમામેતમામ બાબતમાં આત્મનિર્ભર છું અને આ નક્કર આત્મનિર્ભરતા છે.

જાતને એક્સપ્લોર કરવાની ક્ષમતા હોય એ જ આત્મનિર્ભર બને: કેતકી દવે (ટીવી, ફિલ્મ અને થિયેટર ઍક્ટ્રેસ)

છવ્વીસ વર્ષે મારી દીકરીનાં લગ્ન નહોતાં થયાં, પણ મારાં લગ્ન થઈ ગયાં હતાં અને મારે ત્યાં રિદ્ધિનો જન્મ પણ થઈ ગયો હતો. આ પિરિયડમાં મેં કામમાંથી બ્રેક લીધો હતો. એ પહેલાં હું ઍક્ટિંગ કરતી હતી અને બ્રેક પછી પણ ઍક્ટિંગ જ કરવી એ પણ નક્કી હતું. હા, એ સમયે મારું નામ આજ જેવું મોટું નહોતું. થિયેટર સિવાય હું કશું કરતી નહોતી. મારે મારું નામ બનાવવાનું હતું, મારી ઍક્ટિંગથી હજી જાતને મારે પુરવાર કરવાની હતી. લોકો મને ઓળખતા થયા ‘ઓળખાણ’ નાટકથી. હું ઘણી વાર મજાકમાં કહું પણ ખરું કે ‘ઓળખાણ’ ન હોત તો મારી ઓળખ ઊભી ન થઈ હોત. છવ્વીસ વર્ષ પૂરાં થાય એ પહેલાં જ મારું ‘ઓળખાણ’ નાટક આવ્યું અને એ પછી ગાડી પૂરપાટ ભાગી.

મમ્મી સરિતા જોષી મારાં આઇડલ અને એ પણ બહુ નાની ઉંમરથી. હું સોળ વર્ષની હતી ત્યારે જ મને એક બહુ મોટા અને દિગ્ગજ ડિરેક્ટરે કહ્યું હતું કે તું પણ તારી મમ્મીની જેમ ઍક્ટિંગમાં ખૂબ નામના મેળવીશ, તને જોતી વખતે સરિતા જ દેખાઈ આવે છે. મેં ઍક્ટિંગ શરૂ કરી ત્યારે મારે ટાઇપકાસ્ટ થવું નહોતું. મમ્મીનું કૉમિક ટાઇમિંગ અદ્ભુત છે અને એટલે મેં નક્કી રાખ્યું હતું કે હું કૉમેડી રોલ નહીં કરું. જો એવું કરું તો મારી સીધી કમ્પૅરિઝન મમ્મી સાથે થાય. મારે મમ્મી જેવું બનવું છે, પણ મારી પોતાની ઓળખ પણ મને જોઈએ છે. મમ્મી સાથે કમ્પૅરિઝન નહોતી જોઈતી એટલે ઊલટું કર્યું અને સિરિયસ રોલ શરૂ કર્યા, જેમાં નામના બનાવી અને પછી હું ધીમે-ધીમે કૉમેડી રોલ તરફ વળી. કૉમેડીમાં પણ મેં મારી સ્ટાઇલ બનાવી અને ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યું. મેં મારી જાતને એક્સપ્લોર કરી અને આજે પણ હું કરતી રહું છું.

જાતને એક્સપ્લોર કરવી એ જ મારે મન સાચી આત્મનિર્ભરતા છે. જો આપણે જાતને એક્સપ્લોર ન કરી હોત તો આજે પણ માસ્ક અને સૅનિટાઇઝર, વેન્ટિલેટર જેવી બાબતોમાં ચાઇના પર પરાવલંબી હોત. જાતને એક્સપ્લોર કરો તો જ નવું કશું કરવાની ક્ષમતા આવે. આત્મનિર્ભર બનવાની બાબતમાં મારે એક સ્પષ્ટતા કરવી છે. મધ્યમાં જાતને રાખવી અનિવાર્ય છે, જાતને પ્રાધાન્ય આપવું જરૂરી છે. હું હંમેશાં મારી જાતને ખુશ રાખવાની કોશિશ કરું છું અને એ માટે મેં હંમેશાં જાતને મહત્ત્વ આપ્યું છે. જો હું ખુશ હોઉં તો જ હું બીજાને ખુશ રાખી શકું. જો હું આર્થિક સધ્ધર હોઉં તો જ બીજાને મદદરૂપ બની શકું. જો હું મેન્ટલી સ્ટ્રૉન્ગ હોઉં તો જ બીજાને સાચી સલાહ આપી શકું. જો હું ઇમોશનલી હેલ્ધી હોઉં તો જ બીજાને પણ ઇમોશન્સ થકી ખુશ રાખી શકું. હું તમને પણ આ જ વાત કહીશ. જો તમે બધી બાબતમાં આત્મનિર્ભર હશો તો જ તમે બધી બાબતમાં બીજાને આત્મનિર્ભર બનાવી શકશો.

તમે તમારી જાતે રસ્તો કંડારીને આગળ વધો એનું નામ આત્મનિર્ભરતા: ઉમેશ શુક્લ (ફિલ્મ ડિરેક્ટર-પ્રોડ્યુસર)

મને અત્યારે પણ પાક્કું યાદ છે કે ૨૬ વર્ષની ઉંમરે મને પહેલી ફિલ્મ મળી હતી ‘યાર ગદ્દાર’. ફિલ્મમાં હું મેઇન વિલન હતો. મેઇન વિલનનો આવડો મોટો રોલ એ મોટી વાત જ કહેવાય, પણ એ એજ પર એકદમ સ્ટ્રગલ ચાલુ હતી. આ ફિલ્મ માટે પણ મેં પુષ્કળ સ્ટ્રગલ કરી હતી. ઇન્કમ વાઇઝ સ્ટેબિલિટી જરા પણ નહોતી અને બધેબધું થિયેટર પર જ નિર્ભર હતું. થિયેટરમાંથી જે ઇન્કમ થાય એના પર જ બધું ચલાવવું પડે.

એ સમયે તો થિયેટરમાં પણ આ જ જેવી ઇન્કમ નહોતી કે ઘર ચાલે. બહુ સંઘર્ષમય જીવન હતું. ૧૯૯૪ની સાલ હતી એ. ક્રીએટિવ કહેવાય એવું જે કોઈ કામ મળે એ બધું હું કરતો. તમને નવાઈ લાગશે પણ હું ડબિંગ આર્ટિસ્ટ તરીકે પણ એ સમયે વૉઇસ રેકૉર્ડિંગ કરવા જતો. બહુબધા રાઇટર માટે ઘોસ્ટ રાઇટિંગ પણ કર્યું. સીધો નિયમ હતો. જ્યાંથી પણ પૈસા મળે એ બધું કામ કરવાનું. હતો કૉમર્સ ગ્રૅજ્યુએટ. કૉલેજના સમયે જ ઇન્ટરકૉલેજિયેટ કૉમ્પિટિશનમાં ભાગ લેતાં થિયેટરની લત લાગી અને એ રસ્તે આગળ વધવાનું નક્કી કર્યું.

એ જે નિર્ણય લીધો એ આત્મનિર્ભરતાની દિશામાં મારું પહેલું પગલું. મારી દૃષ્ટિએ આત્મનિર્ભરતા એટલે તમે જે ધાર્યું હોય એ જ ફીલ્ડમાં ધગશ અને શ્રદ્ધા સાથે આગળ વધો અને સ્ટેબલ થાઓ. કોઈ કરે અને તમે એમાં જોડાઈને એ જ રસ્તે આગળ વધવા માંડો એને આત્મનિર્ભર ન કહી શકાય. પપ્પાએ દુકાન કરી હોય અને એ દુકાને બેસીને દીકરો વેપાર કરે એને કેવી રીતે આત્મનિર્ભર થયો કહી શકાય! તમે નક્કી કર્યું હોય એ લાઇનમાં આગળ નીકળીને સક્સેસફુલ થાઓ, તમારી જાતને પ્રૂવ કરો તો એ આત્મનિર્ભર થાય. મારી ફૅમિલીમાંથી દૂર-દૂર સુધી કોઈ ઍક્ટિંગના ફીલ્ડમાં નહોતું. આજના યંગસ્ટર્સમાં આ ક્ષમતા છે જ, પણ મને લાગે છે કે તેમનામાં ધીરજનો અભાવ છે એટલે તકલીફ આવે છે.

હું આજે જે વિચારું છું એ આજના યંગસ્ટર્સ અત્યારની એજ પર વિચારી રહ્યા છે. આ જનરેશન શાર્પ છે, ઇન્ટેલિજન્ટ પણ બહુ છે; પણ પ્રૉબ્લેમ એક જ છે. એ લોકોમાં ધીરજ ખૂટે છે. અમારામાં ધીરજ ખૂબ હતી. એણે અમને આગળ લાવવાનું કામ કર્યું. કશું નહોતું તો પણ રિલૅક્સ હતા અને આજની યંગ જનરેશન પાસે બધું છે છતાં પણ એ રિલૅક્સ નથી. જો તેમનામાં ધીરજ આવી જાય તો તેઓ સોએ સો ટકા આત્મનિર્ભર બનવાને પૂરતા સક્ષમ છે.

કળાનું બીજું નામ જ આત્મનિર્ભર છે, એ ક્યારેય પરાવલંબી ન હોય: સનત વ્યાસ (ગુજરાતી-હિન્દી સિરિયલ, ફિલ્મ અને નાટકોના ઍક્ટર)

છવ્વીસ વર્ષની ઉંમરે હું થિયેટરમાં પાપા પગલી કરવા માંડ્યો હતો. થિયેટરમાં ઍક્ટિંગ ચાલુ હતી અને સાથે-સાથે દૂરદર્શનમાં સહાયક દિગ્દર્શકની પોસ્ટ પર પણ કામ કરતો હતો. એ સમયે મને એક વાત સમજાઈ હતી કે કૅમેરાની પાછળ મને જે કંઈ શીખવા મળે એ બધું મારે સ્ટેજ પર ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે અને હું કરતો પણ એવું જ. દિવસ દરમ્યાન શૂટ વખતે જે કોઈ ભૂલો હું જોતો એ ભૂલો મારાથી ન થાય એની ચીવટ હું રાતે નાટક કરતી વખતે ખાસ રાખતો.

‘ડિરેક્ટર્સ ઍક્ટર’.

આ શબ્દ તમે સાંભળ્યો હશે. આ પ્રકારના ઍક્ટર કોને કહેવાય એ મને દિગ્દર્શનમાંથી શીખવા મળ્યું. એક દિગ્દર્શક ઍક્ટર પાસે શું કન્વે કરાવવા માગે છે એની મને પ્રૅક્ટિકલી ખબર પડી એટલે મને એનો સીધો લાભ ઍક્ટિંગમાં થયો. આ જ પિરિયડ દરમ્યાન મેં નક્કી કરી લીધું કે કંઈ પણ થઈ જાય, પણ કામ સ્ટેજ પર અને કૅમેરાની સામે જ કરવું અને એ જ દિશામાં આગળ વધવું. હું કહીશ કે એ મારી આત્મનિર્ભર બનવાની શરૂઆત હતી. આત્મનિર્ભર બનવું એટલે પૈસા માટે કે પછી મદદ માટે કોઈની સામે હાથ ન લંબાવવો એવો જો અર્થ તમે કરતા હો તો તમારો આ અર્થ ખોટો છે. આત્મનિર્ભર બનવાનો અર્થ મારી નજરે એવો છે કે તમને સાચી દિશા મળી જાય અને એ દિશામાં આગળ વધવા માટે તમામ પ્રકારના યોગ્ય રસ્તાઓ અપનાવો.

હું કોઈ ઍક્ટિંગ-સ્કૂલમાં ગયો નથી. જે પણ શીખ્યો એ મારી આસપાસના લોકોમાંથી અને મારા પ્રેરણાસ્રોતમાંથી જ શીખ્યો. આ આત્મનિર્ભરતા છે. એકલવ્ય આત્મનિર્ભર હતો. તેની આંખોમાં ગુરુ હતા, પણ તેની નજર સામે ક્યાંય ગુરુ નહોતા અને એ પછી પણ તે શ્રેષ્ઠ ધનુર્ધર બન્યો. ઍક્ટિંગ, ડાન્સિંગ કે પછી કોઈ પણ ક્રીએટિવ ફીલ્ડ હોય; તમે કોઈના પર નિર્ધારિત ન રહી શકો. કળા નૂડલ્સ નથી કે એ બે મિનિટમાં કોઈ તૈયાર કરી આપે અને તમે એનો ઉપયોગ કરી શકો. કળા ઇટસેલ્ફ આત્મનિર્ભર છે અને એટલે જ કળાકાર ક્યારેય કોઈ પર નિર્ભર નથી હોતો. કળાની આત્મનિર્ભરતા એવી છે કે એ વળતર પણ ફટાક દઈને આપી દે. સ્ટેજ પર હો તો તમને બીજી જ ક્ષણે તમારું વળતર મળી જાય અને ફિલ્મમાં હો તો તમને ત્રણ કલાકમાં, શો પૂરો થાય કે તરત જ રિઝલ્ટ ખબર પડી જાય. કળાના ક્ષેત્રમાં પરાવલંબી ક્યારેય ટકી ન શકે કે પછી એને ક્યારેય કોઈ મદદ ન કરી શકે. યશ ચોપડાનો દીકરો ઉદય ચોપડા એનું બેસ્ટ રિઝલ્ટ છે. કદાચ દુનિયાનું આ એકમાત્ર ક્ષેત્ર એવું છે જ્યાં આત્મનિર્ભર જ ટકી શકે છે અને એની એક પાસે જ આવતી કાલ હોય છે.

પ્રભાવ વિના રહેવું એનાથી મોટી આત્મનિર્ભરતા બીજી કોઈ નથી: અભિષેક જૈન (ફિલ્મ-ડિરેક્ટર, પ્રોડ્યુસર)

મારી પહેલી ફિલ્મ ‘કેવી રીતે જઈશ?’ રિલીઝ થઈ ગઈ હતી અને બીજી ફિલ્મનું રાઇટિંગ ચાલતું હતું. છવ્વીસની એજ પર હું અમદાવાદ પાછો આવી ગયો હતો. મુંબઈમાં ફિલ્મમેકિંગનું ભણ્યા પછી એ જ ફીલ્ડમાં આગળ વધવાનું નક્કી કરી લીધું હતું. પહેલી ફિલ્મ રિલીઝ થઈ એટલે કૉન્ફિડન્સ પણ વધી ગયો હતો. સાથોસાથ એ પણ નક્કી થઈ ગયું હતું કે મારી પહેલી ફિલ્મ જોનારા કરતાં હવે બીજી ફિલ્મની રિલીઝ સમયે જોનારો વર્ગ મોટો થવાનો હતો એટલે મારે સાવચેતી સાથે અને કોઈ પણ પ્રકારની ભૂલ કર્યા વગર કામ કરવાનું હતું. પહેલી ફિલ્મની સરખામણીમાં બીજી ફિલ્મ વધારે મોટા પાયે બનાવવી હતી, સરસ બનાવવી હતી અને એમ છતાં પણ મેં બીજી ફિલ્મ પણ ટાઇટ બજેટ સાથે જ બનાવી.

ક્રીએટિવ કામમાં સો ટકા પર્ફેક્શન ક્યારેય શક્ય નથી. ઇનપર્ફેક્શનમાં જ પર્ફેક્શન છે એવું મારું માનવું છે. ડિરેક્ટર જે કરાવવા માગે એમાં ઍક્ટર પોતાનું વૅલ્યુ-એડિશન કરે અને વન-અપ લે એનું નામ ફિલ્મ. છવ્વીસ વર્ષની ઉંમરે બીજી ફિલ્મ બનાવતી વખતે મારી પાસે જે સબ્જેક્ટ હતા એમાંથી સૌથી વધારે હું જેની સાથે અટૅચ્ડ હતો કે પછી કહો કે જે મને સૌથી વધારે અફેક્ટ કરતો હતો એ જ સબ્જેક્ટ મેં પસંદ કરીને એના પર કામ ચાલુ કર્યું હતું. મારે મારી વાત, મારો વિચાર, મારી લાગણી લોકો સુધી પહોંચાડવી હતી. લોકો સુધી લાગણી પહોંચાડવાની આ જે પ્રક્રિયા હોય એ પ્રક્રિયા એકદમ પર્ફેક્ટ રીતે થાય એનું નામ આત્મનિર્ભરતા. ખાસ કરીને હું તો આ જ માનું છું. તમે લોકો સુધી એ જ વાર્તા પહોંચાડો છો જે તમારી સૌથી પસંદની હોય, તમારી મનગમતી વાર્તા હોય. એવા સમયે બહુ મોટી જવાબદારી છે કે તમે તમારી વાત તમારે કહેવી છે એ જ રીતે લોકો સુધી પહોંચાડો. એક ફિલ્મમેકર તરીકે પણ આ જ વાત લાગુ પડે છે અને એક વ્યક્તિ તરીકે પણ હું આ જ વાતને આત્મનિર્ભરતા માનું છું. મને મારા મનની વાત કહેવા માટે જો કોઈની આવશ્યકતા ઊભી થતી હોય તો આત્મનિર્ભર નથી. આજના સમયમાં તમે તમારા કામને પહોંચી વળો એને જ આત્મનિર્ભર માનવું એ થોડું અધૂરું છે. સાધનો વધ્યાં છે, ગૅજેટ્સ વધ્યાં છે. આત્મનિર્ભરતાની વાત પણ એ મુજબ બદલાય છે. તમે કોઈના ઇન્ફ્લ્યુઅન્સમાં ન આવો અને તમે કોઈના પ્રભાવમાં આવ્યા વિના સ્વતંત્ર વિચારસરણી મુજબ આગળ વધો એનું નામ આત્મનિર્ભરતા. હું જે ક્ષેત્રમાં છું એ ક્ષેત્રમાં તો પ્રભાવમાં આવવું બહુ મોટું જોખમ કહેવાય; પણ આઇ મસ્ટ સે, દરેક ક્ષેત્રમાં આ વાત લાગુ પડતી હોય છે એટલે પ્રભાવ વિના રહેવું એનાથી મોટી આત્મનિર્ભરતા બીજી કોઈ નથી.

સ્વતંત્ર વિચારધારા, આત્મવિશ્વાસ હોય ત્યાં જ આત્મનિર્ભરતા દેખાય: અનંગ દેસાઈ (હિન્દી સિરિયલો અને ફિલ્મોના જાણીતા ઍક્ટર)

છવ્વીસ વર્ષની એજ પર હું પ્રોફેશનલ ઍક્ટર બની ગયો હતો. નૅશનલ સ્કૂલ ઑફ ડ્રામાનો સ્ટુડન્ટ. ઍક્ટિંગ જ ગોલ હતો એટલે ત્યાં જોડાયો. બાવીસથી લઈને પચ્ચીસ વર્ષ સુધી ઍક્ટિંગનું ભણતર ભણ્યો અને પછી ‘રંગમંડળ’ નામની સંસ્થામાં ઍક્ટર તરીકે જોડાયો અને છવ્વીસ વર્ષની ઉંમરે પ્રોફેશનલી નાટકો કરવા માંડ્યો. એ પછી તો ખૂબ થિયેટર કર્યું, સિરિયલો કરી, ફિલ્મો કરી અને એ જ જર્ની આજે પણ ચાલુ છે.

હું સ્કૂલમાં ઇબ્રાહિમસર પાસેથી ખૂબબધું શીખ્યો તો મારી સાથે કામ કરતા કે પછી મારી સાથે ભણતા બીજા સ્ટુડન્ટ્સમાંથી પણ ઘણું શીખવા મળ્યું. નૅશનલ સ્કૂલ ઑફ ડ્રામાનું વાતાવરણ જ એવું હોય કે તમે સતત શીખતા રહો. અમારા ફીલ્ડની એક ખાસિયત છે. શું કરવું એ તમે જાણો એના કરતાં તમારે પહેલાં એ સમજવાનું હોય કે શું નથી કરવું. એના માટે ઇન્ડિપેન્ડન્ટ થિન્કિંગ સૌથી અગત્યનું છે અને મારા વિચારો પહેલેથી જ સ્વતંત્ર હતા એટલે વાંધો આવ્યો નહીં. હું કહીશ કે આત્મનિર્ભરતાની પહેલી આવશ્યકતા છે સ્વતંત્ર વિચારધારા. સ્વતંત્ર, સ્વચ્છંદ નહીં. સ્વતંત્ર વિચારધારાની બાયપ્રોડક્ટ જો કોઈ હોય તો એ છે આત્મવિશ્વાસ. જો તમને તમારા પર વિશ્વાસ હશે તો તમને બધું મળશે, તમે બધું પામી શકશો; પણ જો તમને તમારા પર વિશ્વાસ હશે તો. 

તમે જુઓ જ છો કે ખૂબ ટૅલન્ટ હોય એમ છતાં વ્યક્તિ કશું કરી ન શકતી હોય. આવું થવાનું કારણ છે આત્મવિશ્વાસનો અભાવ. જો આત્મવિશ્વાસ હશે તો ફેમ પણ મળશે અને પૈસો પણ આવશે, પણ પહેલી શરત એ કે તમને તમારી જાત પર ભરોસો હોવો જોઈશે અને એના માટે તમારી વિચારસરણી જવાબદાર છે. મારી પોતાની વાત કરું તો અમારા ઍક્ટિંગના ફીલ્ડમાં વિશ્વાસ ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે.

તમે જ્યારે કોઈની પાસેથી શીખતા હો કે પછી કોઈ રોલ અડૉપ્ટ કરતા હો ત્યારે તમારે એમાં તમારો ટેસ્ટ અને તમારી સ્ટાઇલ ઍડ કરવાં પડે. જો એવું ન થાય તો તમે કોઈની મિમિક્રી કરતા હો એવું લાગે. સ્ટાઇલ ઍડ કરવા માટે તમે જે કરો છો એમાં તમને વિશ્વાસ હોવો જોઈએ. આ વિશ્વાસ હતો એટલે જ કદાચ હું આત્મનિર્ભર બનીને મારી ઇન્ડિપેન્ડન્ટ સ્ટાઇલથી કામ કરતો રહ્યો અને આજ સુધી કરતો રહ્યો છું. જો તમે તમારી છાંટ ન આપી શકો તો તમે ક્યારેય કશું પ્રાપ્ત ન કરી શકો. પ્રાપ્ત કરવા માટે તમારે તમારી અસર છોડવી પડે. એ અસરના આધારે જ ‘ખિચડી’ના બાબુજી બન્યા અને એ જ અસર વચ્ચે બીજાં પાત્રો બન્યાં જે લોકોના મનમાં રહી ગયાં. લોકોના મનમાં જે વાત રહી જાય એ આત્મનિર્ભરતા.

નિર્ણયશક્તિ આવી જાય ત્યારે આત્મનિર્ભરતા આપોઆપ આવી જાય: ધર્મેશ વ્યાસ (થિયેટર, સિરિયલ અને ફિલ્મ-ઍક્ટર)

સાચું કહું તો એ ઉંમરે મને ખબર નહોતી કે મારે શું કરવું છે. હું દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી ક્રિકેટ રમતો. બહુ સારો ક્રિકેટર હતો. ટેબલટેનિસનો નૅશનલ પ્લેયર હતો. ગુજરાત તરફથી ટેબલટેનિસ રમવા માટે જઈ આવ્યો હતો. આ બધાની સાથે ડ્રામાની ઍક્ટિવિટી પણ ચાલુ હતી. છવ્વીસની એજ પર હું અવઢવમાં હતો કે પછી કહો કે શ્યૉર નહોતો કે હવે સ્પોર્ટ્સમાં આગળ વધવું કે ઍક્ટિંગ-ફીલ્ડમાં આગળ જવું. હું શ્યૉર નહોતો, પણ સાથોસાથ ડિસિશન લેવાની ઉતાવળમાં પણ નહોતો. ભણવાની ઍક્ટિવિટીના ભાગરૂપે મેં એ સમયે નૅશનલ સ્કૂલ ઑફ ડ્રામામાં ઇન્ટરવ્યુ આપ્યો, પણ મજા ન આવી એટલે ઍડ્મિશન લીધું નહીં અને પછી બરોડા ઍડ્મિશન લીધું. બરોડા થિયેટર અને સ્પોર્ટ્સ બન્ને માટે જાણીતું એટલે ત્યાં જવાનું નક્કી કર્યું. ઍક્ટિંગ અને સ્પોર્ટ્સ મને ગમતાં એનું કારણ એ કે એ માટે મને બહાર રહેવા મળતું.

બરોડા હું ભણવા ગયો, પણ પછી તો એકાંતરે સુરત આવી જઉં, કારણ કે ટ્રાવેલિંગ ગમે. બરોડા ગયાના એકાદ વર્ષ પછી હું મારા પ્રોફેશનની બાબતમાં સિરિયસ થયો અને મેં નક્કી કર્યું કે હવે ઍક્ટિંગ જ કરવી છે અને ફાઇનલી મેં ઍક્ટર બનવા તરફ પગ માંડ્યા. અમિતાભ બચ્ચન અને સંજીવકુમાર મારા આદર્શ. એકનો કરિશ્મા અદભુત અને બીજાની સાદગી. શીખતો ગયો અને આગળ વધતો ગયો. શીખતો ગયો, કામ કરતો ગયો અને આગળ વધતો ગયો. આ જ પિરિયડમાં મને ‘હસરતેં’ મળી અને એ પછી તો બધાને ખબર જ છે કે સક્સેસ તમને ઉપર ખેંચી જાય.

આત્મનિર્ભર થવાનો તબક્કો તો મારી લાઇફમાં સુરતથી બરોડા ગયો એ જ તબક્કે શરૂ થઈ ગયો હતો, પણ એમ છતાં હું માનું છું કે મુંબઈએ મને વધારે આત્મનિર્ભર બનાવ્યો. નાનામાં નાની વાતોમાં તમારે જાતે નિર્ણય લેવાનો અને તરત જ આગળ વધવાનું. જાતે નિર્ણય લેવાની જે વાત છે એને હું આત્મનિર્ભરતા માનું છું. તમારાં સંતાનોની ઇન્કમ શરૂ થાય એટલે તેમનામાં આત્મનિર્ભરતા આવી ગઈ એવું નહીં માનતા. ના, ક્યારેય નહીં. આપણે એવી ભૂલ ન કરવી જોઈએ કે દરેક વાત પૈસાની સાથે જ જોડાઈ જાય. ના, પૈસા કમાવા કે પછી કમાણી કરવી એ આત્મનિર્ભરતા નથી, પણ કપરા સમયમાં પણ વિચલિત થયા વિના નિર્ણય લેવાની ક્ષમતા કેળવવી એનું નામ આત્મનિર્ભરતા છે. કોઈ પણ પ્રકારની દિશા ચીંધનારું તમારી સાથે ન હોય અને એ પછી પણ તમે બેસ્ટ રીતે રસ્તો કાઢીને આગળ વધો અને તમારી મંઝિલ પર પહોંચો એનું નામ આત્મનિર્ભરતા. હું મુંબઈ આવ્યો ત્યારે અહીં મારું કોઈ નહોતું. જાતે જ નક્કી કરવાનું હતું કે શું કરવું અને નિર્ણય ખોટો પડે તો પણ જાતે જ પોતાને ખભો આપીને રડી લેવાનું હતું. એ સમયે જો નિર્ણય લેવાની ક્ષમતા ન કેળવી હોત તો કદાચ આજે હું અહીં સુધી પહોંચ્યો ન હોત. આત્મનિર્ભરતાએ મને સાચવી લીધો.

ટેક્નૉલૉજી પ્રૅક્ટિકલ આત્મનિર્ભરતા આપે અને વિચારશક્તિથી બૌદ્ધિક આત્મનિર્ભરતા આવે: શ્યામ રંગીલા (સ્ટૅન્ડઅપ કૉમેડિયન)

હું છવ્વીસ વર્ષનો હતો ત્યારે મને ‘મિડ-ડે’એ સવાલ પૂછ્યો કે આત્મનિર્ભરતા એટલે શું? સાચે જ...

હા, હું અત્યારે છવ્વીસનો જ છું. હજી ગયા મહિને જ મને પચ્ચીસ વર્ષ પૂરાં થયાં અને છવ્વીસમું વર્ષ બેઠું. ટીવીમાં કામ કરવાનું સપનું લઈને મુંબઈ આવ્યો અને પછી લાઇફ આખી ચેન્જ થઈ ગઈ. મેં એક શોમાં નરેન્દ્ર મોદીને મિમિક કર્યા અને શોમાંથી મને કોઈ જાતના સ્પેસિફિક કારણ વિના દૂર કરવામાં આવ્યો. કહેવામાં નહોતું આવ્યું, પણ હું સમજી ગયો હતો કે મને શોમાંથી દૂર કરવાનું કારણ શું છે. હું નીકળી ગયો, પણ કહીને આવ્યો કે મિમિક્રી એની જ થાય જેના ફૅન-ફૉલોઅર્સ હોય. તમે રાજીવ ગાંધીની મિમિક્રી કરીને કશું ઉકાળી ન શકો. ખેર, એ પછી નરેન્દ્ર મોદીના જ પાત્રને કેન્દ્રમાં રાખીને મેં મિમિક્રીની યુટ્યુબ ચૅનલ બનાવી જે જબરદસ્ત હિટ થઈ અને આજે લોકો મને એ શો કરવા માટે બોલાવે છે. જે કામ કરવાની આડકતરી સજારૂપે મને જાકારો આપવામાં આવ્યો એ જ કામ કરવા માટે હવે મને લોકો લાખો રૂપિયા આપવા તૈયાર છે, મારી ચૅનલની ઇન્કમ લાખો રૂપિયાની કરી દીધી છે. આ જે પરિણામ છે એ આત્મનિર્ભરતા.

ઑનલાઇનની દુનિયા આજે એવડી મોટી થઈ ગઈ છે કે માણસ ધારે તો તેણે કામ શોધવા પણ જવું નથી પડતું. ઘેરબેઠાં તે ધારે એવી ઇન્કમ જનરેટ કરી શકે છે, પણ એના માટે તમારે લોકોની નાડ પારખવી પડે. નાડ પારખવાની આ જે આવડત છે એ આવડતનું બીજું નામ એટલે આત્મનિર્ભરતા. આત્મનિર્ભરતા માટે બીજું શું કહું હું, કારણ કે હું તો કહેતો આવ્યો છું કે આત્મનિર્ભરતાનું બેસ્ટ એક્ઝામ્પલ જો કોઈ હોય તો હું છું. ઇન્ટરનેટ કે પછી ટેક્નૉલૉજી પ્રૅક્ટિકલ આત્મનિર્ભરતા આપે છે તો વિચારશક્તિ તમને બૌદ્ધિક આત્મનિર્ભરતા આપતી હોય છે. આ બન્નેનો સમન્વય થાય ત્યારે તમે સાચે જ આત્મનિર્ભર થતા હો છો. જુઓ તમે. આપણા દેશના ઉદ્યોગપતિઓને વસ્તુઓ બનાવતાં આવડતું જ હતું. તેમની પાસે ટેક્નૉલૉજી પણ હતી અને વિશ્વ કક્ષાની મશીનરી પણ તેમની પાસે હતી. જરૂર હતી તો બૌદ્ધિકતાની, જે લૉકડાઉનમાં તેમનામાં આવી ગઈ. આજે જુઓ. ચાઇનાની ઘણી પ્રોડક્ટ્સ આપણે ત્યાં બનવા માંડી અને લોકો વાપરતા પણ થયા. અવેલેબલ હતું એટલે આપણે વિચારોની આત્મનિર્ભરતા કેળવવા તૈયાર નહોતા, પણ જેવી તકલીફ આવી કે તરત જ આત્મનિર્ભર બનવાની દિશામાં આગળ વધી ગયા અને સક્સેસફુલી આગળ વધ્યા. મારા કેસમાં પણ એવું જ છે. ટીવીથી દૂર થયો તો ઇન્ટરનેટનો ઉપયોગ કરીને આત્મનિર્ભરતા મેળવી. હું જ ઍક્ટર, હું જ પ્રોડ્યુસર, હું જ ડિરેક્ટર અને જોવાવાળી આખી દુનિયા. હું કહી કે આત્મનિર્ભરતા ક્યારેય આપોઆપ નથી આવતી. તકલીફવાળો કપરો સમય જ તમને આત્મનિર્ભર બનાવે છે.

નોકરી છોડવાનો નિર્ણય લઈને હું આત્મનિર્ભર થયો: પરેશ ગણાત્રા (ટીવી અને ફિલ્મ-ઍક્ટર)

સિનિયર ફાઇનૅન્સ મૅનેજર. લૉઇડ ગ્રુપ. સરસ મજાની નોકરી, સરસ મજાનો પગાર. છવ્વીસ વર્ષની ઉંમરની આ વાસ્તવિકતા હતી. લોઅર મિડલ ક્લાસ ફૅમિલી અને એ ફૅમિલીનાં જે સપનાં હોય એવાં જ મારાં સપનાં. એક સારું ઘર, સરસ નોકરી, સારી કાર. આ સપનાં સ્વાભાવિક છે. ક્યારેય સ્ટેબલ લાઇફ જોઈ જ ન હોય એ સિક્યૉર લાઇફનાં સપનાં પણ જોતો થઈ જાય. સેવિંગ્સ કરવાનું, ઘર સાચવવાનું, ફૅમિલી સાથે વેકેશન. ઇમર્જન્સીની કોઈ આર્થિક ચિંતા નહીં. ઘરની અને જૉબની જવાબદારી નિભાવો અને શાંતિથી જીવો.

મૂળ હું જીવ નાટકનો. થિયેટર, ટીવી અને ફિલ્મ આંખ સામે રમ્યા કરે. સાથે જવાબદારીઓ પણ. એમબીએ થઈને જૉબ જૉઇન કરી. ભણવામાં સ્કૉલર એટલે તરત જૉબ પણ મળી ગઈ. ઑફિસ સાથે નાટકના શો પણ મેં કર્યા. જૉબ નહોતી કરવી, પણ એ વખતે જૉબ કરવી પડે એટલી જવાબદારીઓ હતી. સદ્નસીબે મારા બધા મિત્રો મને એવા સારા મળ્યા કે ઍક્ટિંગ-ફીલ્ડ સચવાઈ રહ્યું. રાતે સુરતમાં શો હોય એટલે ઑફિસ ફોન કરે કે પરેશના ઘરે ઇમર્જન્સી છે. રજા મળી જાય અને હું ઑફિસથી નીકળીને સીધો સ્ટેશને પહોંચી જઉં. એ લોકો મારો સામાન લઈને સ્ટેશને હોય. ટ્રેનથી સીધા સુરત અને રાતે શો કરીને રાતે જ રવાના. સવારે ચર્ચગેટ અને સ્ટેશનથી જ સીધું ઑફિસ. આવું વર્ષો સુધી કર્યું છે. લૉઇડ પછી બિરલા જૉઇન કર્યું ત્યારે પણ નાટકો અને ટીવી-સિરિયલો કરતો. પુષ્કળ ઍડ ફિલ્મો પણ આમ જ કરી. જોકે એક વાત છે. મેં મારી જૉબને ક્યારેય અન્યાય કર્યો નથી. કામ સાથે બાંધછોડ કરી નથી. દર મહિને મને સૅલેરી મળતી હતી. ગદ્દારી કેમ થાય મારાથી?

૨૦૦પમાં હું બિરલામાં અસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડન્ટ હતો. મારા હાથ નીચે ત્રણ બ્રાન્ચ અને માર્ચ મહિનો. જો એ માર્ચમાં મેં કામ કરી લીધું હોત તો કદાચ આપણે અત્યારે વાત ન કરતા હોત. કંપની મને વાઇસ પ્રેસિડન્ટનું પ્રમોશન આપતી હતી. કરોડોમાં સૅલેરી અને બે વર્ષ પછી દુબઈ કે લંડનમાં ટ્રાન્સફર અને ત્યાંનાં કામ જોવાનાં. જોકે મેં પ્રમોશનની ના પાડી અને એક્ઝૅક્ટ એક વર્ષ પછી મને જ્યારે પ્રમોશનનું ફરી પૂછવામાં આવ્યું ત્યારે મેં જૉબ છોડીને ફુલટાઇમ ઍક્ટિંગ-ફીલ્ડ પસંદ કરી લીધું. જૉબ છોડીને હું દુનિયાની દૃષ્ટિએ બેકાર થયો, પરાવલંબી બન્યો; પણ મારી નજરમાં હું આત્મનિર્ભર બન્યો હતો. હા, આત્મનિર્ભર. મારે મન આત્મનિર્ભરતા એટલે માન અને પ્રેમ. મેં મારા ઍક્ટિંગ ફીલ્ડ પ્રત્યેના પ્રેમ અને માનને કારણે જ કરોડોની ઇન્કમવાળું પ્રમોશન છોડ્યું. મને લાગ્યું કે હવે જો હું જૉબ આગળ ખેંચીશ તો ચોક્કસપણે ઍક્ટિંગ-ફીલ્ડ છોડી દઈશ, જે મારે છોડવું નહોતું અને એટલે જ મેં જૉબ છોડી દીધી. જો જૉબ કરતો હોત તો પૈસા પુષ્કળ કમાયો હોત, પણ જે પ્રેમ અને રિસ્પેક્ટ કમાયો એ ન મળ્યાં હોત, નિજાનંદ અને સંતોષ ન મળ્યા હોત.

તમારી ગેરહાજરીમાં પણ બધું ચાલે એનો અર્થ આત્મનિર્ભરતા: મયૂર વાકાણી (ટીવી-સિરિયલના ઍક્ટર)

ત્યારે તો હું ભણતો જ હતો અને ડિગ્રીઓ લેતો જતો હતો. છવ્વીસમા વર્ષે મારાં લગ્ન થયાં એટલે મને ખબર પડી કે જીવનમાં આત્મનિર્ભર પણ થવું પડે. મારે તમને અહીં એક વાત કહેવી છે. આપણા જે સાંસારિક આશ્રમ છે એ બહુ સરસ બન્યા છે. ૨પ વર્ષ સુધી બ્રહ્મચર્ય અને આ તબક્કામાં તમારે વિદ્યા ગ્રહણ કરવાની. એ પછી આવે સંસારજીવનનો બીજો આશ્રમ, જેમાં આ ૨૬મું વર્ષ બહુ અગત્યનું છે. માણસ જો ૨૬થી ૩૦ વર્ષમાં સેટલ થયો તો થઈ ગયો. બાકી તે ક્યારેય સેટલ ન થાય. તમારે જોવું હોય તો તમે જોઈ લેજો. ગૃહસ્થાશ્રમની શરૂઆતનાં આ જે પાંચ વર્ષ છે એ બધી જ રીતે અત્યંત મહત્ત્વનાં છે. સંસાર શરૂ થાય, આવક શરૂ થાય અને પરિવાર વધવાનો શરૂ થાય. આ ત્રીસ પછીનો જે સમયગાળો છે એટલે ૩૦થી ૪૦ વર્ષનો ગાળો એ પણ બહુ અગત્યનો છે. આ પિરિયડમાં તમારે બધી રીતે વિકાસ કરી લેવાનો. પછી આવે ૪૨થી ૪પ વર્ષનો ગાળો. આ સમયમાં તમારે અટકવાનું અને બધું બરાબર ચાલે એ મોડ પર એને મૂકવાનું. પછીના એટલે કે ૪પથી પ૦ વર્ષના કાર્યકાળને ઇન્વેસ્ટમેન્ટ પિરિયડ તરીકે લેવાનો. એ પછી આવે વાનપ્રસ્થાશ્રમ. પછી માયા છોડી દેવાની અને નવી પેઢીને આગળ ધરવાની. સૌથી છેલ્લે હોય સાધુશ્રમ. ૭પ વર્ષ પછીના એ સમયને મોક્ષ માટે ખર્ચવાનો.

મારા માટે ૨૬ વર્ષનો જે સમયગાળો હતો એ હું જે કંઈ શીખ્યો હતો એનું વિનિમયમાં રૂપાંતર કરવાનો સમય હતો અને મેં એ જ કરવાનું શરૂ કર્યું. કરીઅર માટે ક્રૉન્ક્રીટ પગલાં લેવાનાં શરૂ કર્યાં, જે આજે પણ મજબૂત પિલર બનીને લાઇફને સેટ રાખે છે. મારી દૃષ્ટિએ આત્મનિર્ભરતાની વ્યાખ્યા બહુ સરળ છે. આત્મનિર્ભર એટલે માત્ર પૈસા કમાવા એવું નહીં, પણ તમારી ગેરહાજરીમાં પણ તમારો વેપાર-ધંધો કે પ્રોફેશન સ્ટેબલ હોય એનું નામ આત્મનિર્ભરતા. રિલાયન્સ આજે આત્મનિર્ભર છે. કોઈની ગેરહાજરી એને નડી નથી શકવાની. જોકે એક કરિયાણાવાળાએ આ વાત કહેવી હોય તો અઘરું પડે. ટૂંકમાં કહું તો મારા વિના નહીં ચાલે એવું ન હોય એનું નામ આત્મનિર્ભરતા. તમે કામ સબબ કોઈને મળો અને સામેની વ્યક્તિ તમને ‘ક્યારે (કરીશું?)’ એવું પૂછે તો માનવું કે આત્મનિર્ભરતા છે, પણ ધારો કે તે એવું પૂછે કે ‘શા માટે (તમારી સાથે કામ કરવું?)’ તો માનવું કે તમે હજી આત્મનિર્ભર નથી, તમારો સ્વીકાર હજી નથી થયો.

તમે કોઈ પર કે કોઈ તમારા પર નિર્ભર ન હોય એનું નામ આત્મનિર્ભરતા: ચિરાગ વોરા (ગુજરાતી નાટક, વેબસિરીઝ અને ફિલ્મના ઍક્ટર)

મને અત્યારે પણ યાદ છે કે હું ૨૬નો હતો ત્યારે ‘માસ્ટર ફુલમણિ’ નાટક ચાલતું હતું. એ જ વર્ષે મેં આ નાટક લીધું અને નાટકને બહુ સારો રિસ્પૉન્સ મળ્યો. ‘માસ્ટર ફુલમણિ’એ મને પણ એક નવી જ ઓળખ આપી. મારે પહેલેથી ઍક્ટિંગમાં જ કરીઅર બનાવવી હતી. નાટકો કરવાં હતાં, સિરિયલો અને ફિલ્મો કરવી હતી. ઈશ્વરની મહેરબાનીથી જે કરવા ઇચ્છતો હતો એ જ આજે હું કરું છું. ઍક્ટિંગમાં રિશી કપૂર, પરેશ રાવલ અને સંજીવકુમાર મારા આઇડલ છે. એ પિરિયડમાં હું એ લોકો જેવા બનવાનું સપનું જોતો હતો. ખબર નથી કે હું એમના જેવું કરી શક્યો કે નહીં; પણ હા, એટલું ચોક્કસ કહીશ કે ત્યારે ખબર નહોતી કે મારી આ જર્ની આટલી સુખદ હશે.

નો ડાઉટ, કરીઅરમાં ઘણા ઉતાર-ચડાવ આવ્યા. ફૅમિલીમાંથી કોઈ ઍક્ટિંગ-ફીલ્ડમાં નહોતું એટલે ડરાવ્યો પણ ઘણા લોકોએ કે આ ફીલ્ડ પર કરીઅર નિર્ભર ન રહે. જોકે મનમાં હતું અને ફૅમિલીમાંથી કોઈ રોકટોક થઈ નહીં એટલે ગમતા ફીલ્ડમાં આગળ આવવા મળ્યું. ક્રીએટિવ ફીલ્ડે મને હંમેશાં અટ્રૅક્ટ કર્યો છે. કંઈ ન હોય એવું કરીને એક સંતોષ મળતો હોય છે. કોરો કાગળ અને પેન લઈને બેસો અને પછી રસપ્રદ, લોકોને વાંચવું ગમે એવું લખી શક્યા પછી જે સંતોષ મળે એવો જ સંતોષ મને સ્ટેજ પર મળતો. સારી જૉબની પણ ઑફર આવતી અને પપ્પાના ફ્રેન્ડ્સ બિઝનેસમાં જોડાવા માટે પણ ઑફર આપતા, પણ ખબર નહીં મને એ બધામાં રસ જ નહોતો પડતો. મને લાગે છે કે મનગમતા ફીલ્ડમાં જઈને એક ચોક્કસ સ્થાન બનાવવું એ આત્મનિર્ભરતાની દિશાનો પહેલો માઇલસ્ટોન હશે. થિયેટરમાં જવું હતું અને એ જ કામમાં આગળ વધ્યો એટલે નૅચરલી મારે અનેક બાબતોમાં કન્ટ્રોલ પણ કરવાનો હતો. આજે વિચારું છું ત્યારે થાય છે કે એ જે કન્ટ્રોલ હતો એ પણ આત્મનિર્ભર બનવાની દિશામાંથી મળ્યો. કદાચ કોઈ બીજું કામ કરતો હોત કે પછી બીજી કોઈ ઇન્ડસ્ટ્રીમાં હું ગયો હોત તો મે બી મારી ઇન્કમ વધુ હોત, પણ હું આત્મનિર્ભર ન હોત. કદાચ હું પૈસાનિર્ભર હોત. જોકે મને મારી ગમતી લાઇનમાં જવા મળ્યું, મનગમતું કામ કરવા મળ્યું, દરરોજ સંતોષ કમાવા મળ્યો એ આત્મનિર્ભરતા છે. આત્મનિર્ભરતા હાથખેંચમાં રાખે એવું બની શકે, પણ ખેંચમાં રહેલા હાથની વચ્ચે મનમાં સંતોષ ભારોભાર આપે. આત્મનિર્ભરતા તમને આત્મવિશ્વાસ આપે અને આત્મનિર્ભરતા તમને લડી લેવાની ભાવના પણ આપે. આત્મનિર્ભરનો અર્થ મારી દૃષ્ટિએ બહુ સરળ છે. તમે કોઈ પર આધારિત ન હો અને સાથોસાથ તમે કોઈને તમારા પર નિર્ભર પણ ન બનાવો એનું નામ આત્મનિર્ભરતા.

28 February, 2021 02:49 PM IST | Mumbai | Rashmin Shah

અન્ય લેખો

ઓહ, સૉરી... બસ, એમ કહી અમિતાભ બહાર નીકળી જાય

ઓહ, સૉરી... બસ, એમ કહી અમિતાભ બહાર નીકળી જાય

15 March, 2021 01:24 IST | Mumbai | Sanjay Goradia

જોગાનુજોગ

જોગાનુજોગ

15 March, 2021 01:06 IST | Mumbai | Samit purvesh Shroff

બે સેક્સ-સાઇકલ વચ્ચે કેટલું અંતર હોવું જોઈએ?

બે સેક્સ-સાઇકલ વચ્ચે કેટલું અંતર હોવું જોઈએ?

15 March, 2021 01:04 IST | Mumbai | Dr. Mukul Choksi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK