અબ્દુલચાચાનો હાથ અને તેમણે હાથમાં પકડેલો ફોન કાન પર એમ જ સ્થિર રહી ગયા. તેમને એમ હતું કે આ બાતમી આપીશ એટલે હૈદર ખુશ થઈ જશે. એને બદલે હૈદરે તેમની સાથે અપમાનજનક ભાષામાં વાત કરી હતી.

સ્ટાર વૉર્સ ગ્લૅમર વર્લ્ડના માફિયાઓની ક્રાઇમ-ગેમ
એડિટર-ઇન-ચીફ આશિષકુમાર સહગલને કહી દીધું હતું કે ‘હું એવું જબરદસ્ત સ્કૂપ આપી રહી છું કે આપણી ચૅનલ નંબર વન બની જશે!’ ઉત્સાહમાં આવીને તેણે ‘ખબર ઇન્ડિયા’ની પેરન્ટ કંપનીના મૅનેજિંગ ડિરેક્ટર વિજય સિંહાને પણ કૉલ કરી દીધો હતો કે ‘સર, આવતી કાલે આખા દેશમાં આપણી ચૅનલની જ ચર્ચા થઈ રહી હશે.’
અબ્દુલચાચાનો હાથ અને તેમણે હાથમાં પકડેલો ફોન કાન પર એમ જ સ્થિર રહી ગયા. તેમને એમ હતું કે આ બાતમી આપીશ એટલે હૈદર ખુશ થઈ જશે. એને બદલે હૈદરે તેમની સાથે અપમાનજનક ભાષામાં વાત કરી હતી.
જોકે અબ્દુલચાચાએ દુનિયાના બધા રંગ જોયા હતા એટલે થોડીક ક્ષણો પછી તેમના મગજમાં વિચાર ઝબકી ગયો કે કદાચ હૈદરને શાહનવાઝ સાથે વાંધો પડ્યો હોઈ શકે, કારણ કે આજ સુધી હૈદરે ક્યારેય તેમની સાથે આ રીતે વાત નહોતી કરી. જોકે અત્યારે તેણે અપમાનજનક ભાષામાં વાત કરી છતાં તુંકારો કરવાને બદલે તમે કહીને જ વાત કરી હતી. એ બધી વાતોનું વિશ્લેષણ તેમના મનમાં શરૂ થઈ ગયું.
અબ્દુલચાચાએ એ કૉલ ડૉન હૈદરને કર્યો હતો. તેમને એમ હતું કે એ કૉલ કરશે ત્યારે હૈદર તેમનો આભાર માનશે. હૈદરના વહાલા થવા માટે તેમણે પોતાના ભત્રીજાનો વિશ્વાસઘાત કરીને હૈદરને કહ્યું હતું, ‘મારા મૂર્ખ ભત્રીજા રહેમાને શાહનવાઝનું ખૂન કરવા માટે લખનઉના ડૉન રઘુ પાસેથી સુપારી લીધી છે. મેં તેને અટકાવવાની કોશિશ કરી, પરંતુ તે માને એવું લાગતું નથી. તે મને હમણાં દસ લાખ રૂપિયા ઍડ્વાન્સ આપી ગયો છે અને તેણે કહ્યું છે કે મારો ભાઈ આફતાબ શાહનવાઝ સાથે શૂટિંગમાં છે. તે શાહનવાઝનું સેટ પર જ ખૂન કરી નાખશે. એ પછી તમારે તેને ખૂનના આરોપમાંથી છોડાવવાનો છે અને એ માટે હું તમને કુલ એક કરોડ રૂપિયા ફી આપીશ!’
હૈદરે તેમની વાત શાંતિથી સાંભળી લીધી. એ પછી તેણે ઠંડે કલેજે કહ્યું, ‘ચાચા, તમે તો વકીલાત કરો છોને? તો પછી આ બધા ધંધામાં તમે ક્યાં વચ્ચે પડવા માંડ્યા!’
અબ્દુલચાચાએ આવા જવાબની અપેક્ષા નહોતી રાખી. તેઓ ગેંગેંફેંફેં થઈ ગયા.
હૈદરે ધારદાર અવાજે કહ્યું, ‘તમારા ભત્રીજાની શાહનવાઝ સુધી પહોંચવાની ઓકાત હોય તો તે ભલે શાહનવાઝને મારી નાખતો! તમને શું લાગે છે તમારો ભત્રીજો શાહનવાઝ સુધી પહોંચી શકશે? આવી ફાલતુ વાત માટે તમે મને કૉલ કર્યો? હૈદરની એક-એક સેકન્ડ કેટલી કીમતી છે એની તમને ખબર નથી? ફરી વાર આવી વાહિયાત વાત માટે મને કૉલ ન કરતા.’
હૈદરે અબ્દુલચાચાને ખખડાવીને કૉલ ડિસકનેક્ટ કરી નાખ્યો.
અબ્દુલચાચાનો હાથ અને તેમણે હાથમાં પકડેલો ફોન કાન પર એમ જ સ્થિર રહી ગયા. તેમને એમ હતું કે આ બાતમી આપીશ એટલે હૈદર ખુશ થઈ જશે. એને બદલે હૈદરે તેમની સાથે અપમાનજનક ભાષામાં વાત કરી હતી. અબ્દુલચાચાને થોડી વાર માટે તો ગુસ્સો આવી ગયો. પછી તેમણે વિચાર્યું કે હવે હૈદર કાલ ઊઠીને કશું પણ કહે તો પોતાની પાસે કહેવા માટે જવાબ તૈયાર હશે કે ‘મેં જાણ કરી હતી કે શાહનવાઝનું ખૂન થવાનું છે, પણ તમે મારી વાતને ગંભીરતાથી લીધી નહોતી.’
થોડી વાર પછી સ્વસ્થ થયા બાદ તેમના મનમાં એક વિચાર ઝબકી ગયો.
તેમણે રહેમાનને કૉલ લગાવ્યો. રહેમાન હજી થોડી મિનિટ પહેલાં જ ગયો હતો.
રહેમાને કૉલ રિસિવ કર્યો અને કહ્યું, ‘જી ચાચા.’
અબ્દુલચાચાએ કહ્યું, ‘હમણાં ને હમણાં મારી પાસે પાછો આવ, અર્જન્ટ કામ છે.’
અબ્દુલચાચા પણ અઠંગ ખેલાડી હતા. તેમનું મગજ ઝડપથી દોડવા માંડ્યું હતું. તેમને વધુ ગુસ્સો એટલા માટે આવ્યો હતો કે એક સમયમાં તેમણે હૈદરને ખૂબ મદદ કરી હતી. હૈદર જ્યારે મહમ્મદઅલી રોડ પર લોકોનાં ખિસ્સાં કાપતો હતો એ દિવસોમાં એક વાર તે કોઈનું ખિસ્સું કાપતાં પકડાઈ ગયો હતો. એ વખતે લોકોએ ભેગા થઈને તેને ખૂબ ફટકાર્યો હતો અને પછી પોલીસના હવાલે કરી દીધો હતો. એ વખતે હૈદરના બાપે અબ્દુલચાચાની મદદ માગી હતી. ખિસ્સું કાપવાના આરોપ હેઠળ હૈદરની ધરપકડ થઈ એ વખતે તેને જામીન પર છોડાવવા માટે અબ્દુલચાચાએ એક રૂપિયો પણ ફી લીધી નહોતી અને તેમના એક મિત્રને જામીન બનાવીને હૈદરને છોડાવ્યો હતો.
એ સમયમાં હૈદરના પિતાની આર્થિક સ્થિતિ અત્યંત ખરાબ હતી. તેના પિતા મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં ક્લર્ક તરીકે નોકરી કરતા હતા અને તેમને પોતાના કુટુંબનું ગુજરાન ચલાવવાનાં પણ ફાંફાં હતા. હૈદરના કુટુંબના એ કપરા સમયમાં અબ્દુલચાચાએ રહેમરાહે તેના પિતાને ઘણી વખત આર્થિક મદદ પણ કરી હતી. ઘણી વાર તો તેમણે હૈદરના ઘરમાં રૅશન પણ ભરી આપ્યું હતું. એટલે કે હૈદરે તેમનું અન્ન ખાધું હતું.
જોકે હૈદર પણ એ વાત ભૂલ્યો નહોતો અને તેણે હંમેશાં અબ્દુલચાચાને માન આપ્યું હતું. હૈદર જેમ-જેમ મોટો થતો ગયો એમ-એમ તેણે અબ્દુલચાચાને પણ પૈસા કમાવાની તક આપી હતી. અબ્દુલચાચા તેના માટે કામના માણસ પણ હતા અને વિશ્વાસુ પણ હતા. તેના ગુંડાઓ ખતરનાક ગુનાઓ કરે એ પછી અબ્દુલચાચા તેમને જામીન પર છોડાવવા માટે પોતાનું દિમાગ કામે લગાવતા અથવા તો હૈદરના ગુંડાઓને ઓછી સજા થાય એ માટે પણ તેઓ મહેનત કરતા હતા.
શાહનવાઝની સુપારી નીકળી છે એ વિશે માહિતી આપવા તેમણે હૈદરને કૉલ કર્યો ત્યારે તેમને એવી અપેક્ષા હતી કે હૈદર તેમના પર ખુશ
થઈને તેમને શાબાશી આપશે. એને બદલે હૈદરે તો તેમનું અપમાન કરી નાખ્યું હતું!
એક બાજુ શાહનવાઝે હૈદરને કહીને પૃથ્વીરાજની હત્યાની કોશિશ કરી એ બ્રેકિંગ ન્યુઝ તમામ ટીવી-ચૅનલ્સ પર ચાલી રહ્યા હતા ત્યારે બીજી બાજુ હૈદરે તેમની સાથે જે રીતે વાત કરી એ સમજવાનું મુશ્કેલ હતું.
જોકે અબ્દુલચાચાએ દુનિયાના બધા રંગ જોયા હતા એટલે થોડીક ક્ષણો પછી તેમના મગજમાં વિચાર ઝબકી ગયો કે કદાચ હૈદરને શાહનવાઝ સાથે વાંધો પડ્યો હોઈ શકે, કારણ કે આજ સુધી હૈદરે ક્યારેય તેમની સાથે આ રીતે વાત નહોતી કરી. જોકે અત્યારે તેણે અપમાનજનક ભાષામાં વાત કરી છતાં તુંકારો કરવાને બદલે તમે કહીને જ વાત કરી હતી. એ બધી વાતોનું વિશ્લેષણ તેમના મનમાં શરૂ થઈ ગયું.
lll
શૈલજાએ કૉલ ડિસ્કનેક્ટ કરી નાખ્યો એટલે રશ્મિ વધુ ભડકી ગઈ હતી. તેને શૈલજા પર એટલો ગુસ્સો આવ્યો હતો કે શૈલજા સામે હોત તો તેણે તેને ધડાધડ ચાર-પાંચ તમાચા ઝીંકી દીધા હોત. શૈલજા મિલનકુમાર સાથે સોદો કરી આવી એનો તો તેને આઘાત લાગ્યો જ હતો, પણ એના કરતાં તેને વધુ તકલીફ એ વાતની થઈ હતી કે તેના મોં સુધી આવેલો કોળિયો છીનવાઈ ગયો હતો!
શૈલજાએ શાહનવાઝ વિરુદ્ધ આપેલો ઇન્ટરવ્યુ એટલો વિસ્ફોટક હતો કે એ ઇન્ટરવ્યુ ચલાવીને તે ‘ખબર ઇન્ડિયા’ ચૅનલને ટીઆરપીની રેસમાં સડસડાટ ઉપર પહોંચાડી શકત, પરંતુ શૈલજાએ તેનો આખો ખેલ બગાડી નાખ્યો હતો. શૈલજા ગઈ એ પછી તેણે એડિટર-ઇન-ચીફ આશિષકુમાર સહગલને કહી દીધું હતું કે ‘હું એવું જબરદસ્ત સ્કૂપ આપી રહી છું કે આપણી ચૅનલ નંબર વન બની જશે!’ ઉત્સાહમાં આવીને તેણે ‘ખબર ઇન્ડિયા’ની પેરન્ટ કંપનીના મૅનેજિંગ ડિરેક્ટર વિજય સિંહાને પણ કૉલ કરી દીધો હતો કે ‘સર, આવતી કાલે આખા દેશમાં આપણી ચૅનલની જ ચર્ચા થઈ રહી હશે.’
રશ્મિ ઘણી મૅચ્યૉર હતી, પણ શૈલજાએ શાહનવાઝ વિરુદ્ધ ઇન્ટરવ્યુ આપ્યો અને પછી તેની સામે શૈલજા પર પ્રતાપરાજ સિંહનો કૉલ આવ્યો અને શૈલજા શાહનવાઝ વિરુદ્ધ ફરિયાદ કરવા જુહુ પોલીસ સ્ટેશન જવા રવાના થઈ એટલે તેને સો ટકા ખાતરી થઈ ગઈ હતી કે હવે થોડા કલાકોમાં તે દેશભરના મીડિયાના કેન્દ્રસ્થાને આવી જશે, પરંતુ શૈલજાએ તેને અકલ્પ્ય ઝટકો આપી દીધો હતો.
રશ્મિનું દિમાગ ગુસ્સાથી
ફાટફાટ થઈ રહ્યું હતું એ જ વખતે
તેના મોબાઇલ ફોનની રિંગ વાગી. મોબાઇલ ફોનની સ્ક્રીન પર ‘મમ્મી’ નામ ફ્લૅશ થયું એ સાથે તેણે કૉલ રિજેક્ટ કરી નાખ્યો.
તેની મમ્મીએ ફરી વાર કૉલ કર્યો. રશ્મિએ ફરી વખત કૉલ રિજેક્ટ કરી દીધો. તેણે ચાર-પાંચ વખત કૉલ રિજેક્ટ કર્યો એટલે તેની મમ્મીએ તેને વૉટ્સઍપ પર મેસેજ મોકલ્યો, ‘મને હમણાં જ કૉલ કર. અર્જન્ટ કામ છે.’
રશ્મિને ચિંતા પેઠી કે કદાચ તેની મમ્મીની તબિયત ન બગડી હોય. તેણે કૉલ લગાવ્યો.
તેની મમ્મીએ કૉલ રિસીવ કર્યો અને રશ્મિ કશું પણ બોલે એ પહેલાં જ કહી દીધું, ‘પ્રમીલાઆન્ટી ઘરે આવ્યાં છે અને તારી સાથે બહુ જ અગત્યની વાત કરવા ઇચ્છે છે.’
રશ્મિએ કહ્યું, ‘શા માટે? શું થયું?’
તેની મમ્મીએ કહ્યું, ‘તેમની સાથે જ વાત કરી લે.’
રશ્મિ આગળ કશું બોલે એ પહેલાં જ તેની મમ્મીએ ફોન પ્રમીલાઆન્ટીના હાથમાં પકડાવી દીધો.
રશ્મિ અકળાઈ ગઈ, પણ પ્રમીલાઆન્ટીના મમ્મી પર ખૂબ ઉપકાર હતાં એ તે જાણતી હતી એટલે તે ગમ ખાઈ ગઈ.
પ્રમીલાઆન્ટીએ કહ્યું, ‘જો બેટા, હું તારી મમ્મીની જેમ વાત નહીં કરું. મને ખબર છે કે તું તારી રીતે સારું કમાય છે, સેટલ થયેલી છે, પત્રકાર તરીકે તારું નામ છે એટલે હું તારી મમ્મીની ભાષામાં વાત નહીં કરું; પણ દરેક સ્ત્રીએ જીવનમાં કોઈ તબક્કે લગ્ન કરવાં જ પડે. મારા ધ્યાનમાં એક એવો છોકરો છે જે તને આ બધું કામ કરતા રહેવાની છૂટ આપશે...’
પ્રમીલાઆન્ટી કશું આગળ બોલે એ પહેલાં રશ્મિને લાગ્યું કે તેના મગજમાં જાણે જ્વાળામુખી ફાટી નીકળ્યો હોય. તેણે કહ્યું, ‘મારે કશું
નથી સાંભળવું.’
અને પ્રમીલાઆન્ટીની પ્રતિક્રિયાની રાહ જોયા વિના તેણે કૉલ ડિસકનેક્ટ કરી નાખ્યો!
lll
‘પોલીસ તમારી ધરપકડ માટે તૈયારી કરી રહી છે.’ શાહનવાઝનો ચમચો એવો એક ભ્રષ્ટ પોલીસ અધિકારી શાહનવાઝને ફોન પર કહી રહ્યો હતો.
તેની વાત સાંભળીને શાહનવાઝને આંચકો લાગ્યો.
પૃથ્વીરાજની હત્યા માટે તેણે સુપારી આપી હતી એવા બ્રેકિંગ ન્યુઝ આખા દેશની ટીવી-ચૅનલ્સ ચલાવી રહી હતી એટલે તેને એવી અપેક્ષા હતી કે પોલીસ તેને પૂછપરછ માટે તો બોલાવશે, પરંતુ પોલીસ તરત જ તેની ધરપકડ કરી લેશે એવી કલ્પના તેણે નહોતી કરી. અને સવાલ શૈલજા સહગલનો હતો તો તેની સાથે મિલનકુમારે બધું સેટલ કરી નાખ્યું હતું એટલે આ તબક્કે તો પોલીસ પોતાના પર હાથ નહીં નાખે એવું તે માની રહ્યો હતો.
તેને કૉલ કરનારા પોલીસ અધિકારીએ તેને બીજી થોડી માહિતી પણ આપી એ સાંભળીને શાહનવાઝનો ચહેરો તંગ થઈ ગયો.
lll
‘બોલીએ ચાચા.’
અબ્દુલચાચાના કૉલને કારણે પાછો દોડી આવેલો રહેમાન ઉતાવળે પૂછી રહ્યો હતો. તેની જીભ હજી લથડતી હતી. તેણે ખૂબ શરાબ ઢીંચ્યો હતો.
અબ્દુલચાચાએ કહ્યું, ‘પહેલાં શાંતિથી બેસ. મારે તારી સાથે થોડી અગત્યની વાત કરવી છે.’
રહેમાન ઉચાટભર્યા ચહેરે અબ્દુલચાચા સામે પડેલી ખુરશીઓમાંથી એક ખુરશી
ખેંચીને તેમની નજીક સરકીને એના પર બેઠો અને તેમની સામે આતુરતાથી જોઈ રહ્યો.
અબ્દુલચાચાએ જે વાત કરી
એ સાંભળીને રહેમાનનો નશો
ઊતરી ગયો!
વધુ આવતા શનિવારે