ચાલો મળીએ સબરીના ગૉન્ઝાલેઝ પાસ્ટરસ્કીને. સાલ હતી ૧૯૯૩ની અને દિવસ હતો ૩ જૂન. અમેરિકાના શિકાગોમાં જન્મેલી એક સાવ સામાન્ય છોકરી. શિકાગોને કે આખાય અમેરિકાને એ સમયે ખબર નહોતી કે આ છોકરી એક દિવસ પોતાનું જ નહીં, આખાય અમેરિકાનું નામ વિશ્વભરમાં મશહૂર કરવાની.
સબરીના પાસ્ટરસ્કી
માત્ર ૧૪ વર્ષની ઉંમરે પ્લેન બનાવીને ઉડાડનાર અમેરિકાની સબરીના પાસ્ટરસ્કી આજે ૩૨ વર્ષની ઉંમરે થિયરેટિકલ ફિઝિક્સમાં એટલું મોટું નામ છે કે જાયન્ટ કંપનીઓમાં તેને પોતાને ત્યાં લાવવામાં હોડ લાગી છે. જોકે વર્ષે ૯ કરોડ રૂપિયા જેટલો પગાર પણ ઠુકરાવી ચૂકેલી સબરીનાને તો પૈસામાં નહીં પણ રિસર્ચમાં રસ છે, વધુ ભણવામાં અને ભણાવવામાં રસ છે, વિજ્ઞાન અને બ્રહ્માંડનાં રહસ્યો સમજવામાં રસ છે
એક સાવ સામાન્ય સવાલ, ધારો કે તમને તમારી કરીઅરની શરૂઆતમાં જ અંદાજે વાર્ષિક ૯ કરોડ રૂપિયાના પગારની નોકરીની ઑફર મળે તો તમે શું કરો?
ADVERTISEMENT
જવાબ શું હશે એ કહેવાની કે વિચારવાની જરૂર નથી, ખરુંને? અચ્છા, સાથે જ એ કહેવાની પણ જરૂર નથી કે જો આનો જવાબ કોઈ ‘નહીં સ્વીકારું’ એવો આપે તો તેને આપણે ગાંડો જ કહીશું, ખરુંને? પણ અમને કહેવા દો કે આવો જવાબ દેનાર વ્યક્તિ ખરેખર સાવ ગાંડી નથી હોતી. આપણી જ વચ્ચે જીવતું એક અસામાન્ય ભેજું એવું છે જેણે ૧.૧ મિલ્યન ડૉલરની એટલે કે અંદાજે ૯ કરોડ રૂપિયાના પગારની નોકરીની ઑફર ઠુકરાવી દીધી અને કહ્યું કે ‘હું હમણાં જે કરી રહી છું એમાં જ મારે આગળ વધુ કામ કરવું છે.’ જી હા, વાત એક અસામાન્ય છોકરીની છે, એક અસામાન્ય રીતે હોશિયાર એવી જિનીયસની છે. નામ છે સબરીના ગૉન્ઝાલેઝ પાસ્ટરસ્કી.
અચ્છા એક વાત કહો, ક્યારેય એવું વિચાર્યું છે કે આલ્બર્ટ આઇન્સ્ટાઇન જેવું દિમાગ આજના જમાનામાં કોઈની પાસે હોઈ શકે છે? હા છે અને એ હકીકત સબરીનાએ અનેક વાર પુરવાર કરી દેખાડી છે. માત્ર ૩૨ વર્ષની ઊર્જાવાન યુવાન છોકરી, જેના કારનામાની યાદી આમ તો લાંબી છે પણ શરૂઆત માત્ર તેના એક બેનમૂન કારનામાથી કરીએ. કંઈક એવું છે કે માત્ર ૧૨ વર્ષની ઉંમરે પિતાના ગૅરેજમાં પડેલુ એક સિંગલ એન્જિન જોઈ તેના દિમાગમાં પ્લેન બનાવવાનો વિચાર જન્મ્યો અને ૧૪ વર્ષની ઉંમરે તો તેણે ન માત્ર એ પ્લેન બનાવી નાખ્યું બલકે જાતે જ પોતે બનાવેલું પ્લેન ઉડાડ્યું પણ. હવે કહો એ અસામાન્ય ભેજાબાજ છોકરીનું આ એક સાવ અસામાન્ય કારનામું કહેવાય કે નહીં?
અસામાન્ય છોકરીનું અસામાન્ય કારનામું
ચાલો મળીએ સબરીના ગૉન્ઝાલેઝ પાસ્ટરસ્કીને. સાલ હતી ૧૯૯૩ની અને દિવસ હતો ૩ જૂન. અમેરિકાના શિકાગોમાં જન્મેલી એક સાવ સામાન્ય છોકરી. શિકાગોને કે આખાય અમેરિકાને એ સમયે ખબર નહોતી કે આ છોકરી એક દિવસ પોતાનું જ નહીં, આખાય અમેરિકાનું નામ વિશ્વભરમાં મશહૂર કરવાની છે. બાળક સબરીના ધીરે-ધીરે મોટી થતી ગઈ તેમ-તેમ તેનો ઝુકાવ વિજ્ઞાન તરફ વધવા માંડ્યો. જે ઉંમરમાં બીજાં નાનાં બાળકોને રમકડાં કે વિડિયો-ગેમ્સ રમવાનું ગમતું હોય એ સમયે સબરીનાને રસ હતો વિજ્ઞાન, ગણિત અને ટેક્નૉલૉજીમાં. તેણે પોતાનાં રમકડાં તરીકે પિતાના ગૅરેજમાં પડેલું એન્જિન શોધી કાઢ્યું અને કામે લગાડી પોતાની જિજ્ઞાસા. માત્ર ૧૨ વર્ષની ઉંમરે એટલે કે ૨૦૦૫માં તેણે સબરીના Aircraft Manufacturing નામથી પોતાની એક કંપની શરૂ કરી. એક એટલી નાની છોકરી કે જે હજી ઠીકઠાક ઍરોપ્લેનમાં બેઠી પણ નહીં હોય. ધારો કે બેઠી પણ હોય તો તેની આ ઉંમર એટલી તો નહોતી જ કે તે ઍરોપ્લેન કે એના એન્જિનિયરિંગને સમજી શકે. પણ સબરીના પાસ્ટરસ્કીએ તો માત્ર ૧૪ વર્ષની વયે એક આખેઆખું ઍરોપ્લેન જ બનાવી નાખ્યું. ફેડરલ એવિયેશન ઍડ્મિનિસ્ટ્રેશન (FAA) પાસે પોતે બનાવેલા પ્લેનને ઉડાડવાની પરવાનગી લીધી અને ઉડાડ્યું પણ ખરું.
આજે તો હવે આ ભેજાબાજ અસામાન્ય છોકરી એક અત્યંત હોશિયાર વૈજ્ઞાનિક તરીકેની ઓળખ બનાવી ચૂકી છે. અને એ ઓળખ પણ પાછી કેવી? લોકો તેને ‘આજના જમાનાની આઇન્સ્ટાઇન’ તરીકે ઓળખાવે છે. તો કેટલાક વળી ‘લેડી આઇન્સ્ટાઇન’ તરીકે સંબોધે છે. માત્ર ૩૨ વર્ષની ઉમર સુધીમાં સબરીનાએ વિજ્ઞાન ક્ષેત્રે અને એમાં પણ ખાસ કરીને ભૌતિક વિજ્ઞાન ક્ષેત્રે એવાં-એવાં સંશોધનો અને થિયરીઝ સાબિત કરી દેખાડ્યાં છે જેને માત્ર સમજવામાં પણ મોટા-મોટા વૈજ્ઞાનિકોને વર્ષો લાગી જાય.
રિજેક્શન ધૅન સરેન્ડર
૧૪ વર્ષની ઉંમરે સેલ્ફમેડ ઍરોપ્લેન ઉડાડનાર પાઇલટ મૅસેચુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજીમાં (MIT)માં ઍડ્મિશન લે છે અને ફિઝિક્સના વિષય સાથે ગ્રૅજ્યુએટની ડિગ્રી હાંસલ કરે છે. હવે આવા ભેજાબાજ જિનીયસને એક અનોખી આદત કોઠે પડી ગઈ હોય છે. તેઓ જ્યાં પણ હોય ત્યાં એવા સહજ રીતે ધ્રુવના ચમકતા તારાની માફક ચમકી ઊઠે કે આસપાસના વિશ્વની તેના પર નજર પડ્યા વિના રહેતી નથી. પણ આ કહાનીની શરૂઆતનો એક ટ્વિસ્ટ તો હજી કહ્યો જ નથી. કિશોર સબરીના જ્યારે MITમાં ઍડ્મિશન લેવા ગઈ ત્યારે સ્કૂલમાં ખૂબ સારા માર્ક્સ સાથે પાસ થયેલી વિદ્યાર્થિની હોવા છતાં MITએ તેનું ઍડ્મિશન રિજેક્ટ કરી નાખ્યું. હા ખરેખર, MIT એ તેને ઍડ્મિશન ન આપ્યું. ત્યારે આ જિનીયસે શું કર્યું? પોતે જાતે બનાવેલા ઍરોપ્લેનનો વિડિયો MITને મોકલ્યો. ઇન્સ્ટિટ્યૂટને સમજાઈ ગયું કે તેમણે કેટલી મોટી ભૂલ કરી છે. તરત પત્ર લખી સબરીનાને કહ્યું કે અમારી ઇન્સ્ટિટ્યૂટમાં તમે ક્યારથી ભણવાનું શરૂ કરો છો એ કહો, અમે તમારી રાહ જોઈએ છીએ. અને ત્યાર પછી સબરીના નામનો એ સિતારો જે ચમક્યો છે. MITમાંથી ફિઝિક્સ સાથે ગ્રૅજ્યુએશન તો કર્યું પણ એમાંય આખીય યુનિવર્સિટીમાં ટૉપ કર્યું. ભણતરની ભૂખ માત્ર આટલાથી પૂર્ણ થાય એમ તો હતું નહીં. આથી ત્યાર બાદ પાસ્ટરસ્કીએ ઍડ્મિશન લીધું હાર્વર્ડ યુનિવર્સિટીમાં. અહીંથી શરૂ થઈ નવી સફર ડૉક્ટરેટ તરફની. ફિઝિક્સ સાથે જ PhD કરીને સબરીના પાસ્ટરસ્કી જ્યારે બહાર પડી ત્યારે તેના પ્રોફેસર્સના મોઢા પર માત્ર એક જ વાક્ય હતું, ‘સબરીના જેવી વિદ્યાર્થિની દશકોમાં ક્યારેક જ મળનારી અત્યંત પ્રતિભાશાળી વિદ્યાર્થિનીઓમાંની એક છે.’ તેમનું ઑબ્ઝર્વેશન કહેતું હતું કે સબરીનાની વિચારવાની સ્પીડ, તેની રિસર્ચ કરવાની રીત આ બધું અનોખું અને અસામાન્ય છે. આટલી જબરદસ્ત અને અસામાન્ય હોશિયારી જવલ્લે જ જોવા મળતી હોય છે.
ઑફર અનેક, જવાબ એક
ગ્રૅજ્યુએશનથી લઈને PhD સુધી આ રીતે અનેક વાર પોતાની અસામાન્ય હોશિયારીની સાબિતીઓ આપી ચૂક્યા બાદ સ્વાભાવિક છે કે ઘણાંબધાં ઑર્ગેનાઇઝેશન્સ અને કંપનીઓ સબરીનાને પોતાને ત્યાં નોકરીએ રાખવા માટે તલપાપડ થઈ પડે. ભલે ગમે એટલું AI આવે કે ગમે એટલી ટેક્નૉલૉજી, પણ હજી આજેય આ વિશ્વમાં એ સમય યથાવત્ છે જ્યાં રિયલ ટૅલન્ટની પાછળ લોકો ગાંડાની માફક ભાગતા હોય છે. અમેરિકાની કઈ-કઈ મોટી કંપનીઓનાં નામ તમને યાદ આવે છે? ગૂગલ, ફેસબુક, ઍમૅઝૉન...? જેફ બેઝોસ જેવા કંઈકેટલાય ટૅલન્ટને ઓળખનારા જૌહરીઓએ સબરીના પાસ્ટરસ્કીને માગે એ જૉબ અને માગે તે ડેઝિગ્નેશન સાથે ઑફર મોકલી. પરંતુ એ જિનીયસનો બધાને જવાબ એકસરખો જ હતો. ‘મારે કૉર્પોરેટ જૉબ નથી કરવી, મને રિસર્ચ અને શોધખોળમાં જ રસ છે!’
એક સિનારિયો એ હોય છે કે જ્યાં સારી કંપનીમાં નોકરી મેળવવા માટે ઉમેદવારોમાં હોડ જામી હોય. ત્યાં જ સબરીનાના કિસ્સામાં બીજો સિનારિયો એવો હતો કે તેને નોકરીએ રાખવા માટે કંપનીઓમાં હોડ લાગી હતી. આવી જ હરીફાઈમાં અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીએ તો અસિસ્ટન્ટ પ્રોફેસરની પોસ્ટ માટે મિસ પાસ્ટરસ્કીને ૯ કરોડ રૂપિયાના વાર્ષિક પૅકેજની પણ ઑફર કરી, છતાં સબરીનાનો જવાબ એનો એ જ રહ્યો. ખાલી શબ્દો બદલાયા. તેણે કહ્યું કે ‘મારે માટે પૈસા મહત્ત્વના નથી, વિજ્ઞાન અને બ્રહ્માંડનાં રહસ્યો મહત્ત્વનાં છે.’
અસામાન્ય છોકરીની અસામાન્યતા
હવે આટલુંબધું જાણ્યા પછી તમને થશે કે એવું તે શું છે સબરીનામાં અને તેણે એવું તે શું કર્યું છે કે તેનાં આટલાંબધાં ગુણગાન ગવાય છે? તો માત્ર ૩૨ વર્ષની સબરીના ગૉન્ઝાલેઝ પાસ્ટરસ્કી એ યુવા વૈજ્ઞાનિક છે જે ક્વૉન્ટમ ગ્રેવિટી અને બ્લૅક હોલ જેવા જટિલ વિષયો પર રિસર્ચ કરી રહી છે. પણ એ પહેલાં એ તો જાણો કે તેણે પોતાના ભણતર દરમિયાન શું કર્યું? પોતાના સાથી વિદ્યાર્થીઓ સાથે મળી સબરીનાએ ‘સ્પિન મેમરી ઇફેક્ટ’ની શોધ કરી જે હમણાં સુધીના વિજ્ઞાનમાં એક અસામાન્ય શોધ હતી અને PhDનું થીસિસ-પેપર પણ તેણે આ જ શોધ સાથે તૈયાર કર્યું જે સ્ટીફન હૉકિંગ્સ જેવા જાણીતા ઍસ્ટ્રોફિઝિસિસ્ટ અને કૉસ્મોલૉજિસ્ટે માન્ય કર્યું અને સબરીનાને ડિગ્રી મળી ડૉ. સબરીના પાસ્ટરસ્કીની.
વિજ્ઞાનમાં અતિમહત્ત્વની ક્રાન્તિ લાવનાર નામોની પ્રથમ હરોળમાં જેમનું નામ સામેલ કરવું પડે એવા આલ્બર્ટ આઇન્સ્ટાઇન વિશે લગભગ અહીં કશું જ કહેવાની જરૂર નથી. આલ્બર્ટ આઇન્સ્ટાઇનનો ઇન્ટેલિજન્ટ ક્વોશન્ટ (IQ) કેટલો હતો જાણો છો? ૧૬૦થી ૧૯૦ની વચ્ચે. કહેવાય છે કે તેમનો આ જબરદસ્ત IQ જ તેમને અનેક થિયરીઝ અને અનેક આઇડિયાઝ સુધીની સફર પર લઈ જવામાં મદદગાર સાબિત થતો હતો. હવે આપણી આ વૈજ્ઞાનિક સબરીના ગૉન્ઝાલેઝનો IQ શું હશે? અંદાજ લગાવી શકો? આ છોકરી ૧૭૦થી ૧૯૮ સુધીનો IQ સ્કોર ધરાવે છે. તો ૧૭૦થી ૧૯૮નો IQ ધરાવતી આ છોકરીએ ક્વૉન્ટમ ગ્રૅવિટી અને બ્લૅક હોલ જેવા જટિલ વિષયો પર સંશોધન કરવાનું શરૂ કર્યું અને પોતાના એ રિસર્ચ માટે એક સાવ નવો જ કન્સેપ્ટ ડેવલપ કર્યો છે, ધ ટ્રાયેન્ગલ કોલાઇડર. હવે જેમને વિજ્ઞાનની પકડ થોડી ઓછી છે તેઓ માથું ખંજવાળશે કે આ ટ્રાયેન્ગલ કોલાઇડર એટલે વળી શું?
તો બને એટલી સરળ ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કરીએ કે ગ્રૅવિટેશનલ વેવ્ઝ એટલે કે ગુરુત્વાકર્ષણના તરંગોનું અધ્યયન કરવા માટે, એને માપવા માટે ટ્રાયેન્ગલ શેપ પાર્ટિકલમાં કોલાઇડ કરવામાં આવે છે અને એના અભ્યાસના આંકડા મેળવવામાં આવે છે, જેને કહેવાય ટ્રાયેન્ગલ કોલાઇડર. એટલું જ નહીં, આ યુવાન ટૅલન્ટડ છોકરીએ પોતાના નામથી ‘પાસ્ટરસ્કી બાઉન્ડ’ નામનો એક પ્રિન્સિપલ એટલે કે નિયમ બનાવ્યો છે. એ જ નિયમને આધારે તેણે સંશોધન કર્યું અને ક્વૉન્ટમ ફીલ થિયરીની મર્યાદા નિર્ધારિત કરી દેખાડી. અર્થાત્ કંઈક એમ સમજો કે સબરીનાએ પોતાની આ થિયરી દ્વારા વિશ્વને એ સમજાવવાનો પ્રયત્ન કર્યો કે એક ફિઝિકલ સિસ્ટમ કેટલી હદ સુધીની એનર્જી એટલે કે ઊર્જા ભેગી કરી શકે છે. તેની આ નવી થિયરીને કારણે વિજ્ઞાન ક્ષેત્રે એમ કહોને કે શોધકર્તાઓ સામે અનેક નવા માર્ગો અને અનેક નવા દૃષ્ટિકોણ ખૂલ્યા છે એટલું જ નહીં, આ છોકરીનું યોગદાન એટલું મહત્ત્વનું સાબિત થયું છે કે તેની થિયરીને કારણે ક્વૉન્ટમ મેકૅનિક્સને નવી સમજ અને નવું આધુનિકીકરણ મળ્યું છે.
નોકરી? - ના, રિસર્ચ? - હા
સબરીના પાસ્ટરસ્કીએ આટઆટલી નોકરીની તકો જતી કરી અને ડૉક્ટરેટની ડિગ્રી વેડફી નાખી એવો તમને વિચાર આવે એ પહેલાં જણાવીએ કે એ તમામ નોકરીઓને ‘ના’ કહેવા પાછળનો પાસ્ટરસ્કીનો ઉદ્દેશ્ય એ હતો કે તેને પેરિમીટર ઇન્સ્ટિટ્યૂટ ઑફ થિયરેટિકલ ફિઝિક્સમાં જવું હતું. હવે ફરી એક વાર કદાચ તમે માથું ખંજવાળશો કે આ વળી પાછું શું છે? તો કહીએ કે કૅનેડામાં સ્થિત આ એક વિશ્વની પ્રથમ હરોળમાં આવતી થિન્ક ટૅન્ક છે જ્યાં ફિઝિક્સના ભેજાબાજો ભેગા મળી આપણે માટે ફિઝિક્સ પર અવનવી શોધખોળમાં દિમાગ ખપાવતા હોય છે. સબરીના ‘પેરિમીટર ઇન્સ્ટિટ્યૂટ ઑફ થિયરેટિકલ ફિઝિક્સ’માં ન માત્ર એક પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે બલકે તે આ ઇન્સ્ટિટ્યૂટમાં સૌથી નાની ઉંમરની પ્રોફેસર છે અને સાથે જ ત્યાં તેણે સેલેસ્ટિયલ હોલોગ્રાફી પર રિસર્ચ અને ડિપાર્ટમેન્ટની શરૂઆત કરી અને આજે તે આ ડિપાર્ટમેન્ટ લીડ કરે છે. સેલેસ્ટિયલ હોલોગ્રાફી એટલે એ ઇનિશ્યેટિવ જે આ બ્રહ્માંડને એક હોલોગ્રામ તરીકે જુએ છે અને એ દૃષ્ટિએ આ રહસ્યમય બ્રહ્માંડને સમજવાનો પ્રયત્ન કરે છે. હજી આથીયે સરળ ભાષામાં કહીએ તો આપણું આ 3D બ્રહ્માંડ વાસ્તવમાં 2D સ્વરૂપે જોઈ નિર્ધારી એનાં અનેક રહસ્યોને એન્કોડ કરવાનો પ્રયત્ન કરવામાં આવે અને એ શક્ય બને ક્વૉન્ટમ થિયરી અને સ્પેસટાઇમને જોડવાની કોશિશ દ્વારા.
ફિઝિક્સ જેવો જટિલ વિષય અને એમાં વળી બ્લૅક હોલ્સ, ક્વૉન્ટમ થિયરી, ગ્રૅવિટીની મેમરી ઇફેક્ટ અને સેલેસ્ટિયલ હોલોગ્રાફીમાં ઍમ્પ્લીટ્યુડ્સ, મૅથેમૅટિકલ ફિઝિક્સ, ક્વૉન્ટમ ગ્રૅવિટી... આવા બધા શબ્દો અને વિષયો જે આપણા જેવા સામાન્ય મનુષ્યને સમજાવાનું તો છોડો, બોલવામાંય જીભના લોચા વળી જાય એના પર આ જિનીયસ ભેજું રાત-દિવસ કામ કરી રહ્યું છે. લેડી આઇન્સ્ટાઇન સબરીના આકાશમાં ચમકતા ધ્રુવ તારાની જીવંત પ્રતિકૃતિ તરીકે ધરતી પર ઝળકી રહી છે, જીવી રહી છે.


