આજ સુધીમાં લગભગ પાંચેક હજાર મશીનો દેશ-વિદેશોમાં તેમણે વેચ્યાં છે.
ભરત પરમાર
એક ઉંદર કરોડો રૂપિયાના મશીનનો માત્ર એક વાયર કાપી નાખે અને લોકોનું કામ અટકાવીને બીજા જ કામે લગાવી દે. આ સમસ્યા કદાચ પ્રાચીન હશે. અઢળક સૉલ્યુશન હોવા છતાં ઇન્ડસ્ટ્રીની આ સમસ્યાનું સચોટ નિરાકરણ નથી. એવામાં સુરતના બારમા ધોરણમાં નાપાસ થયા પછી સૉફ્ટવેર એન્જિનિયર જેવું ભણેલા ૩૪ વર્ષના ભરત પરમારે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર બનાવી શકે એવું ઉંદરોને ભગાવવાનું રસલ વાઇપર નામનું મશીન બનાવ્યું છે. આજ સુધીમાં લગભગ પાંચેક હજાર મશીનો દેશ-વિદેશોમાં તેમણે વેચ્યાં છે.
બારમું ફેલ
ADVERTISEMENT
અમરેલીમાં જન્મેલા અને સુરતમાં મોટા થયેલા બહુ જ શિસ્તબદ્ધ જીવન જીવવામાં માનતા ભરતભાઈ કહે છે, ‘સ્કૂલમાં મારો એકથી પાંચમાં નંબર રહેતો. દસમા ધોરણનું પરિણામ પણ બહુ જ સારું હતું. મારે ડૉક્ટર બનવું હતું એટલે મેં સાયન્સ લીધું હતું. બારમા ધોરણની પરીક્ષાનું રિઝલ્ટ લેવા સાઇકલ લઈને સ્કૂલમાં ગયો. ઘરે હજુ પહોંચ્યો નહોતો અને પપ્પાનો વચ્ચે જ ફોન આવી ગયો કે શું થયું? તેઓ એમ જ બોલ્યા કે તું તો ટૉપર છે એટલે પાસ તો થઈ ગયો હશે. મેં કહ્યું કે હું ઘરે જ આવું છું. હું બાયોલૉજી સિવાય ફિઝિક્સ અને કેમિસ્ટ્રી વિષયમાં પણ નાપાસ થયો હતો. પપ્પા મને જરા પણ ખિજાયા નહીં. મારા ઘરમાં કોઈ જ ભણેલું નહોતું કે નોકરીમાં નહોતું. બધા જ પ્રાઇવેટ બિઝનેસ કરતા. નાપાસનું પરિણામ આવ્યું તો પણ એ દિવસે મને ભજિયાં બનાવીને ખવડાવ્યાં. રિઝલ્ટ આવે એટલે સંબંધીઓ પણ પૂછવા આવે. તો કાકાએ કહ્યું કે તું બારમા ધોરણમાં નાપાસ થયો છે તો હવે લાદીના બિઝનેસમાં જોડાઈ જા. જોકે મેં કહ્યું કે હું ભણીશ. પછી મેં દસમા ધોરણના બેઝ પર કમ્પ્યુટર એન્જિનિયરિંગ ડિપ્લોમામાં ઍડ્મિશન લીધું અને હું બે વર્ષ પાછળ જતો રહ્યો. જોકે એ નક્કી હતું કે ભણવું તો છે જ. દૂધનો દાઝેલો છાશ પણ ફૂંકીને પીએ એ રીતે મેં બહુ જ મહેનત કરી અને ઑલઓવર ગુજરાતમાં હું નવમા ક્રમાંકે આવ્યો. બે વર્ષમાં ડિપ્લોમા પૂરું કર્યા પછી મેં ડીટુડી (ડિપ્લોમા ટુ ડિગ્રી) દ્વારા વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં ઍડ્મિશન લીધું. જોકે એમાંથી હું ડ્રૉપઆઉટ થયો, કારણ કે એમાં બધી જૂની ટેક્નૉલૉજી ભણાવતા હતા અને હું મૉડર્ન ટેક્નૉલૉજી ભણી ચૂક્યો હતો.’
ઇનોવેટરની જર્ની
ભણવાનું પૂરું કરીને ભરતભાઈએ બે-ત્રણ ડાયમન્ડ કંપનીમાં જૉબ કરી. ભરતભાઈ કહે છે, ‘હું જૉબ પણ એવી કરતો જ્યાં મને લોકો શીખવાડે અથવા હું લોકોને શીખવાડું કે વસ્તુ કેવી રીતે થાય. એ લોકો ત્યાં એવું બોલતા કે તું ભણેલો-ગણેલો છે તો અમારી અપેક્ષા તારી પાસેથી વધારે છે. એ લોકોને મારી ડિગ્રી કે હું શું ભણ્યો છું એની સાથે કોઈ નિસબત નહોતી. ડાયમન્ડ કંપનીઓ હતી અને એમનો સૌથી મોટો પ્રૉબ્લેમ ઉંદરો હતા. સૉફ્ટવેર તો અમારા ડિપાર્ટમેન્ટવાળા સંભાળી જ લેશે, પણ તું આ પ્રૉબ્લેમ સૉલ્વ કર એવું મને કહેવામાં આવ્યું. મારા બિઝનેસ-ગુરુ મને કહેતા કે પ્રૉબ્લેમ પ્રોગ્રેસ છે. જો તમને પ્રૉબ્લેમ શોધતાં આવડી ગયું તો તમે બિઝનેસમૅન બની ગયા સમજો. એટલે હું એ દિશામાં વિચારવા લાગ્યો અને સર્વે કર્યો. પછી ઉંદરોની સમસ્યા હલ કરવી છે એ આઇડિયાને ફાઇનલ કર્યો. એ પહેલાં પણ ઘણાં સ્ટાર્ટઅપ્સમાં મેં હાથ-પગ મારી લીધા હતા. સીસીટીવી કૅમેરાનું કામ પણ કરતો હતો, પરંતુ એમાં પણ બહુ જ કૉમ્પિટિશન હતી. અંતે તો યુનિક અને સક્સેસફુલ બિઝનેસ જ કરવો હતો.’
ટ્રાયલ-એરર
દરરોજ બે લોકો સાથે વન-ટુ-વન ઇન્ટરૅક્શન કરવાની ટેવ ભરતભાઈએ પાડી હતી જેથી કોઈ વ્યવસ્થિત દિશા મળે. તેઓ કહે છે, ‘ડેરી, ઇન્ડસ્ટ્રી જ્યાં મોટી મશીનરીઓ છે ત્યાં ઉંદરો વાયર કાપી નાખે, વસ્તુ બગાડી નાખે એટલે બહુ જ લૉસ પણ જાય. નાના પાયા પર નાની દુકાનો અને ઘરમાં પણ આ સમસ્યા છે. આ બિઝનેસ તો યુનિક જ હતો. માર્કેટમાં જે નાનાં-મોટાં ડિવાઇસ મળતાં એનાથી રિસર્ચનું કામ શરૂ કર્યું. જોકે એમાં કોઈ સારું પરિણામ નહોતું મળતું અને હું મારા બૉસને એ જ રિપોર્ટ આપતો હતો. ૪૦ કરતાં વધારે જગ્યાના દરેક કદના ઉંદરો - જેમાં વિદેશની જાતિઓ પણ સામેલ છે - પર રિસર્ચ કર્યું. આ એ મશીન છે જેમાં સાપના અવાજના તરંગોની ફ્રીક્વન્સીથી ઉંદરો ડરીને પાસે જ ન આવે (સાપ ઉંદરોના પ્રિડેટર છે). પહેલાં જે મશીન હતું એમાં એક ફ્રીક્વન્સીથી ડરીને ઉંદરો ૨૦-૨૧ દિવસ ન આવે અને પછી ટેવાઈ જાય એટલે ફરી પાછા ઘર કરે. આવી રીતે ફ્રીક્વન્સી બદલ-બદલ કરી અને પછી આઇડિયા આવ્યો કે ઑટો-ફ્રીક્વન્સી કરું તો ઉંદરો ડર્યા જ કરે અને દૂર રહે. એવી રીતે ૨૦૧૬માં આ પ્રક્રિયા શરૂ કરી અને ૨૦૧૮માં મેં પહેલું રસેલ વાઇપર (સાપની એક પ્રજાતિનું નામ) મશીન હું જે ડાયમન્ડ કંપનીમાં કામ કરતો એમાં લગાવ્યું. આવી રીતે ‘શ્યામ ઇનોવેશન’નો જન્મ થયો. નામ આવું એટલા માટે છે કારણ કે હું અધ્યાત્મ અને વિજ્ઞાનના સમન્વયમાં માનું છું. શ્યામ ભગવાન અને ઇનોવેશન સાયન્સ આવી રીતે નામ રાખ્યું. જો તમે શિવજીના મંદિરમાં જાઓ તો એ માત્ર ધર્મ નથી, પરંતુ એની પાછળ સાયન્સ પણ કામમાં આવે છે.’
આજ સુધીમાં લગભગ પાંચ હજાર કરતાં વધારે મશીનો લોકો સુધી પહોંચી ચૂક્યાં છે અને હજી પણ એ આંકડો વધતો જ જાય છે. તેમનાં આ મશીનો કૅનેડા, અમેરિકા, આફ્રિકા, નેપાલ અને શ્રીલંકામાં જઈ ચૂક્યાં છે. જેમની જેવી જરૂરિયાત એ પ્રમાણે ક્વોટેશન પછી મશીનો જાય છે. એને સફળ બનાવવામાં ગુજરાત રાજ્યની સ્ટાર્ટઅપ સ્કીમ તેમને કામ લાગી. આ ઇનોવેશનને લઈને તેમને બહુ જ મોટી-મોટી હસ્તીઓને મળવાનો પણ અવસર મળ્યો છે.
સાવધાનીનું સુખ
દરરોજ સવારે શિવજીના મંદિરમાં જતા અને ગાવાનો ઊંડો શોખ ધરાવતા ભરતભાઈ કહે છે, ‘મારી લાઇફ સ્ટ્રગલવાળી રહી છે અને સ્ટ્રગલનાં લેવલ જુદાં-જુદાં રહ્યાં છે. બારમામાં ફેલ થયા પછી સ્ટેટ લેવલનો રૅન્કર બન્યો અને પછી જૉબ માર્કેટમાં મારો કૉન્ફિડન્સ એકદમ ડાઉન થઈ જતો. એટલી બધી કૉમ્પિટિશન હતી કે મને લાગતું કે મારો નંબર આવશે જ નહીં. એક જગ્યાએ દસ-પંદર રેઝ્યુમે પડ્યાં હોય એમાં મને બોલાવે પણ તો હું કેવી રીતે ઇન્ટરવ્યુ પાસ કરીશ? તમે બધું જ છોડીને કંઈક યુનિક વસ્તુ કરવા જાઓ તો સો ટકા એમાં ધ્યાન ન આપી શકો. એટલે હું આજે જ્યારે પણ મેન્ટરશિપના પ્રોગ્રામ કરું છું ત્યારે દરેક સ્ટુડન્ટ જેને બિઝનેસ કરવો હોય તેને કહું છું કે તમારે તમારું સર્વાઇવલ તો કાઢવું જ પડે અને એના ઘણા રસ્તા છે. પાર્ટટાઇમ જૉબ, ટ્યુશન સૌથી બેસ્ટ છે. હું એવી જૉબ શોધતો જે પાર્ટટાઇમ હોય અને મને એમાંથી મારું ગુજરાન ચલાવવાના પૈસા મળી રહે. સાંજે ચાર વાગ્યા પછી મારું રિસર્ચ અને ઇનોવેશનનું કામ કરતો. આજે જેમને પણ પ્રાણીઓને લગતી સમસ્યા હોય તેઓ મને બોલાવે છે. હાલમાં જ વડોદરામાં વીસ ફુટ ઊંચી મહાદેવની સફેદ અને ગોલ્ડન પ્રતિમાને ખૂબસૂરતી ટકાવી રાખવાની સમસ્યા હતી. કબૂતરોની ચરક એ મૂર્તિને ખરાબ રીતે અસર કરી રહી હતી. એટલે કબૂતરો આ મૂર્તિથી દૂર રહે એ રીતનું મશીન મેં લગાવ્યું. હું મેન્ટરશિપના કોઈ પણ પ્રોગ્રામમાં એક જ વાત કહું છું કે ઇન્ડસ્ટ્રીની સમસ્યાઓ શોધો એટલે તમે ઑન્ટ્રપ્રનર બની ગયા સમજો. સાચું કહું તો હું દરરોજ પ્રૉબ્લેમને દિલથી આમંત્રિત કરું છું જેથી બિઝનેસને જીવનદાન મળે અને એ શોધવા પણ જવો નથી પડતો, સામેથી જ આવી જાય છે. આજે હું ગર્વથી કહી શકું કે મેં ૪૨ જેટલા ઑન્ટ્રપ્રનર બનાવ્યા છે અને જો કોઈને પણ ઑન્ટ્રપ્રનર બનવું હોય અને ક્યાંય અટકતા હોય તો હું ફ્રી ગાઇડન્સ આપું છું અને જોઈતી મદદ કરું છું. મારો આમાં કોઈ જ સ્વાર્થ નથી. સ્વાર્થ એ જ કે જો યંગ જનરેશન આવું ઇનોવેશન કરશે તો આપણો દેશ આગળ વધશે.’
સક્સેસ-મંત્ર : ૨૦
હું માનું છું કે પ્રૉબ્લેમ એ જ પ્રોગ્રેસની દિશા છે. સાચું કહું તો હું દરરોજ પ્રૉબ્લેમને દિલથી આમંત્રિત કરું છું જેથી બિઝનેસને જીવનદાન મળે અને એ શોધવા પણ જવો નથી પડતો, સામેથી જ આવી જાય છે.
હું એક જ વાત યુવાનોને કહું છું કે ઇન્ડસ્ટ્રીની સમસ્યાઓ શોધો એટલે તમે ઑન્ટ્રપ્રનર બની ગયા સમજો. સાચું કહું તો હું દરરોજ પ્રૉબ્લેમને દિલથી આમંત્રિત કરું છું જેથી બિઝનેસને જીવનદાન મળે.

