પોતાને સ્વતંત્ર ભારત તરીકે ઓળખાવાનું વધારે પસંદ કરતા આ કલાકારનું કુકિંગ પૅશન્સ અદ્ભુત છે
સ્વતંત્ર ભારત
‘રંગ દે બસંતી’, ‘વૉન્ટેડ’, ‘જોની ગદ્દાર’ ‘રાજકુમાર’, ‘રાઉડી રાઠોડ’ જેવી ઢગલાબંધ ફિલ્મમાં કામ કરી ચૂકેલો અને હવે ઍન્ડ ટીવીની ‘દૂસરી માં’ સિરિયલથી કમબૅક કરી રહેલા તથા પોતાને સ્વતંત્ર ભારત તરીકે ઓળખાવાનું વધારે પસંદ કરતા આ કલાકારનું કુકિંગ પૅશન્સ અદ્ભુત છે
હું ખૂબ એટલે ખૂબ એટલે ખૂબ જ ફૂડી છું અને સાચુ કહું, દુનિયામાં કોણ એવું હશે જેને ફૂડ પસંદ નહીં હોય.
ADVERTISEMENT
દરેક જણ ખાઈને જીવે છે અને સારું ખાવાનું કોને ન ભાવે. સ્વાદ પર તો સંસાર કાયમ છે. ઈશ્વરે આટલા પ્રકારના સ્વાદનું પ્રકૃતિમાં સર્જન કર્યું, કારણ કે એની જરૂરિયાત હતી. ફૂડી હોવું એ આપણને ઈશ્વરે આપેલો અધિકાર છે એવું હું માનું છું. અફકોર્સ, એ અધિકારનો દુરુપયોગ કરો તો તકલીફ ઊભી થાય. બાકી મર્યાદામાં રહીને એની લિજ્જત માણો તો ક્યારેય વાંધો નહીં આવે. કલાકાર હોવાના નાતે પણ હું ફૂડી હોવા છતાં આડેધડ આહાર નથી લેતો. હું બૅલૅન્સમાં બિલીવ કરું છું અને ખાવામાં તો સંતુલન જળવાય એ સૌથી વધુ મહત્ત્વનું છે.
દેશી ફૂડ સૌથી પ્રિય| હું મૂળ જમ્મુનો છું અને જમ્મુની પરંપરાગત આઇટમ એટલી મસ્ત હોય છે કે બાકી બધું તમે ભૂલી જાઓ. પંજાબી હોવાથી ટેસ્ટમાં એ જ પ્રકારનું ખાવાનું મને વધારે ભાવે. છોલે ભટૂરે અને રાજમા-ચાવલ મારા ફેવરિટ છે. અફકોર્સ, જે ઇન્ડસ્ટ્રીમાં છું ત્યાં એ પ્રકારનું હાઇ કૅલરી દરરોજ ખાવાનું પરવડે નહીં અને છતાં મહિનામાં બે વાર ચીટ મીલ રાખું અને એમાં ભાવતું બધું જ ખાઈ લઉં. મને મીઠાઈનો બહુ ક્રેઝ છે. ખીર અને હલવા મારાં ફેવરિટ છે. તમે જોજો કે ભારતીય ક્વિઝીનમાં ડાયજેસ્ટિવ ક્વૉલિટી હોય એવાં ઇન્ગ્રીડિયન્ટ એ ફૂડમાં જ હોય છે. બીજા ફૂડ કરતાં ઇન્ડિયન ફૂડ જલદી પચી જશે. અજમો, હિંગ, જીરું, આદું, લીંબુ જેવા મસાલા પાચન માટે મહત્ત્વના છે અને આપણા ખાવામાં એ હોય જ.
મારો અનુભવ, મારું બ્લન્ડર| નાનપણની વાત છે. એ સમયે મેં પહેલી વાર મસાલા ભાત બનાવ્યા હતા. મસાલા રાઇસમાં મસાલો નાખવામાં મને અંદાજ ન રહ્યો અને એમાં મરચું સૌથી વધારે નાખી દીધું.
દેખાવે એ મસાલા રાઇસ એટલા સરસ બન્યા કે ઘરમાં બધાએ પ્લેટ ભરી-ભરીને લઈ લીધા. હું પણ એટલો કૉન્ફિડન્સ કે પહેલાં ટેસ્ટ કરવાની તકેદારી પણ ન દેખાડી. સુગંધથી જ બધા ઇમ્પ્રેસ થઈ ગયા હતા. જોકે જેવી પહેલી ચમચી મોઢામાં નાખી કે સિસકારા બોલાઈ ગયા. હા, એ સાચું કે અતિશય તીખા હોવા છતાં સ્વાદમાં તો એ રાઇસ ટક્કર જ મારતા હતા એટલે મને નિરાશ ન કરવા માટે પણ ઘરમાં બધાએ પાણીનો ગ્લાસ હાથમાં રાખીને રાઇસ ખાધા. જોકે એ પછી મને સમજાઈ ગયું કે મરચું સ્વાદ અનુસાર નાખવાનું. હવે તો હું દરેક પ્રકારની આઇટમ બનાવી લઉં છું અને આવો ગોટાળો પછી ક્યારેય નથી થયો. તમે પ્રેમથી ખાવાનું બનાવો તો એ સ્વાદ તમારા ખાવામાં ભળતો જ હોય છે. આ વાત લગભગ દરેક જણ જાણે છે અને એ સાચી પણ છે. જોકે એને ફૉલો બહુ ઓછા લોકો કરે છે.
મમ્મીનું કુકિંગ, બેસ્ટ કુકિંગ| જમ્મુની જેટલી પણ ટ્રેડિશનલ આઇટમો છે એ મારી મમ્મી એટલી બેસ્ટ બનાવે છે કે તેના નામે એક રેસ્ટોરાં શરૂ કરી શકાય.
હું જમ્મુ જાઉં ત્યારે બધું જ ડાયટ બાજુ પર મૂકી દેવાનું, આ પહેલેથી જ નક્કી હોય અને જમ્મુમાં હોઉં એ પાંચ-સાત દિવસ માત્ર હું ખાવા માટે જ ત્યાં ગયો હોઉં એમ જ રહેવાનું. દિવસની ત્રણ-ચાર નવી આઇટમો હું ટેસ્ટ કરતો હોઈશ. જમ્મુની એક સ્પેશ્યલ ડિશ છે, એનું નામ છે ‘ક્યુર’. એ મેંદાના લોટમાંથી બને અને એ જાળીદાર હોય, મિસ્સી પરાઠા જેવી લાગે. ખીર, સબ્ઝી અને દાળ એમ બધા સાથે ખવાય અને એટલી મસ્ત લાગે કે ન પૂછો વાત. એ સિવાય મમ્મીના હાથની પૂરી, રાજમા-ચાવલ પણ ઑલટાઇમ ફેવરિટ છે. મારા જમ્મુમાં તો બનતી દમ આલુની સબ્ઝી પણ મારી ફેવરિટ. મને લાગે છે કે જમ્મુની દમ આલુની તોલે દેશની કોઈ દમ આલુ સબ્ઝી ન આવે.
રાજકોટના ફાફડા, આહાહાહા...
‘ર રાજકુમાર’ના શૂટિંગ માટે હું ગોંડલ ગયો હતો. એ સમયે મેં રાજકોટ ઍરપોર્ટ પર ઊતરીને સીધું મારા ડ્રાઇવરને કહ્યું કે અહીંની કોઈ બહુ પૉપ્યુલર આઇટમ ખાવા લઈ જા અને તે મને ફાફડા-જલેબી ખાવા લઈ ગયો.
સાવ નાનકડી કહેવાય એવી લારી હતી. ત્યાં એટલી ભીડ હતી કે ન પૂછો વાત. ફાફડા સાથે કાચા પપૈયાની સૅલડ જેવી ચટણી હતી. ફાફડા-જલેબી અને એ સૅલડ જેવી ચટણીનું જે કૉમ્બિનેશન હતું એનું ક્યારેય શબ્દોમાં વર્ણન ન થઈ શકે. મને એ એટલું ભાવ્યું કે આજે પણ, આ વાત કરતી વખતે પણ મારા મોઢામાં પાણી આવી જાય છે. એ પછી મુંબઈમાં એ ડિશ ટ્રાય કરી તો ત્યાં પણ એના જેવો સ્વાદ નથી આવ્યો અને એટલે જ મને લાગે છે કે કદાચ પાણી પણ સ્વાદ ઉમેરવાનું કામ કરતું હશે.

