આવું મહેણું કોઈને આપતા સાંભળ્યા છે? દિવાળી શબ્દમાં જ એનાં ગરિમા અને મહિમા છે. તમે આ શબ્દ બોલો અને તમારા ચહેરા પર સ્માઇલ આવી જાય.

તમારે તો રોજ દિવાળી!
આવું મહેણું કોઈને આપતા સાંભળ્યા છે? દિવાળી શબ્દમાં જ એનાં ગરિમા અને મહિમા છે. તમે આ શબ્દ બોલો અને તમારા ચહેરા પર સ્માઇલ આવી જાય. અજવાશ અને ઉત્સવની મધુરતા આ તહેવારમાં છુપાયેલી છે અને એટલે જ તમને કહેવું છે કે આ દિવાળી પ્રકાશ સાથે તમારા જીવનને ઉજાગર કરે એવી શુભેચ્છા
મારા માટે જીવનમાં અનેક લોકો દીવો બનીને આવ્યા અને મારા જીવનમાં અજવાળાની ક્ષણો ઉમેરી ગયા. તમે માનશો નહીં, પણ દર દિવાળીએ હું મારા જીવનની એ ઘટનાઓને યાદ કરતો હોઉં છું અને એને ફરી જીવતો હોઉં છું. આવા લોકોને મારા જીવનમાં મોકલવા બદલ ઈશ્વરનો આભાર માનતો હોઉં છું.
ADVERTISEMENT
દિવાળી.
ના, આ શબ્દ નથી. ઍટ લીસ્ટ મારે મન તો નથી. મારે મન દિવાળી એ લાગણી છે; એક એવી અનુભૂતિ જે યાદ આવતાંની સાથે પ્રકાશનો ઝળહળાટ, મીઠાઈની મીઠાશ, ઉત્સાહ અને ઉત્સવનો જુદો જ રોમાંચ શરીરમાં પ્રસરી જાય. ક્યારેક કોઈ બહુ તૈયાર થયું હોય, બહુ ખુશ હોય તો આપણાથી સહેજે પૂછી લેવાતું હોય કે તારે તો આજે દિવાળી લાગે છે.
કંઈક હૅપનિંગ થાય એને આપણે સહજ રીતે દિવાળી સાથે જોડી દઈએ છીએ. મારે મન દિવાળીની આ જ સાચી ઓળખ છે અને આ જ દિવાળીનો ઠાઠ પણ છે. રોજ જલસા અને મોજથી જીવતા લોકો માટે તમે સાંભળ્યું હશે કે આને તો બારેય માસ દિવાળી છે. દિવાળીનો આ દબદબો છે એટલે જ તો એ તહેવારોનો રાજા છે અને આજે બહુ જ આનંદ છે કે પ્રકાશના આ પર્વમાં આપણે વાત કરીએ રહ્યા છીએ.
મારી વાત કરું તો આ વર્ષ પ્રોફેશનલ અને પર્સનલ બન્ને રીતે મારા માટે ખાસ છે. એક બહુ જ મોટા પ્રોજેક્ટ માટે કામ ગોઠવાયું છે. સુભાષ ઘઈના સૌથી પહેલા ટેલિવિઝન પ્રોજેક્ટ ‘જાનકી’ને કારણે કામ પણ ખૂબ છે તો સાથે જ ઘરનું મેકઓવર થઈ રહ્યું છે એટલે પણ દિવાળી મારા માટે વિશિષ્ટ છે. અંધકાર સામે આપણા વિજયનું પ્રતીક એટલે દિવાળી. અને દિવાળી પ્રતીક છે નિષ્ટના અનિષ્ટ પર થતા જયજયકારનું. દિવાળી સૂચવે છે કે અંધકાર ગમે તેટલો પ્રગાઢ હોય, નકારાત્મક ઘટના, વિચાર કે વ્યક્તિ ગમે એવા તાકાતવાળા હોય પણ જો તમે દીવો બનવા તૈયાર હો, પ્રકાશ પાથરવા સજ્જ હો તો વિજય તમારો છે, જીત તમારી છે. કદાચ તમારે પ્રકાશ પાથરવા થોડુંક બળવું પડશે, થોડી પીડા સહેવી પડશે પણ એ પછીયે એમાં જીત તમારી થશે. દિવાળી આશ્વાસન છે, આવી રહેલી જીતનું. દિવાળી આશાનું કિરણ બનતાં શીખવે અને હિંમતને હંમેશાં મુઠ્ઠી ઊંચેરા થઈને જાળવી રાખવાનું પણ સૂચવે. દિવાળી પર્વ છે તમારી અંદર રહેલી અનંત શક્તિઓને ઓળખવાનું અને દિવાળી પર્વ છે તમારી ક્ષમતાઓથી પાર નીકળવાનું સાહસ ખેડવાનું. દિવાળી તમારી અંદરના ઝગમગાટ સાથે અવગત થવાનું પર્વ છે.
અહીં બીજી પણ એક ખાસ કહીશ.
દિવાળી આપણને દીવો બનવાનું શીખવે છે તો દિવાળી આપણા જીવનમાં આવેલા દીવાઓને સેલિબ્રેટ કરતાં પણ શીખવે છે. બિલકુલ, જીવનમાં પ્રકાશનું કિરણ બનીને પ્રવેશે અને કંઈક જુદો જ ચાર્મ જીવનમાં ભરી જતા હોય એવા લોકો પણ હશે તમારી આસપાસ. જીવનમાં જાણતાં અથવા અજાણતાં કેટલાક લોકો એવી ભૂમિકા ભજવી જતા હોય છે. હું આમ કમ્પ્યુટર એન્જિનિયરનું ભણ્યો પણ ઍક્ટિંગનો બહુ શોખ એટલે ભણતાં-ભણતાં ઍક્ટિંગ વર્કશૉપ્સ પણ અટેન્ડ કરતો. પછી કૉર્પોરેટ જૉબ શરૂ કરી અને એ દરમ્યાન રેડિયો જૉકી બન્યો અને બસ, એમાં હું બરાબર જામી ગયો. ન્યુકમર હોવા છતાં એમાં ખૂબ સારા-સારા લોકોના ઇન્ટરવ્યુઝ કરવાનો મોકો મળ્યો, જેને કારણે શીખવા પણ પુષ્કળ મળ્યું. મને યાદ છે, એક વાર અનિલ શર્માનો ઇન્ટરવ્યુ કર્યો હતો. તેમની ફિલ્મ ‘હીરો : લવ સ્ટોરી ઑફ સ્પાય’ના પ્રમોશન માટે એ આવ્યા હતા. અડધો કલાકનો ટાઇમ આપશે એવું નક્કી હતું. અડધા કલાકને બદલે બે કલાક અમારી વાતો ચાલી. તેમણે મને વાત કરતા જોયો, જે એનર્જી સાથે મારા પ્રશ્નો આવતા હતા. તેમણે મને કહેલું કે ભાઈ, તું અહીં રેડિયોમાં ક્યાં અટકી ગયો. તું ઍક્ટર બનવા માટે આવ્યો છે. ઊભો થા, તારું કૅન્વસ મોટું કર.
મારા જીવનમાં નવો અજવાશ એ દિવસે ઉમેરાયો અને એ પછી મને પહેલી સિરિયલ ‘સીઆઇડી’ મળી. લાઇફમાં ઘણા ઇન્સિડન્ટ બન્યા જ્યાં કોઈ તકલીફ આવી તો કોઈએ એ તકલીફમાંથી બહાર આવવાનો રસ્તો સુઝાડ્યો. મારા માટે જીવનમાં આવેલા એ તમામ લોકો દીવા સમાન છે. એ દરેક ક્ષણ મારા માટે દિવાળીની ક્ષણ હતી. હું દરેકને કહીશ કે જીવન એવું જીવો જેમાં તમે કોઈકને પ્રકાશનું કિરણ બનીને રાહ દેખાડી શકો અને તમારા જીવનમાં રાહ બતાડવાનું એ કામ કોઈએ કર્યું હોય તો એને ક્યારેય ભૂલો નહીં.
બીજો એક કિસ્સો કહું તમને.
‘સીઆઇડી’ મારો પહેલો શો. મને યાદ છે કે સેટ પર સિનિયર આર્ટિસ્ટ મારી થોડીક મસ્તી કરતા હતા. એ સમયે શોનાં અસિસ્ટન્ટ ડિરેક્ટર અશ્વિની કળસેકર હતાં. મારી ઍક્ટિંગ માટે કો-ઍક્ટર જે પ્રૅન્ક કરતા હતા એને લીધે હું થોડો વધારે પડતો નર્વસ થઈ ગયો, જેને લીધે આવડતું હોવા છતાં મારાથી ભૂલ થતી રહી. અશ્વિની સમજી ગઈ અને તેણે મને પાસે બોલાવીને કહ્યું કે તું જે કરે એ પર્ફેક્ટ છે. કોઈની વાત પર ધ્યાન આપ્યા વિના તને જે આવડે છે એના પર ફોકસ કર અને તને આપવામાં આવેલી લાઇન્સ પર ફોકસ કર. મને ખબર છે અને તને પણ ખબર છે કે તારા માટે આ ખૂબ સરળ છે.
બસ, એ ક્ષણે મારો ડર ગાયબ અને હું એકદમ જ કૉન્ફિડન્ટ્લી મારા ડાયલૉગ્સ બોલી ગયો અને બધા જ જોતા રહી ગયા. તમે વિચાર કરો કે આ શું હતું? અફકોર્સ, આ એ ક્ષણ હતી જેણે મને દિશા દેખાડી. મારા માટે જીવનમાં આવા અનેક લોકો દીવો બનીને આવ્યા અને મારા જીવનમાં અજવાળાની ક્ષણો ઉમેરી ગયા. તમે માનશો નહીં, પણ દર દિવાળીએ હું મારા જીવનની એ ઘટનાઓને યાદ કરતો હોઉં છું અને એને ફરી જીવતો હોઉં છું. આવા લોકોને મારા જીવનમાં મોકલવા બદલ ઈશ્વરનો આભાર માનતો હોઉં છું. દિવાળી મારો ફેવરિટ તહેવાર આ કારણે પણ છે. એ તમને સતત એહસાસ કરાવે કે ભલે ગમે તેવી તકલીફો હોય, એમાંથી બહાર નીકળી જવાશે. ભલે ગમે એવા પ્રૉબ્લેમ્સ હોય, તમે એમાંથી બહાર આવી જ શકો છો. દીવો બનીને કોઈકના જીવનને અજવાળવું અને દીવો બનીને આપણા જીવનમાં આવેલા લોકો પ્રત્યે અનુગ્રહ વ્યક્ત કરવો એ મારી દૃષ્ટિએ દિવાળીની સર્વશ્રેષ્ઠ ઉજવણી છે.
જરા વિચારજો...

