Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > જૂન ક્વૉર્ટરમાં આર્થિક વિકાસના દરમાં 40 વર્ષનો પહેલો ઘટાડો

જૂન ક્વૉર્ટરમાં આર્થિક વિકાસના દરમાં 40 વર્ષનો પહેલો ઘટાડો

07 September, 2020 09:32 AM IST | Mumbai
Jitendra Sanghavi

જૂન ક્વૉર્ટરમાં આર્થિક વિકાસના દરમાં 40 વર્ષનો પહેલો ઘટાડો

ઈકોનૉમી

ઈકોનૉમી


સદીઓમાં ન જોઈ હોય એવી કોરોનાની અભૂતપૂર્વ મહામારીએ અર્થતંત્રને અતિ ભયંકર નુકસાન પહોંચાડ્યું છે એ વાત વિવાદથી પર હતી. જુદી જુદી એજન્સીઓ આ અંગે જુદા જુદા આંકડાઓ મૂકતી હતી. તે મુજબ ફિસ્કલ ૨૧ના પ્રથમ ક્વૉર્ટર (એપ્રિલ-જૂન)માં આર્થિક વિકાસના દરમાં ૧૪થી ૨૬ ટકા ઘટાડાની શક્યતા હતી. ગયે અઠવાડિયે સરકારી આંકડાઓ અનુસાર આ ઘટાડો ૨૪ ટકાનો થયો છે એટલે એ વિશે કરાતી અટકળોનો હવે અંત આવ્યો છે.

છેલ્લા છએક મહિનાથી કોવિડ-19ને લઈને ચારે તરફ નિરાશા-માત્ર નિરાશા અને ભવિષ્યની અનિશ્ચિતતાને લઈને નેગેટિવિટીનું વાતાવરણ છે ત્યારે પ્રથમ આશાનો સંચાર કરતા ઑગસ્ટ મહિનાની રિકવરીના આંકડાઓની વાત કરવી ઉચિત ગણાશે.



માર્કેટ ઇન્ડિયા મૅન્યુફૅક્ચરિંગ ક્ષેત્રના પરચેઝિંગ મેનેજર્સ (પીએમઆઇ)માં સળંગ ચાર મહિનાના ઘટાડા પછી ઇન્ડેક્સમાં ઑગસ્ટ મહિને વધારો થયો છે. ઑગસ્ટ મહિનાનો બાવનનો ઇન્ડેક્સ (જુલાઈ મહિનાનો ૪૬) અર્થતંત્રના વિસ્તરણનું સૂચન કરે છે. ૫૦થી નીચેનો આંક મૅન્યુફૅક્ચરિંગ ક્ષેત્રનું સંકોચન દર્શાવે છે. મૅન્યુફૅકચરિંગ ક્ષેત્રનું ઉત્પાદન અને નવા ઓર્ડરોમાં ફેબ્રુઆરી પછીનો સૌથી મોટો વધારો જોવા મળે છે. એટલે ઑગસ્ટ માસના ઔદ્યોગિક ઉત્પાદનના આંકમાં આનો પડઘો પડશે.


ઑગસ્ટ મહિને અર્થતંત્રની રિકવરી મજબૂત થઈ રહી હોવાનો બીજો પુરાવો જીએસટીના આંકડાઓમાં મળે છે. જીએસટીની લગભગ ૮૬,૫૦૦ કરોડની આવક (જુલાઈ કરતાં લગભગ ૧૦૦૦ કરોડ રૂપિયા ઓછી) ઑગસ્ટ ૨૦૧૯ની આવકના ૮૮ ટકા (જુલાઈ મહિને ૮૬ ટકા) જેટલી હતી. જીએસટીની ઑગસ્ટની ડોમેસ્ટિક એક્ટિવિટીની આવક તો આગલા વર્ષના ૯૨ ટકા જેટલી હતી. જ્યારે આયાત ઓછી થઈ હોવાને કારણે આયાત પરની જીએસટીની આવક ૭૭ ટકા હતી. એપ્રિલ-જૂનના આર્થિક વિકાસના ૨૪ ટકાના ઘટાડા પછી ઑગસ્ટના આ આંકડા નવો ઉત્સાહ પ્રેરે તેવા છે. કદાચ આવતા એક-બે મહિનામાં જીએટી કલેક્શન ગયા વર્ષના કોરસપોન્ડિંગ મહિના જેટલું (સપ્ટેમ્બર ૨૦૨૦માં સપ્ટેમ્બર ૨૦૧૯ જેટલું) થઈ જાય તો નવાઈ નહીં.

ઑગસ્ટ મહિને પેટ્રોલની માગ પણ વધીને ઑગસ્ટ ૨૦૧૯ના ૯૨ ટકા જેટલી થઈ છે. જુલાઈ ૨૦૨૦ કરતાં પણ આ માગમાં છ ટકાનો વધારો થયો છે. જોકે ડીઝલની માગમાં જુલાઈ-૨૦૨૦ કરતાં ૧૪ ટકાનો ઘટાડો થયો છે, જે અતિવૃષ્ટિને કારણે રાજ્યના સ્તરના સ્થાનિક લૉકડાઉનને કારણે તથા કમર્શિયલ વેહિકલના ઓછા વેચાણને કારણે ખેતી ક્ષેત્રની અને ટ્રાન્સપોર્ટ ક્ષેત્રની ઘટેલી માગને આભારી છે.


કોર સેક્ટર (કોલ, ક્રૂડ ઑઇલ, નેચરલ ગૅસ, રિફાઇનરી પ્રોડક્ટ, ફર્ટિલાઇઝર, સ્ટીલ, સિમેન્ટ અને ઇલેક્ટ્રિસિટી) ઇન્ડેક્સ જુલાઈ મહિને - સતત પાંચમા મહિને ઘટ્યો છે. ૯.૬ ટકાનો ઘટાડો જૂન મહિનાના ૧૨.૯ ટકાના ઘટાડા કરતાં ઓછો છે (જુલાઈ ૨૦૧૯માં કોર સેક્ટર ઇન્ડેક્સમાં ૨.૬ ટકાનો વધારો થયો હતો).

જૂન મહિનાના કોર સેક્ટર ઇન્ડેક્સ કરતાં જુલાઈ મહિનાના ઇન્ડેક્સમાં થોડો સુધારો થયો હોવાથી તે મહિનાના ઔદ્યોગિક ઉત્પાદનના આંકમાં સુધારાની અપેક્ષા રાખી શકાય. ઑગસ્ટ મહિને મૅન્યુફેકચરિંગ ક્ષેત્રનો પીએમઆઇ સુધર્યો હોય તે મહિને કોર સેક્ટરનો તેમ જ ઔદ્યોગિક ઉત્પાદનનો આંક પણ સુધરવાનો. ટૂંકમાં એપ્રિલ-જૂનના ૨૦૨૦ના આર્થિક વિકાસના દરના ડિઝાસ્ટર પછી જુલાઈ-સપ્ટેમ્બરનો દેખાવ સારો રહેવો જોઈએ, પરંતુ આ વિધાન બિનશરતી ન કરી શકાય. જુલાઈ-સપ્ટેમ્બર ક્વૉર્ટરના પહેલા બે મહિના (જુલાઈ-ઑગસ્ટ)માં કોવિડ-19નો કેર વધ્યો છે. સપ્ટેમ્બર મહિને આ મહામારી કેવો ટર્ન લેશે તેને આધારે આર્થિક વિકાસની ગતિનો દર નક્કી થશે.

ઑગસ્ટ મહિનામાં સમગ્ર દેશમાં નોર્મલ કરતાં ૨૭ ટકા વધુ વરસાદ થયો છે. પરિણામે છેલ્લા ૩૨ વર્ષમાં ઑગસ્ટ મહિના માટે આ વરસાદ સૌથી વધુ છે. પરિણામે ચોમાસામાં અત્યાર સુધી લાંબા ગાળાની એવરેજથી ૧૦ ટકા વધુ છે.

મુંબઈ શહેરનો ઑગસ્ટ માસનો વરસાદ છેલ્લા ૬૨ વરસનો (૧૯૫૮ પછીનો) સૌથી વધુ છે. નોર્મલ કરતાં થયેલ વધુ વરસાદના બે ફાયદા છે. (૧) રવિ (શિયાળુ) પાક સારો થશે અને (૨) મુંબઈ જેવા મહાનગરનું પાણીનું સંકટ ટળી જશે. નર્મદા ડૅમમાં પાણીની સારી આવકે ગુજરાતમાં પણ પાણીની અછતનો પ્રશ્ન હળવો થઈ જશે. સ્ટૉક માર્કેટના સારા દેખાવને કારણે કંપનીઓના પબ્લિક ઇશ્યુઓના ભરણાની જાહેરાતો પણ થવા માંડી છે.

૨૦૨૦માં ત્રાહિમામ પોકારી ઊઠેલા આપણે સૌ ચાલુ વર્ષની વિદાયની રાહ જોઈ રહ્યા છીએ એવા અરમાન સાથે કે ૨૦૨૧નું વર્ષ નવી આશાઓ લઈને આવે. આમ પણ સપ્ટેમ્બરથી શરૂ થતાં વર્ષના છેલ્લા ચાર મહિના (હકીકતમાં ઑગસ્ટ મહિના જ)માં નવરાત્રી, દશેરા, દિવાળી, નાતાલ જેવા અનેક ઉત્સવો પણ આવતા હોય છે. જેમાં નોકરિયાત વર્ગને દિવાળીનું બોનસ મળતાં અને કૃષિ ક્ષેત્રે પાક સારો થતાં કિસાનોની અને તેની સાથે સંકળાયેલ નાના-મોટા ઉદ્યોગોની કમાણી વધતાં અર્થતંત્રમાં માગ વધતી જોવા મળે છે.

ઑગસ્ટ મહિનામાં વીજળીનો વપરાશ ઑગસ્ટ ૨૦૧૯ની લગોલગ (માત્ર એક ટકા જેટલો ઓછો) રહ્યો છે. તો રેલવે દ્વારા કરાતી માલસામાનની હેરફેર આ વર્ષે ઑગસ્ટમાં ગયા વર્ષની સરખામણીએ લગભગ ચાર ટકા જેટલી વધુ થઈ છે જે વધતી જતી આર્થિક પ્રવૃત્તિઓનો નિર્દેશ કરે છે. ઑગસ્ટ ૨૦૨૦માં ઇશ્યુ કરાયેલ ઈ-વે બિલ (જે રાજ્યના એક પ્રાંતમાંથી બીજા પ્રાતમાં કે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં માલસામાનની હેરફેરનો નિર્દેશ કરે છે) લગભગ ઑગસ્ટ ૨૦૧૯માં ઇશ્યુ થયેલ ઈ-વે બિલ જેટલા જ હતા. જે વેપારની એક્ટિવિટી શરૂ થઈ રહ્યાનું જ નહીં પણ વધી રહ્યાનું સૂચવે છે. આ બિલો એપ્રિલ, મે, જૂન અને જુલાઈમાં અનુક્રમે કોવિડ-19 પહેલાંનાં બિલોના ૧૬ ટકા, ૪૬ ટકા, ૭૯ ટકા ને ૮૮ ટકા જેટલા હતા.

ગૂગલ મોબિલિટી ઇન્ડેક્સ (જે નોકરીના સ્થળોએ, બગીચાઓ, છૂટક વેપારીઓને ત્યાં અને ટ્રાન્સપોર્ટ હબમાં લોકોની અવરજવરનું માપ રાખે છે)માં ઑગસ્ટની ૨૮ ફેબ્રુઆરીની સરખામણીએ બે ટકાનો વધારો થયો છે.

હવે એપ્રિલ-જૂન ક્વૉર્ટરના આર્થિક વિકાસના દરના ૨૪ ટકાના ઘટાડાની વાત કરીએ તો એપ્રિલ-મેના સખત લૉકડાઉનને કારણે આ મહિનાઓ દરમ્યાન માહિતી ભેગી કરીને તેનું ગઠન કરવાનો એક મોટો પડકાર સરકાર સામે હતો, જે આ ક્વૉર્ટરના આંકડાઓની વિશ્વસનિયતા સામે પ્રશ્ન ઊભો કરે છે.

સરકાર અનેક આર્થિક મેક્રોઇકૉનૉમિક પેરામીટર્સ તપાસે છે તેમાં જથ્થાબંધ ભાવાંક એક અગત્યનો પેરામીટર છે. છેલ્લા થોડા મહિના માટેનો જથ્થાબંધ ભાવાંકનો ઘટાડો માગમાં જોઈએ તેવો વધારો હજી નહીં થયાનો અને તેને કારણે ઉત્પાદકોની ભાવ વધારવા માટેની અશક્તિ દર્શાવે છે.

જૂન ક્વૉર્ટરમાં મૅન્યુફૅક્ચરિંગ (૩૯ ટકા), બાંધકામ (૫૦ ટકા) અને વેપાર ક્ષેત્રે (૪૭ ટકા) જીડીપીમાં ઘટાડો થયો છે. માત્ર આ ક્વૉર્ટરમાં કૃષિ ક્ષેત્રે જીડીપીમાં ૩.૪ ટકાના દરે વધારો થયો છે. કૃષિ ક્ષેત્રના આ વધારાઅે આપણા આર્થિક વિકાસના દરને ૨૪ ટકાના ઘટાડા સુધી સીમિત કર્યો છે.

માગની સાઇડથી જોવામાં આવે તો ખાનગી વપરાશ ખર્ચમાં ૨૭ ટકાનો અને ખાનગી મૂડીરોકાણમાં ૧૬ ટકાનો ઘટાડો થયો છે. જૂન ક્વૉર્ટરનો ૨૪ ટકાનો જીડીપીનો ઘટાડો છેલ્લા લગભગ ૪૦ વર્ષનો પહેલો ઘટાડો છે. અસંગઠિત ક્ષેત્રના આંકડા તાત્કાલિક ઉપલબ્ધ હોતા નથી એટલે આપણે ત્યાં સંગઠિત ક્ષેત્રના આંકડા અસંગઠિત ક્ષેત્રના આંકડાની અવેજીમાં (પ્રોક્સી તરીકે) વપરાય છે. દેશની પરિસ્થિતિ નોર્મલ હોય ત્યારે આ પદ્ધતિ સ્વીકાર્ય બને છે. એનું કારણ એ કે સંગઠિત અને અસંગઠિત ક્ષેત્રે થતા ફેરફારનો પ્રવાહ (દિશા) અને વિસ્તાર (એક્સટેન્ટ) બહુ જુદા હોતા નથી, પણ હાલની મહામારીના સંદર્ભમાં એમ જણાય છે કે અસંગઠિત ક્ષેત્રને સંગઠિત ક્ષેત્ર કરતાં વધુ પ્રબળ અસર થઈ છે. એટલે સંગઠિત ક્ષેત્રના આંકડાનો તેની અવેજીમાં ઉપયોગ કરવો ઉચિત ન ગણાય. અસંગઠિત ક્ષેત્રના આંકડા છ-આઠ મહિના પછી ઉપલબ્ધ થાય ત્યારે દેશના જીડીપીના આંકડાઓમાં (આર્થિક વિકાસના દરમાં) ફેરફાર થવાનો. ઉપર દર્શાવેલ પરિસ્થિતિને કારણે જૂન ક્વૉર્ટરના આર્થિક વિકાસનો દર રિવાયઝ કરાય ત્યારે તે ઘટાડો હાલના ૨૪ ટકાથી વધુ પણ હોઈ શકે. એ સંજોગોમાં ફિસ્કલ ૨૧ના બાકીના ત્રણ ક્વૉર્ટરમાં આર્થિક રિકવરી શરૂ થવા બાબતે પ્રવર્તતી અનિશ્ચિતતા થોડાઘણા મેક્રો ઇકૉનૉમિક પેરામીટર્સમાં ઑગસ્ટ મહિને સુધારો જણાતો હોવા છતાં નકારી શકાય તેમ નથી.

કારખાનાઓ તથા ઑફિસો ખૂલવા માંડ્યાં છે. બાંધકામ ક્ષેત્રે પણ થોડી ચહલ-પહલ દેખાય છે, પણ તે માટે જરૂરી મટિરિયલ અને મૅન પાવર પૂરતા પ્રમાણમાં ક્યારે ઉપલબ્ધ થશે તે એક મોટો પ્રશ્ન છે.

આર્થિક મોરચા સાથે સરકારે કોવિડ-19ના ઝડપી ફેલાવાને અટકાવીને આરોગ્ય મોરચો પણ સંભાળવાનો છે. આ બન્નેમાંથી એકને પણ ગૌણ કરીને બીજાને પ્રાધાન્ય આપી શકાય તેમ નથી.

સરકારની બધી યોજનાઓ ફિસ્કલ ૨૦૨૧ના છેલ્લાં ત્રણ ક્વૉર્ટર નબળાં રહેવાના હોઈ તેના આધારે જ કરાવી જોઈએ જેથી હાલની નબળી માગ અને મૂડીરોકાણના પ્રશ્નો વધુ ઉગ્ર ન બને. વધારાના સ્ટિમ્યુલસ પૅકેજ દ્વારા નાગરિકોના હાથમાં નાણાં મૂકવાની કિંમત તો દેશે ચૂકવવી જ પડશે. ફિસ્કલ ૨૧ના પ્રથમ ૪ મહિનામાં કેન્દ્ર સરકારની ફિસ્કલ ડેફિસિટ આખા વર્ષની ડેફિસિટના ૧૦૩ ટકા (ગયા વર્ષે આ સમયમાં ૭૭ ટકા) થઈ છે. સરકારની આવક ઘટી અને ખર્ચ વધ્યો એને કારણે ફિસ્કલ ડેફિસિટ તો વધી જ.

ભાવવધારાને ધ્યાનમાં રાખી રિઝર્વ બૅન્કે ગયા મહિનાની મોનિટરી પૉલિસી વખતે પૉલિસી રેટ્સ ઘટાડ્યા નહોતા. હવે જૂન ક્વૉર્ટરના જીડીપીના ઐતિહાસિક ઘટાડા પછી રિઝર્વ બૅન્ક વ્યાજના દર માટે કેવું વલણ લે છે તે જોવું રહ્યું.

કોવિડ-19ના વધતા જતા ગ્રાફને મોનિટર કરવાનું છોડીને પ્રજાએ સંપૂર્ણપણે સુરક્ષિત રહેવા સાથે અર્થતંત્રને બેઠું કરવામાં સરકારની મદદ કરવી જોઈએ.

Whatsapp-channel Whatsapp-channel

07 September, 2020 09:32 AM IST | Mumbai | Jitendra Sanghavi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK