આયેશા બેગમ, આપણી આ ઐયાશીની જાણ તમારા ખાવિંદને થાય તો શું થાય એ કદી વિચાર્યું છે?
ઇલસ્ટ્રેશન
ઘર!આનંદને ઢાકા છોડ્યે આજે છ મહિના થઈ ચૂક્યા છે. કલકત્તાની નિરાશ્રિતોની છાવણીમાંથી મુંબઈ શિફ્ટ થયે પાંચ-સવાપાંચ મહિના થયા હશે. અંધેરીમાં વન બેડરૂમનો ફ્લૅટ ભાડે રાખ્યો છે, થોડી મૂડી રોકી સ્ટેશન વિસ્તારમાં સૂકા મેવાની નાની દુકાન જમાવી છે, નામ આપ્યું : માવજી ડ્રાયફ્રૂટ સ્ટોર્સ! પરદેશના મારા વાલેસરીને આથી વિશેષ શ્રદ્ધાંજલિ શું હોય?
ભારતની કાયદેસરની નાગરિકતા મેળવવામાં હજી થોડો સમય લાગશે, પણ એકંદરે બધું ગોઠવાઈ ગયું છે. બચેલા હીરા બૅન્કના લૉકરમાં સલામત છે. અઠવાડિયાના છ દિવસ બજારની વ્યસ્તતામાં વીતી જાય છે. રવિની રજાના દહાડે સેલ્ફ-ડ્રાઇવની કાર ભાડે કરી રખડવા નીકળી પડવાનું શેડ્યુલ આનંદને સદતું જાય છે. આડોશપાડોશમાં બહુ હળવાભળવાની વૃત્તિ નહીં. આમેય મુંબઈગરા કામ સાથે કામ રાખનારી પ્રજા છે. એ હિસાબે પાછલાં બાર વર્ષોમાં મુંબઈ ખાસ કંઈ બદલાયું નથી. બલકે વધુ ગીચ બનતું જાય છે...
આના કરતાં તો અમારું આઝમગઢ સારું!
દિવસમાં એક વાર તો અચૂક આનંદ ગામને સાંભરી લે છે. ગામની સાથે ઘર પણ સાંભરી જાય. એથી શરૂમાં અનુભવાતું કંપન હવે એટલું પજવતું નથી. મે બી, પોતાને કોઈ આકાર તરીકે ઓળખી પાડે એવી ધાસ્તી ધીરે-ધીરે નેસ્તનાબૂદ થવા લાગી એટલે પણ આમ બન્યું હોય...
બાકી તો જ્યાં જીવનનાં પચીસ વર્ષ ગાળ્યાં હોય એ ગામ-ઘરની સ્મૃતિઓ તો ભીતર ખજાનાની જેમ સંગ્રહાઈ હોય, વરસાદની હેલીની જેમ એ ગમે ત્યારે વરસી પડે!
અત્યારે પણ દુકાનમાં સહેજ નવરાશ મળતા આનંદ ગામની સ્મૃતિ વાગોળી રહ્યો- આઝમગઢ નામ ભલે મુસ્લિમ લાગે, ગામની મોટા ભાગની વસ્તી હિન્દુઓની હતી. તળાવકિનારે શિવમંદિર હતું. વેકેશનમાં બાળકોના ત્યાં જ ધામા હોય. પૂજારીજી બૂમ નાખતા રહે, અવાજ ન કરવા. વિનવતા રહે, પણ માને એ બીજા. સંતાકૂકડી, આંબલીપીપળી જેવી રમતો રમવાની, તળાવમાં ધુબાકા નાખવા, ધૂળિયા રસ્તા પર ઉઘાડા પગે દોડી જવાનું... કેટલાં તોફાન!
‘તમારો આકાર બધામાં ડાહ્યો.’
સવાર-સાંજ દર્શને આવતી સાવિત્રીમાને પૂજારીકાકા કહેતા, માના ખોળામાં ગોઠવાઈ દસ-બાર વરસનો આકાર (આનંદ) સાંભળી રહે, ‘એક એ જ છે જે મને આભિષેક માટેનું જળ ચોકડીમાંથી લોટા ભરી લાવી આપે છે... કેમ ન હોય, આખરે તમારા જેવા માવતરનું સંતાન. તેના ગળથૂથીના સંસ્કાર છૂપા ઓછા રહે?’
સાંભળીને મા ગરવાઈભર્યું મલકી પડતી. ઘરે પાછા ફરતી વેળા આંગળી પકડીને ચાલતા આકારને કહેતી, જોયું, ગામમાં તારા બાપુનું કેટલું માન છે? તેમને નીચાજોણું થાય એવું કોઈ કામ ક્યારેય કરીશ નહીં...
સારું થયું પોતે પરણ્યો ત્યારે માબાપ હયાત નહોતાં... નહીંતર પછી જે બન્યું એણે તેમનું હૈયું ભાંગી નાખ્યું હોત. ગામવાળા તો જોકે આજેય કદાચ કહેતા હશે કે મધુસૂદન માસ્તકરનો દીકરો કપાતર નીકળ્યો... બાપ-દાદાનું નામ બોળ્યું તેણે!
ખરેખર આટલાં વરસેય ગામલોકો મારો અપરાધ નહીં ભૂલ્યા હોય?
અંતરમનમાં હજીયે ક્યાંય સળવળી જતો બોજ સ્મરણયાત્રા ફંટાવી દે એ પહેલાં માથું ખંખેરી આકારે (આનંદે) ગતખંડની કડી સાંધી લીધી: ગામની વાણિયાશેરીમાં તેમનું મેડીવાળું સુંદર પાકું મકાન હતું. રોજ સવારે આંગણું વાળી મા નયનરમ્ય રંગોળી સજાવતી. વાડામાં ઉગાડેલી શાકભાજી પાડોશીઓમાં મફત વહેંચી દેતી. પિતા ગામની શાળામાં શિક્ષક હતા, તેમની ટૂંકી આવકમાંથીય બે પૈસા બચાવી જાણી માએ તેમને સીમમાં જમીનનો નાનો ટુકડો ખરીદવા પ્રેર્યા. ભારે જહેમતથી પતિ-પત્નીએ ત્યાં વિકસાવેલી આંબાવાડી પછી તો આર્થિક સધ્ધરતાનું કારણ બની ગઈ. કાર હાઈ સ્કૂલમાં આવતાં સુધીમાં તો આંબાવાડીનો વિસ્તાર છ વીઘાંનો થયો. એથી ધરાર જો મધુસૂદનભાઈ-સાવિત્રીબહેનમાં અભિમાન આવ્યું હોય બલકે તે તો છેવટ સુધી એવાં જ રહ્યાં - નિર્મળ.
‘તમારા દીકરાની ગ્રહદશા થોડી વિચિત્ર છે...’
રવિની રજાના દહાડે શેરીમિત્રો સાથે રમી આકાર વાડાના દરવાજેથી ઘરમાં દાખલ થઈ રસોડામાં માટલાનું પાણી પી પ્યાલો પાણિયારે ઊંધો વાળે છે કે નજર હૉલમાં પડતાં કુતૂહલ થયું.
હીંચકે ભગવાધારી સાધુ બેઠા છે. તેમના હાથમાં જન્મપત્રિકા છે ને તેમના વચને સામે બેઠેલાં માવતરના ચહેરા પર ચિંતાની કરચલી કેમ ફરકી છે? હળવેથી આકાર તેમની બાજુમાં ગોઠવાઈ ગયો. પછી સૂઝ્યું એટલે મહારાજના ચરણસ્પર્શ કર્યા.
‘ખુશ રહો!’ આધેડ વયના સાધુ તેના વિવેકથી પ્રસન્ન થઈ આશીર્વાદ ઉચ્ચારી ફરી પત્રિકામાં મશગૂલ થયા. સાવિત્રીમાએ દીકરાને કાનમાં સમજાવ્યું : હરિદ્વારથી સાધુઓનો સંઘ જાત્રાએ નીકળ્યો છે. શિવમંદિરમાં સંઘનો ઉતારો છે. આ બાબા નિત્યાનંદ તેમના ગુરુજી છે. પૂજારીજીની ભલામણે બાબાજીએ આપણું આતિથ્ય સ્વીકાર્યું... સંતનાં પગલાંથી ઘર પાવન બને દીકરા! એ તારી જ કુંડળી જોઈ રહ્યા છે...
હવે આકાર એકાગ્ર બન્યો.
‘ભાગ્યે જ કોઈ જ્યોતિષી તમને આવું કહી શકે, પણ હું ભક્તને અંધારામાં રાખવામાં નથી માગતો... તમારા દીકરાને સુખમાં ગ્રહણયોગ છે.’
ગ્રહણયોગ? આવું તો પહેલી વાર સાંભળ્યું!
‘સાદી ભાષામાં સમજાવું તો કહી શકાય કે તેના સુખમાં અડચણ, અવરોધ આવતાં રહેવાનાં. બેશક તેનો ધનયોગ પ્રબળ છે એટલે આર્થિક પાસું ક્યારેય નબળું નહીં થાય, પણ સંસારના સુખમાં ઊણપ રહેવાની.’
‘મહારાજ, આનો કોઈ ઉપાય?’
‘અમુક તમુક વિધિ છે બહેન, જેની ભલામણ હું કરીશ પણ છેવટે તો આ નિયતિના લેખ છે. એનું અર્થઘટન કદાચ મારાથી ખોટું થયું હોય બાકી વિધાતાએ લખ્યું મિથ્યા થવાથી તો રહ્યું!’
આજે વિચારતાં લાગે છે કે તેમનું કથન સત્ય નીવડ્યું. કૉલેજમાં આવ્યો ત્યાં માબાપ પાછાં થયાં, કજરી સાથે પ્રણયલગ્ન કર્યાં તો ત્રણ વર્ષમાં જ સંસારજીવનનો વીંટો વળી ગયો.
ઢાકામાં થાળે પડ્યો તો બાર વર્ષે ત્યાંથીય ભાગવું પડ્યું...
હવે તો થાય છે એ દહાડે નિત્યાનંદજીએ મારી કુંડળીમાં હત્યાનો યોગ પણ વાંચ્યો જ હશે, પરંતુ અમને કહેવાયો નહીં હોય!
આમાં સારું કેવળ એટલું જ કે ગ્રહણયોગનાં કડવાં ફળ જોવા મારાં મા-બાપ હયાત નહોતાં...
‘હું તમને માવડિયા કહું કે બાપવડિયા?’
દૂરના ભૂતકાળમાંથી કજરીનો સ્વર પડઘાયો ને આકારનું (આનંદ) મન પ્રણયના વળાંકે પહોંચી ગયું.
કૉમર્સનું ભણી આકાર સુરતની સહકારી ખેડૂત મંડળીમાં હિસાબી કામકાજ જોવાની નોકરીએ લાગતા સુધીમાં માવતરની વિદાયના દુ:ખમાંથી ઊભરી ચૂકેલો, ખેતીમાં પાવરધો થઈ ગયેલો.
સહકારી મંડળીની ઓછા પગારની નોકરી પણ તેણે તો વેપારને સમજવાના આશયે જ લીધેલી.
કીમથી આવતી કજરી ઑફિસની રિસેપ્શનિસ્ટ. મંડળીના કર્તાહર્તાઓ દિવસમાં બેચાર કલાક પૂરતા ધામા નાખે, એ દરમ્યાન ઘણી વાર શ્વાસ લેવાની ફુરસદ ન હોય, પણ બાકીના સમયમાં સ્ટાફના છ-સાત જણને ટોળટપ્પાનો અવકાશ મળી રહે એમાં જુવાન વયનાં આકાર-કજરીની જોડી જામતાં વાર ન લાગી.
માંડ એકવીસની કજરીમાં ભારોભાર જોબન હતું ને નયનબાણથી તેણે આકારને ઘાયલ કરી દીધો હતો. કજરી પણ મારી જેમ માબાપ ગુમાવી બેઠી છે... મામાના આશરે રહી મામીનાં મેણાંટોણા સહેતી કજરીને પોતાની કરવા તે બહાવરો બન્યો. કજરીને તો ઇનકાર હોય જ કેમ! પરિચયમાં આવ્યાના ચોથા મહિને તો બેઉ પરણી ગયાં.
આકારનાં લગ્નમાં ગામવાળાઓએ મધુસૂદનભાઈ-સાવિત્રીબહેનની ખોટ સાલવા નહોતી દીધી. મહોલ્લાની સ્ત્રીઓએ ઊલટભેર નવી વહુને આવકારી. મીઠી મશ્કરીઓ થઈ. કેસરિયા દૂધના લોટા સાથે ભાભલડીઓ વહુને મેડીના શણગારેલા રૂમમાં દોરી ગઈ. છેવટે મહેમાનોને વિદાય કરી આકારે ખંડમાં પગ મૂક્યો ત્યારે હૈયું રોમાંચથી એવું તો ધડક-ધડક થતું હતું!
‘કજરી...’ ઘૂંઘટમાં સંકોચાઈને બેઠેલી કજરી નજીક ગોઠવાઈ આકારે તેનો હાથ હાથમાં લીધો, ‘આપણા પ્રણયમિલનની આ પહેલી રાત...’
આકારે કહેવું હતું કે સતી સીતાએ આવા જ કોઈ મુરતમાં પતિ રામને એકપત્નીવ્રતના વચને બાંધ્યા હતા એમ હે પ્રિયે, હું પણ વચનબદ્ધ થાઉં છું કે ભવોભવ કેવળ તારો થઈને રહીશ અને ઇચ્છીશ કે તું પણ કેવળ મારી થઈને રહે...
પણ હજી તો તે પ્રસ્તાવના બાંધવા પહેલી રાતનો ઉલ્લેખ કરે છે કે હાથ સરકાવી કજરીએ ઘૂંઘટ હટાવ્યો, ‘રાત વીતતી જાય છે આકુ, ફટાફટ કેસરિયું દૂધ પી લો.. જલદી!’
તેની અધીરાઈએ હસતો, મૂંઝાતો આકાર દૂધ ગટગટાવે છે ત્યાં સુધીમાં એ વસ્ત્રો-અલંકારો ઉતારી ચાદર ઓઢી પલંગ પર લેટી ગઈ: આકુ, ઝટ કરોને? અરે, આમ કપડાં સાથે ક્યાં આવો છો?’
પોતાના જ રૂમમાં વસ્ત્રો ઉતારવાનો આકુને પહેલી વાર સંકોચ થયો. તે લાઇટ બંધ કરવા ગયો કે કજરી બોલી પડી: અંધારું નહીં કરતા પ્લીઝ... એકમેકને જોયા વિના જ સુહાગરાત ઊજવવી છે તમારે?
કોઈ પરણેતર પહેલી જ રાત્રે પતિ સમક્ષ ‘આવા’ મનોભાવ ખોલી શકતી હશે?
મનમાં ઊઠતા ખટકાને આકારે ઊગતાં જ ડામી દીધો : સુહાગરાતે પત્ની તન ભેગું મન પણ નિરાવૃત્ત કરી જાણે એનાથી રૂડું શું? આખરે પારદર્શિતા દામ્પત્યજીવનનું મુખ્ય તત્ત્વ છે!
વહેલી સવારે આકારનો કાન કરડી ઘેનનિદ્રામાં સરતી કજરી બોલી હતી: આકુ, તેં મને પરિતૃપ્ત કરી દીધી....’
સાંભળીને આકાર થોડું પોરસાયો, થોડું શરમાયો હતો.
ધીરે-ધીરે નવદંપતી સંસારની ઘરેડમાં પરોવાયું. સહકારી મંડળીની નોકરી બન્નેએ છોડી દીધી હતી. આકારે ખેતી પર ફોકસ કર્યું, નવી જમીન લીધી. તેનો આખો દિવસ ખેતીના કામકાજમાં નીકળી જતો. ખેતરમાં મજૂરો હતા. તેમના ભેગી શરીરતોડ મજૂરી કરવામાંય આકારને નાનમ નહીં.
‘એટલે તો તમારી કાયાને કેવો ઘાટ મળતો જાય છે...’ રાતે શયનખંડમાં કજરી તેને જુદી રીતે બિરદાવતી.
ક્યારેક આકાશને થતું કજરીને કેવળ ફિઝિકલ પ્લેઝર્સમાં જ રસ છે! રસોઈ તે ઠીક-ઠીક બનાવતી, તેણે તો બસ, ફુલ ફટાક થઈ મહાલવું છે, નાટકસિનેમાના જલસી કરવા છે. મોંઘીદાટ શૉપિંગ કરવી છે. ચાલો, એનોય વાંધો નહીં પણ પછી ગૃહિણીના બીજા ધર્મ પણ તેણે નિભાવાનાને! પણ ન તેને માની જેમ આંગણું સજાવાની હોશ કે ન આડોશીપાડોશીઓ પાસે વાટકી-વહેવાર રાખવાની તમા. પાછળ વાડામાં શાકભાજીનીય દરકાર નહીં. આકાર કદી માનો હવાલો આપે તો રિસાઈ જાય: તમે વારેઘડીએ તમારાં માબાપનો દાખલો કેમ આપો છો? તમને માવડિયા કહું કે બાપવડિયા?
તેને કઈ રીતે મનાવાય એ તો આકાર હવે સમજી ગયો હતો. તેને ઊંચકીને બેડ પર લઈ જાઓ એટલે તે ખુશ!
કજરીને મારી પાસેથી કેવળ શરીરસુખની જ અપેક્ષા છે? તે મને મારા દેખાવને કારણે જ ચાહે છે? હું તેને મંદિરે આવવા કહું કે પછી જૂનાં ગીતોની વાત છેડું તો ફટ દઈને મને ઓલ્ડ ફૅશન્ડ કહી ઉતારી પાડે છે. અનાથ મામાના આશરે ઊછરેલી છોકરી તો હેતની ભૂખી હોવી જોઈએ, એને બદલે કજરીને તો તનની ભૂખ જાણે પાતાળકૂવા જેવી છે, કદી ન પુરાય એવી! જાતતારવણી પત્ની પરત્વે અભાવ પ્રેરે એ પહેલાં આકારની સંસ્કારબુદ્ધિ બોલી ઊઠી : પત્નીને દરેક અર્થમાં સંતૃપ્તિ આપવી એ શું પોતાનો ધર્મ નથી? અને તારામાં કૌવત છે તો કજરી આશા રાખે એમાં ખોટું શું છે?
આ સમાધાને સંસારરથ અઢી-ત્રણ વર્ષ તો સડસડાટ દોડ્યો, પણ પછી- પરંતુ પછીના વળાંક પહેલાં જ આનંદે (આકારે) સ્મૃતિયાત્રા થંભાવવી પડી. દુકાનમાં ગ્રાહક આવતાં તેણે હાલપૂરતો ગતખંડને વિરામ આપવો પડ્યો.
lll
‘મેરે મેહબૂબ!’
કામસુખના ઘેનમાંય તે પોતાને બહુ ગમતા જુવાનના કાનોમાં અસ્ફૂટ સ્વરે ગણગણી રહી. જુવાનના ચહેરા પર હળવું સ્મિત ઊપસ્યું. ‘આયેશા બેગમ, આપણી આ ઐયાશીની જાણ તમારા ખાવિંદને થાય તો શું થાય એ કદી વિચાર્યું છે?’
એવી જ તેની આંખો ખૂલી ગઈ. એમાં ઝબકેલો જવાબ કોઈ ઉકેલી શકે એમ હોત તો?
-તો મારા ભૂતપૂર્વ પતિની જેમ મારે આ પતિનીય હત્યાનો યોગ સર્જાઈ જાય!
ભીતરનો ઉદ્ઘોષ તેણે ભીતર જ કચડી નાખ્યો.
(ક્રમશ:)


