Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > સલામ છે આ માસ્ટરને

સલામ છે આ માસ્ટરને

Published : 20 July, 2025 03:58 PM | IST | Kerala
Rashmin Shah | rashmin.shah@mid-day.com

ચુસ્ત માર્ક્સવાદી પરિવારમાં જન્મ લેનારા અને એક કવિતાના આધારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાઈને સંઘની વિચારધારાને આગળ ધપાવનારા આ વિરલ વ્યક્તિત્વને ઓળખ‍વા જેવું છે

સી. સદાનંદન

સી. સદાનંદન


કટ્ટર ડાબેરીઓએ બન્ને પગ કાપી નાખ્યા હોવા છતાં કેરલામાં રાષ્ટ્રવાદનો પ્રચાર-પ્રસાર કરવામાં ક્યારેય ન થંભનારા સી. સદાનંદનને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાજ્યસભામાં નૉમિનેટ કરીને તેમની અમૂલ્ય સેવાને બિરદાવી છે

૨પ જાન્યુઆરી, ૧૯૯૪



કેરલાના કન્નુર જિલ્લાના મટન્નુર પાસે આવેલા ઉરુવાચલ વિસ્તારમાં ગાડી આવીને ઊભી રહે છે અને એમાંથી ૨૭ વર્ષના સી. સદાનંદન ઊતરે છે. સી. સદાનંદન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સહકાર્યવાહ છે પણ તેઓ પોતાને સંઘના કાર્યકર જ સમજે છે. સંઘ સાથે સૌકોઈને જોડવા અને દરેકના મનમાં રાષ્ટ્રવાદ જન્માવવા માટે વિસ્તારમાં ફરતા રહેવું એ તેમનો સ્વભાવ છે. ઉરુવાચલ જવા માટેનો તેમનો હેતુ એ નહોતો એ અલગ વાત છે.


૧૧ દિવસ પછી એટલે કે છઠ્ઠી ફેબ્રુઆરીએ બહેનનાં મૅરેજ હતાં એટલે સી. સદાનંદન તેમનાં કેટલાંક સગાંઓને આમંત્રણ આપવા માટે મટન્નુર ગયા હતા. પાછા આવતી વખતે ઉરુવાચલમાં પણ એક સ્નેહીને મળવા તેઓ ગયા અને પાછા ફરતી વખતે અંધારાનો લાભ લઈ કેટલાક લોકોએ તેમના નામની રાડ પાડી. સંઘના કારણે અનેક લોકો ઓળખે, જેમાં અજાણ્યાનો પણ સમાવેશ થાય. સી. સદાનંદન સસ્મિત અવાજની દિશામાં ફર્યા અને તેમણે નમસ્કાર મુદ્રામાં હાથ જોડ્યા કે બીજી જ સેકન્ડે તેમને ધક્કો લાગ્યો અને અવાજ કરનારાઓમાંથી કેટલાક લોકોએ તેમના પર હુમલો કર્યો. લોકો એકત્રિત થઈ ગયા. સદાનંદનજીની લોકપ્રિયતા જોઈને એકઠા થયેલા લોકો મદદ માટે આગળ આવે એવી સંભાવના વધારે હોવાથી તેમને ડરાવવા માટે હુમલાખોરોએ દેશી બૉમ્બ ફેંક્યા અને એ પછી ઘાતકી રીતે તેમણે સદાનંદનજીના બન્ને પગ કાપી સદાનંદનજીને નજીકના અવાવરુ જેવા મકાનમાં ફેંકી દીધા.

નીકળતી વખતે હુમલાખોરોએ ત્યાં રહેલા લોકોને ધમકી આપી ગયા કે કોઈએ મદદ કરવાની નથી. પરિણામે ઘાયલ અવસ્થામાં પડેલા સી. સદાનંદનને મદદ કરવા કોઈની હિંમત ન થઈ. છેવટે જેના મકાનમાં સદાનંદનજીને ફેંકાયા હતા એ વ્યક્તિએ પોલીસને જાણ કરી તો આ જ સમયગાળામાં સંઘના બે સહકાર્યકર્તા વાલ્સન થિલ્લંકેરી અને સુરેશ ત્યાં પહોંચી ગયા અને તે બન્ને પોતાના વાહનમાં સદાનંદનજીને હૉસ્પિટલ લઈ ગયા.


લોહી વહેતી અવસ્થામાં અને અર્ધબેહોશમાં પણ સદાનંદનજીના હોઠ પર સંઘના ગીતનું ગાન ચાલુ હતું. સદાનંદજી પર હુમલો કરનારા CPI (M) એટલે કે કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા (માર્ક્સિસ્ટ)ના કાર્યકરો હતા.

ડૉક્ટરોએ સી. સદાનંદનનો જીવ તો બચાવી લીધો પણ સાથોસાથ કહી દીધું કે તેમણે આજીવન હવે ઘૂંટણના સહારે રહેવું પડશે.

રાતે સાડાઆઠ વાગ્યે ઉરુવાચલમાં ઊતરનારા પાંચ ફીટ ૯ ઇંચના સી. સદાનંદન માત્ર ૧૦ મિનિટમાં ૪ ફીટ અને ૧ ઇંચના થઈ ગયા હતા પણ તેમને ખુશી એ વાતની હતી કે તેમનો જીવ અકબંધ હતો. સી. સદાનંદને કહ્યું હતું, ‘એ લોકોએ મારા પગ કાપી નાખ્યા પણ મારો હેતુ, મારી ભાવનાને નહીં.’

lll

૧૨ જુલાઈ, ૨૦૨પ

ભારતનાં પ્રેસિડન્ટ દ્રૌપદી મુર્મુએ દેશના ચાર અગ્રણી નાગરિકને રાજ્યસભાના સભ્ય તરીકે જોડાવા માટે આમંત્રિત કર્યા, જેમાં એક નામ સી. સદાનંદનનું પણ હતું. રાષ્ટ્ર‌ીય સ્વયંસેવક સંઘની છત્રછાયામાં રહીને દેશવાસીઓમાં દેશદાઝ વધારવાનું કામ કરવા બદલ પાશવી અત્યાચાર સહન કરવા છતાં પણ સી. સદાનંદન સહેજ પણ હિંમત હાર્યા નહીં અને તેમણે પોતાનું કામ અવિરતપણે ચાલુ રાખ્યું જેના સન્માન સ્વરૂપે તેમને રાજ્યસભામાં આમંત્ર‌િત કરવામાં આવ્યા છે. સી. સદાનંદન કહે છે, ‘આ મારું નહીં, રાષ્ટ્રનું સન્માન છે અને જ્યારે પણ રાષ્ટ્રનું સન્માન થયું છે ત્યારે માનવતા પર વિશ્વાસ વધ્યો છે.’

 સી. સદાનંદન એક એવી વ્યક્તિ છે જેને મળ્યા પછી, જેના વિશે જાણ્યા પછી હિમંતને પણ ગ્લુકોઝનો બાટલો મળી જાય અને એમાં પણ નવી તાકાત આવી જાય. માસ્ટર તરીકે દેશભરમાં પૉપ્યુલર થઈ ગયેલા સી. સદાનંદનમાં આ દેશદાઝ ક્યાંથી આવી અને તેમણે ભારતીય જનતા પાર્ટી માટે શું-શું કર્યું એ જોવા-જાણવા જેવું છે.

કોણ છે માસ્ટરજી?

કન્નુર જ‌િલ્લાના પેરીન્ચેરી નામના ગામમાં રહેતા સી. સદાનંદનની ફૅમિલી પહેલેથી જ ડાબેરી માનસિકતા ધરાવે. સદાનંદજીના પપ્પા કુન્હીરામન નામ્બિયાર અને સદાનંદનજીના મોટા ભાઈ કમ્યુનિસ્ટ પાર્ટીના ઍક્ટિવ મેમ્બર પણ ખરા એટલે સદાનંદનજી પણ ડાબેરી માનસિકતા ધરાવતા, પણ અનાયાસ તેમના હાથમાં કેરેલિયન કવિ અક્કિથમની ‘ભારતદર્શનંગળ’ નામની રાષ્ટ્રવાદની કવિતા આવી અને એ કવિતાએ તેમની વિચારધારા બદલવાનું કામ કર્યું. સી. સદાનંદનજી પોતે કહી ચૂક્યા છે કે એ કવિતાને કારણે તેમના મનમાં રાષ્ટ્રવાદ જન્મવાનું શરૂ થયું અને તેમને સમજાયું કે રાષ્ટ્રવાદ વિના હિન્દુસ્તાનનો ઉદ્ધાર નથી અને માટે જ સૌકોઈએ રાષ્ટ્રવાદની સાથે જ આગળ વધવું જોઈએ.

મટન્નુરની શિવપુરમ હાઈ સ્કૂલમાં ભણ્યા પછી સદાનંદનજીએ BCom કર્યું. એ વખતે તેઓ કમ્યુનિસ્ટ પાર્ટીના ઍક્ટિવ મેમ્બર બની ચૂક્યા હતા. આ એ જ દિવસો જેમાં તેમના હાથમાં પહેલી વાર કવિ અક્ક‌િથમની કવિતા હાથમાં આવી અને તેમની વિચારધારામાં બદલાવ આવ્યો. તેમનો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે સંપર્ક થયો અને તેઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મારફત સંઘના સક્રિય સભ્ય બન્યા અને એ પછી એર્નાકુલમમાં પણ સંઘની જવાબદારી સંભાળી.

BEd કર્યા પછી સદાનંદનજીએ એલ. પી. સ્કૂલમાં ટીચર તરીકે ડ્યુટી શરૂ કરી તો બાકીના સમયમાં તે સંઘની ઍક્ટિવિટી સંભાળતા. કેરલામાં BJP અને સંઘનો વિરોધ વર્ષોર્થી થતો રહ્યો છે, જે એ સમયે તો ચરમસીમા પર હતો. સામાન્ય ધમકીઓથી માંડીને હત્યા કરવા સુધીની ધમકી તેમને મળતી રહેતી, પણ સદાનંદનજીના પેટનું પાણી હલે નહીં અને એનાથી કમ્યુનિસ્ટ પાર્ટીના પેટમાં તેલ રેડાય. અનેક વખતની ચેતવણી પછી પણ સદાનંદનજી અટક્યા નહીં, ઊલટું વધારે ઉત્સાહ અને ઝનૂન સાથે તે આગળ વધતા. પરિણામ એ આવ્યું કે ૧૯૯૪ની ૨પ જાન્યુઆરીની રાતે તેમના પર હુમલો થયો અને તેમના બન્ને પગ કાપી નાખવામાં આવ્યા.

પ્રસરી ગયો સન્નાટો

સી. સદાનંદન પર થયેલા હુમલા પછી માત્ર કેરલા કે BJPમાં જ નહીં પણ દેશભરમાં સન્નાટો પ્રસરી ગયો. સંઘ માટે આત્મ‌ીયતા કેળવતા થઈ ગયેલા અઢળક લોકો મોઢું સંતાડીને ભાગતા થઈ ગયા. જોકે એનાથી સદાનંદનજીને કોઈ ફરક નહોતો પડતો. બન્ને પગ ગુમાવી ચૂકેલા સદાનંદનજીએ નવેસરથી જીવનને સેટ કરવાનું શરૂ કર્યું અને ત્રણ વર્ષની અથાગ મહેનત પછી તેમણે પ્રોસ્થેટિક પગના આધારે ફરી ચાલવાનું શરૂ કર્યું એટલું જ નહીં, ૧૯૯૯માં તેમણે ફરીથી માસ્તરી પણ શરૂ કરી દીધી.

શ્રી દુર્ગા વિલાસમ હાયર સેકન્ડરી સ્કૂલમાં વિદ્યાર્થીઓને સોશ્યલ સાયન્સ એટલે કે સમાજવિજ્ઞાન વિષય ભણાવતા સી. સદાનંદન આર્ટિફિશ્યલ પગ સાથે ફરી એક વાર સંઘની વિચારધારા અને રાષ્ટ્રવાદની પરિભાષાના પ્રચાર-પ્રસારમાં લાગી ગયા. આ વખતે તેમની હિંમત અને તેમના અથાગ પરિશ્રમને જોઈને સૌકોઈની બોલતી બંધ થઈ ગઈ. જોકે એ પછી પણ ડાબેરીઓ તેમનો વિરોધ કરતા રહ્યા અને સી. સદાનંદનજી સહેજ પણ ડર્યા વિના તેમને જવાબ આપતા જતા. સી. સદાનંદનજીએ એક જાહેરસભામાં કહ્યું હતું, ‘મારા પગ કાપનારા એ ભૂલી ગયા કે હું વ્યક્તિ નહીં, વિચાર છું અને વિચાર ક્યારેય મરતા નથી.’

સી. સદાનંદનજીએ સંઘના પ્રચાર-પ્રસારના કામની સાથોસાથ પહેલાં કેરલા અને પછી દેશભરના શિક્ષકોને એક છત નીચે લાવવાનું કામ કર્યું અને નૅશનલ ટીચર્સ યુનિયનના પ્રેસિડન્ટ પણ રહ્યા તો ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ વધારવાનું કામ પણ તેમણે કેરલામાં સુપેરે કર્યું. ભારોભાર ડાબેરી માનસિકતા ધરાવતા કેરલામાં BJPનો વોટ-શૅર વધારવાનું કામ કરવું એ કંઈ નાનીમાના ખેલ નહોતા, પણ સી. સદાનંદનની સૂઝબૂઝ અને તેમની નિષ્ઠાને પરિણામે પાર્ટીના વોટ-શૅરમાં ગંજાવર વધારો થયો. જોકે એ પછી પણ સદાનંદનજી ઍક્ટિવ પૉલિટિક્સમાં ક્યાંય આગળ નહોતા.

સી. સદાનંદનજીની મહેનત અને સંઘ તથા પાર્ટી પ્રત્યેની તેમની નિષ્ઠાને જોઈને ૨૦૧૪ની લોકસભા ઇલેક્શનના વડા પ્રધાન પદના દાવેદાર નરેન્દ્ર મોદીએ કેરલાની તમામ સભાઓમાં તેમને સાથે રાખ્યા અને દરેકેદરેક સભામાં તેમનાં વખાણ પણ કર્યાં. સૌકોઈને દેખાવા લાગ્યું હતું કે સી. સદાનંદન હવે BJPની આગેવાની લેનારી નવી પેઢીની નજીક પહોંચી રહ્યા છે.

સી. સદાનંદનનું કામ, તેમની શાખ અને સંઘ પ્રત્યેની નિષ્ઠા જોઈને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જ સંઘની પૉલિટિકલ વિન્ગ એવી ભારતીય જનતા પાર્ટીને આદેશ કર્યો કે સદાનંદનજીને ટિકિટ આપવામાં આવે. ૨૦૧૬માં તેમને ટિકિટ આપવામાં આવી પણ સદાનંદનજી કુંતુપારંપા નામના વિસ્તારની આ બેઠક પરથી હાર્યા અને ત્રીજા સ્થાન પર આવ્યા. જોકે બહુ ઓછા લોકો જાણે છે કે એની પહેલાં ભારતીય જનતા પાર્ટીમાંથી જે કોઈ વિધાનસભા લડ્યું હતું એના કરતાં સદાનંદનજીએ ઑલમોસ્ટ ૧પ૦ ટકા વધારે મતો મેળવ્યા હતા.

તેમના આ જ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને તેમને ફરીથી ૨૦૨૧માં વિધાનસભા ઇલેક્શનમાં ઉમેદવાર બનાવવામાં આવ્યા અને એમાં પણ એ જ રિઝલ્ટ આવ્યું. સી. સદાનંદનજી હાર્યા. જોકે એ પછી પણ સી. સદાનંદનજી પોતાના વિસ્તારમાં વોટ-શૅર વધારવાનું કામ કરી ચૂક્યા હતા એ નરી આંખે દેખાતું હતું એટલે સ્વભાવિકપણે નરેન્દ્ર મોદી અને BJP તેમને દિલ્હી લઈ જઈને કેન્દ્ર સરકારની કામગીરીમાં સામેલ કરે એ સ્પષ્ટ દેખાતું હતું, જે દિવસ હવે એટલે કે રવિવારે આવ્યો જ્યારે પ્રેસિડન્ટ દ્રૌપદી મુર્મુએ તેમને સંવિધાન ૮૦ (૩)ના હકમાં આવતા અધિકારના ભાગરૂપે રાજ્યસભાના સભ્યપદે આમંત્ર‌િત કર્યા.

શિક્ષણ અને સમાજસેવાના ક્ષેત્રમાં અવ્વલ પ્રદર્શન કરવા બદલ સી. સદાનંદનજીને રાજ્યસભામાં આમંત્ર‌િત કરવામાં આવ્યા છે.

સૌકોઈ માટે છે માસ્ટર

સી. સદાનંદનજીને બધા ‘માસ્ટર’નું સંબોધન કરે છે એની પાછળનું માત્ર એ જ કારણ નથી કે તે શિક્ષક છે, પણ હકીકતમાં તે સૌકોઈને શીખવતા રહેવાની માનસિકતા ધરાવે છે એ છે. સી. સદાનંદનજી પર થયેલા હુમલા પછી બન્ને પગ ન હોવા છતાં તેમણે જે રીતે ફરીથી પગભર થવાની દિશામાં કામ કર્યું એ દુનિયાભરના લોકોને શીખવે છે કે તમારો ઇરાદો, તમારી ભાવના જો બુલંદ હોય તો જગતની કોઈ તાકાત તમને રોકી શકતી નથી. ઘાતકી હુમલા પછી પણ તેમણે પોતાનું કામ ચાલુ રાખ્યું, જે દર્શાવે છે કે જો મનમાં નિષ્ઠા હોય અને એ નિષ્ઠામાં દૃઢતા હોય તો તમને કોઈ અટકાવી શકતું નથી.

માસ્ટરજીના પરિવારમાં પત્ની અને એક દીકરી છે. માસ્ટરજીએ લવ-મૅરેજ કર્યાં છે. સાથે ભણતાં ‌વનિતા રાણી સાથે મૅરેજ કરનારા માસ્ટરજીનાં પત્ની પણ કૉલેજ-ટીચર છે, જ્યારે દીકરી યમુના ભારતી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં ઍક્ટિવ છે.

વનિતાજી સદાનંદનજીને ‘માસ્ટર’ કહે છે અને દીકરી પણ તેમને ‘માસ્ટરજી’નું સંબોધન કરે છે.

Whatsapp-channel Whatsapp-channel

20 July, 2025 03:58 PM IST | Kerala | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK