અનેક રોગોનું ઘર છે પેટનો દુખાવો
સામાન્ય રીતે પેટમાં દુખતું હોય ત્યારે આપણે મસાલા સોડા પીવી, જીરું કે અજમો વાટીને ચાવી જવું, એકાદા ચૂરણની ફાકી લેવી જેવા ઘરગથ્થુ ઉપાયો આજમાવીએ છીએ. તીખી મસાલેદાર વાનગીઓ ખાધી હોય તો ઍસિડિટીની ગોળી લઈ થોડી વાર સૂઈ જઈએ એટલે આરામ થઈ જાય. મોટા ભાગે આવા તુક્કાઓથી તાત્કાલિક રાહત થઈ જાય છે તેથી પેટના દુખાવાને લોકો હળવાશથી લેતા હોય છે. બહારનું આડુંઅવળું ખાવાથી અથવા વધુપડતું જમી લીધા પછી ક્યારેક પેટ ભારે લાગે કે ગૅસ થઈ ગયો છે એવું ફીલ થાય ત્યારે આવા પ્રયોગો કરો ત્યાં સુધી વાંધો નહીં, પરંતુ જો અવારનવાર પેટમાં દુખતું હોય, ખાસ કરીને કોઈ ચોક્કસ જગ્યાએ દુખાવો થતો હોય તો એને આવનારી બીમારીનો સંકેત સમજી સાવધ થઈ જવું.
જમણી બાજુએ દુખે છે કે ડાબી બાજુએ, ચૂંક આવે છે, પેટમાં વચ્ચોવચ દુખે છે, પેઢુમાં દુખાવો થાય છે, ભૂખ્યા પેટે દુખે છે કે અપચો છે. પેટમાં દુખાવાનાં આવાં તો ઘણાં સ્વરૂપો હોઈ શકે છે. દરદનું કારણ જાણ્યા વગર ઉપાય કરો તો કદાચ તકલીફ વધી જાય અને લાંબી સારવારમાં ઊતરવું પડે. નિષ્ણાતોનું કહેવું છે કે બધા જ રોગોનું મૂળ પેટ છે. વારંવાર થતા પેટના દુખાવાને અવગણશો તો ગંભીર બીમારીમાં પટકાતાં વાર નહીં લાગે. પેટના રોગો વિશે સભાનતા હોવી અત્યંત જરૂરી છે. આજે આપણે પેટના જુદા-જુદા દરદ સાથે જોડાયેલાં રોગનાં લક્ષણો અને સારવાર અંગે ગૅસ્ટ્રોએન્ટરોલૉજિસ્ટ ડૉ. રૉય પાટણકર પાસેથી વિસ્તારથી સમજીએ.
જમણી બાજુ દુખાવો
પેટમાં જમણા ભાગમાં દુખાવો સ્વાસ્થ્ય સંબંધિત અનેક તકલીફો તરફ ઇશારો કરે છે. જમણી બાજુમાં ઉપરના ભાગમાં દુખાવો થવાનું કારણ કમળો અથવા લિવર પર સોજો હોવાનું લક્ષણ છે. એથી થોડે નીચે તરફ પેટથી લઈને પીઠ તરફ દુખાવો થવો જમણી બાજુની કિડનીમાં પથરી થઈ હોવાનો સંકેત આપે છે. એનાથી નીચે તરફ જતાં ઍપેન્ડિક્સનો દુખાવો થાય છે. ઍપેન્ડિક્સની સમસ્યા સામાન્ય રીતે યંગ જનરેશનમાં વધુ જોવા મળે છે. મહિલાઓને ઓવરી સંબંધિત રોગોમાં પણ આ પ્રકારનો દુખાવો થાય છે.
ડાબી બાજુ દુખાવો
મોટું આંતરડું, સ્વાદુપિંડ (પૅન્ક્રિયાસ) અને ડાબી બાજુના ફેફસાની કુદરતી કાર્યક્ષમતામાં અવરોધ ઊભો થાય ત્યારે ડાબા ભાગમાં દુખે છે. પૅન્ક્રિયાસમાં દરદનું મુખ્ય કારણ વ્યસન છે. આલ્કોહૉલની ટેવ ધરાવતા લોકોને આ પ્રકારનો દુખાવો થવાની સંભાવના વધુ છે. ડાબી બાજુમાં નીચેની તરફ પેટથી પીઠ સુધીનો દુખાવો ડાબી કિડનીમાં પથરીનું લક્ષણ છે. કિડનીમાં મોટા પ્રમાણમાં મિનરલ્સ જમા થાય ત્યારે અંદર પથરી બનવાની પ્રક્રિયા શરૂ થઈ જાય છે. પથરી બની ગયા બાદ પેટના એ ભાગમાં ભયંકર દુખાવો ઊપડે છે. પિત્તાશયની પથરીનાં લક્ષણો બીમારી મધ્યમ વયની મહિલાઓમાં વધુ જોવા મળે છે.
વચ્ચોવચ દુખાવો
પેટમાં બળતરા અને પેટ ભારે લાગવું અપચાનું મુખ્ય લક્ષણ છે. ગૅસ અને ઍસિડિટીમાં પેટની વચ્ચેના ભાગમાં દુખાવો ઊપડે છે. લાંબા સમય સુધી ભૂખ્યા રહેવું અથવા જરૂરત કરતાં વધુ ખાવાથી પેટમાં ગૅસ બને છે. પેટમાં નાભિની એકદમ ઉપર અને છાતીથી સહેજ નીચેના ભાગમાં દુખાવાનું કારણ ઍસિડિટી છે.
કેટલીક વાર મોટા આંતરડામાં અલ્સર અને સોજાના લીધે પણ વચ્ચોવચ દુખાવો ઊપડે છે. વારંવાર ગૅસ્ટ્રાઇટિસની સમસ્યા અલ્સરની બીમારીનું લક્ષણ છે. મહિલાઓમાં નાભિની નીચે (પેઢુમાં)ના ભાગમાં દુખાવો ગર્ભાશય સંબંધિત પરેશાનીનો સંકેત આપે છે. મૂત્રાશયને લગતી સમસ્યામાં પણ પેઢુમાં દુખે છે. પેશાબની નળીમાં ઇન્ફેક્શન હોય ત્યારે પેટમાં સખત દુખાવો થાય છે.
ચૂંક આવતી હોય તો
પેટમાં ચૂંક આવે તો સૌપ્રથમ સ્ટૂલનો રંગ ચેક કરવો. કાળો અથવા લાલ રંગનો મળ અને મળમાં ચીકાશ રોગનું લક્ષણ છે. ઇન્ટરનલ બ્લીડિંગના કારણે મળનો રંગ લાલ થઈ જાય છે, જેને સાદી ભાષામાં આપણે મરડો કહીએ છીએ. આંતરિક રક્તસ્રાવ મોટા આંતરડાના સ્વાસ્થ્ય માટે જોખમી છે. આ ઉપરાંત કબજિયાતના લીધે પણ પેટમાં ચૂંક આવે છે.
હેવી એક્સરસાઇઝ
આજકાલ બધાને જલદીથી પાતળા થવું છે. યુવાનોને મસલ્સ અને બૉડી બનાવવી છે. હેલ્ધી લાઇફ-સ્ટાઇલના નામે અને દેખાદેખીમાં લોકો આડેધડ વ્યાયામ કરવા લાગ્યા છે. હેવી વર્કઆઉટના લીધે પણ પેટમાં દુખાવો થવાની શક્યતા છે. કસરતમાં ખોટા પૉશ્ચરથી પેટની નસો ખેંચાય છે. વ્યાયામથી પેટની ડાબી બાજુ દુખાવો થવાની શક્યતા વધી જાય છે.
સારવાર શું?
ગૅસ અને ઍસિડિટીમાં ઘરગથ્થુ ઉપાયોથી રાહત થઈ જાય છે. અપચાની તકલીફમાં શક્ય હોય તો એક દિવસ પેટને આરામ આપો. ભૂખ લાગે તો ખીચડી જેવો હળવો આહાર લેવો. દોઢ મહિને એકાદ વાર પેટમાં દુખે ત્યાં સુધી વાંધો નથી પણ અવારનવાર ગૅસની તકલીફ થતી હોય તો ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. ‘પેટમાં દુખાવાની ફ્રીક્વન્સી કેટલી છે એ બહુ મહત્ત્વની છે. ડાબી બાજુ અસહ્ય દુખાવો થતો હોય તો સારવારમાં વિલંબ ન કરવો. પેટના દુખાવાની સાથે તાવ આવતો હોય કે ઊલટી થાય ત્યારે સેલ્ફ- મેડિકેશન કરવામાં જરાય સમજદારી નથી. કિડની સ્ટોન અને ઍપેન્ડિક્સમાં મોડું કરવું અત્યંત જોખમી છે. પ્રારંભિક તબક્કામાં નિદાન થાય તો દવાથી રોગ મટાડી શકાય છે. પેટના દુખાવામાં સોનોગ્રાફીથી નિદાન થાય એ જરૂરી છે. તપાસમાં વિલંબ સર્જરી તરફ દોરી જાય છે તેથી પેટના દુખાવાને હળવાશથી ન લેવાની સલાહ છે.
ADVERTISEMENT
ગૅસ્ટ્રોઇન્ટેસ્ટાઈનલ કૅન્સર
એક આંકડા અનુસાર ભારતમાં ગયા વર્ષે કુલ પેટના દરદના દરદીઓમાંથી ૫૭ હજાર જેટલા કેસમાં ગૅસ્ટ્રોઇન્ટેસ્ટાઈનલ કૅન્સર (એમાં મોટા આંતરડા, અન્નનળી અને અન્ય પેટના કૅન્સરનો સમાવેશ થાય છે) જેવી ગંભીર બીમારીનાં લક્ષણો સામે આવ્યાં હતાં. આ સંદર્ભે જાણકારી આપતાં ડૉ. રૉય પાટણકર કહે છે, ‘જીઆઇટી (ગૅસ્ટ્રોઇન્ટેસ્ટાઈનલ ટ્રૅક્ટ) તમારા પાચનતંત્રને અસર કરે છે. પેટ ફૂલી જવું, વારંવાર અપચો, લાંબા સમયથી કબજિયાત, પેટની સાથે છાતીમાં દુખાવો, સતત ઊલટી થવી કે ઉબકા આવવા, ગુદામાર્ગમાં દુખાવો વગેરે જીઆઇટીના સામાન્ય લક્ષણો છે. અગાઉ આ લક્ષણો ચાળીસ વર્ષથી ઉપરની વયના લોકોમાં જોવા મળતા હતા. વર્તમાન જીવનશૈલીમાં નાનાં બાળકોમાં પણ આ પ્રકારના કૅન્સરનાં લક્ષણો જોવા મળે છે. મારી પાસે દર વર્ષે સાતથી આઠ કેસ એવા હોય છે જેમાં એન્ડોસ્કોપી અને બાયોપ્સી બાદ નાનાં બાળકોમાં અલ્સર અને કૅન્સરનો રિપોર્ટ પૉઝિટિવ આવે છે. આ રોગમાં પેટના અંદરના ભાગમાં કૅન્સરના કોષોની ગાંઠ બને છે. ફાઇબરનો ઓછો ઇનટેક અને જન્ક ફૂડ એનું મુખ્ય કારણ છે. મારી પાસે એક કેસમાં ૧૨ વર્ષના બાળકને વારંવાર સંડાસમાં લોહી પડતું હતું. ઘરગથ્થુ ઉપાયોમાં પેરન્ટ્સે ખાસ્સો સમય કાઢી નાખતાં સારવાર લંબાઈ ગઈ હતી. આંતરિક રક્તસ્રાવને ડેન્જર સાઇન માનવી.’
આયુર્વેદ શું કહે છે?
પેટમાં દુખે છે એનો અર્થ તમારી પાચનક્રિયા નબળી છે. વાયુના પ્રકોપ વગર પેટમાં દુખાવો ન થાય એમ જણાવતાં બોરીવલીના વૈદ્યરાજ પ્રબોધ ગોસ્વામી કહે છે, ‘વાયુ પેટના જુદા-જુદા ભાગમાં ભરાઈ જાય છે. વાયુનો નાશ થાય તો જ રાહત થાય. સામાન્ય રીતે સોડા પી લો કે હિંગ લઈ લો એટલે વાયુ છૂટે અને સારું થઈ જાય. જરૂર લાગે તો હળવો જુલાબ લઈ શકાય, પરંતુ વારંવાર એક જ જગ્યાએ દુખાવો થતો હોય તો નિદાન થવું જરૂરી છે. વાયુનો પ્રકોપ અનેક રોગોનું કારણ બની શકે છે. લિવર, નાનું આંતરડું અને ઍપેન્ડિક્સની સમસ્યામાં જમણી બાજુ દુખાવો થાય છે. ડાબી બાજુ દુખતું હોય તો હોજરી પર સોજો, બરોળ વધી ગઈ હોય અથવા આંતરડાનું અલ્સર હોઈ શકે. પેશાબ અટકી-અટકીને આવે ત્યારે પેઢુમાં દુખે છે. હર્નિયાની તકલીફ પણ પેઢુમાં દુખે છે. ઘણી વાર પેટમાં ચૂંક આવ્યા કરતી હોય છે. આંતરડાની અંદર ચીકાશ વધી જાય ત્યારે વીટ આવે છે. ચીકાશ માટેની શ્રેષ્ઠ ઔષધિ છાશ છે. બે-ત્રણ દિવસ પીઓ એટલે મળ વાટે ચીકાશ નીકળી જાય. આ ઉપરાંત કબજિયાતમાં પણ પેટમાં દુખાવો થાય છે. કબજિયાતના દરદી જુલાબ લીધે રાખતા હોય છે. વાસ્તવમાં આ સાચી સારવાર નથી. એની સારવાર કરાવવી જોઈએ. જ્યાં સુધી વાયુ પાસ ન થાય, મળને બહાર નીકળવાનો રસ્તો ન મળે. પેટના જુદા-જુદા ભાગમાંથી પસાર થઈ વાયુ માથા સુધી પહોંચી જાય છે. કબજિયાતના દરદીને હૃદયનો હુમલો થવાનું જોખમ પણ હોય છે. વાયુ નીચેથી પસાર થવાને બદલે ઉપરની તરફ ફેફસાં સુધી પહોંચે છે. વાયુના પ્રેશરથી પહેલાં ફેફસાં અને પછી હૃદય પર દબાણ આવે છે, જે હુમલાનું કારણ બની શકે. પેટમાં વાયુનો ભરાવો તમામ રોગોનું મૂળ છે. દરેક વ્યક્તિની તાસીર જુદી હોય તેથી નિષ્કર્ષ પર આવ્યા વગર ઇલાજ ન કરાય.’

