ફ્રેન્ડ્સમાંથી સાથે કોઈ આવવા તૈયાર ન થયું તો છેલ્લે ૨૦ દિવસના પ્રવાસ માટે એકલા જ નીકળી પડ્યા કાંદિવલીના પ્રબોધ મિસ્ત્રી : આજે પણ LIC એજન્ટ તરીકે કામ કરીને ઍક્ટિવ રહે છે અને ક્લાયન્ટ્સને મળવા ઠેકઠેકાણે પહોંચી જાય છે
કાંદિવલીમાં રહેતા ૭૬ વર્ષના પ્રબોધ મિસ્ત્રી
‘યુવાન હતો ત્યારે ઘરની આર્થિક સ્થિતિ એવી નહોતી કે હરીફરી શકું અને હવે ફાઇનૅન્શિયલ કન્ડિશન સારી છે, પણ પત્નીનો સાથ રહ્યો નથી. એમ છતાં હું જે પણ જીવન બચ્યું છે એને સારામાં સારી રીતે જીવવાનો પ્રયત્ન કરું છું.’
આ શબ્દો છે કાંદિવલીમાં રહેતા ૭૬ વર્ષના પ્રબોધ મિસ્ત્રીના. આ ઉંમરમાં પણ તેઓ કામકાજ કરવાની સાથે પોતાની કાર લઈને એકલા હરેફરે છે. હાલમાં જ તેમણે તેમની પહેલી સોલો ટ્રિપ કરી.
ADVERTISEMENT
આ રીતે થયું નક્કી
સોલો ટ્રિપ પર જવાનું કઈ રીતે નક્કી થયું એ વિશે વાત કરતાં પ્રબોધભાઈ કહે છે, ‘આમ તો મારું પ્લાનિંગ ફ્રેન્ડ્સ સાથે ફરવા જવાનું હતું, પણ નસીબમાં એકલા નીકળી પડવાનું લખ્યું હશે એટલે સોલો ટ્રિપ થઈ ગઈ. હું મારા સ્કૂલના ફ્રેન્ડ્સ સાથે આટલાં વર્ષો પછી પણ કનેક્ટેડ છું. મેં બધાને દિવાળી અગાઉથી જ ટ્રિપનું કહી રાખેલું. જોકે કોઈ રેડી થયું નહીં. મારી ટ્રિપ લગભગ ૨૦ દિવસની હતી. આટલાબધા દિવસ કોઈ એકલું આવવા રેડી નહોતું. ઉંમર છે એટલે ઘરનાઓ પણ આવવા ન દે. બાકી જેને આવવાની ઇચ્છા હતી તેમની પાસે પૈસા નહોતા. આમ તો મારી કારમાં જ ફરવાનું હતું. મારી કારમાં એક બેસે કે ચાર બેસે, પેટ્રોલ તો એટલું જ જવાનું છે. એટલે ટ્રાવેલિંગના પૈસા ન લાગે, પણ હોટેલમાં સ્ટેના અને ખાવાપીવાના તો પૈસા જોઈએ. મારી સાથે કોઈ કંપની હોત તો સારું થાત, પણ છેલ્લે સુધી કોઈ આવવા રેડી ન થયું એટલે હું એકલો સોલો ટ્રિપ પર જતો રહ્યો. મારા દીકરાઓએ પણ મને કહેલું કે પપ્પા એકલા ન નીકળો, કોઈને સાથે લઈ જાઓ; પણ કોઈ આવવા રેડી ન થાય તો હું શું કરું? એટલે હું તો વધુ વિચાર્યા વગર નીકળી ગયો.’
આવો રહ્યો અનુભવ
હું બીજી નવેમ્બરે મુંબઈથી નીકળેલો અને લગભગ ૨૧ નવેમ્બરે પરત ફરેલો. આ ટ્રિપમાં મેં ૪૫૦૦ કિલોમીટર કાર ડ્રાઇવ કરેલી. સોલો ટ્રિપ વિશે વાત કરતાં પ્રમોદભાઈ કહે છે, ‘આટલા દિવસોમાં હું સાળંગપુર, શ્રીનાથજી, વૃન્દાવન, અયોધ્યા, પ્રયાગરાજ, કાશી વિશ્વનાથ, સારનાથ એમ બધી જગ્યાએ ફરેલો. સારનાથ પછી હું રિટર્ન મુંબઈ આવવા માટે નીકળી ગયો. હજી આગળ ફરવાનું પ્લાનિંગ હતું, પણ મન ઉચાટમાં આવી ગયું એટલે મેં વિચાર્યું કે હવે સીધા ઘરે જવું છે. એમાં પણ મેં સારનાથથી પાછા ફરતી વખતે એક ઍડ્વેન્ચર કર્યું. નાગપુરથી સવારે મેં પેટ્રોલ પમ્પ પરથી ફુલ ટૅન્ક કરાવી લીધી. એ પછી મુંબઈ સુધીની રિટર્ન જર્ની મેં એક પણ પ્રૉપર રેસ્ટ લીધા વિના ૧૧-૧૨ કલાક ડ્રાઇવ કરીને એક જ દિવસમાં પૂરી કરી લીધી. વચ્ચે બપોરે એક કલાક માટે ધાબા પર જમવા માટે રોકાયેલો જેથી ગાડીને પણ રેસ્ટ મળી જાય. પાછો હું સમૃદ્ધિ મહામાર્ગ પરથી આવેલો એટલે એમાં તો તમારે હાઇવે પર છેક સુધી એક જ સ્પીડમાં ગાડી ભગાવવી પડે. ઘણા એમ કહે કે આ ઉંમરમાં એટલુંબધું ડ્રાઇવિંગ ન થાય, પણ મારે ક્યાંક રોકાવા કરતાં સીધા ઘરે પહોંચીને આરામ કરવો હતો.’
વર્ષોથી હતી ઇચ્છા
પ્રબોધભાઈ તેમની કાર વિશે કહે છે, ‘આમ તો મેં લૉકડાઉન પહેલાં જ લૉન્ગ ટ્રિપ પર જવાનું વિચારેલું. મારી પાસે જે મારુતિ રિટ્ઝ કાર છે એ મેં કોઈ પાસેથી સેકન્ડ-હૅન્ડ લીધેલી. લૉન્ગ ડ્રાઇવ પર જતાં પહેલાં મેં મેકૅનિકને કાર દેખાડેલી તો તેણે ટાયર ચેન્જ કરવા કહેલું. ચારેચાર ટાયર નખાવ્યાં ત્યાં થોડા સમયમાં લૉકડાઉન થઈ ગયું એટલે ક્યાંય બહાર જવાય નહીં. એ પછી પણ ટ્રિપ પર જવાનો કોઈ મેળ પડ્યો નહીં. ૨૦૨૨માં એક દિવસ સ્ટૂલ પરથી નીચે ઊતરતી વખતે મારું બૅલૅન્સ ગયું અને હું નીચે પડી ગયો. દસ મિનિટ સુધી તો હું ઊભો જ ન થઈ શક્યો. બે મણકામાં ડૅમેજ થયેલું. અલગ-અલગ ડૉક્ટર્સના રિવ્યુ લીધેલા. એમાંથી ચાર ડૉક્ટરે ઑપરેશન કરાવવાનું કહેલું, જ્યારે એક ડૉક્ટરે કહેલું કે ઑપરેશન કરાવવાની જરૂર નથી.
એક બાજુ દવાઓ ચાલુ હતી. તેણે મને કમ્પ્લીટ રેસ્ટ લેવા કહેલું. ૧૮ મહિના સુધી ઘરની બહાર નીકળ્યા વગર બેડ-રેસ્ટ કર્યો છે. પલંગના પાટિયા પર ગાદલા વગર તેમણે મને સૂવાની સલાહ આપેલી. એમ કરતાં-કરતાં હું દોઢ વર્ષે સાજો થયો. દરિમયાન પડ્યા-પડ્યા ગાડીનાં ટાયર ખરાબ થઈ ગયેલાં એટલે આ ટ્રિપ પર જતાં પહેલાં જ મેં બે ટાયર ફરી નવાં નખાવ્યાં. મને કે ગાડી અમને બન્નેને કંઈ ન થયું. કાર ખાલી જ હતી એટલે એમાં એક કપડાની અને એક નાસ્તાની એમ બે બૅગ ભરીને સામાન કારમાં ડમ્પ કરી દીધો. મને ગોળપાપડી બનાવતાં આવડે. એટલે સાથે એ, ડ્રાયફ્રૂટ્સ અને બીજો સૂકો નાસ્તો લઈ લીધો. રસ્તામાં બીજું કંઈ ન મળે તો એ ખાઈ શકાય. એક વાર સોલો ટ્રિપ કરી એટલે હવેમારામાં કૉન્ફિડન્સ આવી ગયો છે. ફેબ્રુઆરી-માર્ચમાં મારો દક્ષિણ ભારતમાં ફરવાનો વિચાર છે.’
દૈનિક કામકાજ
પ્રબોધભાઈ છેલ્લાં ૪૦ વર્ષથી LIC એજન્ટ તરીકે કામ કરે છે. આ ઉંમરે કામનો થાક નથી લાગતો? એ વિશે જણાવતાં તેઓ કહે છે, ‘હું હજી શારીરિક રીતે એકદમ ચુસ્ત અને તંદુરસ્ત છું. કામ હોય એટલે તમે આપોઆપ ફિઝિકલી ઍક્ટિવ રહો. શરીરને તંદુરસ્ત રાખવા તમારે અલગથી કોઈ ઍક્ટિવિટી ન કરવી પડે. કોઈ ક્લાયન્ટને LIC પૉલિસી જોઈતી હોય તો એ માટે મારે તેમના ઘરે જવું પડું. એટલે થાણે, કલ્યાણ, વસઈ બાજુ મારે જવાનું થાય. મારી ઑફિસ નરીમાન પૉઇન્ટ પર છે તો ત્યાં બ્રાન્ચમાં પેપર સબમિટ કરવા માટે પણ જવું પડે. આ બધી જગ્યાએ હું ટ્રેનથી જ મુસાફરી કરું છું. હવે મને વસ્તુઓ એટલી યાદ નથી રહેતી એટલે હું ઝીણી-ઝીણી વસ્તુ બુકમાં નોટ કરતો જાઉં. ક્લાયન્ટ પૉલિસી તો લઈ લે પણ પ્રીમિયમ ભરવામાં બેકાળજી દેખાડતા હોય. એટલે તેમને વારંવાર રિમાઇન્ડ કરાવવું પડે. હું અહીં એકલો રહું છું એટલે દૈનિક જીવનની કોઈ વસ્તુ ખૂટી ગઈ હોય અને એ લાવવાની હોય તો એ પણ હું લખી રાખું. એટલે બહાર જાઉં ત્યારે મને યાદ રહે કે શું લાવવાનું છે. આ મારી કામ કરવાની સ્ટાઇલ છે. હું તો મારા દીકરાઓને પણ સલાહ આપું કે જરૂરી વસ્તુ નોટડાઉન કરવાનું રાખો એટલે મગજમાંથી ભુલાઈ જાય તો પણ લખેલું હોય તો કામ આવે.’
પારિવારિક જીવન
પ્રબોધભાઈનાં પત્ની વીણાનું ૧૧ વર્ષ પહેલાં અવસાન થયું હતું. તેમના બન્ને દીકરાઓ સમીર અને કેતન દુબઈમાં તેમની ફૅમિલી સાથે સેટલ્ડ છે. અહીં પ્રબોધભાઈ એકલા રહે છે. તેમના દૈનિક જીવન અને પરિવાર વિશે માહિતી આપતાં તેઓ કહે છે, ‘મારો અને વીણાનો ૩૫ વર્ષનો સાથ હતો. એટલે તે ભલે મારી સાથે નથી, પણ તેને હું સતત યાદ કરતો રહું છું. ડ્રાઇવ કરતી વખતે પણ તે મારી બાજુમાં જ બેઠી છે એવી અનુભૂતિ હું કરું. એટલે તેની સાથે વાતો કરતાં-કરતાં રસ્તો પસાર થઈ જાય. હું એકલો રહું છું એટલે મારું બપોરનું ટિફિન બહારથી આવે છે. સાંજના સમયે જો હું LICના કામ માટે બહાર ગયો હોઉં તો સાંજે બહારથી જ નાસ્તો કરતો આવું. મારું મૂળ વતન સુરત છે એટલે અમને ખાવાપીવાનો શોખ હોય જ. સાંજે કામ પતાવીને પાછા ફરતી વખતે જે ખાવાનું મન થાય એ નાસ્તો કરી લઉં. જે દિવસે બહાર નીકળવાનું ન હોય એ દિવસે સાંજે ફળ અને દૂધ ખાઈ લઉં એટલે કામ થઈ જાય. બાકી મારે વર્ષે બે વાર દુબઈ જવાનું થાય. મહિનો ત્યાં રોકાઈ આવું. ત્યાં જાઉં એટલે મારી બન્ને વહુઓ મયૂરા અને માનસી જે કહું એ બનાવી આપે. મારે દીકરી નથી, પણ બન્ને વહુઓ દીકરીઓથી કમ નથી.’


