Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > કૉલમ > મળો ડીજેવાળી બેબીને...

મળો ડીજેવાળી બેબીને...

Published : 15 September, 2023 12:27 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સાત વર્ષની ઉંમરે એક ક્લબમાં એક કલાક અને ૧૨ મિનિટનો ડીજે પર્ફોર્મન્સ આપીને આરોહી દળવી નામની આ ટબૂકડી કન્યાએ સૌથી યંગેસ્ટ ક્લબ ડીજે (ફીમેલ)નો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ પોતાના નામે કરી લીધો છે અને હજી તો ઇન્ટરનૅશનલ ડીજે બનવા જબરી મહેનતમાં લાગી ગઈ છે.

આરોહી દળવી

આરોહી દળવી


ડીજેવાલે બાબુ મેરા ગાના ચલા દો... આ ગીત તો તમે યુવાનોના મોઢેથી સાંભળ્યું જ હશે, પણ આજે બાબુ નહીં પણ ડીજેવાળી બેબીની વાત કરવી છે જેનું નામ છે આરોહી. જસ્ટ આઠ વર્ષની આરોહી દળવીએ ડીજે વર્લ્ડમાં એવો ડંકો વગાડ્યો છે કે સહુ કોઈ દંગ રહી ગયું છે. સૌથી નાની ક્લબ ડીજે (ફીમેલ) તરીકે તેનું નામ ગિ‌નેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં દર્જ થઈ ચૂક્યું છે.


વસઈમાં રહેતાં આશિષ દળવી અને અર્ચના પંચાલની દીકરી આરોહીએ જસ્ટ આઠ વર્ષની નાની ઉંમરે આ કારનામો કરી દેખાડ્યો છે. જો આ ઉંમરે તે ક્લબ ડીજે બની ગઈ હોય તો તેણે શીખવાનું ક્યારથી શરૂ કર્યું હશે એ સવાલ થવો સ્વાભાવિક છે.



આરોહીની આ સફરની શરૂઆત થઈ હતી લૉકડાઉનમાં. લૉકડાઉનમાં જ્યારે એક બાજુ લોકોની ભાગદોડભરી જિંદગી પર બ્રેક લાગી ત્યારે આરોહીના જીવનની ડીજે બનવાની સફર શરૂ થઈ. આરોહીને પણ ડીજે માટે પ્રેમ છે એ કઈ રીતે સમજાયું એની વાત કરતાં તેના પિતા આશિષભાઈ કહે છે, ‘હું એક ડીજે ઇન્સ્ટિટ્યૂટ ચલાવું છું. લૉકડાઉનમાં મારા ઘરે હું ડીજે ઇન્સ્ટિટ્યૂટના ટીચર્સ સાથે મળીને જૅમિંગના સેશન રાખતો હતો. એ સમયે આરોહી એ બધું જોતી અને તેને પણ ડીજે શીખવામાં રસ જાગ્યો. આરોહીની ડીજે શીખવાની ઇચ્છાને માન આપતાં ડીજે ઇન્સ્ટિટ્યૂટના ટીચર્સ સુમિત અને રિતિકે તેને ટ્રેઇનિંગ આપવાનું ચાલુ કર્યું. એ સમયે તો આરોહી ફક્ત ચાર વર્ષની હતી. તેમ છતાં ત્રણ મહિનામાં તો તેણે આખો બેઝિક કોર્સ પૂરો કરી નાખ્યો એટલું જ નહીં, હવે તો તેનો ઍડ્વાન્સ કોર્સ પણ પૂરો થઈ ગયો છે.’


એ માત્ર શીખી છે એટલું જ નહીં, તેણે પર્ફોર્મ પણ કર્યું અને લોકોને તેના ડીજે પર ઝુમાવ્યા પણ ખરા. દીકરીની આ ઉપલબ્ધિથી ગર્વની લાગણી અનુભવતા આશિષભાઈ ઉમેરે છે, ‘અમારા માટે ૨૩ એપ્રિલનો દિવસ યાદગાર રહેશે. આ દિવસે મારી દીકરીએ વસઈની વિન્ગ્સ ઑન ફાયર કલબમાં સતત ૧ કલાક અને ૧૨ મિનિટ સુધી ડીજે વગાડીને પોતાનું નામ ગિનેસ બુકમાં અંકિત કરી 
લીધું હતું. એ સમયે આરોહી સાત વર્ષની હતી. આટલી નાની ઉંમરે આરોહીને ડીજે વગાડતા જોઈને લોકો ખરેખર દંગ રહી જાય છે. લોકો માટે વિશ્વાસ કરવાનું અઘરું થઈ જાય છે કે આવડી નાનકડી ઢીંગલીને ડીજેના ટ્રૅક મિક્સ કરવાની કઈ રીતે ગતાગમ પડતી હશે?’

કહેવાય છેને કે માણસમાં કામ કરવાની ધગશ અને આવડત હોય તો તેને આગળ વધતાં કોઈ રોકી શકતું નથી. આરોહી માટે પણ આ જ વાત લાગુ પડે છે. આરોહી સેન્ટ એન્નીસ કૉન્વેન્ટ હાઈ સ્કૂલમાં ભણે છે. ડીજેની પ્રૅક્ટિસ માટે તેનું ડેડિકેશન પણ લાજવાબ છે. સ્કૂલેથી ઘરે આવીને ફ્રેશ થયા બાદ દરરોજ બે કલાક ડીજેની પ્રૅક્ટિસ કરે છે. એક પણ દિવસ તે પ્રૅક્ટિસ ચૂકતી નથી. 
આરોહી આ જ ફીલ્ડમાં તેનું ભવિષ્ય ઘડવા ઇચ્છે છે અને એ માટે તે અત્યારથી જ કઠોર પરિશ્રમ કરવામાં લાગી ગઈ છે. આરોહીનું સપનું તો ઇન્ટરનૅશનલ લેવલ પર પર્ફોર્મ કરવાનું છે અને તેના આ સપનાને સાકાર કરવામાં તેનાં માતા-પિતા પણ તેને સાથસહકાર આપી રહ્યાં છે.


Whatsapp-channel Whatsapp-channel

15 September, 2023 12:27 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK