Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > એક દરદી જ્યારે બીજા દરદીઓનો સહારો બને

એક દરદી જ્યારે બીજા દરદીઓનો સહારો બને

17 April, 2024 11:40 AM IST | Mumbai
Heena Patel | feedbackgmd@mid-day.com

આટલીબધી મુશ્કેલી પડતી હોવા છતાં કિરણબહેને હિંમત હારી નથી. ઊલટાનું પોતાની તકલીફ ભૂલીને તેઓ બીજાની મદદ કરીને તેમનાં દુઃખ ઓછાં કરી રહ્યાં છે. 

કિરણ કામદાર

કિરણ કામદાર


પાર્કિન્સન્સને કારણે અનેક શારી​રિક પડકારોનો સામનો કરી રહેલા વસઈમાં રહેતાં ૬૩ વર્ષનાં કિરણ કામદાર દરરોજ જાતે ૨૦-૨૨ કિલો ખીચડી બનાવીને ડબ્બામાં ભરી રિક્ષામાં ચાર કિલોમીટર દૂર આવેલી ડી. એમ. પેટિટ મ્યુનિસિપલ હૉસ્પિટલના એક વૉર્ડમાંથી બીજા વૉર્ડમાં જઈ દરદીઓને વિનામૂલ્ય વહેંચે છે

મનમાં કંઈ કરવાની ઇચ્છા હોય તો સો બહાનાંઓ પણ આપણને એ કામ કરતાં રોકી શકે નહીં અને જો ઇચ્છા જ ન હોય તો એ કામ ન કરવા માટેનું એક કારણ પણ આપણા માટે પૂરતું હોય છે. એટલે જ તો વસઈમાં રહેતાં ૬૩ વર્ષનાં કિરણ કામદારને તેમની પાર્કિન્સન્સની બીમારી પણ નજીકની સરકારી હૉસ્પિટલમાં જઈ ફ્રીમાં ​દરદીઓને ખીચડી વહેંચવાનું કામ કરાવતાં રોકી શકી નહીં. પાર્કિન્સન્સને કારણે કિરણબહેન દિવસમાં સાત ટાઇમ ટૅબ્લેટ લે છે. દર બેઅઢી કલાકે તેમને ગોળી લેવી પડે નહીંતર મસલ્સ ટાઇટ થઈ જાય. તેમની બૉડીની મૂવમેન્ટ કન્ટિન્યુઅસલી ચાલુ જ હોય. બોલવામાં પણ તકલીફ થાય છે. આટલીબધી મુશ્કેલી પડતી હોવા છતાં કિરણબહેને હિંમત હારી નથી. ઊલટાનું પોતાની તકલીફ ભૂલીને તેઓ બીજાની મદદ કરીને તેમનાં દુઃખ ઓછાં કરી રહ્યાં છે. 

આવું હોય છે ડેઇલી રૂટીન

કિરણ કામદાર દરરોજ તેમના ઘરથી અંદાજે ચાર કિલોમીટરના અંતરે આવેલી ડી. એમ. પેટિટ મ્યુનિસિપલ હૉસ્પિટલમાં ૧૦૦થી વધુ દરદીઓને ફ્રીમાં ૨૦-૨૨ કિલો ખીચડી વહેંચવાનું કામ છેલ્લાં ત્રણ વર્ષથી કરી રહ્યાં છે. તેમના દૈનિક જીવન વિશે વાત કરતાં કિરણબહેનની દીકરી પલક કહે છે, ‘મારાં મમ્મી દરરોજ આઠ વાગ્યાથી ખીચડી બનાવવાનું શરૂ કરી દે. ખીચડી બનાવવામાં મારાં ભાભી પણ તેમને મદદ કરે. બાર-સાડાબાર વાગ્યાની આસપાસ કિરણબહેન રિક્ષામાં ખીચડીના ડબ્બા લઈને હૉસ્પિટલ જવા નીકળી જાય. એ પછી એક વૉર્ડથી બીજા વૉર્ડ ફરી-ફરીને પેશન્ટ અને તેમની સાથે જે રિલેટિવ્ઝ હોય તેમને ખીચડી વહેંચે. એક-દોઢ કલાકમાં તો તેમનો આખો ખીચડીનો ડબ્બો ખાલી થઈ જાય. ઘણી વાર એવું થાય કે નર્સ પણ રાહ જોઈને બેઠી હોય કે આન્ટી ખીચડી આપી જાય તો દરદીઓ ખાઈ લે. એ પછી તેમને અમે દવા આપીએ. અહીં એવા પણ ઘણા દરદીઓ હોય જેમનું આ દુનિયામાં કોઈ નથી હોતું એટલે નર્સ પહેલેથી જ મારી મમ્મીને કહી દે કે આન્ટી, આ વૉર્ડમાં જઈને આ પેશન્ટને તમે યાદ કરી ખીચડી આપી દેજો, કારણ કે ઘણી વાર એવું થાય કે ખીચડી ખલાસ થઈ જાય. એ સિવાય OPDમાં પણ ઘણા એવા પેશન્ટ અને તેમના ફૅમિલી મેમ્બર્સ હોય જે બિચારા સવારથી બપોર સુધી ભૂખ્યા લાઇન લગાવીને બેઠા હોય છે તો એવા લોકોને પણ મમ્મી ખીચડી આપે.’

આ રીતે થઈ શરૂઆત

કિરણબહેનને હૉસ્પિટલમાં જઈને ફ્રીમાં ખીચડી વહેંચવાનો વિચાર કઈ રીતે આવ્યો એ વિશે પલક કહે છે, ‘મારી મમ્મીને અગાઉથી જ કામમાં વ્યસ્ત રહેવાની આદત છે. ૨૦૧૮માં તેમને પાર્કિન્સન્સ થયો એ પછીથી ઘરે રહીને તેમને કંટાળો આવતો હતો. તેમના મનમાં સતત એ જ વિચાર આવતો કે એવી કઈ પ્રવૃત્તિ કરી શકાય જેથી તેઓ એમાં પરોવાયેલાં રહે. એવામાં એક દિવસ હું અને મારી મમ્મી અમે બન્ને હૉસ્પિટલમાં ઍડ્મિટ થયેલી મારી ફ્રેન્ડની ખબર કાઢવા માટે ગયાં હતાં. આ ૨૦૨૧ની વાત છે જ્યારે કોરોનાની બીજી વેવ શરૂ હતી. એ સમયે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ટ્રાવેલ કરવા માટેનાં રિસ્ટ્રિક્શન્સ, ૧૪૪ની કલમ લાગુ હોવાથી લોકોને ઘરથી બાહર નીકળવાની પણ વધુ પરમિશન નહોતી. પરિણામે હૉસ્પિટલમાં દરદીઓ, પ્રસૂતાઓ સુધી ટિફિન નહોતાં પહોંચી રહ્યાં. એ લોકોને પૌષ્ટિક આહાર મળવો જોઈએ એના બદલે વડાપાંઉ, ભજિયાં જે મળે એ ખાઈને રોડવી રહ્યા હતા. એટલે પછી મારી મમ્મીને ફ્રીમાં ખીચડી વહેંચવાનો વિચાર આવ્યો. એ માટે થઈને અમે જિલ્લા અને હૉસ્પિટલ પ્રશાસન પાસેથી મંજૂરી પણ મેળવી. ત્યારથી લઈને અત્યાર સુધી ફ્રીમાં ખીચડી વહેંચવાનો સિલસિલો તેમણે ચાલુ જ રાખ્યો છે. શરૂઆતનું એક વર્ષ તો અમે બધું જ અમારી જાતે કર્યું છે. કોવિડમાં અમારી આર્થિક પરિસ્થિતિને પણ ફટકો તો પડેલો જ હતો. ખીચડી માટે દાળ, ચોખા, શાકભાજી, તેલ, ગૅસ બધાનો ખર્ચો તો લાગે જ ઉપરથી ઘરથી હૉસ્પિટલ જવાનું રોજનું ૨૦૦ રૂપિયા રિક્ષાભાડું થાય. એ સમયે અમે બધું ગમે તેમ કરીને મૅનેજ કરી લીધું. ધીમે-ધીમે પછી મારી મમ્મીના કામ વિશે ખબર પડતી ગઈ એમ લોકો મદદ માટે આગળ આવતા ગયા.’



નજીવા દરે ટ્યુશન કરાવતાં
કિરણબહેનને પાર્કિન્સન્સ થયો એ અગાઉ તેઓ એકથી દસમા ધોરણ સુધીના ગુજરાતી માધ્યમનાં બાળકોને ભણાવતાં હતાં. આ કામ તેમણે ૨૫ વર્ષ સુધી કર્યું. આ વિશે પલક કહે છે કે ‘મારા ભાઈ હિરેનને જન્મથી જ સેરિબ્રલ પૉલ્ઝી છે એટલે ડૉક્ટરે મારી મમ્મીને કહી દીધેલું કે તમારો દીકરો મોટો થઈ ગયા પછી પણ તેનું IQ લેવલ ચાર વર્ષના બાળક જેટલું જ રહેશે. બીજાં બાળકો સાથે રહીને પોતાનું બાળક પણ ડેવલપ થાય એ આશયથી મારી મમ્મીએ ખૂબ જ નજીવા દરે ફી લઈને ટ્યુશન લેવાનું શરૂ કર્યું હતું. મારી મમ્મીને પાર્કિન્સન્સ થયો એ પછીથી તેમણે ટ્યુશન લેવાનું બંધ કરી દીધું હતું. અત્યારે મારો ભાઈ ૩૩ વર્ષનો છે. તે છેલ્લાં ૧૫ વર્ષથી પોતાના કમ્પ્યુટર ક્લાસ ચલાવે છે. એ દિવ્યાંગ બાળકોને મફતમાં કમ્પ્યુટરનો બેઝિક કોર્સ શીખવાડે છે. એ સિવાય સામાન્ય લોકોને પણ એ માઇક્રોસૉફ્ટ ઑફિસ, ટૅલી, GST જેવા કોર્સ પણ સાવ ઓછી કિંમતમાં શીખવાડે છે. હું પણ મારા ભાઈને કમ્પ્યુટર ક્લાસ ચલાવવામાં મદદ કરું છું. અમે મિડલ ક્લાસ ફૅમિલીથી આવીએ છીએ. મારી ભાભીને પોલિયો છે. મારા પપ્પા હાઈ ડાયાબેટિક પેશન્ટ છે. બે વર્ષ પહેલાં જ તેઓ રિટાયર થયા છે. હું અને મારો ભાઈ જ ઘર ચલાવીએ છીએ. અમને દાતાઓ પાસેથી મદદ મળે છે છતાં ઘણી વાર પૈસાની તંગીનો સામનો કરવો પડે છે.’


મજબૂત મનોબળનાં માલિક 
બોલવામાં પણ તકલીફ થતી હોવાથી કિરણબહેન વધુ બોલી ન શક્યાં પણ તેમને જયારે પૂછવામાં આવ્યું કે બીજાની મદદ કરીને તેમને કેવી લાગણી થાય છે ત્યારે તેમણે પળનોય વિલંબ કર્યા વગર જવાબ આપ્યો, ‘હું ખીચડી વહેંચીને ઘરે આવું ત્યારે મને એમ લાગે કે આજે મેં કંઈક કામ કર્યું. પાર્કિન્સન્સ છે એ તો રહેવાનો જ છે. હું બીજા માટે વધુ કંઈ કરી શકું એમ નથી, પણ તેમને ખીચડી બનાવીને ખવડાવી તો શકુંને?’ 

પલક જણાવે છે, ‘મમ્મીએ જ્યારે ​ખીચડી બનાવીને વહેંચવા જવાની વાત કરી ત્યારે અમને ચિંતા હતી કે મમ્મી આ કામ કરી શકશે કે નહીં? એટલે અમે તેમને ન્યુરોલૉજિસ્ટ પાસે લઈ ગયા. તો ડૉક્ટરે અમને એ જ સલાહ આપી કે પાર્કિન્સન્સના દરદી જેટલા ઍક્ટિવ રહે એટલું સારું છે. મારી મમ્મી દરરોજ પાંચ વાગ્યે ઊઠી જાય. સવારે યોગ અને કસરત કરે. એ પછી નીચે કબૂતરને ચણ નાખવા જાય. ઘરે આવીને પછી આઠ વાગ્યાની આસપાસ ખીચડી બનાવવામાં લાગી જાય. ખીચડી બનાવી હૉસ્પિટલમાં વહેંચીને ઘરે આવતાં બે વાગી જાય. સાંજનો સમય તે મારા ભાઈનાં નાનાં બાળકો સાથે વિતાવે. તેમનું આ ડેઇલી રૂટીન થઈ ગયું છે.’ 


પાર્કિન્સન્સે કિરણબહેનનું શરીર ભલે નબળું પાડી દીધું હોય પણ બીજાને મદદરૂપ થવાના તેમના દૃઢ નિશ્ચયને ડગાવી શકાય એમ નથી. 

Whatsapp-channel Whatsapp-channel

17 April, 2024 11:40 AM IST | Mumbai | Heena Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK