Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > આપણે પૉપકૉર્ન બ્રેઇનનો શિકાર બની રહ્યા છીએ?

આપણે પૉપકૉર્ન બ્રેઇનનો શિકાર બની રહ્યા છીએ?

29 March, 2024 08:21 AM IST | Mumbai
Jigisha Jain | jigisha.jain@mid-day.com

મગજમાં એક સાથે હજાર વિચારો ચાલતા હોય ત્યારે ખુદને ખબર કેમ પડે કે મારું મગજ પૉપકૉર્ન બ્રેઇનનું શિકાર બન્યું છે?

પ્રતીકાત્મક તસવીર

સ્પેશ્યલ સ્ટોરી

પ્રતીકાત્મક તસવીર


ધાણીની જેમ એકસાથે મગજમાં ધાડ-ધાડ કરતા વિચારો ફૂટ્યા કરતા હોય ત્યારે આપણું મગજ એકદમ પૉપકૉર્નના ટબ જેવું જ ભરાઈ જાય છે. આ અવસ્થાને પૉપકૉર્ન બ્રેઇન જેવું નામ આપવામાં આવ્યું છે. આમ તો મોટા ભાગના લોકોના જીવનમાં દરેક પ્રૉબ્લેમનું મૂળ સોશ્યલ મીડિયા બનતું જાય છે એમ આ તકલીફ પાછળ પણ એ જ કારણ દેખીતું છે, પરંતુ આજે જઈએ ઊંડા અને એના મૂળ સુધી પહોંચીએ

સવારમાં દૂધવાળો નહોતો આવ્યો એટલે મમ્મીએ કહ્યું કે બેટા, દૂધ મંગાવી દે. દૂધ ઑર્ડર કરવા સોફા પર બેસીને જ્યારે તમે ફોન હાથમાં લો છો ત્યારે સીધો હાથ સોશ્યલ મીડિયા ઍપ પર જાય છે. એક પછી એક રીલ ચાલુ થઈ જાય છે. એ ચાલતી હોય ત્યાં જ તમને મેસેજ પૉપ-અપ થાય છે. રીલ ચાલુ રાખીને જ તમે એ મેસેજ વાંચો છો, રિપ્લાય કરવા જાઓ છો ત્યાં યાદ આવે છે કે ફોન હાથમાં એટલે લીધો હતો કે દૂધ ઑર્ડર કરવાનું હતું એટલે તરત ડિલિવરી ઍપ પર જઈને દૂધ ઑર્ડર કરવા માટે ઍપ ખોલો કે એમની કોઈ ઑફર સામે દેખાય છે. એ ખોલીને જુઓ છો અને ઑર્ડર કરવા માટે જેવું એને સિલેક્ટ કરો છો કે યાદ આવે છે કે આજે તો બે ડિલિવરી આવવાની હતી, એ આવી કેમ નહીં? એટલે પહેલાં શૉપિંગ જેના પરથી કરી હતી એ પોર્ટલ પર જઈને ચેક કરો છો. સાંજ સુધીમાં કદાચ આવી જશે એમ વિચાર આવ્યો ત્યાં સામે રીલ પર કોઈ સરસ ડાન્સ જોઈને લાગ્યું કે ડાન્સ ક્લાસમાં ફોન કરવાનો રહી જ ગયો. ત્યાં એક મેઇલ આવી એ પ્રોજેક્ટ સબમિટ કરવાની ડેડલાઇન બે દિવસમાં છે અને મટીરિયલ તો લાવ્યા જ નથી. અરે દૂધની સાથે વસ્તુઓ પણ મગાવી લીધી હોત તો ડિલિવરી ચાર્જ બચી જાત. પણ અરે! દૂધ તો હજી ઑર્ડર જ નથી કર્યું. ચાલો, સારું થયું કે નથી થયું. હવે મગાવી લઉં બધું એકસાથે. પણ ત્યાં ફ્રેન્ડનો ફોન આવ્યો. પાંચ મિનિટ તેની સાથે વાત કરતાં-કરતાં વૉટ્સઍપ પરના બધા મેસેજ જોઈ લીધા. રિપ્લાય પણ કરી દીધા. આ બધામાં વચ્ચે રીલ તો ચાલતી જ હતી. ૧૦-૧૫ લાઇક પણ મારી દીધા. ઘડિયાળમાં જોયું તો ૧૦ વાગી ગયેલા. ફટાફટ ગીઝર ચાલુ કર્યું. નહાવા ગયા ત્યારે ફોન પર મ્યુઝિક ચાલુ જ હતું. બહાર આવીને ફોન ચાર્જ પર મૂક્યો. ત્યાં મમ્મીનો અવાજ આવ્યો કે દૂધનું શું થયું? હે ભગવાન! ‘હા, આવતું જ હશે મમ્મી’ એવું કહીને દૂધ ઑર્ડર કરવા ફરી ફોન હાથમાં લીધો અને ત્યાં સુધી સ્ક્રીન પર બીજાં ૧૦ નોટિફિકેશન આવી ગયાં હતાં. આ બનાવ એટલો સામાન્ય છે કે દરેક વ્યક્તિને એમાં પોતાની ઝલક દેખાશે જ. મગજમાં એકસાથે ધાણીની જેમ ફૂટે એમ વિચારો ફૂટ્યા કરતા હોય, મગજ આમથી તેમ અને તેમથી આમ ભાગતું ફરતું હોય તો એને નામ આપવામાં આવ્યું છે પૉપકૉર્ન બ્રેઇન. વૉશિંગ્ટન યુનિવર્સિટીના સંશોધક ડેવિડ લેવીએ ૨૦૧૧માં આ શબ્દ આપ્યો હતો. જે વ્યક્તિને અટેન્શન કે ફોકસ, જેને આપણે ધ્યાન કહીએ એની તકલીફ હોય તેમની સાથે આ ઘટના બનતી હોય છે. એક વિચાર પરથી સીધા બીજા વિચાર પર ઠેકડો મારતા હોય છે તેમના માટે આ શબ્દની શરૂઆત થઈ હતી. આજે સોશ્યલ મીડિયાના અતિરેકને કારણે વધુને વધુ લોકો આ પરિસ્થિતિનો શિકાર થઈ રહ્યા છે. જેટલો સોશ્યલ મીડિયાનો ઉપયોગ વધ્યો છે એટલો અટેન્શન સ્પાન ઘટતો જ જાય છે. 


ખબર કેમ પડે?
મગજમાં એક સાથે હજાર વિચારો ચાલતા હોય ત્યારે ખુદને ખબર કેમ પડે કે મારું મગજ પૉપકૉર્ન બ્રેઇનનું શિકાર બન્યું છે? એનો જવાબ આપતાં સાઇકોલૉજિસ્ટ નેહા પટેલ કહે છે, ‘જો મોબાઇલમાં રિંગ ન વાગી હોય તો પણ સતત તમને થોડા-થોડા સમયે ફોન જોવાની જરૂર લાગ્યા કરતી હોય, એક સમયે એક બેઠકે આખી ચોપડી વાંચી જતા લોકો ચાર પાનાંમાં થાકી જતા હોય, ચૅનલ પર તમારો ફેવરિટ પ્રોગ્રામ આવતો હોય તો પણ થોડી વારમાં તમે બીજી ચૅનલ પર જતા રહો, છાપામાં એક લેખ વાંચતા હો અને બીજા પાને જતા રહો, OTT પર કોઈ પણ મૂવી હોય એ ફૉર્વર્ડ કરીને જ જોવાની તમને આદત પડી ગઈ હોય તો સમજવું કે તમે પૉપકૉર્ન બ્રેઇનનો શિકાર બન્યા છો. આને કારણે થાય છે એવું કે આપણને લાગે છે કે આપણે મલ્ટિટાસ્કિંગ કરી રહ્યા છીએ, પરંતુ એ મલ્ટિટાસ્કિંગ નથી. એક વિચાર પર આપણે ટકી શકતા નથી. એક જ કામ પૂરું ધ્યાન દઈને કરી શકતા નથી. એમાં વચ્ચે બહારથી નહીં, મગજમાંથી જ પચાસ જાતનાં ડિસ્ટર્બન્સ ઊભાં થાય છે. આમ ભમરો એક ફૂલ પરથી બીજા ફૂલ પર ડોલતો હોય એમ મગજ એક વિચાર પરથી બીજા વિચાર પર ડોલતું જ રહે ત્યારે તકલીફ ઊભી થાય છે.’ 

શું પ્રૉબ્લેમ્સ આવે?
જે વ્યક્તિને આવી તકલીફ હોય તેને એ કઈ રીતે નડે છે એ સમજાવતાં નેહા પટેલ કહે છે, ‘આ પરિસ્થિતિમાં વ્યક્તિને કોઈ જગ્યાએ જપ ન હોય. શાંતિ ન હોય. કોઈ પણ કામ ફોકસ સાથે ન કરી શકે એટલે એ કામ સારું ન થઈ શકે, સમયસર પૂરું ન થઈ શકે. બાળકોમાં આ તકલીફ હોય તો તેમનું ભણતર બગડે અને યુવાનોમાં આ તકલીફ હોય તો તેમની કરીઅર બગડે, જેને લીધે અસંતોષ જ રહ્યા કરે.’ 


માહિતીનો અતિરેક 
પણ શું આવું ફક્ત મોબાઇલ કે સોશ્યલ મીડિયાના અતિરેકથી જ થયું છે? ૨૦૧૧માં જ્યારે આ ટર્મ બહાર આવી ત્યારે તો સોશ્યલ મીડિયા હતું પણ નહીં. ત્યારે આ તકલીફ લોકોને કેમ થતી હશે, એનું શું કારણ હશે એ સમજાવતાં સાઇકોલૉજિસ્ટ નરેન્દ્ર કિંગર કહે છે, ‘જ્યારે મગજ એકસાથે ઘણીબધી ઇન્ફર્મેશનથી ભરાઈ જાય છે ત્યારે એના પ્રોસેસિંગમાં તકલીફ થાય છે. જરૂર કરતાં વધારે માહિતી આ તકલીફની જડમાં છે. આપણી પાસે વધુને વધુ મીડિયા છે. પહેલાં એક ટીવી ચૅનલ હતી, આજે બસો ચૅનલ છે. પહેલાં એક રેડિયો હતો, આજે અઢળક છે. 

પહેલાં એક-બે છાપા આવતાં, આજે હકડેઠઠ પબ્લિકેશન્સ છે. આમ ઑપ્શન્સ વધતા જ જાય છે. આખી જિંદગી એક જ કરિયાણાવાળા પાસેથી આપણે અનાજ લેતા. હવે પચાસ જુદા-જુદા ઑપ્શન છે. પહેલાં સ્ત્રીઓ એક પ્રકારની જ રસોઈ બનાવતી, હવે ઘરમાંરહીને પણ પચાસ પ્રકારની વાનગીઓ આવી ગઈ છે. કપડાં, જીવનજરૂરિયાતની વસ્તુઓ, એક સામાન્ય પેન ખરીદવામાં પણ આપણે વિચાર કરવો પડે છે કે આ લઈએ કે તે. આટઆટલા ઑપ્શન્સમાં મગજ બહેર તો મારી જ જવાનું છે. આટલી માહિતી મગજ પ્રોસેસ જ નથી કરી શકતું એટલે પૉપકૉર્ન બ્રેઇનની પરિસ્થિતિ સર્જાય છે.’ 

શું કરવું?


જ્યારે ખબર પડી જાય છે કે ખુદ પૉપકૉર્ન બ્રેઇનની પરિસ્થિતિમાં ફસાયા છીએ ત્યારે એમાંથી બહાર નીકળવા શું કરી શકાય એ સમજાવતાં નરેન્દ્ર કિંગર કહે છે, ‘જો લગ્નનું બુફે હોય અને ૫૦૦ વાનગીઓ તમારી આજુબાજુ હોય, જેટલું વધુ ખાશો એટલા વધુ પસ્તાશો એની તમને ખબર હોય તો આ પરિસ્થિતિમાં તમે શું કરશો? તમે ચોક્કસ એ ભોજન માણશો, પણ તમારી લિમિટ પહેલાં નક્કી કરશો. જેટલું પીરસાય એટલું ખાતા જ રહેશો તો તમારું શું થશે? બસ, આ જ નિયમ માહિતીઓ માટે લાગુ પડે છે. ફક્ત માહિતીઓ માટે જ નહીં, જીવનની જુદી-જુદી ચૉઇસિસ માટે પણ એ લાગુ પડે છે. નકામી ચૉઇસિસને તિલાંજલિ આપો. એમાં પડો જ નહીં. મગજને સાચી રીતે વાપરીશું તો એ આપણો યોગ્ય સાથ આપશે.’

Whatsapp-channel Whatsapp-channel

29 March, 2024 08:21 AM IST | Mumbai | Jigisha Jain

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK