રોહિતના પિતાજીએ તેને કહ્યું હતું કે જીવનમાં પૈસો જ બધું નથી. તેમણે મહત્ત્વાકાંક્ષાઓ રાખી હતી, પરંતુ ક્યાં અટકવું અને કેટલું પૂરતું છે એના વિશે પણ સ્પષ્ટતા હતી. પૈસાથી માનસિક શાંતિ મળતી હોય તો જ એ અર્થપૂર્ણ હોય છે
પ્રતીકાત્મક તસવીર
રોહિતના પિતાજીએ તેને કહ્યું હતું કે જીવનમાં પૈસો જ બધું નથી. તેમણે મહત્ત્વાકાંક્ષાઓ રાખી હતી, પરંતુ ક્યાં અટકવું અને કેટલું પૂરતું છે એના વિશે પણ સ્પષ્ટતા હતી. પૈસાથી માનસિક શાંતિ મળતી હોય તો જ એ અર્થપૂર્ણ હોય છે એવું તેઓ માનતા. તેમણે પરિવારની બધી જરૂરિયાતો પૂરી કરવામાં કોઈ કચાશ રાખી નહાતી. જોકે તેમણે સંતાનોના શિક્ષણ બાબતે પણ કોઈ બાંધછોડ કરી નહોતી. રોહિતે પણ આર્થિક બાબતે ઘણી તકેદારી રાખી છે. જોકે હવે આર્થિક જવાબદારીઓ વધતી જતી હોવાથી તેની ચિંતા પણ વધવા લાગી છે. તે સારુંએવું કમાતો હોવા છતાં તેની ‘મુંબઈની કમાણી મુંબઈમાં સમાણી’ જેવી સ્થિતિ છે. નવા વર્ષમાં તેણે પૈસાની પાછળ ભાગવાને બદલે જીવનના ઉદ્દેશ્યો બાબતે સ્પષ્ટતા કેળવીને આર્થિક રીતે સંતુલિત જીવન જીવવાનું નક્કી કર્યું છે. રોહિતે નવા સંકલ્પની શરૂઆત જાતને ત્રણ પ્રશ્નો પૂછવાથી કરીઃ
- મારા પરિવાર માટે કેટલી આવકની જરૂર છે?
- મારા આર્થિક નિર્ણયો સ્વેચ્છાએ લેવાઈ રહ્યા છે કે પરાણે?
- પૈસાથી મારું જીવન સમૃદ્ધ થઈ રહ્યું છે કે હું પૈસાથી દોરવાઈ રહ્યો છું?
ADVERTISEMENT
રોહિતે આ સવાલોના જવાબ મળી ગયા બાદ પોતાનાં રોકાણોની સમીક્ષા કરીને અને પોર્ટફોલિયોમાં આવશ્યક ફેરફારો કર્યા. તેણે આવશ્યકતા અને ઇચ્છાઓ વચ્ચેનો તફાવત સમજી લીધો. તેણે દર વર્ષે નવાં ઉપકરણો વસાવવાં, મોંઘી કાર ખરીદવી એ બધાને બદલે પરિવાર સાથેનું જીવન વધુ સારી રીતે વીતે એવું નક્કી કર્યું. સાથે ફરવા જવું, સાથે બેસીને વાતો કરવી, વગેરે જેવી પ્રવૃત્તિ પર તેણે ભાર મૂક્યો.
રોહિતે શારીરિક અને માનસિક આરોગ્યને પણ પ્રાથમિકતા આપવાનો નિર્ણય લીધો. તેણે સવારે ચાલવા જવાનો નિત્યક્રમ બનાવવાનું અને કામના સ્થળે બિનજરૂરી બોજ નહીં લેવાનું નક્કી કર્યું.
ઘરની આર્થિક જરૂરિયાતો પૂરી કરવા માટે તેણે પદ્ધતિસર આયોજન કર્યું. લાંબા ગાળાના સિસ્ટમૅટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP)ની સાથે-સાથે સમય આવ્યે સિસ્ટમૅટિક વિડ્રોવલ પ્લાન (SWP)નો ઉપયોગ કરવાનો પણ નિર્ણય લીધો.
આપણા ખિસ્સામાંનો દરેક રૂપિયો કોઈક ને કોઈક હેતુસર વપરાવો જોઈએ પછી એ સંતાનોના શિક્ષણની ફી હોય, ઘરખર્ચ હોય, પોતાનાં સ્વપ્નો સાકાર કરવા માટેના વિકલ્પો હોય કે પછી આરોગ્ય સાચવવા માટેની રકમ હોય.
જીવનમાં સંતુલન જ અગત્યનું હોય છે. પૈસાની પાછળ અવિરત ભાગતા રહેવાને બદલે આપણા માટે કેટલું પૂરતું થઈ રહેશે એ નક્કી કરવાનું વધારે અગત્યનું હોય છે. કારકિર્દીની અને પરિવારની જવાબદારીઓ વચ્ચે સંતુલન જળવાઈ રહે એ જરૂરી છે. અંગ્રેજીમાં કહેવાયું છે - હેલ્થ ઇઝ વેલ્થ. આ સૂત્ર પણ કાયમ નજર સામે રાખીને ચાલવાની બધાએ જરૂર છે.
નવા વર્ષમાં તમે તમારા જીવનના અર્થ અને આર્થિક બન્ને પાસાં માટે શું નક્કી કર્યું છે એ અમને જરૂરથી જણાવજો.
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-desk-modified.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-mobile.png)