શું હવે વ્યાજદર ઘટશે કે વધશે?

Published: 28th September, 2020 16:14 IST | Sushma B Shah | Mumbai

કેન્દ્રના બૉન્ડની લિલામીમાં સતત ચાર વખતથી ડિવોલ્વમેન્ટ શું સૂચવે છે?

આરબીઆઈ
આરબીઆઈ

કેન્દ્ર સરકાર ચાલુ વર્ષે લગભગ ૧૨ લાખ કરોડ રૂપિયા બજારમાંથી ઊભા કરવાની છે. એનો સીધો મતલબ થયો એ કેન્દ્ર સરકારના ગેરન્ટીવાળા વધુને વધુ બૉન્ડ પેપર માર્કેટમાં આવી રહ્યા છે. એક તરફ ફુગાવો ઊંચો છે, આર્થિક મંદી ચાલી રહી છે, રિઝર્વ બૅન્કે વ્યાજના દર ઘટાડી એક દાયકામાં સૌથી નીચે કર્યા છે. બીજી તરફ કૉર્પોરેટ અને પ્રાઇવેટ ધિરાણની માગ નરમ છે. કેટલાક કિસ્સાઓમાં ઘટી રહી છે. આ સ્થિતિમાં બૅન્કો ગેરન્ટી સાથે, સુરક્ષિત વળતર આપતા સરકારી બૉન્ડમાં પૈસા મૂકે એ નિશ્ચિત માનવામાં આવી રહ્યું હોય છે, પણ ત્યારે બૉન્ડ માર્કેટમાં (કે જેની ચર્ચા નિફ્ટી અને સેન્સેક્સના લેવલમાં કેટલો વધારો થયો કે ઘટાડો થયો) શું ચાલી રહ્યું છે એ અંગે ભારતીય રોકાણકાર કરી રહ્યો નથી.

શુક્રવાર તા. ૨૫ના રોજ સતત ચોથી વખત કેન્દ્રનાં ૧૦ વર્ષના બૉન્ડની લિલામીમાં જોઈએ એટલા બીડ આવ્યા નહીં અને પ્રાઈમરી ડીલર કે જેઓ બીડિંગ ઓછું આવે તો તેની ભરપાઈ કરશે એવું અન્ડરરાઈટિંગ કરે છે તેના ઉપર તેની જવાબદારી આવી પડી છે. આ ઘટનાને ડિવોલ્વમેન્ટ કહેવાય. ૩૦,૦૦૦ કરોડ રૂપિયાના બૉન્ડની લિલામીમાં રિઝર્વ બૅન્કે ૧૮,૦૦૦ કરોડ રૂપિયાના ૧૦ વર્ષના બૉન્ડ પણ રાખ્યા હતા, જેમાં માત્ર ૧૩૬ કરોડ રૂપિયાની અરજી આવી અને તે ૬ ટકાના યીલ્ડ પર વેચાઈ, બાકીની ૧૭,૮૬૪ કરોડ રૂપિયાની રકમ પ્રાઇમરી ડીલર્સ ઉપર ડિવોલ્વ થઈ છે.

અગાઉ તા. ૧૧ સપ્ટેમ્બરના ૧૮,૦૦૦ કરોડના બૉન્ડમાં માત્ર ૩૦ કરોડ રૂપિયાની અરજીઓ સ્વીકૃત થઈ હતી. તા. ૨૮ ઑગસ્ટે ૧૮,૦૦૦ કરોડ રૂપિયામાંથી ૧૬ કરોડ અને તા. ૧૪ ઑગસ્ટે ૧૮,૦૦૦ કરોડમાંથી ૧૩,૩૬૨ કરોડ રૂપિયાની રકમ જ ભરપાઈ થઈ હતી. આ ઉપરાંત યીલ્ડ ઘટાડવા માટે ઓપન માર્કેટ ઓપરેશનમાં ૧૦,૦૦૦ કરોડ રૂપિયાના બૉન્ડ આવેલી અરજીમાંથી એક પણ બીડ રિઝર્વ બૅન્કે સ્વીકૃત કરી નથી.

કેમ? સીધો મતલબ છે કે કેન્દ્ર સરકારનું બોરોઇંગ વધી રહ્યું છે, વધુને વધુ બૉન્ડ બજારમાં આવવાના છે અને એટલે રોકાણકાર વધારે યીલ્ડ માગી રહ્યા છે. રિઝર્વ બૅન્કની જવાબદારી છે કે તે કેન્દ્ર સરકારના ડેટ મેનેજર તરીકે ઓછામાં  ઓછા યીલ્ડ ઉપર નાણાં ઊભા કરી શકે. આ લડાઈમાં અત્યારે સરકારી બૉન્ડના ઇશ્યુ સફળ થઈ રહ્યા નથી.

ડિવોલ્વ થવું એ પ્રથમ ઘટના નથી, પણ રોજિંદી ઘટના પણ નથી. કેન્દ્ર સરકારના બૉન્ડમાં જે યીલ્ડ (એટલે કે વ્યાજના દર) ઑફર થઈ રહ્યા છે એ ભાવે બજારમાં કોઈ માગ નથી. યીલ્ડ ઊંચા આવે તો તેનાથી રિઝર્વ બૅન્ક ઉપર વ્યાજનો દર વધારવા અને કેન્દ્ર સરકારનો વ્યાજનો ખર્ચ વધવાનું જોખમ છે. લાંબા ગાળાની સરેરાશ કરતાં અત્યારે પણ રેપો રેટ અને ૧૦ વર્ષના બૉન્ડના યીલ્ડ વચ્ચે ૨ ટકાથી વધારાનો ગાળો છે. આ દર્શાવે છે કે નીચા વ્યાજના દરે નાણાં રોકવા રોકાણકાર તૈયાર નથી અથવા તો વ્યાજના દર વધવા જોઈએ.

ચાલુ નાણાકીય વર્ષમાં તા. ૨૨ સપ્ટેમ્બર સુધીમાં કેન્દ્ર સરકારે કુલ ૭.૦૬ લાખ કરોડ રૂપિયાની રકમ બજારમાંથી એકત્ર કરી છે જે ગત વર્ષના આ સમયગાળા કરતાં ૭૩ ટકા વધુ છે. બીજું, કેન્દ્ર સરકાર જે ૧૨ લાખ કરોડ એકત્ર કરવાની ધારણા રાખી રહી છે તેમાંથી ૬૦ ટકા રકમ ઊભી થઈ ચૂકી છે.

જેટલા યીલ્ડ વધે એટલી ચિંતા રિઝર્વ બૅન્ક માટે વધારે છે. બજાર એવી ધારણા સાથે ચાલી રહ્યું હોય એમ લાગે છે કે દર વધે તો રિઝર્વ બૅન્કને ચિંતા નથી, પણ તેની અસર અન્ય જામીનગીરી બજાર ઉપર પણ પડે છે. જો કેન્દ્ર સરકારના બૉન્ડ ઉપરના યીલ્ડ વધે તો એટલા જ ઊંચો વ્યાજનો દર રાજ્ય સરકાર માટે પણ થશે અને કૉર્પોરેટ ક્ષેત્રના બૉન્ડ માર્કેટમાં પણ પડશે. કારણ કે કેન્દ્ર સરકાર કરતાં અન્યને તો આમ પણ ઊંચા વ્યાજે જ નાણાં મળે છે!

બૉન્ડના યીલ્ડમાં વૃદ્ધિ એસેટ એલોકેશન માટે પણ એક મહત્ત્વનું પરિબળ છે, જ્યારે વધારે વ્યાજ સૌથી સલામત રોકાણમાં મળી રહ્યું હોય ત્યારે રોકાણકાર જોખમ ઉઠાવી શૅર કે કૉમોડિટી શું કામ ખરીદે? સંભવ છે કે વધે જો ફુગાવો વધી રહ્યો હોય અથવા વળશે એવી આશા હોય તો યીલ્ડ ચોક્કસ વધી શકે છે.

ફુગાવો ઊંચો રહે તો શું થાય?

ઊંચા ફુગાવાના કારણે રિઝર્વ બૅન્ક હવે વ્યાજદરમાં ઘટાડો કરી શકે એ સ્થિતિમાં નથી. જોકે આર્થિક મંદી અટકાવવા માટે રિઝર્વ બૅન્કે મે મહિના સુધી સતત વ્યાજના દર ઘટાડ્યા હતા. ફેબ્રુઆરી ૨૦૧૯માં રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ રેપો રેટ (એટલે કે જે વ્યાજના દર ઉપર બૅન્કો જરૂર પડ્યે રિઝર્વ બૅન્ક પાસેથી નાણાં એકત્ર કરે છે) ૦.૨૫ ટકા ઘટાડી ૬.૨૫ ટકા કર્યો હતો. ફેબ્રુઆરીના આ ઘટાડાથી અત્યારે રેપો રેટ ઇતિહાસના સૌથી નીચા સ્તર ૪ ટકા ઉપર આવી ગયો છે. બૅન્કો અને સિસ્ટમમાં વ્યાજનો દર નક્કી કરવા માટે માપદંડ ગણાતા આ રેટમાં ૨.૫૦ ટકાનો ઘટાડો થયો છે.

તા. ૬ ઑગસ્ટના રોજ રિઝર્વ બૅન્કની ધિરાણ નીતિની સમીક્ષામાં મોનેટરી પૉલિસી કમિટીએ ઊંચા ફુગાવાના કારણે વ્યાજનો દર જાળવી રાખ્યો હતો. ઑક્ટોબરમાં ફરી કમિટીની બેઠક થશે અને તેમાં પણ વ્યાજનો દર ઘટે એવી શક્યતા નહીંવત લાગી રહી છે. કાયદા અનુસાર મોનેટરી પૉલિસી કમિટીએ દેશનો આર્થિક વિકાસ દર જાળવી રાખી ગ્રાહક ભાવાંક ૨ ટકાથી ૬ ટકાની વચ્ચે રહે એવા લક્ષ્ય અનુસાર ધિરાણ નીતિ નક્કી કરવાની હોય છે.

આ સ્થિતિમાં સરકારી બૉન્ડ ઉપર યીલ્ડ હાલના તબક્કે ઘટે એવી શક્યતા જણાતી નથી. છેલ્લા એક મહિનાથી ૧૦ વર્ષના બૉન્ડના યીલ્ડ ૫.૯૫થી ૬.૦૩ ટકા વચ્ચે જ છે. આ દર્શાવે છે બજારમાં સસ્તા ભાવે રોકાણ કરવા તૈયારી નથી. 

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK