સદ્નસીબે દિલ્હીના ઍરપોર્ટમાં દોડતા મેજર રણજિતને મુંબઈ જતી ફ્લાઇટમાં છેલ્લી ઘડીએ ટિકિટ મળી ગઈ. રણજિતના મનમાં અનિકાનો રડતો અવાજ અને હીબકાં હજી પણ શાંત નહોતાં થયાં. ‘બાબા, તમે પ્લીઝ પાછા આવી જાઓ. મને તમારી જરૂર છે.
બારીમાં આખ્ખું આકાશ! (પ્રકરણ - ૨૨) પિતા-પુત્રીના લાગણીસભર સંબંધોની સપ્તરંગી કથા
જીવનમાં આ સૌથી મોટો ડર હોય છે કે એવું પણ બની શકે કે આપણે જેને પ્રેમ કરીએ છીએ એ જણ આવતી કાલે આપણી સાથે ન પણ હોય! કોઈને તરત ગુમાવી નથી દેતા આપણે. ઘણી વાર આ ગુમાવવાની પ્રક્રિયા ધીમે-ધીમે થઈ શરૂ થાય છે. એક ઉંમર પછી સમજાય છે કે પ્રેમ એટલે ટેવ, બીજું કશું નહીં! આપણને એક વ્યક્તિની ટેવ પડી જાય, આપણું અસ્તિત્વ તેની આસપાસ ગુંથાઈ જાય, તેની ‘ના’ અને ‘હા’માં આપણા હકાર-નકાર વધારે ઘાટ્ટી રીતે ઘુંટાય એ પ્રેમ. કોઈને ગુમાવી દીધા પછીનો ખાલીપો તરત નથી સમજાતો, ધીમે-ધીમે જીવનમાં, ઘરમાં, મનમાં અને વર્તનમાં એ ખાલીપાનું વજન વર્તાય છે. એ પછી નીરવ શાંતિ ક્યારે એકલતા બની જાય એની ખબર નથી રહેતી. જે વ્યક્તિ ઘરમાંથી જતી રહી છે તેનો સામાન ખાલી કરી શકશો પણ ઘરના વાતાવરણમાં સ્થિર તેના અવાજોને ધકેલી નહીં શકો. માનવસહજ એક પ્રશ્ન કાયમ છાતીએ ભીંસાતો રહે કે જનાર જણને એ વાતનો ખટકો મનમાં નહીં રહેતો હોય કે તેની પાછળ એક જણ ને એક સંબંધ એમનેમ છે. સ્મૃતિઓ એકપક્ષીય કેવી રીતે હોઈ શકે? જનાર જણને પણ જિવાયેલી લીલીછમ ક્ષણો સાંભરતી નહીં હોય? સંબંધ તૂટે છે પણ છૂટતો નથી ક્યાંય સુધી એ વાતનાં તરફડિયા જનાર જણની ભીતર પણ અનુભવાતાં હશે કે કેમ? એક વ્યક્તિ જ્યારે ઘર કે સંબંધ છોડીને આગળ વધે છે ત્યારે પોતાની કેટલીક ટેવો, સ્વાદ, સુગંધ, સ્પર્શ અને સ્વભાવ ઘરમાં પાછળ રહેલી વ્યક્તિને જાણે-અજાણે આપીને જાય છે. વળી જનાર જણ ખાલી હાથે નથી જતું એ પણ પોતાની સાથે લઈ જાય છે એ ટેવ, સ્વાદ, સુગંધ, સ્પર્શ અને સ્વભાવ જે હવે માત્ર તેનાં નથી. મનનો ખેલ અને મેલ કેવો વિચિત્ર છે!
સદ્નસીબે દિલ્હીના ઍરપોર્ટમાં દોડતા મેજર રણજિતને મુંબઈ જતી ફ્લાઇટમાં છેલ્લી ઘડીએ ટિકિટ મળી ગઈ. રણજિતના મનમાં અનિકાનો રડતો અવાજ અને હીબકાં હજી પણ શાંત નહોતાં થયાં. ‘બાબા, તમે પ્લીઝ પાછા આવી જાઓ. મને તમારી જરૂર છે. હું તમને લાંબો સમય નહીં રોકું પણ અત્યારે પ્લીઝ આવી જાઓ!’ અનિકાને આટલી ઢીલી પડતી રણજિતે ક્યારેય નથી જોઈ. સિત્તેર વર્ષના રણજિતના વર્તનમાં નાના બાળક જેવી બેચેની હતી. ઍરપોર્ટની વેઇટિંગ લાઉન્જમાં બેસેલા મુસાફરો રણજિતને ભારે રમૂજથી જોતા હતા. તે ઘડી-ઘડી પોતાનો બોર્ડિંગ પાસ ચેક કરતા અને ગેટ-નંબર કન્ફર્મ કરતા, વળી પાછા ઊભા થઈને દર થોડી વારે સામેની ઇલેક્ટ્રિક વૉલ પર ફ્લાઇટ નંબર અને ટાઇમ ચેક કરવા જતા. તેમણે ઑર્ડર કરેલી કૉફી અને ગ્રિલ્ડ વેજ સૅન્ડવિચ ક્યારની ઠરી ગઈ હતી. તે વારંવાર પોતાનો મોબાઇલ ચેક કરતા હતા. વચ્ચે-વચ્ચે કૉલ ટ્રાય કરતા પણ અનિકા કૉલ રિસીવ નહોતી કરતી. તે સતત વૉટ્સઍપ મેસેજિસ કરી અનિકાને અપડેટ આપી રહ્યા હતા કે ‘જો ચેકઇન કરી લીધું.’
‘આ જો બોર્ડિંગ પાસ મળી ગયો.’
‘સિક્યૉરિટી ચેકિંગ પણ પૂરું
થઈ ગયું.’
‘ગેટ-નંબર ૩૨ પર આવી ગયો.’
‘ફ્લાઇટ પંદર મિનિટ લેટ છે.’
‘બસ જો, ફ્લાઇટમાં બેસી ગયો છું.’
‘અનિકા, મને વિન્ડો સીટ મળી છે.’
‘બસ જો ફ્લાઇટનું એન્જિન સ્ટાર્ટ થયું.’
‘ચલો બેટા, બેથી ત્રણ કલાકમાં તારી સામે હોઈશ, આ ફ્લાઇટે ટેક ઑફ કર્યું...’
મુંબઈ છોડતી વખતે મેજર રણજિતે વિચાર્યું નહોતું કે આટલી જલદી તરત પાછું મુંબઈ આવવું પડશે. જેમ હિમાચલથી કલ્યાણીને મળવા આવ્યા ત્યારે તેમને જાણ નહોતી કે અહીં ધરમશાલાના વુડન હાઉસના બારણે તાળું લગાવું છું એ હવે ક્યારેય ખૂલશે! આમ તો વર્ષોથી સંબંધો પર લાગ્યાં હતાં એવાં બંધ અને કટાઈ ગયેલાં તાળાંઓની ચાવી શોધવા જ તો સિત્તેર વર્ષે મેજર રણજિત સાબદા થયા હતા.
એક કટાયેલું તાળું ટેકરી પર ડેલહાઉઝીના લાકડાના ઘરમાં લાગેલું હતું. સ્મૃતિઓની આડશે બાઝેલાં સમયનાં વાદળોને ખસેડીને મેજર રણજિત જુએ છે ટેકરી પરના એ ઘરમાંથી ગ્રામોફોનમાં લતાજીનાં ગીતો સંભળાય છે. આથમતા સૂરજનો રતુમડો અજવાસ આખા ઘર પર લીંપાયેલો છે. વ્હિસ્કીના ગ્લાસની કિનારીઓ પર આંગળી રમાડતા યુવાન રણજિતના ચહેરા પર સ્મિત છે. રણજિતનું સશક્ત કસાયેલું શર્ટલેસ શરીર. લાકડાની ખુરશીને ટેકે પીઠ ટેકવી તે પાઇપ પી રહ્યો છે. તેના ખોળામાં બેસીને કલ્યાણી કૅન્વસ પર પેઇન્ટિંગ બનાવી રહી છે. કૅન્વસ પર બોગનવેલના ગુલાબી ફૂલો ખીલી રહ્યાં છે. કલ્યાણીના ખુલ્લા વાળમાં ગૂંથાયેલાં રૂપાળાં ચંપાનાં ફૂલોમાંથી માદક સુગંધ આવી રહી છે. પાઇપમાં બળતી તમાકુના ધુમાડાથી એવું લાગે છે જાણે રણજિત અને કલ્યાણીની આસપાસ સફેદ પડદાઓ તરી રહ્યા છે. બાજુના ટેબલ પર મુકાયેલી રંગોની ડિશમાં રણજિતે પોતાના હાથનાં ટેરવાં વાદળી રંગથી ભીનાં કર્યાં. કલ્યાણીની ખુલ્લી પીઠ પર રણજિતે ટેરવાંઓથી પોતાનું નામ લખ્યું. કલ્યાણીના આખા શરીરમાં ઝણઝણાટી પસાર થઈ. રણજિતના સ્પર્શથી છાતીમાં જાણે ઝીણી-ઝીણી ઝાલર વાગી. કલ્યાણીએ પીઠ ફેરવી. તેની આંખોમાં તોફાન છે અને હોઠ પણ રમતિયાળ સ્મિત. કલ્યાણીએ રણજિતના ગાલ પર ગુલાબી રંગની પીંછી ફેરવી. એ ગુલાબી રંગની ઠંડક રણજિતને છેક ભીતર સુધી અનુભવાઈ. બારીમાંથી ઠંડા પવનની લહેરખી આવી. કલ્યાણી રણજિતના ગુલાબી રંગના ગાલને ચૂમે છે. રણજિત પોતાની હથેળીમાં કલ્યાણીનો ચહેરો પકડી ચૂમ્યા કરે છે ક્યાંય સુધી. આખા ઓરડામાં રંગો ઘોળાય છે ક્યાંય સુધી. પવનમાં હાલક ડોલક થતાં દેવદાર અને ચીડનાં વૃક્ષો બારીમાંથી ઘરમાં ડોકાય છે. પવનની મોટી લહેરખી આવી અને ચીડ વૃક્ષનાં શંકુ આકારનાં સુકાયેલાં બીજફળ ઓરડામાં ઢોળાયા કરે છે. ઉપરના માળે ગ્લાસની મોટી વિન્ડો પાસે બેસી સાત વર્ષની અનિકા આકાશમાં બંધાતાં વાદળોના ગુચ્છાઓને જોઈ રહી છે. પોતાની નાનકડી આંગળીયુંનાં ટેરવાંથી અનિકા સ્કેચબુકમાં સાત રંગનું મેઘધનુષ્ય બનાવે છે, પછી દોડતી બારી પાસે જાય છે. હવામાં સ્કેચબુક ઊંચી કરી પોતાના પગની પાનીએ ઊંચી થઈ અનિકા એ સ્કેચબુકમાં દોરેલા મેઘધનુષ્યને આકાશમાં ગોઠવવાનો પ્રયત્ન કરે છે.
આખા દૃશ્ય પર કાટ લાગે છે અને ધીરે-ધીરે પોપડીઓ ખરે છે.
હવામાં તાળું ઝૂલ્યા કરે છે ધીરે-ધીરે!
lll
મેજર રણજિતને છાતીમાં વજન લાગ્યું. આખા શરીરે પરસેવો થયો. ફ્લાઇટ મુંબઈ ઍરપોર્ટ પર લૅન્ડ થઈ ચૂકી હતી. રણજિતે ટૅક્સીનો વિન્ડો ગ્લાસ ખોલી નાખ્યો. બૅગમાંથી પાણીની બૉટલ કાઢી. થોડું પાણી પીધું. યાદ આવ્યું કે અનિકાએ બૅગમાં પેપરમિન્ટ ચૉકલેટ્સનો નાનો ડબ્બો મુકાવ્યો છે. એ ડબ્બામાંથી એક ખાટીમીઠી પેપરમિન્ટ કાઢી અને ધ્રૂજતા હાથે મોંમાં મૂકી. થોડી વારે શરીર શાંત થયું. શ્વાસોચ્છ્વાસની ગતિ સામાન્ય થઈ કે તરત મોબાઇલ હાથમાં લઈ મેજર રણજિતે અનિકાને મેસેજ કર્યો કે ‘ત્રીસ મિનિટમાં ઘરે પહોંચી જઈશ.’
બહાર ઘેરાયેલી મુંબઈની રાત સૂવાનું નામ નહોતી લેતી. વાહનોથી અને માણસોથી ધમધમતું આ શહેર સપનાંઓનાં નામે જાણે અખંડ જાગરણ કરે છે. ટૅક્સીમાં બેસેલા મેજર રણજિત મુંબઈનો દરિયાઈ પવન ઝીલી રહ્યા હતા. રાતની કાળી ચાદર ઓઢી સ્ટ્રીટ લાઇટ્સના અજવાળે હકારમાં માથું ધુણાવી સથવારો આપતા આ શહેરને મેજર રણજિતની થાકેલી આંખો ટગર-ટગર જોઈ રહી છે. રણજિત વિચારે છે કે દરેક જગ્યા સાથે આપણી લેણદેણ હોય છે એમ મુંબઈ સાથેનાં પોતાનાં અન્ન-જળ હજી પૂરાં નથી થયાં. એક ક્ષણ પૂરતો મેજર રણજિતના મનમાં વિચાર આવ્યો કે સંજનાને કૉલ કરું કે નહીં? પછી થયું, કૉલ નહીં તો કંઈ નહીં પણ મેસેજ તો કરું જ. હાથમાં મોબાઇલ લીધો અને તેમણે સંજનાને મેસેજ કર્યો, ‘ડિયર સંજના. મજામાં હોઈશ. મારે કોઈ લાંબી વાત નથી કરવાની. હું માત્ર એટલું કહેવા માગું છું કે તમે બન્ને ઉતાવળાં થઈને કોઈ નિર્ણય...’ અને ટાઇપ કરતી આંગળીઓ ધીમી પડી. મેસેજ અડધો જ રહ્યો એ મોબાઇલ સ્ક્રીનને એકીટશે જોઈ રહ્યા. અચાનક શું સૂઝ્યું કે મેજર રણજિતે આખો મેસેજ ડિલીટ કરી નાખ્યો. મન પીગળી જાય એ પહેલાં તેમણે મોબાઇલ ખિસ્સામાં મૂકી દીધો.
ટૅક્સી હળવા ધક્કા સાથે અનિકાના ફળિયામાં આવીને ઊભી રહી. મેજર રણજિતે ધીરેથી ટૅક્સીમાંથી સામાન કાઢ્યો અને ટૅક્સી-ડ્રાઇવરને પૈસા ચૂકવ્યા ત્યાં સુધીમાં રણજિતે ત્રણેક વાર દરવાજા તરફ જોઈ લીધું પણ અનિકાએ દરવાજો નહોતો ખોલ્યો. તેના મનમાં હતું કે કદાચ અનિકા સામાન લેવા બહાર આવશે, પણ તે ન આવી. રણજિતને થયું કે અનિકા ઘરમાં જ ન હોય એવું પણ બને. તેમણે પોતાનો મોબાઇલ ચેક કર્યો તો બધા જ વ્હોટસેપ મેસેજ અનિકાએ વાંચ્યા હતા એટલે રણજિતને ખાતરી થઈ ગઈ કે અનિકા ઘરમાં જ છે.
રણજિતે ડોરબેલ વગાડી પણ એ સાથે જ તેમનું ધ્યાન ગયું કે બારણું ઑલરેડી ખુલ્લું હતું. રણજિતે સહેજ ધક્કો માર્યો કે દરવાજો ખૂલ્યો. ડ્રૉઇંગ રૂમમાં એક ખૂણે આછી વાદળી લાઇટ હતી. આરામખુરશી પર શાલ ઓઢીને અનિકા સૂતી હતી. આખા ઘરમાં સન્નાટો હતો. રણજિતે લાઇટની સ્વિચ ઑન કરી અને અનિકાની આંખો ખૂલી. અનિકાએ બાબાને જોયા કે તેના ચહેરા પર એકદમ પ્રસન્નતા વ્યાપી ગઈ. બીજી જ ક્ષણે તેના સ્મિતવાળા ચહેરા પર અચાનક તિરાડો ઊગી નીકળી. આંખો છલકાઈ. કશુંક બોલવા ગઈ પણ અવાજ એટલો ગળગળો થઈ ગયો કે કશું કહી ન શકી. રણજિતની આંખો ભીની થઈ. અનિકા સ્થિર નજરે બાબાને જોઈ રહી છે. કોણ જાણે કેવી રીતે પણ રણજિતે બહુ જ સહજ રીતે પોતાના હાથ અનિકા તરફ લંબાવ્યા અને અનિકા નાની
બાળકીની જેમ રણજિત તરફ દોડીને સીધી ગળે વળગી પડી.
પોતાના બાબાને કસકસાવીને ગળે વળગેલી અનિકા ધ્રુસકે-ધ્રુસકે રડી રહી હતી. મેજર રણજિત ખરેખરના મૂંઝાયા. તેમના માટે જીવનનો આ પહેલો અનુભવ હતો. પહેલી વાર પોતાની દીકરી આ રીતે આત્મીયતાથી ગળે વળગી હતી. મેજર રણજિતને સમજાતું નહોતું કે અનિકાના માથા પર હાથ મૂકું કે તેની પીઠ થપથપાવું કે પછી તેના ગાલને વહાલથી પંપાળું કે પછી તેનાં આંસુ લૂછીને કપાળને ચૂમું? એક પિતા વહાલને વરસાવવા બાબતે આટલો મૂંઝાયેલો કઈ રીતે હોઈ શકે એનો જવાબ રણજિતને મળતો નહોતો. આજ સુધી આ રીતે પ્રેમ વ્યક્ત કરવાના કોઈ અવસર તેમને ક્યારેય મળ્યા જ નહોતા. મેજર રણજિત મનોમન વિચારી રહ્યા હતા કે કાશ, આનો જવાબ ગૂગલ પાસે ક્યારેક માગ્યો હોત કે રડતી વ્યક્તિને કેવી રીતે શાંત કરી શકાય!
અનિકા પોતાના બાબા રણજિતને એ રીતે વળગીને રડતી હતી જાણે કહેવા માગતી હોય કે તમને ક્યાંય જવા નહીં દઉં. જાણે અડધે રસ્તે ખોવાયેલી પોતાની બહુ ગમતી વ્યક્તિ માંડ-માંડ મળી હોય. અનિકાની છાતીનાં હીબકાં મેજર રણજિતની છાતીમાં ઊગ્યાં.
મેજર રણજિતે અનિકાને માંડ-માંડ શાંત કરી. તે હજી પણ હીબકાં ભરતી હતી જાણે કહેવા માગતી હોય કે ‘બાબા, તમે મારા માટે બૅગ ભરીને બરફ લાવ્યા?’
‘તમે મને નાનપણમાં કહેલું કે અનિકા, આ તને જે કેસરી વાદળ ગમે છે એને હું તારી ઓઢણી બનાવવા ખેંચી લાવીશ. તો તમે મારા માટે કેસરી વાદળ લાવ્યા?’
‘બાબા, તમે કહેલું કે પહાડોમાં બોલતાં હરણાં છે અને એ આપણું નામ બોલે, આપણી સાથે વાતો કરે. તમે મારા માટે હરણું લાવ્યા?’
‘બાબા, મારા ક્લાસની બધી છોકરીઓ મારું સાચ્ચું નહોતી માનતી કે મારા બાબાએ હિમાલયમાં ડાયનોસૉર સાથે લડાઈ કરેલી. તમે તમારી ડાયનોસૉરવાળી બંદૂક લાવ્યા?’
અનિકા રણજિતની છાતીમાં માથું મૂકીને રડતી હતી. તેના દરેક હીબકામાં તે જે પોતાના નાનપણમાં નહોતી બોલી શકી એ બધી ભીની ફરિયાદો રણજિતની છાતી પર ઢોળી રહી હતી.
રણજિતે તેને સોફા પર પ્રેમથી બેસાડી અને રસોડામાંથી પાણી લઈને આવ્યા. આગ્રહથી અનિકાને પાણી પીવડાવ્યું.
‘અનિકા, તું જમી નથીને બેટા? શું બનાવી દઉં?’
‘મારે કશું નથી ખાવું.’
‘બેટા, કંઈક તો ખાવું પડે. ભૂખ્યા પેટે સૂઈ જઈશ તો બીમાર પડીશ. મને પણ ભૂખ લાગી છે. ખીચડી ભાવશે તને? ચાલ વેજિટેબલ ખીચડી બનાવી લઈએ.’
અનિકાએ કશો જવાબ આપ્યો નહીં. તે પોતાની વરસતી ભીની આંખો લૂછતી રહી.
મેજર રણજિતે ફટાફટ ખીચડી બનાવી. અનિકાએ બાબાના અતિઆગ્રહને વશ થઈ થોડી ખીચડી ખાધી. રસોડાનું બધું કામ આટોપી બાપ-દીકરી વરંડામાં હીંચકે જઈને બેઠાં. અનિકાએ પોતાનું માથું રણજિતના ખોળામાં મૂકી દીધું. હીંચકો ધીમે-ધીમે ચાલી રહ્યો હતો.
‘કોઈ ગીત વગાડું બેટા?’
‘નહીં!’
‘આઇસક્રીમ ખાવો છે તારે?’
‘બાબા પ્લીઝ. તમે કશું જ ન બોલો. બસ, ચૂપચાપ બેસી રહો મારી સાથે!’
રણજિતનો હાથ અનિકાના માથા પર પ્રેમથી ફરતો રહ્યો. એ સ્પર્શમાં રહેલી હૂંફથી અનિકાનાં હીબકાં શાંત થયાં હતાં. બાબાનો હાથ બન્ને હાથે કસકસાવીને તેણે એવી રીતે પકડી રાખ્યો જાણે ગમતા તકિયાને ભેટતી. ખાસ્સો સમય મૌન તોળાતું રહ્યું. પછી મેજર હિંમત કરીને બોલ્યા, ‘અનિકા, મારો પેલો માણિક છેને ધરમશાલાવાળો, રુદ્રાક્ષ કૅફેવાળો માણિક, તેણે કહ્યું કે શેરા અને શિઝુકાએ સંસાર માંડ્યો છે. મસ્ત પાંચ ગલૂડિયાંનો જન્મ થયો છે. કમનસીબે એક ગલૂડિયું જન્મીને તરત ગુજરી ગયું પણ બાકીનાં ચાર સલામત છે. આપણા વુડન હાઉસમાં શિઝુકાએ બચ્ચાંને જન્મ આપ્યો છે. પહેલાં વિચાર્યું કે તને એક ગલૂડિયું આપું પણ થયું કે હસ્કી પ્રજાતિનું પહાડી કૂતરું અહીં મુંબઈના બફારામાં કેમ ટકે એટલે વાત જ માંડી વાળી. જો તને ફોટો બતાવું...’
રણજિતે મોબાઈલમાં ફોટો શોધીને અનિકાના ચહેરા સામે ફોન ધર્યો ત્યારે તેમને સમજાયું કે અનિકા ઘસઘસાટ સૂતી હતી. કદાચ છેલ્લા ચોવીસ કલાકથી એકલા-એકલા રડીને તે ખાસ્સી થાકી ગઈ હતી.
હીંચકો ધીમે-ધીમે ઝૂલી રહ્યો છે. રણજિત પાછલી રાતના અંધારાને ઓઢીને બેસેલા આકાશને જોઈ રહ્યા છે. રાતરાણીનાં ફૂલ નીચે હીંચકા પર ખરી રહ્યાં છે. મધુમાલતી પવનમાં હિલ્લોળે ચડી છે. તમરાંઓનો અવાજ સંભળાયા કરે છે. દૂર કોઈના ઘરમાંથી કોઈ અજાણી ઠૂમરી વાગી રહી છે જેનો તાલ પવનના મૂડ પ્રમાણે ધીરે-ધીરે સંભળાયા કરે છે.
lll
વહેલી સવારે અનિકાની આંખ ખૂલી ત્યારે તેને સમજાયું કે બાબા ક્યારના તેને જગાડી રહ્યા હતા. તેણે આસપાસ જોયું તો આછું અજવાળું ખીલી રહ્યું હતું. મોબાઇલમાં જોયું તો સવારના છનો સમય થયો હતો.
‘અનિકા, ઊઠ બેટા. ચાલ મારી સાથે.’
આંખો ચોળીને અનિકાએ આળસ મરડી ત્યારે તેને સમજાયું કે પાછલી આખી રાત તે અહીં હીંચકા પર બાબાના ખોળામાં માથુ મૂકીને સૂઈ રહી હતી.
‘આટલા વહેલા ક્યાં જવું છે બાબા?’
‘જુહુના દરિયાકિનારે. મૉર્નિંગ વૉક માટે. ચાલ!’
ઘણી અનિચ્છા હોવા છતાં બાબાનો ઉત્સાહ જોઈ અનિકા તૈયાર થઈ. બાબાએ જાતે અનિકાનાં શૂઝ શોધ્યાં અને પોતાના હાથે અનિકાને શૂઝ પહેરાવ્યાં. અનિકા અદબ વાળીને સોફા પર બેસી રહી. રણજિતે જેમ-તેમ કરીને યાદ કરી કરીને શૂઝની લેસ બાંધી. ખાસ યાદ કરીને મેજર રણજિતે ધ્રૂજતી આંગળીએ ફ્લાવર નૉટ બાંધી હતી. અનિકાના ચહેરા પર ગુલાબી સ્મિત હતું.
બાપ-દીકરી જુહુના દરિયાકિનારે પહોંચી ગયાં ત્યારે સાત વાગી ચૂક્યા હતા. બન્ને જણે પોતાનાં શૂઝ ઉતારી નાખ્યાં અને નારિયેળની લારી પાસે શૂઝ મૂકી ખુલ્લા પગે ભીની રેતી પર ચાલવા લાગ્યાં.
વહેલી સવારનું ધુમ્મસ ઊઘડતા અજવાળા સાથે ધીમે-ધીમે ફંટાઈ રહ્યું હતું. ઊંચી નારિયેળી દરિયાઈ પવનમાં ઝોલાં ખાઈ રહી હતી. દરિયાનાં મોજાં કિનારા પર સફેદ ફીણ પાથરીને પાછાં વળતાં હતાં. વહેલી સવારના કારણે માણસોની અવરજવર પ્રમાણમાં ઘણી ઓછી હતી. અનિકાએ ધીરેથી પોતાના બાબાના હાથની ટચલી આંગળીમાં પોતાની ટચલી આંગળી પરોવી અને સાથે ચાલવા લાગી. મેજર રણજિતના ચહેરા પર સ્મિત હતું. ધીરે-ધીરે પગના પંજા ડૂબે ત્યાં સુધીના દરિયામાં બાપ-દીકરી કિનારા પર ચાલી રહ્યાં હતાં. દરિયાનું પાણી તેમના પગ ભીના કરીને પાછું વળતું ને બમણા ઝનૂનથી સફેદ ફીણની ઝાંઝર લઈને આવતું. એ શીતળ સ્પર્શથી જાણે મનમાં રહેલો મેલ પણ ધીમે-ધીમે ધોવાઈ રહ્યો હતો. બાપ-દીકરીના પગની પાની તળેથી સરકી જતી રેતી બન્નેના ચહેરા પર નિતાંત સુખનું સ્મિત આપી રહી હતી. રણજિતે અનિકાના ચહેરા પર નિરાંત જોઈ એટલે ધીરેથી પૂછ્યું, ‘બેટા, શું વાંધો પડ્યો તને અને સંજનાને?’
થોડી ક્ષણો માટે ભૂલી ગઈ એ બધો ભાર જાણે ફરી અનિકાના ચહેરા પર સજીવન થયો. તેણે ઘૂઘવતા દરિયા સામે જોયું. આંખો ભીની થઈ પણ જાત પર કાબૂ રાખીને ધીરેથી બોલી, ‘બાબા, અમે બન્ને એકબીજાથી કંટાળી રહ્યાં હતાં. અમે લોકો જાણે કે આ કન્વર્ઝેશનથી બચી રહ્યાં હતાં કે અમને એકબીજાનો થાક લાગી રહ્યો છે. અમને બન્નેને લાગતું હતું જાણે એકબીજાને આપવા માટે અમારી પાસે પૂરતો પ્રેમ નથી.’
‘આ માત્ર તારું માનવું છે કે સંજનાનો પણ આ જ વિચાર છે?’
‘આ અમારા બન્નેની કબૂલાત છે.’
‘એક વાત કહું બેટા? તું એવું ન માનતી કે તારા બાબા ધરાર પૉઝિટિવ વાત કરી રહ્યા છે પણ મને આ વાત બહુ ગમી કે તમે લોકો કેમ છૂટા પડ્યા એ બાબતે તેં માત્ર તેનો વાંક નથી કાઢ્યો. બાકી તો મોટા ભાગના લોકો એવું માનતા હોય છે કે સંબંધ ટક્યો નહીં એની પાછળ સામેવાળી વ્યક્તિ જ જવાબદાર છે, પોતે નહીં. પોતાની કથામાં બહુ ઓછા લોકો પ્રતિનાયક કે ખલનાયક હોય છે. તમારા બન્નેની આ ક્લૅરિટી અને ઑનેસ્ટી મને બહુ ગમી.’
અનિકાએ હકારમાં માથું ધુણાવ્યું અને પગના પંજા પર ચોંટેલી રેતી તરફ જોયું.
રણજિતે દરિયામાં જેટલે દૂર જોઈ શકાય એ દિશામાં ક્ષિતિજ તરફ નજર કરી અને બોલ્યા, ‘આમ તો સંબંધ વિશે બોલવા માટે હું સૌથી વધુ અયોગ્ય માણસ છું પણ હું જેટલું સમજી શક્યો છું એના આધારે તને કહીશ. તમે લોકોએ જે સમસ્યા ગણાવી એ દરેક સંબંધને લાગુ પડે છે. દરેક સંબંધમાં આ સમસ્યા આવીને ઊભી રહે જ્યાં તમને ક્યારેક એકબીજાનો કંટાળો આવે. તમે સંવાદોથી બચો. એકબીજાને નજરઅંદાજ કરવા લાગો. સંબંધને અને વ્યક્તિને ટેકન ફૉર ગ્રાન્ટેડ લેવા લાગો. તમે એવું અનુભવો કે તમારી વચ્ચે કોઈ પ્રેમ જ નથી. બેટા, પ્રેમ બહુ સરળતાથી મળી જાય છે. પ્રેમ મેળવવો અઘરો નથી. મુશ્કેલ તો છે એ પ્રેમની માવજત. પ્રેમને ટકાવી રાખવો એ સંઘર્ષ છે. નાનકડા છોડને કૂંડામાં રોપીને આપણે છૂટી નથી જતા. એને મળતા પવન, પાણી, પ્રકાશ અને ખાતરનું ધ્યાન આપણે અચૂક રાખીએ છીએ. બસ, એવું જ પ્રેમનું છે. એકબીજાને હૂંફ આપતાં રહેવું, એકબીજાને હિંમત આપવી, એકબીજાની ભૂલોને સુધારવી, એકબીજાની ખૂબીઓને પોષવી એ જ તો સંબંધોનાં ખાતરપાણી અને પ્રકાશ છે. બાકી તમે બન્ને એકબીજા માટે જે ફરિયાદ કરો છો અને તમને જે સમસ્યા લાગે છે એમાં નવું કશું જ નથી.’
અનિકાના ચહેરા પર પૂર્ણ સંતોષનું સ્મિત. નીતરતી આંખોને તેણે ફરી લૂછી. દરિયાનાં મોજાં અનિકાના પગને પંપાળી રહ્યા હતા. અનિકા ભારે ગર્વથી પોતાના બાબા મેજર રણજિતને જોઈ રહી. રણજિતે હૂંફાળું સ્મિત કર્યું અને અનિકાની પીઠને પ્રેમથી થપથપાવી.
‘અનિકા, મને એક સમયે સંજનાએ બહુ સુંદર વાત કરી હતી. જીવનમાં કોઈ પણ સંબંધમાંથી છૂટા પડી જવા માટે બહુ બધાં કારણો મળી રહે છે પણ સંબંધમાં સાથે જોડાઈ રહેવાનાં કારણો બહુ ઓછાં હોય છે.’
અનિકા એ રીતે બાબા સામે જોઈ રહી જાણે આ ક્ષણે તે સંજનાને જોતી હોય. ભારે પવનના લીધે અનિકાના ચહેરા પર તેના ખુલ્લા વાળની ઘણીબધી લટો એકસાથે આવી ગઈ. મેજર રણજિતે દીકરીના ચહેરા પર ઊડી આવેલી લટોને જાળવીને પકડી અને અનિકાને મદદ કરી કે તે વાળને અંબોડામાં બાંધી શકે.
‘બાબા. તમે આવ્યા તો બહુ સારું લાગ્યું!’
‘તને જે ગમ્યું છે એ માત્ર ‘મારું આવવું’ નહીં પણ આપણી વચ્ચેનું આપણું આ કમ્યુનિકેશન છે. આ જે કંઈ સંવાદ થયો એમાંથી તને તારા જવાબો મળ્યા. કોઈ પણ સંબંધને ટકાવી રાખવા માટે જરૂરી છે કન્વર્ઝેશન. તમે બન્ને સમજદાર છો. સંજનાને મેસેજ કરતાં મેં મારી જાતને અટકાવી છે. તમે બન્ને સંબંધોને સમજો છો, જવાબદાર છો. એકબીજાના પ્લસ-માઇનસને ઓળખતાં થયાં છો. ફરજ પાડીને કે શરમાવીને સંબંધ નિભાવી ન શકાય એટલે હવે જે કંઈ થાય એ આખી પ્રોસેસ નૅચરલ થાય એવું સમજીને મેં તમારી વચ્ચે મિડિએટર બનવાનું માંડી વાળ્યું છે. અને આમ પણ થોડો સમય નોખાં રહેશો તો વળી એકબીજાની કદર કરતાં શીખશો.’
અનિકાએ હકારમાં માથું ધુણાવ્યું અને હળવું સ્મિત કર્યું.
‘અનિકા, એક સવાલ પૂછું બેટા? ડોન્ટ જજ મી.’
અનિકાએ પોતાની આંખો નચાવી. હસવાને કાબૂમાં રાખ્યું. બાબાની સામે અદબ વાળીને તે ઊભી રહી.
‘બોલો બાબા!’
‘હા, એટલે મને નહોતી ખબર કે તમારા સંબંધમાં પણ બ્રેકઅપ હોય. હા એટલે વેલ, તમારી વચ્ચે આ જે કંઈ થયું પછી મને દેખાયું તમારામાં પણ આ બધું હોય છે.’
અનિકાને હસવું આવ્યું પણ તેણે મહામહેનતે હસવાનું રોક્યું અને બાબાની વાત પૂરી થાય તેની રાહે ઊભી રહી. રણજિત થોડા મક્કમ અવાજે બોલ્યા, ‘હવે મારો પ્રશ્ન એ છે કે જો લેસ્બિયન સંબંધોમાં પણ બ્રેકઅપ આવતું હોય તો આ સંબંધોમાં ‘પૅચઅપ’ અને ‘સેકન્ડ ચાન્સ’ પણ આવતા જ હશેને?’
અનિકા એકદમ આશ્ચર્યથી થોડી વાર બાબા સામે તો થોડી વાર દરિયા સામે ભારે નવાઈથી જોવા લાગી. તેને સપનેય નહોતું વિચાર્યું કે રમત-રમતમાં તેના બાબા આટલી મોટી વાત આટલી સરળતાથી સમજાવી દેશે. મેજર રણજિતે દરિયાના પાણીને ખોબામાં ભર્યું અને કહ્યું, ‘મારે માત્ર એટલું કહેવું છે કે તમારી સમસ્યાઓ અમારી સમસ્યાથી બહુ કાંઈ ખાસ અલગ નથી. તમે પણ અમારામાંના જ એક છો એટલે તમારા સંબંધના ઉતાર-ચઢાવ પણ અમારા જેવા જ હોય એમાં હવે મને કોઈ નવાઈ નથી!’
અનિકા ફરી એક વખત મેજર રણજિતને ભેટી પડી નાની છોકરીની જેમ.
રણજિતના ચહેરા પર સ્મિત આવ્યું. તેમણે હૂંફથી દીકરીના માથા પર હાથ મૂક્યો. ભારે પવનના કારણે અનિકાના વાળની કોરી લટો ફરી ચહેરા પર ઊડવા લાગી. અનિકાએ પોતાના બાબાની આંખોમાં જોયું. વહાલનો દરિયો ઊછળતો હતો. અનિકાએ પોતાના બન્ને પગ બાબાના પગના પંજા પર ગોઠવ્યા અને બન્ને હાથ બાબાની ડોકમાં પરોવ્યા. રણજિતે ફરી એક વખત અનિકાના ચહેરા પર રમતી લટોને કાન પાછળ ધકેલી અને બન્ને હાથે દીકરીની કમર પકડી જેથી તે બૅલૅન્સ ગુમાવીને નીચે ન પડે.
હવે મેજર રણજિત દરિયાના પાણી પર કિનારે ધીમે-ધીમે આગળ ડગલાં મૂકવા લાગ્યા. બાબાના બન્ને પગ પર પોતાના પગ ટેકવીને ઊભેલી અનિકા માટે આ અનુભવ જીવનમાં પહેલવારનો હતો. ભારે સુખની ભીની અનુભૂતિ બાપ-દીકરીની આંખોમાં છલકાઈ રહી હતી. દૂર કોઈ રેડિયોમાં લતાજીનું ગીત સંભળાઈ રહ્યું હતું.
‘તૂ અગર ઉદાસ હોગા,
તો ઉદાસ હૂંગી મૈં ભી
નજર આઉં યા ના આઉં
તેરે પાસ રહૂંગી મૈં ભી
તૂ કહીં ભી જા રહેગા,
મેરા સાયા સાથ હોગા
તૂ જહાં જહાં ચલેગા,
મેરા સાયા, સાથ હોગા
મેરા સાયા, મેરા સાયા!’
અનિકાએ બાબાના ખભા પર પોતાનું માથું ઢાળ્યું. તેને લાગ્યું જાણે બાબા કોઈ હિમાચલી અજાણ્યો લીલોછમ પહાડ છે અને તેમની અનિકા ભાર વગરનું કોઈ વાદળ. દરિયાનાં મોજાં આ સંબંધની ભીનાશ અકબંધ રાખવા મથી રહ્યાં હતાં. અફાટ આકાશમાંથી સાત રંગ બાપ-દીકરીના મૌનમાં ઘૂંટાઈ રહ્યા હતા.
એક પછી એક ભીંત, દાદરા, બારીબારણાં, બારસાખ અને છત ભેગાં થવા લાગ્યાં.
મનોપ્રદેશના કોઈ ડેલહાઉઝી ખૂણે બે માળનું લાકડાનું ઘર બનવા લાગ્યું જેની બારી વાદળોમાં ખૂલી.
દેહરાદૂનની બોર્ડિંગ સ્કૂલનાં જૂના ચર્ચમાં ઘંટારવ સંભળાયા...
દેવદાર અને ચીડનાં વૃક્ષો મુંબઈના વરંડામાં સતત ઝૂલતા હીંચકાને ઢાંકીને ઊભા રહ્યા...
દરિયો પાલવ બની પહાડને પંપાળવા લાગ્યો!
ADVERTISEMENT
(સમાપ્ત)


