Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > આર્થિક વિકાસ અને ભાવવધારા વચ્ચે રિઝર્વ બૅન્કનું ફાઇન બૅલેન્સિંગ ઍક્ટ

આર્થિક વિકાસ અને ભાવવધારા વચ્ચે રિઝર્વ બૅન્કનું ફાઇન બૅલેન્સિંગ ઍક્ટ

12 October, 2020 08:03 PM IST | Mumbai
Jitendra Sanghavi

આર્થિક વિકાસ અને ભાવવધારા વચ્ચે રિઝર્વ બૅન્કનું ફાઇન બૅલેન્સિંગ ઍક્ટ

આરબીઆઈ

આરબીઆઈ


રિઝર્વ બૅન્કની નવી રચાયેલી મૉનેટરી પૉલિસી કમિટીએ ફરી એકવાર પૉલિસી (રેપો) રેટ ન તો વધાર્યા છે કે ન તો ઘટાડ્યા છે, પણ યથાવત્ જાળવી રાખ્યા છે. આ નિર્ણય દ્વારા રિઝર્વ બૅન્કના ગવર્નર ડૉ. દાસે એવો સંકેત આપ્યો છે કે રિઝર્વ બૅન્કની મુખ્ય જવાબદારી ભાવવધારાના લક્ષ્યાંકને સિદ્ધ કરવાની હોવા છતાં કોરોનાની મહામારીને લઈને દેશની કથળેલી આર્થિક તંદુરસ્તીથી પણ બૅન્ક ચિંતિત છે. જોકે ભાવવધારાની વર્તમાન પરિસ્થિતિ અને સામે દેખાઈ રહેલા જોખમોને લક્ષમાં લઈને બૅન્ક આર્થિક વિકાસને વેગ આપવા માટે વ્યાજના દર સીધેસીધા (પૉલિસી રેટ દ્વારા) ઘટાડી શકી નથી.

આ સંજોગોમાં બૅન્કે કેટલાક એવા બીજા નીતિવિષયક નિર્ણયો લીધા છે જેને કારણે બૅન્કોની બોરોઇંગ કોસ્ટ ઘટે અને બૅન્કો મોટી હોમ લોન્સ નીચા દરે આપી શકે. બૅન્કે સિસ્ટમમાં એક લાખ કરોડ રૂપિયાની લિક્વિડિટી પણ પૂરી પાડી છે, જેને કારણે પણ વ્યાજના દર ઘટી શકે.



ટૂંકમાં નવી ડિમાન્ડ જ્યાં ઊભી કરી શકાય તેમ હોય તેવા ક્ષેત્રોમાં વ્યાજના દર ઘટે અને છતાં સાર્વત્રિક રીતે વ્યાજના દર ન ઘટે (કે જે ભાવવધારાને વકરાવી શકે) એવા ફાઇન બૅલેન્સિંગ અૅક્ટમાં રિઝર્વ બૅન્ક સફળ રહી છે. તેની સામેની પસંદગી ડેવિલ અને ડીપ સી વચ્ચેની પસંદગી જેવી હતી.


બીજી તરફ ભાવવધારાથી ચિંતિત હોવા છતાં વ્યાજના દર વધારવાનો તો કોઈ પ્રશ્ન જ ઊભો થતો નહોતો, કારણ કે બૅન્કના મતે હાલની આર્થિક પરિસ્થિતિ રેકૉર્ડ પરની સૌથી વધારે નબળી અને ગંભીર છે.

બૅન્કે ૨૦૨૦-૨૧નો આર્થિક વિકાસનો દર ૯.૫ ટકા જેટલો ઘટવાનું અનુમાન કર્યું છે જે વિશ્વ બૅન્કના ૯.૬ ટકાના અંદાજની લગોલગ છે. બૅન્કનો અંદાજ ઘણીબધી એજન્સીઓ અને ઘણા બધા અર્થશાસ્ત્રીઓના આર્થિક વિકાસના દરના ૯ થી ૧૨ ટકા વચ્ચેના ઘટાડાના દરની હરોળમાં છે.


એપ્રિલ અને મેમાં દેશવ્યાપી લૉકડાઉનને કારણે આર્થિક વિકાસના દરમાં સડસડાટ કરતો ઘટાડો નોંધાયો. જૂન મહિને આંશિક અનલૉકને કારણે આ દરનો ઘટાડો ઓછો થવાના સંકેતો મળ્યા. ફરી એકવાર જુલાઈમાં અને ઑગસ્ટમાં રાજ્યો દ્વારા પ્રાદેશિક લૉકડાઉન જાહેર કરાતાં પરિસ્થિતિ અસ્પષ્ટ રહી. કોઈક ક્ષેત્રનો દેખાવ સુધર્યો તો કોઈક ક્ષેત્રનો બગડ્યો. આવા આંશિક અને ક્ષેત્રિય લૉકડાઉનને કારણે મૅન્યુફૅક્ચરિંગ ક્ષેત્રે (એસેમ્બલી લાઈનની અનિશ્ચિતતાને કારણે) વેગ ન આવે તે સ્વાભાવિક છે, પણ કેટલીક રાજ્ય સરકારોએ કોરોનાની મહામારી ન વકરે તે માટે કચવાતા મને પણ આવા કઠોર નિર્ણયો લીધા.

આપણે છેલ્લા બે ત્રણ લેખમાં જોયું તેમ સપ્ટેમ્બર મહિને પ્રમાણમાં આર્થિક પ્રવૃત્તિઓ વધતી ચાલી અને અર્થતંત્ર સુધારાતરફી હોવાના સંકેત મળતા રહ્યા.
રિઝર્વ બૅન્ક આ બધા છૂટાછવાયા મળતા આર્થિક પેરામિટર્સના સંકલન દ્વારા એેવા નિષ્કર્ષ પર પહોંચી કે ચાલુ વરસનો પ્રથમ ક્વૉર્ટર (એપ્રિલ-જૂન) તો હવે ભૂતકાળની ઘટના ગણાય. તો પણ બીજા ક્વૉર્ટર (જુલાઈ-સપ્ટેમ્બર)માં આર્થિક વિકાસનો દર ૯.૮ ટકા જેટલો અને ત્રીજા ક્વૉર્ટર (ઑકટોબર-ડિસેમ્બર)માં તે ૫.૬ ટકા જેટલો ઘટશે. ચોથા ક્વૉર્ટરથી (જાન્યુઆરી-માર્ચ ૨૦૨૧)થી આર્થિક વિકાસના દરની દિશા બદલાશે. આર્થિક વિકાસના અગાઉના ત્રણ ક્વૉર્ટરના માઇનસ દરને બદલે તે અડધા ટકા જેટલો એટલે કે નજીવો પણ પૉઝિટિવ થશે. તે પછી ૨૦૨૧-૨૨ના પ્રથમ ક્વૉર્ટર (એપ્રિલ-જૂન ૨૦૨૧)માં તે ૨૧ ટકા જેટલો વધશે. અલબત્ત આટલો મોટો વધારો એપ્રિલ-જૂન ૨૦૨૦ના ૨૪ ટકા ઘટાડાના નીચા બેઇઝને લીધે હશે. ૨૦૨૦-૨૧ના આર્થિક વિકાસના અંદાજિત ૯.૫ ટકાના ઘટાડા છતાં બૅન્કે તેનું ઓવરઓલ આઉટલુક પૉઝિટિવ અને પૉલિસીનો અભિગમ એક્રોમોડેટીવ રાખ્યા છે.

છૂટક ભાવવધારો છેલ્લા કેટલાક મહિનાથી સતત વધતો રહ્યો છે અને રિઝર્વ બૅન્કની ઉપરની ટોલરન્સ લિમિટ કરતાં ઊંચો રહ્યો છે. બૅન્કના મતે આ ઊંચા ભાવવધારાનું કારણ લૉકડાઉનને કારણે સપ્લાય ચેઇનમાં પડેલ ભંગાણ (બ્રેકડાઉન) છે. ઉપખંડ જેવા મોટા દેશમાં ટ્રાન્સપોર્ટની અને માલસામાનની હેરફેર પર બ્રેક લાગે એટલે ચીજવસ્તુઓની ખાસ કરીને જીવનજરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓની અછતના નાના-મોટા પૉકેટ્સ ઊભા થવાને કારણે તેના ભાવ વધે જ.
બૅન્કે એમ અંદાજ બાંધ્યો છે કે જેમ જેમ આવતા થોડા મહિનાઓમાં અનલૉક વધવા માંડશે. આર્થિક પ્રવૃત્તિઓનો વ્યાપ વધતો જશે અને સપ્લાય ચેઇનના ભંગાણ પુરાતા જશે તેમ તેમ ભાવવધારાની પરિસ્થિતિ પણ હળવી થતી જશે. આવી ગણતરીઓને આધારે બૅન્કે ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વૉર્ટર (જુલાઈ-સપ્ટેમ્બર)માં ૬.૮ ટકાનો અને છેલ્લા છ મહિના (ઑકટોબર ૨૦૨૦-માર્ચ ૨૦૨૧)માં ૪.૫થી ૫.૪ ટકાનો ભાવવધારો અંદાજાયો છે. ૨૦૨૧-૨૨ના પ્રથમ ક્વૉર્ટર (એપ્રિલ-જૂન)માં તે દર ૪.૩ ટકા જેટલો નીચો જઈ શકે.

સમગ્ર દેશમાં એક્ટિવ કેસ લોડનો ગ્રાફ ફ્લેટ થતો જાય છે કે નીચો જતો જાય છે, એટલે આ મહામારી પરની આપણી પકડ મજબૂત બનતી જાય છે એમ મનાય. તેમ થાય તો આપણી આર્થિક પ્રવૃત્તિઓમાં વધારે ને વધારે છૂટ મુકાતી જાય અને આપણે કોવિડ-19ના આક્રમણ પહેલાંની સ્થિતિએ પહોંચવા લાગીએ. આપણી આર્થિક પરિસ્થિતિ થાળે પડવા માંડે અને નોર્મલ થતી જાય. એક મહિના પછી છેલ્લાં ત્રણ અઠવાડિયાંથી કોવિડના ઘટતા રહેલા એક્ટિવ કેસ આખરે નવ લાખની નીચે ગયા છે. રિકવરીના કેસ વધે અને નવા કેસ ઓછા થાય ત્યારે એક્ટિવ કેસ ઓછા થતા જાય. ૨૩ જેટલાં રાજ્યોમાં બનેલ આ ઘટના આશાના કિરણ જેવી છે. કેરળમાં આવા કેસ બમણા થયા છે.

યુરોપના અનેક દેશોમાં બન્યું છે તેમ જો કોરોનાની મહામારીનું બીજું મોજું ભવિષ્યમાં આવે તો આપણી બધી જ ગણતરીઓ ઊંધી પડી શકે અને આર્થિક રિકવરીની આશા ઠગારી નીવડી શકે એ વાત સતત ધ્યાનમાં રહેવી જોઈએ.

છ મહિના જેટલા લાંબા સમય માટે વ્યક્તિની હાલચાલ પરના લશ્કરમાં મુકાય તેટલા ભારે રિસ્ટ્રિકશન્સથી કંટાળેલ અને તંગ થઈ ગયેલ નાગરિકોનો અમુક વર્ગ હવે ફરજિયાત માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સિંગના ધારાધોરણોથી ત્રાસી જઈને તેના લીરેલીરા ઉડાવી રહ્યો છે. જાહેર સ્થળોએ ભેગાં થતાં ટોળેટોળા આનો પુરાવો છે. હજી થોડા બાકી રહેલ રિસ્ટ્રિકશન્સ જ્યારે ઉઠાવી લેવાશે, અનલૉકની પ્રક્રિયા વેગ પકડશે અને મુંબઈ જેવાં શહેરની લોકલ પરાંની ટ્રેનો શરૂ કરાશે ત્યારે અત્યારે સુધરતી જણાતી કે કન્ટ્રોલમાં આવતી દેખાતી આ મહામારીની પરિસ્થિતિ કેવો વળાંક લેશે તેની કલ્પના પણ ધ્રુજાવી દે તેવી છે. જો આમ બને તો સરકારના કે રિઝર્વ બૅન્કના આર્થિક રિકવરીના બધા અંદાજો કચરાની ટોપલીમાં ફેંકી દેવા પડે.

ડર્યા સિવાય પૂરેપૂરી સાવધાની અને તકેદારી રાખીને સંયમથી વર્તવાની વડા પ્રધાન મોદીની અપીલને પ્રજાજનોએ બહુ ગંભીરતાથી લેવી પડશે. આ બાબતની જરાપણ ચૂક જાતે કરીને પગ પર કુહાડી મારવા જેવી સાબિત થશે અને દેશે તેની ભારે કિંમત ચૂકવવી પડશે.

સરકાર અને રિઝર્વ બૅન્ક રિકવરી ઝડપી બને તે માટે જે પગલાં લઈ રહ્યાં છે તેમાં પ્રજાને પક્ષે જવાબદારી અને શિસ્તપૂર્ણ વર્તન પૂરક બની રહે. આઠ-દસ મહિના કે વધુ સમય માટે કોરોના સાથે જ જીવવાનું હોય ત્યારે શિસ્ત અને સંયમ જ આપણને આ અભૂતપૂર્વ કટોકટીમાંથી સફળતાપૂર્વક બહાર લાવી શકે.

(લેખક ઇન્ડિયન મર્ચન્ટ‍્સ ચેમ્બરના ભૂતપૂર્વ ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ છે)

Whatsapp-channel Whatsapp-channel

12 October, 2020 08:03 PM IST | Mumbai | Jitendra Sanghavi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK