લૉયર સત્યજિત ભટકળ માત્ર અને માત્ર આમિર ખાનની દોસ્તીને ધ્યાનમાં રાખીને ‘લગાન’ની ટીમમાં જોડાયા અને ફિલ્મ પૂરી થઈ ત્યાં સુધી આ જ શંકા સાથે આગળ વધતા રહ્યા.
બુક
લૉયર સત્યજિત ભટકળ માત્ર અને માત્ર આમિર ખાનની દોસ્તીને ધ્યાનમાં રાખીને ‘લગાન’ની ટીમમાં જોડાયા અને ફિલ્મ પૂરી થઈ ત્યાં સુધી આ જ શંકા સાથે આગળ વધતા રહ્યા. આ ફિલ્મ સૌકોઈના માટે ક્રાન્તિથી સહેજ પણ ઓછી નહોતી એ તમે ‘ધ સ્પિરિટ ઑફ લગાન’ વાંચો તો તમે પણ સ્વીકારો
થિયેટરને સ્ટેડિયમમાં ફેરવી દેવાની તાકાત ‘લગાન’માં હતી. લોકો રીતસર ચિચિયારીઓ પાડતા અને પૈસા ઉડાડતા. ચાલુ ફિલ્મે પૈસા ઊડ્યા હોય એવી ઇન્ડિયન હિસ્ટરીની કદાચ આ છેલ્લી ફિલ્મ. આ ફિલ્મની સૌથી મોટી ખાસિયત એ હતી કે એના મેકિંગથી માંડીને કાસ્ટિંગમાં જોડાયેલા નેવું ટકા લોકો એકથી વધારે વાર ના પાડી ચૂક્યા હતા તો બીજી મોટી ખાસિયત એ કે આ નેવું ટકા વર્ગ એવું દૃઢપણે માનતો હતો કે ‘લગાન’ ક્યારેય બનશે નહીં! હા, આમાં સહેજ પણ અતિશિયોક્તિ નથી. ફિલ્મના સેટ પર ચાલતા રોજબરોજના કામ પર નજર રાખવા ‘લગાન’ના યુનિટ સાથે જોડાયેલા અને પ્રોફેશનલી લૉયર એવા સત્યજિત ભટકળે આ બધું પોતાની સગી આંખે જોયું અને એ પછી તેણે એ પણ જોયું કે ફિલ્મે ઇતિહાસ સરજી દીધો. નાનપણના ભાઈબંધ એવા આમિર ખાનને સત્યજિતે જ કહ્યું કે આપણે આ ફિલ્મને બુક ફૉર્મમાં પણ લાવવી જોઈએ અને એમાંથી જ સર્જન થયું, ‘ધ સ્પિરિટ ઑફ લગાન’નું. ભારતીય સિનેમા જગતની આ પહેલી બુક, જેમાં એક ફિલ્મના મેકિંગની આખી તવારીખ માંડવામાં આવી હોય. સત્યજિત ભટકળે કહ્યું હતું, ‘મારા માટે સૌથી મોટી વાત એ હતી કે મારે એવી બુક લખવાની હતી જે આમિર ખાન અને હિસ્ટરી સર્જી ગયેલી ફિલ્મની સક્સેસને પણ છાજે. એ વાંચતી વખતે કોઈને ટેક્નિકલ ગ્રંથ વાંચતા હોય એવું પણ ન લાગે અને રીડર માટે એ બોરિંગ ન બની જાય. આમ તો હું શરૂઆતથી ફિલ્મ સાથે જોડાયેલો હતો પણ એમ છતાં આમિર ખાનની હા પછી મેં નવેસરથી બધાની સાથે બેસવાનું શરૂ કર્યું.’
ADVERTISEMENT
‘ધ સ્પિરિટ ઑફ લગાન’ની સૌથી મોટી ખૂબી જો કોઈ હોય તો એ કે ફિલ્મમેકિંગ શીખવા માગનારાઓ માટે પણ આ એક અદ્ભુત બુક છે તો ફિલ્મો જોવાના શોખીનોને પણ એ મજા પાડી દે એવો જલસો છે અને સાથોસાથ માત્ર વાંચનનો શોખ ધરાવતા હોય એમના માટે પણ ‘ધ સ્પિરિટ ઑફ લગાન’ કોઈ ફિક્શન જેવી જ ઇન્ટરેસ્ટિંગ સત્યઘટનાની ગરજ સારે છે. ‘ધ સ્પિરિટ ઑફ લગાન’ની બીજી મોટી ખૂબી એ કે ‘લગાન’ જોનારાઓ માટે આ ગોળનું ગાડું છે તો વાંચવાનો શોખ ધરાવતા લોકો ‘ધ સ્પિરિટ ઑફ લગાન’ વાંચ્યા પછી ‘લગાન’ જોયા વિના રહી ન શકે એવો માહોલ ઊભો કરવાનું કામ કરે છે.
કોણ છે આ ભટકળ? | એક સમયે તો આ મહાશય મુંબઈ કોર્ટમાં કાળો ડગલો પહેરીને ‘મિલૉર્ડ’, ‘મિલૉર્ડ’ કરતા કેસની તારીખો લેતા સત્યજિત ભટકળને પોતાના પ્રોફેશનથી કોઈ પ્રૉબ્લેમ નહોતો પણ દોસ્તને સાથ આપવાના હેતુથી તેણે થોડો સમય માટે કશું નવું કરી લેવાની તૈયારી દેખાડી અને તેમની ફિલ્મ ક્ષેત્રમાં એન્ટ્રી થઈ ‘લગાન’ દ્વારા. ‘લગાન’ને હોમ-પ્રોડક્શનમાં બનાવવાનું નક્કી કર્યા પછી આમિર ખાને પોતાની ટીમ બનાવવાનું શરૂ કર્યું અને એ ટીમમાં જૉઇન થવા માટે તેણે સત્યજિતને દોસ્તી દાવે પ્રેશર કર્યું. દોસ્તની વાતને માન આપી સત્યજિત ભટકળે ‘લગાન’નું પ્રોડક્શન યુનિટ જૉઇન કર્યું અને એ પછી તેની વકીલાત કાયમ માટે સાઇડ પર જ રહી ગઈ.
‘લગાન’ પછી સત્યજિત ભટકળે સ્ટારપ્લસ પર આવેલો આમિર ખાનનો પૉપ્યુલર ટૉક-શો ‘સત્યમેવ જયતે’ ડિરેક્ટ કર્યો તો ભટકળે વૉલ્ટ ડિઝની પિક્ચર્સ માટે દર્શિલ સફરીને લઈને ‘ઝોકોમોન’ નામની ચિલ્ડ્રન ફિલ્મ પણ બનાવી તો લૉયર્સના પ્રશ્નોને ધ્યાનમાં રાખીને ‘બૉમ્બે લૉયર્સ’ નામની એનડીટીવી માટે ટીવી સિરિયલ પણ બનાવી.
જોકે આ બધાની શરૂઆત તો થઈ ‘ધ સ્પિરિટ ઑફ લગાન’ બુક અને એના પરથી બનેલી ડૉક્યુમેન્ટરી ‘ચલે ચલોઃ વન્સ અપૉન ઍન ઇમ્પૉસિબલ ડ્રીમ’થી.
દેશની પહેલી ડૉક્યુમેન્ટરી... | બુક ‘ધ સ્પિરિટ ઑફ લગાન’ પરથી સત્યજિત ભટકળે જ ‘લગાન’ના મેકિંગ પર ‘ચલે ચલોઃ વન્સ અપૉન ઍન ઇમ્પૉસિબલ ડ્રીમ’ નામની ડૉક્યુમેન્ટરી બનાવી, જે દેશની પહેલી ડૉક્યુમેન્ટરી બની જેને થિયેટરમાં રિલીઝ કરવામાં આવી હોય. સત્યજિત ભટકળની આ ડૉક્યુમેન્ટરીને નૅશનલ અવૉર્ડ પણ મળ્યો હતો. આજે પણ આ ડૉક્યુમેન્ટરી જોતી વખતે લોહીની ગતિ વધી જાય છે તો ‘ધ સ્પિરિટ ઑફ લગાન’ વાંચતી વખતે ખબર છે કે ફિલ્મ બનીને રિલીઝ પણ થઈ ગઈ છે એમ છતાં ધડકન વધી જાય છે કે ફિલ્મ બનશે કે નહીં?
સત્યજિત ભટકળ કહે છે, ‘બુક વાંચ્યા પછી આશુતોષ ગોવારીકર અને આમિર ખાન બન્નેનું કહેવું હતું કે આ વાત મૅક્સિમમ લોકો સુધી પહોંચવી જોઈએ એટલે અમે ડૉક્યુમેન્ટરી પર કામ શરૂ કર્યું. એ દિવસોમાં ફિલ્મના મેકિંગની બુક કે પછી ફિલ્મ પરથી બનતી ડૉક્યુમેન્ટરીનું ઇન્ડિયામાં કોઈ માર્કેટ નહોતું પણ એમ છતાં બન્નેને બહુ સારો રિસ્પૉન્સ મળ્યો, જેનો જશ ‘લગાન’ માટે સૌએ કરેલી મહેનતને જાય છે.’
અલબત, એ મહેનતને દુનિયા સુધી લાવવાનું સાચું કામ તો સત્યજિત ભટકળે જ કર્યું હતું એવું તમને પણ લાગે, જો તમે ‘ધ સ્પિરિટ ઑફ લગાન’ વાંચો તો.
સ્ટોરી શૉર્ટકટ
ચમત્કાર ક્યારેય તકદીરમાં લખેલા નથી હોતા, એની માટે હાથપગ ચલાવવા પડે અને ભારોભાર મહેનત કરવી પડે. ફિલ્મ ‘લગાન’ને આ વાત લાગુ પડે છે.
એક, બે કે ત્રણ નહીં પણ અનેક વાર આશુતોષ ગોવારીકરને ના પાડી દીધી હોવા છતાં પણ આમિર ખાન એક વખત સ્ટોરી સાંભળી લે એ માટે આશુતોષ ગોવારીકર તેની આસપાસ રીતસર ચક્કર લગાવતો રહ્યો. અગાઉ બબ્બે ફ્લૉપ ફિલ્મ આશુતેષે આપી દીધી હતી એ પણ કારણભૂત અને આ વખતની સ્ક્રિપ્ટ સાવ હટકે.
આ બન્ને કારણોસર ‘લગાન’ માટે અનેક વખત પ્રોડક્શન હાઉસ પાસેથી રિજેક્શન ઑલરેડી આશુતોષે સાંભળી લીધું હતું તો સુપરફ્લૉપ થતી ક્રિકેટની ફિલ્મોની હાલત પણ તેણે જોઈ લીધી હતી અને એમ છતાં તે ‘લગાન’ માટે જબરદસ્ત પૉઝિટિવ હતો.
તેનામાં આ પૉઝિટિવિટી ક્યાંથી આવી? હંમેશાં ઘર અને હસબન્ડ આમિરને સંભાળતી વાઇફ રીના લાઇફમાં પહેલી વાર કોઈ ફિલ્મની પ્રોડક્શન મૅનેજર કેવી રીતે બની? ઇન્ડિયામાં પહેલી વાર સિન્ક-સાઉન્ડનો ઉપયોગ કરવાનું શું કામ નક્કી કરવામાં આવ્યું? નૉર્મલ હિન્દીને બદલે અવધિ ભાષાનો પ્રયોગ કરવાનું જોખમ લેવા પાછળ કઈ ઘટના કારણભૂત બની? કેવી રીતે ભુજના એક સામાન્ય એવા અપાર્ટમેન્ટને હોટેલમાં ફેરવવામાં આવ્યું? શૂટિંગના ટાઇટ શેડ્યુલને સાચવી રાખવા માટે કેવા-કેવા મિલિટરી નિયમો બનાવવામાં આવ્યા?
આ અને આવા અઢળક સવાલોનો જવાબ ‘ધ સ્પિરિટ ઑફ લગાન’ છે.
લગાન ફિલ્મની વાર્તા હતી જેમાં એક ગામડિયો યુવાન ઊંચું સપનું જુએ છે આખા ગામને કરમુક્ત કરાવવાનું. વાત માત્ર ફિલ્મની જ નથી. એ ફિલ્મ જે રીતે બની એ પણ એક ઊંચાં સપનાંથી કમ વાત નહોતી. એક સપનાને સાકાર કરવા માટે કેવી ચુસ્તી જોઈએ, મનમાં કેવો વલોપાત હોવો જોઈએ અને કેવા ઝનૂન સાથે તમારે મચી પડવું એ વાત ‘ધ સ્પિરિટ ઑફ લગાન’ના પાને-પાને રીતસર નીતરે છે અને એટલે જ ‘ધ સ્પિરિટ ઑફ લગાન’ માત્ર એક ફિલ્મની મેકિંગની સ્ટોરી ગણવાને બદલે એને મોટિવેશનલ સ્ટોરી પણ ગણાવવી પડે એવું સત્ત્વ પણ રીતસર ઝળકે છે.

