કિતાબો માત્ર જ્ઞાન નહીં, પણ સેકન્ડહૅન્ડ અનુભવ પણ આપી જાય છે. જેનું મોલ તો લાઇફની રેસમાં સેકન્ડ લેપ પછી જ સમજાય.
ભક્તિ રાઠોડની તસવીર
હું ૪-૫ વર્ષની થઈ ત્યારે મારી માએ મારામાં એક ડ્રામૅટિક ફ્લેર જોઈ લીધો હતો. એટલે સ્કૂલમાં તેણે મારી પાસે એવી-એવી ધતિંગ કૉમ્પિટિશન્સમાં ભાગ લેવડાવ્યો જેમાં તૈયાર થવાનો ચાન્સ ઓછો મળતો, પણ પાનાંઓનાં પાનાં પાઠ કરવાં પડતાં. મને ત્યારે બહુ ગુસ્સો આવતો. ફૅન્સી ડ્રેસમાં પણ તે મને મૂળો બનાવતી હતી. મૂળો! અને મારે મૂળાના સદ્ગુણો પર એક કવિતા બોલવી પડી હતી. જુનિયર કેજીમાં ઇન્ડિપેન્ડન્સ ડેની છુટ્ટીની સવારે સ્કૂલના ગ્રાઉન્ડ પર ૨૦૦૦ના ક્રાઉડ સામે શુદ્ધ હિન્દીમાં ભાષણ આપ્યું હતું, વગર વાંચ્યે. બીજાં બાળકો ગ્રુપ-ડાન્સમાં ભાગ લે અને હું વક્તૃત્વ, ડિબેટ, કવિતાલેખન અને સ્ટ્રીટપ્લેમાં ભાગ લેવા બંધાયેલી હતી. બધામાં દર વખતે જુદા પડવાનો ખૂબ કંટાળો આવતો. પણ આ માથાકૂટ વચ્ચે એક મજાની ગમતી વાત હતી મમ્મીની લાઇબ્રેરીમાંથી તેની સાથે પલાંઠી વાળીને એની બુક્સના ભંડારમાંથી ભજવવા માટેના વિષયો ગોતવાની. મમ્મી-પપ્પા પાસે એટલાં પુસ્તકો મળી રહે કે ભાનુમતીનો પિટારો ખોલવા જેવી એક્સાઇટમેન્ટ થતી.
કોઈ પણ ચીજ સમય સાથે એનું નાવીન્ય ગુમાવી બેસે છે, સિવાય કે બુક્સ. કોઈ કિતાબ જેટલી વાર વાંચો એટલી વાર એનું નવું અર્થઘટન સમજાય અને સોગનથી કહું છું કે એનાં પાનાંઓની સુગંધ વર્ષો પછી પણ નવી જેવી જ રહે છે, પણ આ વાત આજની ઈ-બુક જનરેશન માટે સમજવી અઘરી છે. વડીલોનું જૂનું બુક-કલેક્શન તેમના માટે પસ્તી છે. ૩૦ સેકન્ડની રીલ પણ સ્વાઇપ કરી નાખતી જનરેશનને ૪૦૦ પાનાંની હાર્ડ બાઉન્ડ બુક તો શોપીસ જ લાગે. થૅન્કફુલી, એ જનરેશન વચ્ચે મને એક એવો લાઇફ-પાર્ટનર મળ્યો જેને મારા આણામાં હું કિતાબો પણ લાવીશ એ વાતનો ખૂબ આનંદ હતો. મારી માએ મારું આણું ભર્યું ત્યારે એમાં સાડીઓ, ડ્રેસ, મેકઅપ, જ્વેલરી, વગેરેનાં મળી કુલ ૯ કાર્ટન હતાં અને સામે બુક્સનાંજ ૭ કાર્ટન હતાં. મારા આણામાં સૌથી વજનદાર આંણુ મારી બુક્સનું હતું. યોગાનુયોગ તો જુઓ! લગ્ન પછી નવું ઘર ગોઠવતી વખતે મારા હસબન્ડનું બુક-કલેક્શન પણ એક્ઝૅક્ટલી ૭ કાર્ટન નું હતું! જેકપોટ!
ADVERTISEMENT
મારા ઉછેરમાં સંસ્કાર, લાઇફસ્ટાઇલ, આવડતની સામે સૌથી મોટું અને વજનદાર આણુ હું જ્ઞાનનું લઈ આવી, એ મારો મોટો આનંદ. સમજણ, પરિપક્વતા અને ધીરજ જે તમારામાં વાંચન કેળવી શકે છે એ કોઈના શીખવવાથી નથી આવતું. આ ત્રણ સ્તંભ જીવનની કોઈ પણ પરિસ્થિતિ સામે લડવા તમને સક્ષમ બનાવે છે.
સ્માર્ટ ગૅજેટ્સ સ્માર્ટ બનાવી શકે, પણ લાંબી રેસ દોડવા વિઝડમ જોઈએ. કિતાબો માત્ર જ્ઞાન નહીં, પણ સેકન્ડહૅન્ડ અનુભવ પણ આપી જાય છે. જેનું મોલ તો લાઇફની રેસમાં સેકન્ડ લેપ પછી જ સમજાય.
અહેવાલ : ભક્તિ રાઠોડ

