° °

આજનું ઇ-પેપર
Monday, 23 May, 2022


રસ્તા કરી રહ્યો છું

15 May, 2022 12:50 PM IST | Mumbai
Hiten Anandpara

સક્રિયતા જિંદગીનું બીજું નામ છે

પ્રતીકાત્મક તસવીર અર્ઝ કિયા હૈ

પ્રતીકાત્મક તસવીર

સક્રિયતા જિંદગીનું બીજું નામ છે. શરીર ટકવા માટે પોતાનું કાર્ય સતત કરતું રહે છે. આંતરિક સમૃદ્ધિ મેળવવા આપણે પ્રયત્નશીલ રહેવું પડે. જો એમ ન થાય તો સોનાનો દેહ પિત્તળ બનતાં વાર ન લાગે. શ્વાસનો અંત હોવા છતાં અનંત સફર તો સતત ચાલી રહી છે. આપણે ખુશનસીબ છીએ કે આ વિરાટ સૃષ્ટિનો આપણે એક હિસ્સો છીએ. એના કારણમાં કોણ છે એનો તાગ સંધ્યા ભટ્ટ મેળવે છે...
જે સ્વયં તો પર રહ્યો આ તંત્રથી
એ તણા વિસ્તારને તું જોઈ લે
ભવ્યથી પણ ભવ્ય ને લયલીન છે
ઈશ્વરી દરબારને તું જોઈ લે
મસ્જિદો અને મંદિરોમાં લાઉડસ્પીકર વિશે આખા દેશમાં તરફેણ-વિરુદ્ધમાં ચર્ચાઓ ચાલી. ઈશ્વરના પ્રતિનિધિ ગણાય એવાં કુદરતી તત્ત્વોને ક્યારેય જાહેરાત કરવી નથી પડતી. ઝાડને રાષ્ટ્રપતિના હસ્તે અકરામ મેળવવાની કોઈ ઝંખના નથી હોતી. નદી કોઈ વર્લ્ડ બ્યુટી કૉન્ટેસ્ટમાં વિજેતા બનવાની ગડમથલ કરતી નથી. ઝરણું ઑલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ મેળવવા ઠેકડા મારતું નથી. દરેક પોતાનું નિયત કર્મ કરવામાં માને છે એ પણ ફળની અપેક્ષા વગર. એવું લાગે કે આ તત્ત્વોને ગીતા એમનેમ આવડી ગઈ છે અને આપણે હજી ગોથાં ખાઈએ છીએ. નાઝિર દેખૈયા પરમ સાથેનું અનસુંધાન આકારે છે...
એકલપણું ન લાગવા દીધું છે ઈશને
પડખે ઊભો રહ્યો છું હું એકે હજાર જેમ
નાઝિર! જીવનના છેલ્લા શ્વાસે ધન્ય થઈ ગયો
આવીને કોણ સ્પર્શ્યું આ પરવરદિગાર જેમ?
ઈશ્વરનો સ્પર્શ જાહેરખબર વગર પણ ફેર ઍન્ડ લવલી હોય છે. જન્મતાવેંત માતાના સ્પર્શ સાથે આ વાત સિદ્ધ થઈ જાય. ગુજરાતી ‘મિડ-ડે’ના વાચકોએ મમ્મી સાથે સેલ્ફી અભિવ્યક્તિને જે પ્રતિસાદ આપ્યો એના પરથી સંવેદનાની સરવાણીનો અનુભવ થાય. માની મમતા અમાપ અને અસીમ હોય છે. જેને માનો પ્રેમ ન મળે તેનો ખાલીપો કોઈ ત્રાજવે મપાય નહીં. શ્યામ સાધુ એવા કોઈ અફસોસ તરફ દોરી જાય છે...
એક ઉંબર, એક પગલું, એક હું
જિંદગી પણ જબરી ઠોકર ખાઈ ગઈ
બારીના પડદાનો મહિમા ક્યાં રહ્યો
દૃશ્યની આખી નદી સુકાઈ ગઈ
જિંદગી હોય એટલે ઠોકરો હોય. અનેક સંજોગો આપણી કસોટી કરતા જાય. આપણે ટ્યુશન રાખ્યું ન હોય છતાં સંજોગો આપણને શીખવાડવા ઉત્સુક હોય. કશુંક આપણે પસાર કરવું પડે અને કશુંક આપણામાંથી પસાર થતું રહે. જવાહર બક્ષી એની બારીકી તપાસે છે...
હું ચાલતો રહ્યો છું અને ચાલ્યો જાઉં છું
જીવીજીવીને જાણે સમય થઈ જવાય છે
અહીં ‘હું જીવી રહ્યો છું’ના જાહેર ચોકમાં
ક્યારેક ‘તું નથી’ની હવા સંભળાય છે
ઘણી વસ્તુ દેખાય નહીં, માત્ર સંભળાય. પવન પાસે આકાર નથી છતાં એનું અસ્તિત્વ સર્વત્ર છે. અવાજ દૃશ્યમાન નથી, શ્રવ્યમાન છે. જંગલમાં મ્હાલતા પ્રવાસીને અચાનક સિંહની ત્રાડ સંભળાય ત્યારે નાદનો ડરમિશ્રિત અનુભવ થાય. વિશાળ ધોધ પાસે ઊભા રહીને જળધ્વનિનું આચમન કરીએ ત્યારે અલૌકિક વાતાવરણનો અણસાર મળે. કવિ આકાશ ઠક્કર પ્રકૃતિના તત્ત્વને અનોખી રીતે સાંકળે છે...
ઊગી ગયું છે હાથમાં એ ઘાસ છે
ઝાંખી થયેલી મેંદીનો ઇતિહાસ છે
ભગવી ધજાને ફરફરાવે એ રીતે
જાણે પવન પણ લઈ રહ્યો સંન્યાસ છે
સંન્યાસ લેવો અઘરો છે. બધું છોડીને જવાની હિંમત કેળવવા મનોજગતના અનેક પડાવો પસાર કરવા પડે. જાણી-અજાણી કેડીઓ પર ચાલવાની તૈયારી રાખવી પડે. સામાન્ય માણસ માટે તો સંસાર જ રાજમાર્ગ બની રહે છે. એટલે જ હિમલ પંડ્યાની આવી રોમૅન્ટિક કલ્પના વાંચી તત્ત્વજ્ઞાન છીડકવાને બદલે ઓવારી જવાનું આપણને વધારે અનુકૂળ આવે...  
રોજ હું આવીશ તારા ઉંબરા સુધી સનમ
હું જ સૂરજનું કિરણ, હું રાતનો અંધાર છું
વ્હેમ આ મારા જ મનનો હોય તોયે છો રહ્યો
માંગનું સિંદૂર હું, તારા ગળાનો હાર છું
ક્યા બાત હૈ
ના હું અમસ્તો જળમાં લીટા કરી રહ્યો છું
રત્નોને શોધવાના રસ્તા કરી રહ્યો છું

વર્ણન નથી હું કરતો આદમના અવગુણોનું
મારી જ જીભે મારી નિંદા કરી રહ્યો છું

ઉપદેશ ઈશ કેરો આપું છું નાસ્તિકોને
પથ્થર જો થઈ શકે તો હીરા કરી રહ્યો છું

સમજી લો કેટલી આ દુર્ભાગી પળ હશે કે...
જીવનના શ્વાસને પણ અળગા કરી રહ્યો છું

એ રીતથી ઉઠાવ્યા આજે કદમ મેં નાઝિર
ધરતીથી જાણે છૂટાછેડા કરી રહ્યો છું

નાઝિર! પ્રદક્ષિણા એ ઘરની નથી હું કરતો
કિંતુ સફળ જીવનના ફેરા ફરી રહ્યો છું

નાઝિર દેખૈયા
સમગ્ર કવિતા : એ વાત મને મંજૂર નથી

15 May, 2022 12:50 PM IST | Mumbai | Hiten Anandpara

અન્ય લેખો

લાગણીઓ વાવી બતાવો

જિંદગી કંઈક કરી બતાવવા માટે છે, કોઈને બતાવી દેવા માટે નહીં

22 May, 2022 04:28 IST | Mumbai | Hiten Anandpara

આ જગતનો સાર છે તું

માતૃત્વ દુન્યવી હોવા છતાં અલૌકિક છે અને અલૌકિકને આવરવાનું સહેલું નથી

08 May, 2022 02:57 IST | Mumbai | Hiten Anandpara

છે અરીસો એ તો સામો બોલશે

જાહેરમાં કેટલાકને બોલવાની સમસ્યા હોય તો કેટલાકને બોલતા રોકવાની સમસ્યા હોય. વક્તા વધારે પડતું વદે તો પ્રેક્ષકોને ન સદે

01 May, 2022 04:47 IST | Mumbai | Hiten Anandpara

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK