Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > વડા પ્રધાન દ્વારા 20 લાખ કરોડ રૂપિયાનું રાહત પૅકેજ જાહેર કરાયું

વડા પ્રધાન દ્વારા 20 લાખ કરોડ રૂપિયાનું રાહત પૅકેજ જાહેર કરાયું

18 May, 2020 12:02 PM IST | Mumbai
Jitendra Sanghvi

વડા પ્રધાન દ્વારા 20 લાખ કરોડ રૂપિયાનું રાહત પૅકેજ જાહેર કરાયું

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી


લૉકડાઉનના ત્રણ તબક્કાના ૫૪ દિવસ ગઈ કાલે પૂરા થયા. વડા પ્રધાને તેમના રાષ્ટ્રજોગ પાંચમા સંબોધનમાં લૉકડાઉન ૪.૦નો સંકેત તો આપી જ દીધો છે, એટલે કોરોનાને પગલે પગલે આ લૉકડાઉન પણ આપણો પીછો હમણાં તો છોડે એમ લાગતું નથી. અલબત્ત, એમાં આર્થિક પ્રવૃત્તિઓ શરૂ કરવાની છૂટછાટ વધતી જશે. આ છૂટછાટના પ્રકાર અને તેનો વ્યાપ કેન્દ્ર સરકારની જનરલ ગાઇડલાઇન્સનું પૂર્ણ રીતે પાલન થાય એ રીતે રાજ્ય સરકારો અને જિલ્લા અધિકારીઓ નક્કી કરી શકશે. અત્યાર સુધી માન્યતા એવી હતી કે કોરોનાની રસી નહીં શોધાય ત્યાં સુધી તેનો ભય છોડી કોરોના સાથે જીવતાં શીખવું પડશે. હવે તો નિષ્ણાતો એવા અનુમાન પર આવતા જાય છે કે સંભવ તો એવો છે કે કોરોના એચઆઇવી કે મલેરિયાની જેમ કયારેય આપણો સાથ ન પણ છોડે. તો આપણે આપણી જીવનશૈલી બદલીને તેને માત કરવો પડશે, પણ હવે આર્થિક પ્રવૃત્તિઓ શરૂ કરવા માટે પળનો પણ વિલંબ થાય તો એનાં માઠાં પરિણામોના લાંબે ગાળે નહીં, પણ આજે ને અત્યારે જ આપણે સાક્ષી બનવું પડે તો પણ નવાઈ નહીં.

આ પ્રાકૃતિક નહીં, પણ કૃત્રિમ વાઇરસે આપણી કસોટી કરવામાં બાકી નથી રાખી. જોતજોતામાં ભારતમાં સંક્રમિત થયેલ દરદીઓનો આંકડો ચીનના (આ વાઇરસનું ઉદ્દગમસ્થાન) ૮૩,૦૦૦ના આંકને ઓળંગી ગયો છે. જો કે આ રોગથી મરણ પામેલાનો ૨૭૦૦નો આંક ચીનના આંકડા કરતાં નીચો છે.



આપણી પરિસ્થિતિ ચીન કરતાં ગંભીર એ રીતે ગણાય કે આજે ચીનમાં એક્ટિવ કેસની સંખ્યા માત્ર ૯૦ની આસપાસ છે. આપણે ત્યાં એ સંખ્યા લગભગ ૫૩,૦૦૦ની છે. ચીનમાં વુહાન પ્રાંતને છોડીને આર્થિક પ્રવૃત્તિઓ ક્યારની શરૂ થઈ ગઈ છે. આપણે હજી એ ક્ષેત્રે પા-પા પગલી માંડવાની શરૂઆત કરી છે. પરપ્રાંતમાં નોકરી-વેતનઅર્થે સ્થાયી થયેલ કામદાર વર્ગે પોતાને વતન પાછા ફરવાની શરૂઆત કરી છે. એ લાખો કામદારો એમને વતન પહોંચે પછી ત્યાં આ રોગ જોર પકડે છે કે નહીં એ વિષે આજે ચોક્કસપણે કાંઈ કહેવું મુશ્કેલ છે, કારણ કે અે અનચાર્ટર્ડ ટેરીટરી છે એટલે કે એ વિષે આપણો કોઈ અનુભવ નથી. અનેક મુશ્કેલીઓ વેઠીને (કેટલાક તો સાઇકલ દ્વારા અને પગપાળા પણ ) વતનમાં પાછા ફરતાં આ નિરાધાર લોકોને કામ મળી રહેશે કે નહીં, તેમના સ્વજનો કોવિડ-૧૯થી પ્રભાવિત થશે કે નહીં અને આ પ્રવાસી કામદારોની ગેરહાજરીમાં મહારાષ્ટ્ર, ગુજરાત કે દક્ષિણનાં વિકસિત રાજ્યોની આર્થિક પ્રવૃત્તિઓ ફરી કેમ ચાલુ થશે એવી શંકા-આશંકાઓએ દેશવાસીઓ આજે હતપ્રભ બન્યા છે અને એટલે જ વડા પ્રધાન મોદીએ તેમના ભાષણમાં પ્રજાનો જુસ્સો, આત્મવિશ્વાસ અને આત્મબળ વધે તેવી વાતો દ્વારા આત્મનિર્ભર ભારતના નિર્માણની વાત કરી છે. તો સાથે સાથે બહુચર્ચિત થયેલ અને લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી તેવા રાહતના પૅકેજની જાહેરાત પણ કરી છે.


નિષ્ણાતોની અપેક્ષા પ્રમાણે રૂપિયા ૧૦ લાખ કરોડને બદલે ૨૦ લાખ કરોડ રૂપિયાના પૅકેજની જાહેરાત કરાઈ છે. જો કે અગાઉ કેન્દ્ર સરકાર અને રિઝર્વ બૅન્ક દ્વારા જેટલી પણ રાહત કે છૂટછાટ અપાઈ છે તે બધાનો આમાં સમાવેશ થઈ જાય છે.

આ ૨૦ લાખ કરોડ રૂપિયા એક સાથે પ્રજાના જુદા જુદા વર્ગોને વહેંચી દેવાની વાત નથી. અમુક રોકડ રકમ નીચલા વર્ગના બૅન્ક અકાઉન્ટમાં જમા પણ થશે. કેટલીક મદદ પ્રજાના જુદા જુદા વર્ગને કૅશમાં (રોકડ) નહીં પણ કાઇન્ડમાં (અનાજ તથા બીજાં કૃષિ ઉત્પાદનો) મળશે.


રાહતનો અર્થ એમ ન કરવો જોઈએ કે આ પૂરી રકમ સરકારી તિજોરીમાંથી ચાલી જાય. સરકાર દ્વારા જાહેર કરાતાં આવાં પૅકેજમાં રોકડ સહાય તો છે જ પણ બૅન્કો કે એનબીએફસી જેવી નાણાકીય સંસ્થાઓ ઉદ્યોગોને લોન આપવામાં હિચકિચાટ અનુભવતી હોય એટલે સરકાર આ નાણાકીય સંસ્થાઓને એવી ખાતરી આપે છે કે જે કિસ્સાઓમાં તેમની લોન ઉદ્યોગો પાછી નહીં આપે તે રકમ બૅન્કોને ભરપાઈ કરવાની જવાબદારી સરકારની. આવું પગલું પણ આર્થિક પ્રવૃત્તિઓ ચાલુ કરવા માટે સરકારની આડકતરી મદદ જ છે. આવી ખાતરી ન હોય તો બૅન્કો લોન ન આપે એટલે વેચાણ દ્વારા થતી આવક બંધ થતાં રોકડ રકમની અને વર્કિંગ કેપિટલની ખેંચ અનુભવતા નાના ઉદ્યોગો તેમનો કારોબાર શરૂ ન કરી શકે. સપ્લાય ચેઇનનું ભંગાણ ચાલુ જ રહે અને ચીજવસ્તુઓ માટેની માગનો પણ અભાવ રહે.

અત્યારના તબક્કે સરકારની સીધી રોકડ સહાયની કે મફતમાં ચીજવસ્તુઓની જરૂર તો અનેક વર્ગોને છે જ, પણ તેથીયે વધુ જરૂર છે સરકારની મધ્યસ્થીની અને તે દ્વારા પ્રજાના બધા વર્ગોમાં આત્મવિશ્વાસ પેદા કરવાની.

સરકારે ત્રણ લાખ કરોડ રૂપિયાની સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો માટે જાહેર કરેલ તેની ગેરંટીવાળી લોન બૅન્કો દ્વારા ઉદ્યોગોને આર્થિક સહાય પૂરી પાડવામાં કેટલિસ્ટ (ઉદ્દીપક)નું કામ કરશે. સરકારી તિજોરીમાંથી તો એટલા જ રૂપિયા જવાના, જેટલી લોનો આ ઉદ્યોગો પરત ન કરે. જેનો અંદાજ આજે લગાવવો મુશ્કેલ છે. એવી જ રીતે આવા જે ઉદ્યોગો એનપીએની સમસ્યાનો સામનો કરી રહ્યા છે કે તણાવ હેઠળ છે તેમને માટે કે જે ઉદ્યોગોની ક્ષમતા સારી છે અને કાંઈક વધુ કરી શકે તેમ છે તેમને માટે પણ સરકારે પોતાની ગેરંટીવાળી બૅન્ક લોનની સગવડ વધારી છે. ટીડીએસ કે ટીસીએસનો ઘટાડો જે તે ઉદ્યોગોના હાથમાં તત્કાલ પૂરતી રોકડ રકમની છૂટ ઊભી કરશે. લિક્વિડિટીનો આ વધારો ઉદ્યોગોને માટે હાલના તબકકે મોટી રાહત જ ગણાય. સરકારની કે જાહેર ક્ષેત્રની કંપનીઓના ૨૦૦ કરોડ રૂપિયા સુધીના પ્રોક્યોરમેન્ટ માટેનાં ટેન્ડર ગ્લોબલ નહીં હોય પણ લોકલ હશે, એટલે દેશની જ નાની કંપનીઓને આવા ઓર્ડર મળવાની શક્યતા ઊજળી બનશે. સરકારે કે સરકારી કંપનીઓએ ચીજવસ્તુની ખરીદી પેટે ચૂકવવાનાં નાણાં ખાનગી કંપનીઓને તરત ચૂકવાય તેવી કરેલ જોગવાઈથી પણ ખાનગી કંપનીઓની રોકડ નાણાંની ખેંચ ઓછી થશે.

સરકારે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટેની વ્યાખ્યા વિસ્તૃત કરી છે. એક કરોડ રૂપિયા સુધીનું રોકાણ અને પાંચ કરોડ રૂપિયા સુધીના ટર્નઓવરવાળા ઉદ્યોગની ગણતરી સૂક્ષ્મ (માઇક્રો) ઉદ્યોગમાં થશે. લઘુ ઉદ્યોગો માટે આ વ્યાખ્યા અનુક્રમે ૧૦ કરોડ અને ૫૦ કરોડ અને મધ્યમ ઉદ્યોગો માટે અનુક્રમે ૨૦ કરોડ અને ૧૦૦ કરોડની કરાઈ છે. સેવા અને મૅન્યુફૅકચરિંગ ક્ષેત્રના આ માટેનાં ધોરણો જુદાં જુદાં હતાં તે તફાવત દૂર કરાયો છે. હવેથી બન્ને માટેનાં ધોરણો એકસરખાં જ રહેશે.

આ પગલાને કારણે ઉદ્યોગો હવે મોકળા મને તેમના એકમોનું રોકાણ અને ટર્નઓવર વધારી શકશે. તેમ કરવા જતાં સરકારી રાહતો કે છૂટછાટના પરિઘમાંથી બહાર ફેંકાઈ જવાનો જે ડર હતો તે હવે દૂર થયો છે. હાલને તબક્કે આ વિષે એવી ટીકા કરવી કે આ વ્યાખ્યા તો બહુ સમય પહેલાં વિસ્તૃત કરવી જોઈતી હતી. કોરોનાના આગમન સુધી સરકારે રાહ કેમ જોઈ? તે વાજબી નથી. બેટર લેઇટ ધેન નેવર.

આ સમય છે સરકાર દ્વારા લેવાતાં બધાં સારાં પગલાંઓ કે સુધારાઓને આવકારીને તેનો યથાર્થ રીતે અમલ કરવાનો, નહીં કે તેના ભૂતકાળમાં ઊતરીને તેની ટીકા કરવાનો. વડા પ્રધાને જાહેર કરેલ રૂપિયા ૨૦ લાખ કરોડના રાહત પૅકેજમાંથી બે તબક્કામાં નાણાપ્રધાને ૧૬ લાખ કરોડ રૂપિયાની રાહતની વિગતો જાહેર કરી છે. એક અંદાજ પ્રમાણે સરકારી તિજોરી પર ગયા અઠવાડિયાની જાહેરાતોને કારણે ૫૦,૦૦૦ કરોડ રૂપિયાનો બોજ પડશે.

આ પૅકેજનો સૌથી પ્રશંસાપાત્ર ભાગ એ છે કે સરકાર ૩૫૦૦ કરોડ રૂપિયાના ખર્ચે ૮ કરોડ જેટલા પરપ્રાંતમાં કામ કરીને રોજીરોટી રળનારને તેઓ જે પણ રાજ્યમાં હોય ત્યાં બે મહિના માટે રૅશનકાર્ડ સિવાય પણ મફત અનાજ પૂરું પાડશે. ૫૦,૦૦૦ રૂપિયાથી ઓછી મુદ્રા લોન પર વ્યાજની સહાય પેટે સરકારે ૧૫૦૦ કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે તથા ૫૦૦૦ કરોડ રૂપિયા મધ્યમ વર્ગને ઘર ખરીદવા માટે તેમને મળતા ધિરાણ પરની સબસિડી માટે ૨૦૨૦-૨૧ માટે ફાળવ્યા છે. ઑગસ્ટ ૨૦૨૦ સુધીમાં વન નેશન વન રૅશનકાર્ડની સ્કીમનો પણ અમલ શરૂ કરવાનું નક્કી કર્યું છે, જેને કારણે ભારતીય નાગરિક તેના કામધંધા માટે શહેર કે રાજ્ય બદલે તો પણ તેના કાયમી રૅશનકાર્ડ પર તેને રૅશનિંગમાં સસ્તા ભાવે અનાજ મળી રહે. આ સુધારાને લાંબા ગાળાનો આર્થિક સુધારો ગણી શકાય.

એક અંદાજ પ્રમાણે ૧૦ લાખથી વધુ પ્રવાસી કામદારો ૮૦૦ જેટલી શ્રમિક ટ્રેનો દ્વારા વતન પરત ફર્યા છે. તો પણ બાકીના પરપ્રાંતમાં વસવાનું ચાલુ રાખનાર સ્ટ્રીટ વેન્ડર્સ કે અન્ય કામદારોને આ પૅકેજનો મોટો લાભ મળશે.

૨૦ લાખ કરોડની રાહતનું ‘આત્મનિર્ભર ભારત અભિયાન’ પૅકેજ આવકાર્ય છે. જો કે ચીજવસ્તુઓની માગ ઊભી કરવા સંબંધે આ પૅકેજ ઊણું ઊતરે છે. એક અંદાજ પ્રમાણે લૉકડાઉનના આ સમયમાં ૧૮ લાખ કરોડ રૂપિયાનું આર્થિક નુકસાન થયું હોઈ શકે. કોરોના અને લૉકડાઉને જે આર્થિક કટોકટી ઊભી કરી છે તેને સીમિત કરવા માટે ૧૯૯૧ના આર્થિક સુધારાઓ જેવો માહોલ ઊભો થવો જરૂરી છે.

પૅકેજમાં સરકારનો ભાર બૅન્કો અને અન્ય નાણાકીય સંસ્થાઓ દ્વારા ધિરાણને પ્રોત્સાહન અને ટેકો મળે તેવાં પગલાં પર સીધી નાણાકીય સહાય આપવાની સરખામણીએ વધુ છે. સૌથી અગત્યની વાત આ પૅકેજની સમયમર્યાદા ગણાય. તે અસરકારક નીવડવાનો આધાર આવી ટાઇમલાઇન પર છે.

આપણું અર્થતંત્ર આઇસીયુમાંથી બહાર આવે અને વિશ્વબજારમાં તેની હરીફશક્તિ વધે તે માટે જમીન, શ્રમિકો, મૂડીરોકાણને લગતા કાયદાના સુધારા પર ભાર આપવાની વાત આવકાર્ય છે.

મોદી સરકારના વિઝનમાં આત્મનિર્ભર ભારતના નિર્માણથી આગળ વધીને વિશ્વના કલ્યાણ (વસુધૈવ કુટુંબકમ્)ની વાત પણ છે. Y2K જેવી આંતરરાષ્ટ્રીય ક્રાઇસીસ હોય કે કચ્છના ધરતીકંપ જેવી રાષ્ટ્રીય ક્રાઇસીસ હોય, ભારતે હંમેશાં નેતૃત્વ પૂરું પાડ્યું છે. આ સમયે પણ ભારત વિશ્વને નેતૃત્વ પૂરું પાડી આપત્તિને અવસરમાં ફેરવશે એવો આત્મવિશ્વાસ જગાડવાનો પ્રયાસ વડા પ્રધાને કર્યો છે.

ભારતમાં પીપીઈનું ઉત્પાદન કોરોના ક્રાઇસીસ પહેલાં બિલકુલ નહોતું. ટૂંક સમયમાં આજે દેશ બે લાખ પીપીઈ અને બે લાખ માસ્કનું ઉત્પાદન રોજનું કરે છે. વડા પ્રધાને આ વાત કરીને દેશવાસીઓને ‘વી કેન ડુ ઇટ’ અને વી વીલ ડુ ઇટ માટે તૈયાર કરવાનો પ્રયાસ કર્યો છે. આ વરસ (૨૦૨૦) જીવી જવાનું વરસ છે. નફા નુકસાનની ગણતરીનું નહીં. એ વિચાર પ્રજાજનોમાં દૃઢ બનશે તો સહિયારા પ્રયાસોનું સારું પરિણામ આવશે, જે નિશ્ચિત છે. ભારતનું ભાવિ ઊજળું છે.

(લેખક ઇન્ડિયન મર્ચન્ટ‍્સ ચેમ્બરના ભૂતપૂર્વ ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ છે)

Whatsapp-channel Whatsapp-channel

18 May, 2020 12:02 PM IST | Mumbai | Jitendra Sanghvi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK