Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > સેન્સેક્સ 38 અને 40,000ની વચ્ચે ગોળ-ગોળ ગરબા રમ્યા કરશે

સેન્સેક્સ 38 અને 40,000ની વચ્ચે ગોળ-ગોળ ગરબા રમ્યા કરશે

19 October, 2020 10:22 AM IST | Mumbai
Jayesh Chitalia

સેન્સેક્સ 38 અને 40,000ની વચ્ચે ગોળ-ગોળ ગરબા રમ્યા કરશે

બીએસઈ

બીએસઈ


શૅરબજારને એક તરફ કોરોનાનો વ્યાપ ગભરાટમાં નાખે છે, જ્યારે બીજી તરફ અનલૉક આર્થિક પ્રવૃત્તિને વેગ આપવામાં નિમિત્ત બને છે. ગ્લોબલ સિનેરિયો ક્યાંક અનિશ્ચિતતા ઊભી કરે છે. બજારમાં ખરીદી માટે વધુ કરેક્શનની રાહ જોવાય છે અને ઉછાળામાં પ્રોફિટ બુકિંગ પસંદ કરાય છે. જોકે આગામી દિવસોમાં બજાર ૩૮થી ૪૦૦૦૦ની વચ્ચે વધઘટ કરતું રહી ગોળ-ગોળ ગરબા રમ્યા કરશે એવું અનુમાન છે.

સપ્તાહના પ્રથમ દિવસે ગયા સોમવારે કરેક્શનની ઊંચી શક્યતા વચ્ચે બજાર ઊંચું ખૂલ્યું હતું. સેન્સેક્સ ૪૦૦૦૦ની ઉપર રહીને અને નિફ્ટી ૧૨૦૦૦ની ઉપર રહીને આગળ વધ્યું હતું, પરંતુ દોઢ વાગ્યા સુધીમાં તો બજારે કરેક્શનની રાહ પકડી લીધી હતી. પ્રોફિટ બુકિંગના નામે તે અનિવાર્ય બની હતી. જોકે આખરમાં બજાર પૉઝિટિવ બંધ રહ્યું હતું. સેન્સેક્સ ૮૪ પૉઇન્ટ વધીને ૪૦૫૯૩ અને નિફ્ટી માત્ર ૧૬ પૉઇન્ટ વધીને ૧૧૯૩૦ બંધ રહ્યો હતો. બજારની વધઘટનું કારણ રોકાણકારોએ નફો અંકે કરવામાં ડહાપણ સમજ્યું હતું. નવાઈની વાત એ હતી કે યુટીઆઇ એએમસીનો લિસ્ટ થયેલો શૅર પ્રથમ દિવસે ડિસ્કાઉન્ટમાં ખૂલતા રોકાણકારોમાં ચોક્કસ નિરાશા હતી. જોકે મઝગાંવ ડૉકના શૅરનું લિસ્ટિંગ ઊંચા પ્રીમિયમે થયું, જેમાં રોકાકારોને કમાવાની સારી તક મળી હતી. મંગળવારે ફોરેન ઇન્વેસ્ટરોની ખરીદી ૮૩૨ કરોડ રૂપિયાની રહી હતી, જ્યારે કે સ્થાનિક ફંડસની વેચવાલી ૧૬૭૪ કરોડ રૂપિયાની રહી હતી. માર્કેટ બ્રેડ્થ નેગેટિવ રહી હતી.



સોમવારે નાણાપ્રધાન નિર્મલા સીતારમણે એક લાખ કરોડ રૂપિયાના સ્ટિમ્યુલસ પૅકેજની જાહેરાત કરી હતી, જેનો ઉદ્દેશ લોકોના હાથમાં નાણાં વધે અને તે નાણાં વપરાશમાં વધારો કરે. આ નિમિત્તે મૂડી-ખર્ચ કરવા સાથે જીડીપીને વેગ મળે એવું લક્ષ્ય પણ રખાયું છે. અલબત્ત, સરકાર આગામી દિવસોમાં વધુ પૅકેજ લાવશે એવી આશા ચોક્કસ રાખી શકાય. તહેવારોના દિવસોને ધ્યાનમાં રાખી સરકાર લોકોના ખર્ચમાં વધારો થાય અને ડિમાંડ નીકળે એવાં પગલાં ભરવાં માગે છે. સપ્ટેમ્બરમાં રિટેલ ફુગાવાનો દર પણ ઊંચો ગયો હતો. મંગળવારે બજાર સાધારણ વધઘટ સાથે બંધ રહ્યું હતું. સેન્સેક્સ માત્ર ૩૧ પૉઇન્ટ અને નિફ્ટી કેવળ ૩ પૉઇન્ટ સુધરીને બંધ રહ્યા હતા. બુધવારે બજારનું કરેક્શન અટકીને ફરી પૉઝિટિવ બન્યું હતું. સેન્સેક્સ ૧૬૯ પૉઇન્ટ સુધરીને ૪૦૭૯૫ અને નિફ્ટી ૩૭ પૉઇન્ટ સુધરીને ૧૧૯૭૧ બંધ રહ્યો હતો. અનલૉકનો દોર આગળ વધી રહ્યો હોવાની સકારાત્મક અસર પણ બજાર પર થઈ હતી.


ગ્લોબલ કારણે ભૂસકો

ગુરુવારનો દિવસ શૅરબજાર માટે ભારે રહ્યો હતો. સતત દસ દિવસ ચાલેલા પૉઝિટિવ ટ્રૅન્ડ બાદ ગુરુવારે માર્કેટે મોટો ધબડકો બોલાવ્યો હતો. જોકે આ કરેક્શન ક્યારનું પાકી ગયું હતું, જેને આ વખતે નક્કર કારણ પ્રાપ્ત થયું હતું. યુરોપમાં કોરોનાનો કેર ફરીથી શરૂ થતાં અને ફરીવાર લૉકડાઉનની નોબત આવવાને પગલે સેન્સેક્સે ૧૦૬૬ પૉઇન્ટનો કડાકો દર્શાવ્યો હતો. માર્કેટે ધીમે-ધીમે ઘટવાની શરૂઆત કરી, અંતમાં ઝડપી વેચવાલી આવતા નિફ્ટી ૨૯૦ પૉઇન્ટ તૂટી ગયો હતો. ૪૨૦૦૦ તરફ જઈ રહેલા સેન્સેક્સે ૩૯૭૨૮ બંધ અને નિફ્ટીએ ૧૨૦૦૦ તરફની કૂચ અટકાવીને ૧૧૬૮૦ના સ્તરે બંધ દર્શાવ્યો હતો.


ગુરુવારના કડાકા માટે ઘણેઅંશે પ્રોફિટ બુકિંગ પણ જવાબદાર હતું. આ ઉપરાંત યુએસમાં સ્ટિમ્યુલસ પૅકેજની જાહેરાત લંબાઈ જવાને કારણે પણ નિરાશા સર્જાઈ હતી. એશિયન, યુરોપિયન અને યુએસ માર્કેટ બધે જ કરેક્શન હતા, જેની અસર ભારતીય માર્કેટ પર ગંભીરતાપૂર્વક થઈ હતી. ગયા દસ દિવસથી સતત વધી રહેલા આઇટી અને બૅન્ક સ્ટૉકસ ગુરુવારે ભારે તૂટયા હતા. માર્કેટમાં આ ઘટાડાથી વધુ ગભરાટ પણ ફેલાયો હતો. બજાર હજી તૂટવાની વાત સતત ફેલાઈ રહી હતી. વેચવાલીના વ્યાપને પગલે તમામ સેક્ટરલ ઈન્ડેક્સ માઇનસ થયા હતા. એક જ દિવસમાં ૩.૨૫ લાખ કરોડ રૂપિયાનું મૂડીધોવાણ થયું હતું. શુક્રવારે બજારે રાહત આપી હતી, કરેક્શન અટકી ગયું હતું અને સેન્સેક્સ ૨૫૪ પૉઇન્ટ રિકવર થઈ ૩૯૯૮૨ બંધ રહ્યો હતો, જે ૪૦૦૦૦ ઉપર જઈ પાછો ફર્યો હતો અને નિફટી ૮૨ પૉઇન્ટ સુધરીને ૧૧૭૨૬ બંધ રહ્યો હતો. બાકી ગુરુવારના ૧૦૦૦ પૉઇન્ટના કડાકાએ કંઈક અંશે ગભરાટ વધારી દીધો હતો. શુક્રવારનો સુધારો ગ્લોબલ સંકેતને આભારી હતો તેમ જ અનલૉકનું પણ પૉઝિટિવ પરિણામ હતું. તહેવારો નિમિત્તે માગ અને ખર્ચ વધવાની ધારણા મુકાય છે.

યુરોપિયન દેશો પર નજર

જોકે આ સાથે યુરોપિયન દેશોમાં કોરોના આક્રમણ અને લૉકડાઉનનો ભય માથે ઊભો છે, જે ગમે ત્યારે ભારતીય માર્કેટને વિપરીત અસર કરી શકે છે. આ દેશોના ડેવલપમેન્ટ પર અને તેની સંભવિત ગ્લોબલ અસર પર નજર રાખવી જોઈશે. અન્યથા કરેક્શન અટકવા બદલ બજાર આ લેવલની આસપાસ રહેવાનું વલણ બનાવ્યું હોવાનું સૂચવે છે. અર્થાત સતત બહુ મોટા કડાકા આવવાની શક્યતા જણાતી નથી અને આવશે તો સામે પક્ષે ખરીદી આવતા પણ બહુ સમય લાગશે નહીં. અત્યારે બહુ ઊંચામાં પ્રોફિટ બુકિંગ આવે છે તેમ બહુ ઘટાડામાં લેવાલી આવી જાય એમ બની શકે છે. જે માટે પ્રવાહિતા મુખ્ય પરિબળ બની શકે છે.

આઇએમએફની નિરાશા બાદ આશા

દરમ્યાન ઇન્ટરનૅશનલ મોનેટરી ફંડ (આઇએમએફ)એ તેના વર્લ્ડ ઇકૉનૉમિક આઉટલુક રિપોર્ટમાં વ્યકત કરેલા અભિપ્રાય મુજબ ભારતનો જીડીપી ૨૦૨૦માં ૧૦ ટકાથી વધુ નેગેટિવ (ડાઉન) રહેશે, કિંતુ ૨૦૨૧માં તે બાઉન્સ બેક થઈને ૮.૮ ટકા વૃદ્ધિ બતાવશે, આ ઊંચો દર ચીનના પ્રોજેકટેડ ૮.૨ ટકાના વિકાસદર કરતાં વધુ હશે. આમ ભારત ઇમર્જિંગ ઇકૉનૉમિમાં ફાસ્ટેસ્ટ ઇકૉનૉમિનું સ્થાન હાંસલ કરશે. અમેરિકાનું અર્થતંત્ર ૨૦૨૦માં ૫.૮ ટકા માઇનસ રહેશે અને ૨૦૨૧માં ૩.૯ ટકા પ્લસ રહેશે. આઇએમએફએ વધુમાં જણાવ્યા મુજબ વિશ્વનો ગ્રોથ રેટ ૨૦૨૦માં ૪.૪ ટકા ડાઉન જશે, જ્યારે કે તે પણ ૨૦૨૧માં બાઉન્સ બેક થઈને ૨૦૨૧માં ૫.૨ ટકા પૉઝિટિવ થશે. વર્ષ ૨૦૨૦માં એકમાત્ર ચીનનો વિકાસદર ૧.૯ ટકા રહેશે.

ખરીદી માટે વધુ કરેક્શનની પ્રતીક્ષા

અનલૉકની પ્રોસેસ આગળ ચાલી રહી હોવાથી આર્થિક પ્રવૃત્તિ વધુ સક્રિય થવાની આશા કામ કરી રહી છે. વિવિધ સેક્ટર પોતપોતાની જરૂરિયાત મુજબ અનલૉક બાદ ગ્રાહકોને આકર્ષવાની તૈયારીમાં લાગી ગયા છે. જાણકારો માને છે કે માર્કેટ કોઈ દિશા બનાવતા પહેલાં યુએસ ચૂંટણીના પરિણામની રાહ જોવાનું પસંદ કરશે. જે હવે માત્ર એક મહિનો દૂર છે. શૅરના ભાવ ઓલરેડી માત્ર છ મહિનામાં જ નોંધપાત્ર રિકવર થઈ ગયા છે, કિંતુ જો તેજીનો ટ્રૅન્ડ ચાલુ રહ્યો તો આ ભાવ હજી ઊંચા જવાની શક્યતા નકારી શકાય નહીં, કારણ કે હજી તો કોરોનાના આરંભમાં ભાવ તૂટયા હતા તે રિકવર થયા છે. તેમની ગતિ કામગીરીને આધારે આગળ વધુ ઊંચી જઈ શકે છે.

મ્યુચ્યુઅલ ફન્ડમાં ઇક્વિટીનું આકર્ષણ

આ સમયમાં મ્યુચ્યુઅલ ફન્ડની મજાની વાત એ છે કે તેમાં રોકાણનો એકંદર પ્રવાહ ઘટ્યો છે, જ્યારે કે સપ્ટેમ્બરમાં તેના પોર્ટફોલિયોમાં નવા ૧.૧૮ લાખ અકાઉન્ટસ ઉમેરાયા છે. છેલ્લા ૧૭ મહિનાથી ઇક્વિટી પોર્ટફોલિયો સતત વધતો રહ્યો છે. કિંતુ છેલ્લા ત્રણ મહિનામાં ઇક્વિટી રોકાણનો પ્રવાહ ૭૨૧૪ કરોડ રૂપિયા બહાર ગયો છે, જે આગલા વર્ષના સમાન ગાળામાં ૨૩,૮૭૩ કરોડનો નેટ ઇન્ફલો (અંદર આવ્યો હતો) રહ્યો હતો.

Whatsapp-channel Whatsapp-channel

19 October, 2020 10:22 AM IST | Mumbai | Jayesh Chitalia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK