Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કોરોનિલના નામે રામદેવજીએ કરી બાબાગીરી

કોરોનિલના નામે રામદેવજીએ કરી બાબાગીરી

28 June, 2020 09:31 PM IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

કોરોનિલના નામે રામદેવજીએ કરી બાબાગીરી

કોરોના-કિટમાં શું છે? કોરોનિલ - ગળો, તુલસી અને અશ્વગંધાનું મિશ્રણ, જે કોરોના સામે રોગપ્રતિકારક શક્તિ વધારનારું હોવાનું આયુષ મંત્રાલયે પણ સ્વીકાર્યું છે. શ્વાસારી - ફેફસાં માટેની આ દવા ઑલરેડી પતંજલિએ માર્કેટમાં મૂકેલી છે. અણુતેલ - શરદી માટે વપરાતી દવા છે અને નાકમાં જમા થયેલો કફ દૂર કરે છે.

કોરોના-કિટમાં શું છે? કોરોનિલ - ગળો, તુલસી અને અશ્વગંધાનું મિશ્રણ, જે કોરોના સામે રોગપ્રતિકારક શક્તિ વધારનારું હોવાનું આયુષ મંત્રાલયે પણ સ્વીકાર્યું છે. શ્વાસારી - ફેફસાં માટેની આ દવા ઑલરેડી પતંજલિએ માર્કેટમાં મૂકેલી છે. અણુતેલ - શરદી માટે વપરાતી દવા છે અને નાકમાં જમા થયેલો કફ દૂર કરે છે.


શું છે કોરોનિલનો આ વિવાદ અને એવું તે શું બન્યું છે કે ક્યાંક ને ક્યાંક બાબા રામદેવ પોતાનાં ભગવાં વસ્ત્રોનો ગેરલાભ લઈ રહ્યા હોય એવું લોકોને લાગવા માંડ્યું?

મંગળવારે આચાર્ય બાલકૃષ્ણ અને દેશની પાંચ આયુર્વેદ કૉલેજના પ્રિન્સિપાલની હાજરીમાં બાબા રામદેવે પ્રેસ-કૉન્ફરન્સમાં અનાઉન્સ કર્યું કે હવે કોવિડ-19થી ડરવાની જરૂર નથી. વિશ્વની પહેલી આયુર્વેદિક દવા પતંજલિ અને દિવ્ય ફાર્મસીએ બનાવી લીધી છે, હવે કોવિડ-19ના સંક્રમણથી કોઈએ જીવ ગુમાવવો નહીં પડે.



અનાઉન્સમેન્ટની ગણતરીની મિનિટોમાં જ ન્યુઝ ચૅનલ પર બ્રેકિંગ ન્યુઝ આવી ગયા અને ઇન્ટરનેટ પર દિવ્ય ફાર્મસીની ‘કોરોનિલ’ મેડિસિને દેકારો મચાવી દીધો. જો માર્કેટિંગની ભાષામાં વાત કરીએ તો કહેવું પડે કે અનાઉન્સમેન્ટના એક કલાકમાં બાબા રામદેવ, પતંજલિ આયુર્વેદ લિમિટેડ, દિવ્ય ફાર્મસી, કોરોનિલ અને કોરોના-કિટે અબજો રૂપિયાની પબ્લિસિટી મેળવી લીધી. પણ દુ:ખની વાત એ છે કે એ પછીની વીસ જ મિનિટમાં જે ઘટનાક્રમ ચાલ્યો એને લીધે બાબા રામદેવ સહિત સૌકોઈની કરોડોની નાલેશી થઈ. બ્રેકિંગ ન્યુઝ હજી ટીવી પર આવી જ રહ્યા હતા અને એક પછી એક ન્યુઝ ચૅનલ બાબા રામદેવના ઇન્ટરવ્યુ કરી રહી હતી ત્યારે જ આયુષ મંત્રાલયે ઑર્ડર પસાર કર્યો કે આ મેડિસિન માટે આયુષ મંત્રાલયને જાણ કરવામાં નથી આવી કે પછી આ મેડિસિન કોરોના પર અસરકારક છે એનાં કોઈ ટેસ્ટ પેપર પતંજલિ અને દિવ્ય ફાર્મસી દ્વારા મિનિસ્ટ્રીમાં જમા કરાવવામાં નથી આવ્યાં. આયુષ મંત્રાલયના દાવા પછી ૧૪ કલાકે પતંજલિ આયુર્વેદના મૅનેજિંગ ડિરેક્ટર આચાર્ય બાલકૃષ્ણે બચાવ કરતાં ટ્વીટ કર્યું કે આ કમ્યુનિકેશન ગૅપ હતો, જે હવે દૂર થઈ ગયો છે. ક્લિનિકલ ટ્રાયલનાં જે કોઈ પૅરામીટર્સ છે એને સો ટકા પૂરાં કરવામાં આવ્યાં છે અને એ તમામ ડેટા પણ સબમિટ કરવામાં આવ્યા છે.


ટ્વીટ પછી પણ આ વિવાદ શાંત નથી પડ્યો. અત્યાર સુધીમાં મહારાષ્ટ્ર અને રાજસ્થાનની સ્ટેટ ગવર્નમેન્ટે આ કોરોના-કિટના વેચાણ પર પ્રતિબંધ જાહેર કરી દીધો છે તો અન્ય ચાર સ્ટેટની સરકાર પણ આ દિશામાં વિચારી રહી છે; જ્યારે દિલ્હી સરકાર કોરોનાની આ કિટ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં જાય એવી પૂરી શક્યતા છે. એવું તે શું બન્યું છે કે જે કોરોનાની મેડિસિન શોધવા માટે આખું જગત તડામાર તૈયારીમાં લાગેલું હતું, આતુરતાથી કોરોના મટાડે એવી દવાની રાહ જોવાતી હતી એ જ કાર્ય થયું ત્યારે આપણે ત્યાં આટલો વિવાદ થઈ ગયો, આવું થવાનું કારણ શું?

ખાંસી, ઉધરસ અને કોરોના


બાબા રામદેવે જે ‘કોરોના કિટ’ તરીકે આ આખું પૅક મૂક્યું છે એ પૅકમાં એક મેડિસિન છે કોરોનિલ. આ કોરોનિલની ટ્રાયલ સો કોરોના પેશન્ટ્સ પર કરવામાં આવી. બાબા રામદેવના કહેવા મુજબ આ સો પેશન્ટમાંથી ૬પ પેશન્ટનો કોરોના રિપોર્ટ માત્ર ચાર જ દિવસમાં નેગેટિવ થઈ ગયો તો બાકીના ૩પનો સાત દિવસમાં રિપોર્ટ નેગેટિવ આવ્યો, આમ આ દવા સંપૂર્ણ કારગત પુરવાર થઈ છે. બાબા રામદેવના આ દાવા સાથે ખરેખર તો ભારત સરકાર ઊછળી પડવી જોઈતી હતી અને ઘરે-ઘરે લાપસીનાં આંધણ મુકાવા જોઈતાં હતાં. દુનિયા આખી સામે ભારતનું નાક ઊંચું થઈ જાત અને વિશ્વ આખું ભારતનું સામૈયું કરવા માટે રાજી થઈ જવું જોઈતું હતું. પણ ના, એવું નથી થયું અને આવું નહીં થવાનું કારણ પણ બાબા રામદેવની જાહેરાતની ગણતરીના કલાકોમાં જ થયું. આયુષ મંત્રાલયે બાબા રામદેવના આ દાવાની સામે કહ્યું છે કે એ કોઈ ટેસ્ટ પેપર્સ મિનિસ્ટ્રીમાં સબમિટ નથી થયાં કે પછી કોઈ પ્રકારની ટ્રાયલ હિસ્ટરી પણ મંત્રાલયને આપવામાં નથી આવી. આયુષ મંત્રાલયે એવું પણ જાહેર કર્યું કે આ પ્રકારે મેડિસિનની જાહેરાત પતંજલિ કે પછી અન્ય કોઈ કંપની સાર્વજનિક રીતે કરી શકે નહીં. આ મહામારી છે. આ મહામારી વચ્ચે સંસ્થાએ ભારત સરકારને વિશ્વાસમાં લેવાનું કામ કરવું જોઈએ, પણ એ પણ થયું નથી. હદ તો ત્યારે છે કે જ્યારે આયુષ મંત્રાલયના સિનિયર અધિકારીઓ એવો પણ દાવો કરવા માંડ્યા કે બાબા રામદેવે આ પ્રકારની કોઈ દવા બનાવવા માટે પરમિશન પણ લીધી નથી.

આયુષ મંત્રાલયનો આ દાવો સાવ પોકળ નથી. ઉત્તરાખંડના ડ્રગ્સ લાઇસન્સ ઑથોરિટીએ એવું સત્તાવારપણે કહ્યું છે કે પતંજલિએ આ દવા ખાંસી અને તાવ માટેની દર્શાવી હતી અને એ દાવા પર જ તેમને લાઇસન્સ આપવામાં આવ્યું છે. લાઇસન્સ માગવા માટે જે અરજી આવી છે એમાં ક્યાંય કોરોનાનો ઉલ્લેખ સુધ્ધાં નથી. ડ્રગ્સ લાઇસન્સ ઑથોરિટીના અસિસ્ટન્ટ ડિરેક્ટર ગજેન્દ્રસિંહ રાવતે કહ્યું હતું, ‘ઇમ્યુનિટી બૂસ્ટર અને ખાંસી-તાવમાં ઉપયોગી બને એ પ્રકારના આ પૅકની પરમિશન લેવામાં આવી છે. કોરોના માટે કોઈ પ્રકારના લાઇસન્સની માગ કરવામાં નથી આવી. ભારત સરકારે જાહેર કરેલી આચારસંહિતા મુજબ કોરોના માટે જે કોઈ સંશોધન ચાલી રહ્યાં છે એની ભારત સરકારને જાણ છે અને આ રીતે કોરોનાના નામે મેડિસિન બનાવીને એનો પ્રચાર-પ્રસાર કરવો ગુનો છે.’

પતંજલિએ દસ જૂનના ત્રણ દવાના વેચાણ માટે લાઇસન્સની માગ કરી, જેને પૅનલમાં મૂકવામાં આવી. પૅનલે સ્ટડી કર્યા પછી બારમી જૂને એ ત્રણ દવાને લાઇસન્સ આપવાનું કામ કર્યું જે ત્યાર પછી મંગળવારે કોરોના-કિટ બનીને માર્કેટમાં મુકાઈ. ડ્રગ્સ લાઇસન્સ ઑથોરિટીએ નક્કી કર્યું છે કે અત્યારે આ જે કોરોના-કિટ માર્કેટમાં પતંજલિ દ્વારા મૂકવામાં આવી છે એની પરમિશન ક્યાંથી મેળવવામાં આવી છે? ગજેન્દ્રસિંહ રાવત કહે છે, ‘જેનું લાઇસન્સ જે સ્વરૂપમાં મળ્યું હોય એ જ સ્વરૂપમાં એ દવા વેચવાની હોય છે. ત્રણ દવાનું સાથે લાઇસન્સ માગવામાં આવ્યું નથી એટલે આ રીતે ત્રણ દવા સાથે માર્કેટમાં કેવી રીતે વેચાણ માટે મૂકવામાં આવી એના જવાબ માટે અમે પતંજલિને નોટિસ આપીશું.’

પ્રતિકાર કે રોગનાશક

બાબા રામદેવના કહેવા મુજબ તેમણે આ કોરોના-કિટ જયપુરની એક પ્રાઇવેટ મેડિકલ કૉલેજના સપોર્ટમાં બનાવી છે જે કોરોનાને ભગાડવામાં કારગત પુરવાર થાય છે. આ કિટ છે એમાં ત્રણ અલગ-અલગ દવા છે. એક કોરોનિલ છે, બીજી શ્વાસારી અને ત્રીજું તેલ છે અણુતેલ. અહીં એક વાત એ પણ ધ્યાન પર મૂકવાની કે શ્વાસારી અને અણુતેલ ઑલરેડી પતંજલિના માર્કેટમાં હતાં. શરદીના કારણે નાક ચોકઅપ થઈ જાય ત્યારે અણુતેલનો ઉપયોગ કરવાનું કહેવામાં આવે છે તો શ્વાસારી ફેફસાં માટે બેસ્ટ ગણાવવામાં આવી છે. કોરોના-કિટમાં જો કોઈ નવી વાત હોય તો એ છે કે કોરોનિલ. શું છે આ કોરોનિલ અને એ કેવી રીતે બનાવવામાં આવી એ જાણવા જેવું છે.

કોરોનિલમાં ગિલોઈ, તુલસી અને અશ્વગંધાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ત્રણના મિશ્રણથી તૈયાર થયેલી દવાથી ઇમ્યુનિટી બૂસ્ટ થાય છે તો સાથોસાથ ડાયાબિટીઝ અને બ્લડ-પ્રેશરને પણ કન્ટ્રોલ રાખવાનું કામ આ દવા કરે છે એવું બાબા રામદેવે પ્રેસ-કૉન્ફરન્સમાં પણ કહ્યું હતું અને એમ છતાં પણ એ દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે કોરોનાની બીમારીથી પણ એ સો પ્રતિશત છુટકારો આપે છે. અહીં તમને યાદ કરાવવાનું કે ઇમ્યુનિટી વધારવા માટે તુલસી, અશ્વગંધા અને ગિલોઈનું સેવન કરવા માટે આયુષ મંત્રાલય પહેલેથી જ કહેતું આવ્યું છે. એપ્રિલ મહિનામાં બાબા રામદેવે પણ કોરોના સામે લડત આપવા માટે ઇમ્યુનિટી વધારવા શું કરવું જોઈએ એનો એક વિડિયો તૈયાર કર્યો હતો જેમાં તેમણે આ ત્રણ ઔષધ લેવા માટે સૂચન કર્યું હતું. મુદ્દો એ છે કે જે ઇમ્યુનિટી વધારે છે એ ઔષધને હવે કોરોના-નાશક તરીકે ઓળખાવીને દવા તરીકે વેચવાં શું યોગ્ય છે ખરાં? વાતને આગળ લઈ જતાં પહેલાં વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશને કોરોના સંદર્ભે કરેલી એક સ્પષ્ટતા જાણી લેવી જોઈએ.

કોરોનાની દવા માટે દુનિયાભરના દેશો કામે લાગી ગયા એવા સમયે વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશને સત્તાવારપણે જાહેરાત કરી હતી કે ઇમ્યુનિટી વધારતી દવાને કોરોના મટાડે એવી દવા તરીકે ઓળખાવવાનું કામ કોઈ દેશ અને દેશની કંપનીએ કરવું નહીં.

સંદેહ ક્લિનિકલ ટ્રાયલ પર

કોરોના-કિટના લૉન્ચિંગ સમયે એવો દાવો કરવામાં આવ્યો કે આ મેડિસિનના કારણે સો કોરોના પેશન્ટ સાજા થયા. જયપુરની પ્રાઇવેટ મેડિકલ કૉલેજના ચૅરમૅન બલવીર તોમરની આગેવાનીમાં ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવી હતી. હવે પ્રશ્ન અહીં એ ઊભો થાય છે કે એ જે કોરોના પેશન્ટ્સ હતા તે કોરોનાના કયા સ્તરના પેશન્ટ હતા, ક્રિટિકલ હતા, ગંભીર લક્ષણો ધરાવતા હતા કે પછી સારી ઇમ્યુનિટી ધરાવતા નૉર્મલ પેશન્ટ હતા. આ સંદેહનું કારણ કોરોના મહામારીનો બેઝિક સ્વભાવ છે. કોરોનાના કારણે મૃત્યુ પામનારા પેશન્ટની ટકાવારી ઑલમોસ્ટ બેથી ત્રણ ટકા જેટલી છે અને એમાં પણ ખાસ એ પેશન્ટનાં મૃત્યુ થાય છે જેને અન્ય કોઈ ક્રિટિકલ બીમારી હોય છે. આ સમયે સોમાંથી સો પેશન્ટને સારવાર આપવામાં આવી એ પેશન્ટની ડીટેલમાં કોઈ વાતના જવાબ આપવામાં આવ્યા નહીં. કયા પ્રકારનો મેડિસિન ડોઝ હતો અને કેવા પ્રકારની કાળજી રાખવામાં આવતી હતી એ વિશે પણ કોઈ જાતના ખુલાસા કરવામાં આવ્યા નહીં. આ ચુપકીદીએ પણ બાબા રામદેવ અને તેમની કોરોના-કિટને સંદેહમાં મૂકવાનું કામ કર્યું છે. જો માઇલ્ડ અને મૉડરેટ સિમ્પટમ્સ ધરાવતા પેશન્ટ પર જ આ કિટ વાપરવામાં આવી હોય તો એ કિટને તમે કોરોનાથી મુક્તિ અપાવનારી કોરોના-કિટ તરીકે માર્કેટમાં ન મૂકી શકો એ સર્વસામાન્ય વાત છે. માઇલ્ડ અને મૉડરેટ પેશન્ટ્સ આમ પણ બીમારીથી મુક્ત થાય છે એટલે સો પેશન્ટ પર જ કરવામાં આવેલી મેડિકલ ટ્રાયલ વાજબી પણ ન ગણી શકાય.

આ જ પ્રેસ-કૉન્ફરન્સમાં બાબા રામદેવે એવું કહ્યું હતું કે તેમણે આ દવા માર્કેટમાં મૂકતાં પહેલાં સેન્ટ્રલ ટ્રાયલ રજિસ્ટ્રેશન ઑફ ઇન્ડિયા પાસેથી માર્કેટિંગની પરમિશન લીધી છે, પણ આ વાત પણ ઑથેન્ટિક નથી. હકીકત એ છે કે ભારત સરકારની સેન્ટ્રલ ટ્રાયલ રજિસ્ટ્રેશન ઑફ ઇન્ડિયા આવી કોઈ પરમિશન આપવાના હક ધરાવતી જ નથી. નવી દવાની ટ્રાયલ માટે જો કોઈની પાસે રજિસ્ટ્રેશન કરાવવું પડે તો એ આ સંસ્થા છે અને આ સંસ્થા એ ટ્રાયલના તમામ રેકૉર્ડ રાખે છે. આ સંસ્થાના રેકૉર્ડના આધારે જ એ દવાની ટ્રાયલને સર્ટિફિકેટ મળતું હોય છે. કંપનીના પોતાના દાવાઓને આધારભૂત માનવામાં નથી આવતા. દવાને માર્કેટમાં મૂકતાં પહેલાં જેની પરમિશન લેવાની હોય છે એ જે ભારત સરકાર હસ્તકનો ડિપાર્ટમેન્ટ છે એનું નામ છે સેન્ટ્રલ ડ્રગ કન્ટ્રોલ સ્ટાન્ડર્ડ ઑર્ગેનાઇઝેશન. આ ઑર્ગેનાઇઝેશન પાસેથી COPP એટલે કે સર્ટિફિકેટ ઑફ ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ લેવાનું રહે છે. એ સર્ટિફિકેટ આવ્યા પછી જ દવાને માર્કેટમાં મૂકી શકાય છે. સેન્ટ્રલ ડ્રગ કન્ટ્રોલ સ્ટાન્ડર્ડ ઑર્ગેનાઇઝેશનની વેબસાઇટ પર બાબા રામદેવની દિવ્ય ફાર્મસીની અનેક પ્રોડક્ટના સર્ટિફિકેટની વિગત છે, પણ કોરોનિલની કોઈ જાણકારી ત્યાં નથી.

સરવાળે થયું છે શું?

‘કોરોનિલ’ અને ‘કોરોના કિટ’ના કારણે જે વિવાદ ઊભો થયો છે એ વિવાદના મૂળમાં એક વાત સ્પષ્ટ છે કે બાબા રામદેવે ભારત સરકાર કે સુસંગત મિનિસ્ટ્રીને વિશ્વાસમાં લીધા વિના જ પતંજલિ અને દિવ્ય ફાર્મસીને કોરોનાની સારવારમાં કારગત નીવડે એવી મેડિસિન બનાવવાનો જશ આપવામાં ઉતાવળ કરી છે. આયુષ મંત્રાલયથી માંડીને ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ અને લાઇસન્સ ઑથોરિટી સુધ્ધાં બાબા રામદેવના આ પગલાથી વાકેફ નથી, જે દેખાડે છે કે પતંજલિએ સેવાના ઉદ્દેશ્યથી નહીં પણ માર્કેટિંગના હેતુથી કોરોનિલ અને કોરોના-કિટને માર્કેટમાં અને દુનિયાની સામે ઇન્ટ્રોડ્યુસ કરી દીધાં. આ સંદર્ભે બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણનો ‘મિડ-ડે’એ સંપર્ક કર્યો, પણ તેમણે આ વિશે કોઈ વાતની ચર્ચા કરવાની ના પાડી દીધી.

કોરોના ન થાય એ માટે ઇમ્યુનિટી વધારવાનું સતત કહેવામાં આવી રહ્યું છે એ ઇમ્યુનિટી બૂસ્ટર તરીકે કોરોનિલ અને કોરોના કિટ શ્રેષ્ઠ હોઈ શકે છે, પણ કોરોના ક્યૉર કરવામાં આ મેડિસિન ઉપયોગી છે એવું જાહેર કરવામાં બાબા રામદેવ ઉતાવળ કરી ગયા છે. સેન્ટ્રલ ડ્રગ કન્ટ્રોલ સ્ટાન્ડર્ડ ઑર્ગેનાઇઝેશનના એક અધિકારીએ ઑફ ધ રેકૉર્ડ ‘મિડ-ડે’ને કહ્યું હતું, ‘આ પ્રકારની મહામારીની મેડિસિનની ક્લિનિકલ ટ્રાયલ અને એની લાઇસન્સ પ્રોસેસથી લઈને માર્કેટિંગ દ્વારા દેશના ખૂણે-ખૂણે પહોંચાડવામાં ત્રણ વર્ષ જેટલો સમય લાગતો હોય છે. બાબા રામદેવ નામ કમાઈ લેવાની લાયમાં વધારે પડતી ઉતાવળ કરીને પોતાનું નામ બગાડી બેઠા.’

વાત ખોટી તો નથી.

Whatsapp-channel Whatsapp-channel

28 June, 2020 09:31 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK