Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > સોનાના ભાવમાં ચોથા દિવસે પણ થયો વધારો : ભારતમાં ભાવ નરમ

સોનાના ભાવમાં ચોથા દિવસે પણ થયો વધારો : ભારતમાં ભાવ નરમ

11 February, 2020 02:24 PM IST | Mumbai
Bullion Watch

સોનાના ભાવમાં ચોથા દિવસે પણ થયો વધારો : ભારતમાં ભાવ નરમ

ગોલ્ડ

ગોલ્ડ


કોરોના વાઇરસના કારણે વધી રહેલા મૃત્યુ આંક, સિંગાપોરમાં વધી રહેલા દરદીઓ અને વાઇરસની અસરો હજી માત્ર શરૂઆત જ છે એવા વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના નિવેદનથી સોનાના ભાવ સતત ચોથા દિવસે પણ વધી ગયા હતા. જોકે અમેરિકન અર્થતંત્રની મજબૂતી અને ચીનાના લોકો ફરી આજથી કામ પર ચડી ગયા હોવાથી ભાવવૃદ્ધિ પર લગામ પણ જોવા મળી હતી. આ ઉપરાંત ૧૫૮૩ ડૉલરની મહત્વની અને ૨૦૧૩ પછીની સૌથી ઊંચી સપાટી પણ એક બ્રેક તરીકે કામ કરી રહી છે. ભારતમાં ડૉલર સામે રૂપિયો નરમ પડવાથી ભાવ ઘટેલા હતા.

વૈશ્વિક હાજર બજારમાં સોનું ૦.૨૦ ટકા કે ૩.૧૪ ડૉલર વધી ૧૫૭૩.૫૮ ડૉલર પ્રતિ ઔંસ હતું. કોમેક્સ ખાતે એપ્રિલ વાયદો ૦.૨૨ ટકા કે ૩.૫૦ ડૉલર વધી ૧૫૭૬.૯૦ ડૉલરની સપાટીએ હતો. ચાંદીનો માર્ચ વાયદો ૦.૫૪ ટકા કે ૯ સેન્ટ વધી ૧૭.૭૮૮ ડૉલર અને હાજરમાં ૦.૫૮ કે ૧૦ સેન્ટ વધી ૧૭.૮૦ ડૉલર પ્રતિ ઔંસ હતો.



ભારતમાં સોના અને ચાંદીના ભાવમાં સામસામા રાહ હતા. સોનું હાજર અને વાયદામાં ઘટ્યું હતું, જ્યારે ચાંદીના ભાવ હાજર અને વાયદામાં વધ્યા હતા. મુંબઈ ખાતે હાજરમાં સોનું ૧૦૦ રૂપિયા ઘટી ૪૧,૯૫૦ રૂપિયા અને અમદાવાદ ખાતે ૧૧૦ ઘટી ૪૨,૦૫૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ બંધ રહ્યું હતું.


સોનું એપ્રિલ વાયદો ૧૦ ગ્રામદીઠ ૪૦,૫૬૬ ખૂલી ઉપરમાં ૪૦,૭૧૦ અને નીચામાં ૪૦,૫૧૪ રૂપિયાના મથાળે અથડાઈ પ્રથમ સત્રના અંતે ૨૯ ઘટીને ૪૦,૬૧૫ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રના અંતે ૮ વધીને ૮ ગ્રામદીઠ ૩૨,૩૪૬ રૂપિયા અને ગોલ્ડ-પેટલ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રના અંતે ૧ ઘટીને ૧ ગ્રામદીઠ ૪૦૧૮ રૂપિયા થયા હતા, જ્યારે સોનું-મિની માર્ચ વાયદો ૧૦ ગ્રામદીઠ ૧૪ ઘટીને બંધમાં ૪૦,૫૪૯ રૂપિયાના ભાવ રહ્યા હતા.

મુંબઈ હાજર ચાંદી ૧૧૫ વધી ૪૭,૬૦૫ રૂપિયા અને અમદાવાદ ખાતે ૧૩૫ વધી ૪૭,૫૯૦ રૂપિયા પ્રતિ કિલો હતી. ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ કોન્ટ્રેક્ટ કિલોદીઠ ૪૬,૦૯૭ ખૂલી ઉપરમાં ૪૬,૩૧૯ અને નીચામાં ૪૬,૦૦૦ રૂપિયાના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે ૧૪૨ વધીને ૪૬,૨૪૮ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી ૧૪૪ વધીને ૪૬,૨૬૧ રૂપિયા અને ચાંદી-માઇક્રો ફેબ્રુઆરી ૧૪૩ વધીને ૪૬,૨૬૧ રૂપિયા બંધ રહ્યા હતા.


ભાવ કેમ વધતા નથી?

ગયા શુક્રવારે વૈશ્વિક બજારમાં આશ્ચર્યજનક રીતે સોનું વધી ૧૫૭૦ ડૉલરની સપાટીએ પહોંચ્યું હતું. અમેરિકામાં જૉબ્સ ડેટા ધારણા કરતાં વધારે સારા આવ્યા હતા જેના કારણે વ્યાજદરનો ઘટાડો ૨૦૨૦માં વધુ પાછળ જશે અને એનાથી સોનાના ભાવને વધવાનું કારણ ઘટી ગયું હોવા છતાં શૅરબજાર ઘટતાં ભાવમાં વધારો જોવા મળ્યો હતો. જોકે સાપ્તાહિક રીતે સોનું એક ટકો ઘટીને બંધ આવ્યું હતું.

કોરોના વાઇરસની અસર અને એની આર્થિક ગતિવિધિઓ પર અસર પર બજારની નજર છે. આ વાઇરસના કારણે વિશ્વના સૌથી મોટા અર્થતંત્ર ચીનમાં કેટલો આર્થિક વિકાસ ઘટે છે, એનાથી વૈશ્વિક વિકાસ અને વૈશ્વિક વ્યાપાર પર કેટલી અસર પડશે એના આધારે સોનામાં તેજી કે મંદી જોવા મળી શકે છે. અત્યારે વૈશ્વિક નિષ્ણાતો એવી આગાહી કરી રહ્યા છે કે ૨૦૦૮ની વૈશ્વિક નાણાં કટોકટી કરતાં પણ વધારે માઠી અસર થવી સંભવ છે. બીજી તરફ, વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન વિરોધાભાસી મંતવ્યો આપી રહ્યું છે. શુકવારે જણાવ્યું હતું કે આ વાઇરસને આસાનીથી કાબૂમાં લાવી શકાય છે અને એની દૈનિક તીવ્રતા ઘટી રહી છે. તો આજે એવું નિવેદન કર્યું હતું કે વાઇરસ જેણે ક્યારેય ચીનની યાત્રા કરી હોય નહીં તેને પણ અસર કરી શકે છે અને અત્યારે જે અસરો જોઈ રહ્યા છીએ એ માત્ર શરૂઆત જ છે.

ડૉલર સામે રૂપિયો વધ્યો

ચીનમાં કોરોના વાઇરસના ફેલાવા પછી ૨૩ જાન્યુઆરી પછી આજે પ્રથમ વખત લોકો કામ પર ફરી લાગ્યા હતા. આના કારણે અમેરિકન ડૉલર નબળો પડ્યો હતો અને એશિયાઈ ચલણો વધ્યાં હતાં. બીજી તરફ ક્રૂડ ઑઇલના ભાવ નરમ રહેતાં ભારતીય રૂપિયો પણ ડૉલર સામે વધ્યો હતો. આજે ભારતીય રૂપિયો ડૉલર સામે ૭૧.૩૬ની મજબૂત સપાટીએ ખૂલ્યો હતો અને વધીને ૭૧.૩૦ થયો હતો. દિવસના અંતે ડૉલર સામે રૂપિયો આગલા બંધથી ૧૦ પૈસા વધી ૭૧.૩૦ની સપાટીએ બંધ આવ્યો હતો. એવન્યુ સુપરમાર્કેટના પ્રાઇવેટ પ્લેસમેન્ટના કારણે વિદેશી મૂડીપ્રવાહ આવી રહ્યો હોવાથી પણ રૂપિયો મજબૂત રહ્યો હતો.

Whatsapp-channel Whatsapp-channel

11 February, 2020 02:24 PM IST | Mumbai | Bullion Watch

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK