Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ઉત્તમ ગડા! જોતજોતામાં ફોટો બની ગયો

ઉત્તમ ગડા! જોતજોતામાં ફોટો બની ગયો

15 June, 2020 10:20 PM IST | Mumbai
Pravin Solanki | pravin.solanki@mid-day.com

ઉત્તમ ગડા! જોતજોતામાં ફોટો બની ગયો

ઉત્તમ ગડા

ઉત્તમ ગડા


વો બેઇમાન નેતા સી હૈ, હર દિલ સે ખેલતી હૈ,
મૈં ભોલી જનતા સા હૂં, હર બાર ઉસીકો ચુનતા હૂં

આ ફોટોને મારા મનમંદિરની દીવાલ પર ટાંગીને યાદોરૂપી શબ્દોના હાર ચડાવીને શ્રદ્ધાંજલિ આપું છું.
કેટલાક માણસો મળ્યા ન હોય તો પણ મળ્યા જેવું લાગે, મળીએ ત્યારે તેના પર વહાલ ઊભરાય અને છૂટા પડતાં દુઃખ થાય. ઉત્તમ એ પ્રકારનો માણસ હતો. ઓછાબોલો પણ આખાબોલો. હસે ત્યારે પણ ચહેરો ગંભીર લાગે, નાટક માટે કોઈ પણ સમાધાન ન કરનારો. ખેર, તેની કારકિર્દી વિશે છેલ્લા સપ્તાહમાં ઘણું લખાયું છે. હું ઉત્તમની ખાનદાની વિશેના બે અંગત અનુભવો ટાંકું છું.
હું અને ઉત્તમ એક જ નાવના પ્રવાસી!! પહેલેથી જ અમારા બેઉ વચ્ચે મનમેળ. નાટકની જાહેરાતમાં લેખકને યોગ્ય સ્થાન મળે એ માટેની ઝુંબેશ સાથે જ કરેલી અને સફળ પણ થઈ.
અંગ્રેજી ફિલ્મ ‘ક્રેમર વર્સસ ક્રેમર’ પરથી હું કાન્તિ મડિયા માટે નાટક લખી રહ્યો હતો ત્યારે ખબર પડી કે આ જ વિષય પર ઉત્તમ ગડા કામ કરી રહ્યા છે. એક જ વિષય પર રંગમંચ પર બે નાટકો આવે તો બન્નેને નુકસાની થાય. હું ને મડિયા મૂંઝાયા. આખરે મેં ઉત્તમને ફોન કરીને બધી વાત કરી. શું જવાબ હતો તેનો? આજના જમાનામાં ન માની શકાય એવો. બોલ્યો, ‘પ્રવીણભાઈ, મડિયા અને તમારા જેવા સિનિયરો આ નાટક કરતા હોય તો એનાથી રૂડું બીજું શું?’
આનું નામ ખાનદાની. આનું નામ ખેલદિલી.
એક બીજો પ્રસંગ : હું અંધેરીના ભવન્સ કલ્ચરલ સેન્ટરમાં નિયમિત જાઉં અને ઉત્તમ અને મિસિસ દરરોજ સાંજે ઇવનિંગ વૉક લેવા માટે આવે. અવારનવાર અમારે મળવાનું થાય. એક વાર મેં તેને ભવન્સ ક્લ્ચરલ સેન્ટર આયોજિત ચિત્રલેખા નાટ્ય સ્પર્ધામાં નિર્ણાયક થવાનું આમંત્રણ આપ્યું. ૧૫ દિવસ ગુજરાતમાં રહેવું પડશે એ પણ જણાવ્યું. તેણે આ આમંત્રણ સહર્ષ સ્વીકાર્યું.
સ્પર્ધાના બે દિવસ પહેલાં હું, લલિત, રમાકાન્ત ગુજરાત જવાની તૈયારી કરતા હતા ત્યાં અચાનક ઉત્તમની એન્ટ્રી થઈ. વિલાઈ ગયેલું મોઢું હતું, કાંપતા સ્વરે બોલ્યો, ‘મારાથી ગુજરાત નહીં આવી શકાય. મારી ને મિસિસની તબિયત સારી નથી. બીજા પણ અનેક પ્રૉબ્લેમ્સ શરૂ થયા છે, પ્લીઝ મને કંઈ વધારે ન પૂછશો.’ તેણે એ રીતે વાત કરી કે અમારે શું બોલવું એ સૂઝ્‍યું નહીં. આખરે લલિતે કહ્યું, ‘ઉત્તમ, કોઈ બાત નહીં. અમે મૅનેજ કરી લઈશું. એમાં તું આટલો ઢીલો કેમ થઈ ગયો?’ તે બોલ્યો, ‘સ્પર્ધાની મુશ્કેલીઓ હું જાણું છું. છેલ્લી ઘડીએ ના પાડતાં મને શરમ આવે છે, બટ આઇ ઍમ હેલ્પલેસ’ કહીને તેણે ખિસ્સામાંથી બે-બે હજારની બે નોટ કાઢતાં કહ્યું, ‘તમારે જે નુકસાની થઈ હોય એ હું ભરપાઈ કરી આપીશ,’
અમે અવાક્ થઈ ગયા. માંડ-માંડ, જબરદસ્તીથી પૈસા તેના ખિસ્સામાં પાછા મુકાવ્યા. આ હતો ઉત્તમ. ઘણી વાતો, ઘણી યાદો છે તેની મારી પાસે. સ્થળસંકોચ નડે છે. ફરી કોઈક વાર! એક ઉત્તમ માણસ અને મિત્ર ગુમાવ્યો એનું અત્યંત દુઃખ છે.
ઉત્તમનો આત્મા સદાકાળ શાંત હતો અને આમેય આત્મા કદી શાંત-અશાંત બનતો નથી એટલે ઈશ્વર પાસે એ જ પ્રાર્થના કે તેનાં નાટકો દ્વારા તે આપણી વચ્ચે જીવંત રહે એવા આપણે સૌ પ્રયાસ કરીએ.




પુરાણોમાં એક કથા છે. એ યુગમાં ન કોઈ રાજા હતો ન કોઈ પ્રજા. હતું માત્ર ટોળાંનું અસ્તિત્વ. મારે તેની તલવાર હતી. કબજો બળવાન હતો. મોટી માછલીને નાની માછલીને ગળી જવાનો અધિકાર હતો. બળિયાના બે ભાગ હતા. ઝૂંટવી લેવામાં કે ઝડપી લેવામાં કોઈ છોછ નહોતી.
આ પરિસ્થિતિમાં લડાઈ, ઝઘડા કે ટંટા કાયમનાં થઈ ગયાં. એટલી હદે કે ટોળું પોતે જ કંટાળી ગયું. કોઈ ડાહ્યા માણસ (હકીકતમાં ગાંડો માણસ)ને વિચાર આવ્યો કે આપણને વશમાં રાખનારો, એક કરનારો, દોરનારો, દિશા બતાવનારો કોઈ રાજા કે નેતા હોવો જોઈએ જેથી આપણે શાંતિથી, સંપીને સુખેથી રહી શકીએ.
ટોળાએ બ્રહ્માજી પાસે જઈને કહ્યું કે હે પ્રભુ, અમને કોઈ નેતા-રાજા આપો જે અમારું રખોપું કરે, અમને એક રાખે. બ્રહ્માજીને એ વાતમાં વજૂદ લાગ્યું. તેમણે ભગવાન મનુને બોલાવીને કહ્યું કે તમે આ લોકોનું નેતૃત્વ કરો, તમે રાજા બનો, તેમનાં દુઃખ હરો.
ઘડીભર ભગવાન મનુ અવાક્ થઈ ગયા. હું મુનિ ને રાજા? પણ બ્રહ્માજીની આજ્ઞા કેમ ઉથાપાય? ખૂબ વિચાર કર્યા પછી બોલ્યા, હે પ્રભુ, જેવી આપની આજ્ઞા. પણ મારો એક સવાલ છે કે હું રાજા બનું તો એમાં મને શું ફાયદો? મને શું મળે?
બસ ખલાસ!! ભ્રષ્ટ પ્રજાના પહેલા રાજાનો જ સવાલ હતો કે ‘એમાં મને શું મળે? મને શું ફાયદો?’ આ જ સવાલ આજ સુધી આપણા સત્યાનાશનું કારણ બન્યો છે.
કોરોનાના કેરને નાથવા-ખાળવા નેતાગીરી ઊણી ઊતરી છે એ એકમાત્ર સવાલ મારા મનમાં નથી. પ્રજાનું ચારિત્ર્ય ઘડવામાં નેતાગીરી ઊણી ઊતરી એ છે. ૭૩ વર્ષની આઝાદી પછી પણ...
કહેવાય છે કે ઇફ મની ઇઝ લૉસ્ટ, નથિંગ ઇઝ લૉસ્ટ; ઇફ હેલ્થ ઇઝ લૉસ્ટ, સમથિંગ ઇઝ લૉસ્ટ; બટ ઇફ કૅરૅક્ટર ઇઝ લોસ્ટ, એવરીથિંગ ઇઝ લૉસ્ટ. પૈસા ગુમાવો તો કંઈ નથી ગુમાવ્યું, સ્વાસ્થ્ય ગુમાવ્યું તો કંઈક ગુમાવ્યું છે એવું માનો, પણ જો ચરિત્ર ગુમાવ્યું છે તો સર્વસ્વ ગુમાવ્યું છે એ જાણો! આ હું કયા સંદર્ભમાં કહું છું એ મુદ્દા પર આવું છું.
લૉકડાઉન પહેલાં મને ઘણાબધા લોકો કહેતા કે સ્ટ્રીમિંગ ચૅનલ - નેટફ્લિક્સ, હૉટસ્ટાર, ઍમેઝૉન પ્રાઇમ વગેરે પર આવતી વેબ-સિરીઝ અને ફિલ્મોએ ધૂમ મચાવી છે. ટીવી-ચૅનલો પર આવતી સામાજિક અને ધાર્મિક ચૅનલોની વાટ લગાડી દીધી છે. તમે જોઈ છે, જુઓ છો કે નહીં? જોકે મને પહેલેથી જ ટીવી-ચૅનલો જોવી ગમતી નહોતી અને સમય પણ નહોતો.
લૉકડાઉને મને એ તક આપી. હવે પછી હું જે લખીશ એ સત્ય જ લખીશ, સત્ય સિવાય કશું જ નહીં લખું. આ મારો આર્તનાદ છે. લૉકડાઉન કે કોરોના ઘણાં સ્વરૂપે લોકો માટે અભિશાપ બન્યું છે. છેલ્લા ત્રણ મહિનામાં, પણ છેલ્લાં દોઢ-બે વર્ષથી ચાલતી આ ચૅનલો પરની વેબ-સિરીઝ કે ફિલ્મો કોરોના કરતાં પણ વધારે ખતરનાક છે એનો ખ્યાલ કોઈને કેમ ન આવ્યો? ક્યારેક તો એટલો ગુસ્સો આવ્યો છે કે શું કરું એ જ સમજમાં ન આવ્યું, માથા પછાડું? ભીતમાં પાટું મારું, ટીવી-સ્ક્રીન ફોડી નાખું, ચિલ્લાઈ-ચિલ્લાઈને સરકારને ભાંડું?
લગભગ ૧૦-૧૨ સિરિયલો અને ૮-૧૦ ફિલ્મો જોઈ. જોઈને લાગ્યું કે ગયા જનમમાં કરેલાં પાપની સજા ભોગવી રહ્યો છું. બે-ત્રણ અપવાદોને બાદ કરતાં બાકીની બધી જ કચરો લાગી.
હા, નિર્માણમાં ભવ્યતા લાગે, લખલૂટ ખર્ચો નજરમાં આવે, સુંદર ફોટોગ્રાફી દેખાય, પણ અનેક સારાં તત્ત્વો હોવા છતાં ખાટલે મોટી ખોટ સત્ત્વની હતી. સત્ત્વ ન હોય તો ચલાવી લેવાય, પણ ક્યાંય વાર્તાની સળંગ સૂત્રતા ન મળે, અટપટો સ્ક્રીનપ્લે, સામાન્ય પ્રેક્ષકોને મૂંઝવે, ચાલો, બધું ચલાવી લઈએ, પણ સોનાની થાળીમાં ઉકરડો પીરસાતો હોય ત્યારે એ ગળે કેમ ઊતરે?
ઉકરડો શબ્દ વાપરવાનું મને ગમતું નથી, કારણ કે કોઈક પ્રકારે ઉકરડો પણ સમાજ માટે ઉપયોગી છે.
આ તો કલાના નામે અધમ કક્ષાની ધંધાબાજી છે. દરેક સિરિયલ કે ફિલ્મમાં સેક્સી દૃશ્યો, જુગુપ્સાપ્રેરક, ખુલ્લેઆમ સંભોગનાં દૃશ્યો અને એ પણ આખી ફિલ્મમાં એકાદ વાર નહીં, વારંવાર આવે, રિવૉલ્વરના ધડાકા-ભડાકા, હાથાપાઈ, નિર્દયતાની હદ વટાવતી મારામારી, ભાષામાં અશ્લીલતાનો ભંડાર, હર ૧૦-૧૨ સંવાદે બે-ચાર ભૂંડી ગાળો, અપશબ્દ કાઢી નાખો તો દરેક એપિસોડ ૨૦ મિનિટ ઓછો થઈ જાય એવી અપશબ્દોની લહાણી.
કમબખ્ત મને આવું જોવાની મતિ કેમ સૂઝી? અને એ પણ કુટુંબ સાથે. કેટલી વાર મારે ફાસ્ટ-ફૉર્વર્ડ કરીને જમ્પ મારવાનો? અને જમ્પ માર્યા પછી પણ સાલું થોડી વારમાં એનું એ જ!
મને નવાઈ લાગે છે કે અત્યાર સુધી આ બાબતની નોંધ કોઈએ કેમ ન લીધી? કોઈએ વિરોધ કેમ ન કર્યો? એકાદ પૂતળા પર કબૂતર ચરકે, કોઈ એકાદ મૂર્ખ ગાયને પથ્થર મારે કે કોઈ એકાદ પાગલ દેવસ્થાનની કે દેવની નાનીઅમસ્તી મજાક કરે તો લોકોની લાગણી દુભાય છે, દંગા-ફસાદ થાય છે, ચારે બાજુ હાહાકાર મચી જાય છે તો આ મહત્ત્વની બાબત પર કોઈ ઊહાપોહ કેમ ન થયો? વૉટ્સઍપિયા કે ફેસબુકિયા લેખકો પણ કેમ ચૂપ છે. સૉરી, એ લોકો કદાચ બુદ્ધિજીવીઓ હશે!
હું કબૂલ કરું છું કે હું બુદ્ધિજીવી નથી, દેશી માણસ છું, કૂપમંડૂક છું, કૂવામાંનો દેડકો છું, એક ચોક્કસ દાયરામાં કેદ છું, ઑર્થોડોક્સ છું. હું પીત્ઝા-પાસ્તાનો નહીં, ચુરમાના લાડુ-ભજિયાંનો માણસ છું, પણ એથી શું? હું સમાજનો માણસ તો છું જને!
સમાજના માણસ તરીકે અભિવ્યક્તિસ્વાતંત્ર્યના નામે આવી અશ્લીલતા કેમ ચલાવી લેવાય? સમાજના માણસ તરીકે મને એ પૂછવાનો હક તો છે જ ને કે જો આને જ કળા કહેવાતી હોય તો ડબલ-એક્સ કે ટ્રિપલ એક્સ ફિલ્મો પર પ્રતિબંધ શું કામ છે?
૮ જૂને ‘મિડ-ડે ગુજરાતી’માં એક સમાચાર છે કે એકતા કપૂરની એક વેબ-સિરીઝ ‘XXX 2’ના એક સીન પર ઊઠેલા વિવાદને કારણે સીન રદ કરવો પડ્યો.
સીન એવો હતો કે એક આર્મી ઑફિસરની પત્નીએ પતિની ગેરહાજરીમાં બૉયફ્રેન્ડને ઘરે બોલાવીને, તેને આર્મીનો ડ્રેસ પહેરાવીને પછી જારકર્મ કર્યું અને પછી એ ડ્રેસના ચીરેચીરા કરી નાખ્યા. સેનામાં ઊહાપોહ થયો અને આ સીન કાઢી નાખવો પડ્યો!
સવાલ એ થાય છે કે બૉયફ્રેન્ડે આર્મીનો ડ્રેસ ન પહેર્યો હોત તો?
સવાલ એ થાય છે કે સેનાની લાગણી દુભાઈ, પણ લોકોની કેમ ન દુભાઈ?
સવાલ એ પણ થાય છે કે આ અને આવાં દૃશ્યો ભજવવા માટે કલાકારો તૈયાર કેમ થાય છે? પૈસા માટે? તો પાછો સવાલ એ ઊઠે કે પૈસા માટે દેહવ્યવસાય કરતી મજબૂર નારીઓની નિંદા આપણે શું કામ કરીએ છીએ?
જવા દો, આ સવાલો અભિમન્યુના ચકરાવા જેવા અટપટા ને અઘરા છે. સરકારી સ્તરે કહેવાય છે કે આ અશ્લીલતાને રોકવા માટે આંતરરાષ્ટ્રીય કાયદાઓ નડે છે. કેટલાય દેશે આંતરરાષ્ટ્રીય કાયદાઓને અતિક્રમીને પોતાના દેશનું હિત જાળવ્યું છે, આપણા દેશે પણ. પ્રશ્ન છે કોઈકે પહેલ કરવાનો. કોઈ નેતા કે કોઈ દેશપ્રેમી કરશે? આ દેશી માણસની લાગણી કોઈ લાગતાવળગતા સુધી પહોંચાડશે?
અને છેલ્લે : આ મારો આક્રોશ હતો. હવે હૈયાની એક વેદના!


સમાપન
‘આંખોની નદીને વહેતી રોકી શકે એવો એક જ બંધ છે અને એ છે ભાઈબંધ.’
‘ઉનકી ચાહત મેં હમ કુછ ઇસ તરહ બંધે હૈં
કી વો સાથ ભી નહીં ઔર હમ અકેલે ભી નહીં.’
તાક ઃ લેખ પૂરો કર્યા બાદ થોડી જ વારમાં સમાચાર મળ્યા કે અમારા સૌનો લાડકો ભોળાશંકર જેવો કલાકાર જગેશ - જગેશ મુકાતી દુનિયામાં નથી રહ્યો. એક પછી એક આઘાતજનક સમાચાર સાંભળીને અમે સૌ હલી ગયા છીએ. વહાલા જગેશ, તારી ખોટ અમને ખૂબ સાલસે. ઈશ્વર જગેશના કુટુંબીજનોને આ કારમો આઘાત સહન કરવાની શક્તિ આપે એ જ અભ્યર્થના.


Whatsapp-channel Whatsapp-channel

15 June, 2020 10:20 PM IST | Mumbai | Pravin Solanki

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK