બાળકનો ઉછેર જ આપણે એવી માનસિકતા સાથે કરીએ છીએ કે આપણું બાળક તો જ ખુશ થશે જ્યારે આપણે તેને ટૉય્સ કે ગૅજેટ્સ લાવી આપીશું
પ્રતીકાત્મક તસવીર
પુણેમાં ૧૭ વર્ષના સગીરે દારૂના નશામાં ધુત થઈને પોતાની પૉર્શે કારથી બાઇક પર સવાર થઈને જઈ રહેલા બે એન્જિનિયરને કચડી નાખવાના બનાવમાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સોશ્યલ મીડિયા પર લોકો એવી પણ પ્રતિક્રિયા આપી રહ્યા છે કે આમાં છોકરાનાં માતા-પિતાનો વાંક છે, તેમણે તેનો ઉછેર જ સરખી રીતે નથી કર્યો. અહીં સવાલ એ થાય છે કે પુખ્ત વયના લોકો જ્યારે કોઈ ભૂલ કરે ત્યારે એવા કેસમાં શું ફક્ત માતા-પિતા જ જવાબદાર છે? અત્યારનાં જે બાળકો છે એ મુક્ત અર્થતંત્રના સમયમાં ઊછરી રહ્યાં છે જેમાં આપણા માટે ખુશી અને સફળતાને વસ્તુ સાથે જોડીને જોઈએ છીએ. બાળકનો ઉછેર જ આપણે એવી માનસિકતા સાથે કરીએ છીએ કે આપણું બાળક તો જ ખુશ થશે જ્યારે આપણે તેને ટૉય્સ કે ગૅજેટ્સ લાવી આપીશું. એટલે બાળક પણ એમ જ માનતું થઈ જાય કે ભૌતિક વસ્તુઓથી જ ખુશી મળી શકે છે. એટલે જેમ તે મોટું થાય એમ તેની માગણીઓ પણ વધતી જાય.
આજકાલની જનરેશન પાછી એવી છે કે માતા-પિતા તેમને કોઈ વસ્તુની ના પાડી દે તો નિરાશ થઈને અંતિમ પગલું ભરતાં પણ અચકાય નહીં. એટલે એ બીકે માતા-પિતા તેમની જીદ પૂરી કરતાં હોય છે. એ પછી બાળક એમ વિચારવા લાગે છે કે હું જે માગીશ એ મારા પેરન્ટ્સ મને અપાવવાના જ છે. આપણે આપણા બાળકને કોઈ દિવસ રિજેક્શનનો સામનો કરતાં શીખવતા જ નથી. જો બાળપણમાં જ તેની બધી જીદ પૂરી કરવાને બદલે યોગ્ય અને અયોગ્ય શું છે એ શીખવાડ્યું હોય તો મોટા થઈને વાંધો નહીં આવે. આમાં માતા-પિતા પર પણ ફક્ત બ્લેમ કરીએ એ ન ચાલે.
ADVERTISEMENT
માતા-પિતાનો ઉછેર પણ આ જ સમાજમાં થયેલો છે. એ સિવાય યુવાનીમાં પ્રવેશતાં બાળકોમાં હૉર્મોનલ ચેન્જિસને કારણે તેમના જોશ અને જુસ્સામાં વધારો થાય છે. એને યોગ્ય દિશામાં કઈ રીતે વાળવા એ આપણે તેમને શીખવાડ્યું નથી એટલે પછી તેમને બાઇક-કાર ખરીદીને એને ફુલ સ્પીડમાં ચલાવવાનું મન થાય. પહેલાંના જમાનામાં શારીરિક શ્રમવાળું જીવન હતું તો એમાં તેમની શક્તિ ખર્ચાઈ જતી હતી, પણ હવેની જીવનશૈલી એવી છે કે શક્તિનો વપરાશ જ નથી થતો. એટલે એ શક્તિ પછી તેઓ રૅશ ડ્રાઇવિંગ જેવી ખોટી વસ્તુમાં કરે અને પછી ન કરવાનું કરી બેસે. એટલે આમાં માતા-પિતાની સાથે સામાજિકીકરણ, અર્થતંત્ર, લાઇફસ્ટાઇલ આ બધી જ વસ્તુઓ ક્યાંક ને ક્યાંક જવાબદાર છે.
- ડૉ. ખેવના દેસાઈ (ડૉ. ખેવના દેસાઈ મીઠીબાઈ કૉલેજનાં સોશ્યોલૉજી વિભાગનાં હેડ ઑફ ધ ડિપાર્ટમેન્ટ છે તેમ જ લેખિકા અને સાહિત્યસર્જક છે )

