Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > શૅર બજાર: 667 પૉઇન્ટના ઉતાર-ચડાવ બાદ સેન્સેક્સ ફ્લૅટ બંધ રહ્યો

શૅર બજાર: 667 પૉઇન્ટના ઉતાર-ચડાવ બાદ સેન્સેક્સ ફ્લૅટ બંધ રહ્યો

24 February, 2021 09:16 AM IST | Mumbai
Stock Talk

શૅર બજાર: 667 પૉઇન્ટના ઉતાર-ચડાવ બાદ સેન્સેક્સ ફ્લૅટ બંધ રહ્યો

બીએસઈ

બીએસઈ


સતત પાંચ સત્રમાં બજારમાં કન્સોલિડેશન ચાલ્યા બાદ સુધારો શરૂ થયાનાં ચિહ્‍નો મંગળવારે ટ્રેડિંગની શરૂઆતમાં દેખાયાં હતાં, પરંતુ હજી વૈશ્વિક અને સ્થાનિક પરિબળો સાનુકૂળ થયાં ન હોવાથી આખરે ઇન્ડેક્સ ફ્લૅટ બંધ રહ્યા હતા. અમેરિકન અને યુરોપિયન બજારમાં નરમાશ રહેવા ઉપરાંત એશિયન બજારોમાં મિશ્ર વલણ રહ્યું, જેની અસર ભારતમાં પણ પડી હતી.

નોંધનીય છે કે વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ) સતત બીજા દિવસે વેચવાલ રહ્યા હતા. સોમવારની ૮૯૩ કરોડની નેટ વેચવાલી બાદ તેમણે મંગળવારે ૧૫૬૯.૦૪ કરોડ રૂપિયાનું નેટ વેચાણ કર્યું હતું. બૉન્ડની વધી રહેલી ઊપજને પગલે ઇક્વિટીમાંથી રોકાણ કાઢી લેવાનું વલણ દેખાઈ રહ્યું છે.



દિવસના પ્રારંભે એસઍન્ડપી બીએસઈ સેન્સેક્સ ૫૦,૦૦૦ની નજીક ખૂલીને એક તબક્કે ૫૦,૩૨૭.૩૧ સુધી ગયો હતો, પરંતુ ત્યાર બાદ પ્રૉફિટ-બુકિંગનો દોર ચાલુ રહ્યો હતો. દિવસ દરમ્યાન નીચામાં આંક ૪૯,૬૫૯.૮૫ પહોંચ્યો હતો. આખરે એમાં માત્ર ૭.૦૯ પૉઇન્ટની વૃદ્ધિ થઈ હતી અને બંધ આંક ૪૯,૭૫૧.૪૧ રહ્યો હતો. આ જ રીતે નિફ્ટી પણ ફ્લૅટ રહેતાં એમાં ૩૨.૧૦ પૉઇન્ટનો સુધારો આવીને બંધ આંક ૧૪,૭૦૭.૮૦ રહ્યો હતો.


મિડ કૅપ અને સ્મૉલ કૅપમાં વૃદ્ધિ

મુખ્ય ઇન્ડેક્સની તુલનાએ મિડ કૅપમાં નોંધનીય રીતે ઉછાળો આવતાં નિફ્ટી મિડ કૅપ ૫૦ ઇન્ડેક્સ ૯૭.૧૦ પૉઇન્ટ (૧.૪૬ ટકા) વધીને ૬૭૬૨.૯૫ બંધ રહ્યો હતો. નિફ્ટી સ્મૉલ કૅપ ૫૦ ઇન્ડેક્સમાં ૦.૯૩ ટકાનો વધારો થયો હતો. બીએસઈ પર એસઍન્ડપી બીએસઈ ૧૫૦ મિડ કૅપ ઇન્ડેક્સ ૦.૮૯ ટકાની વૃદ્ધિ સાથે બંધ રહ્યો હતો.


મેટલ ઇન્ડેક્સમાં ૩.૮૯ ટકાની વૃદ્ધિ

સેક્ટોરલ ઇન્ડેક્સમાંથી નિફ્ટી મેટલ સૌથી વધુ (૩.૮૯ ટકા) વધ્યો હતો. ત્યાર બાદ રિયલ્ટી (૨.૭૦)નો ક્રમ હતો. નિફ્ટી ઑટો (૦.૭૭ ટકા), નિફ્ટી એફએમસીજી (૦.૪૧ ટકા), નિફ્ટી આઇટી (૦.૧૭ ટકા)માં પણ સુધારો જોવા મળ્યો હતો.

તાતા સ્ટીલમાં ૭.૨૩ ટકાનો વધારો

સેન્સેક્સમાં ટોચના વધેલા શૅરોમાં ઓએનજીસી (૫.૫૫ ટકા), ઇન્ડસઇન્ડ બૅન્ક (૨.૬૫ ટકા) અને લાર્સન ઍન્ડ ટૂબ્રો (૨.૩૫ ટકા), જ્યારે ઘટેલામાં કોટક બૅન્ક (૩.૮૭ ટકા), મારુતિ (૧.૬૬ ટકા) અને બજાજ ઑટો (૧.૩૬ ટકા) સામેલ હતા. એકંદરે સેન્સેક્સના ૨૦ સ્ટૉક્સ વધ્યા હતા અને ૧૦ ઘટ્યા હતા. આ જ રીતે નિફ્ટી ૫૦માંથી ૩૩ સ્ટૉક્સમાં વધારો અને ૧૭માં ઘટાડો થયો હતો. નિફ્ટીના વધેલા સ્ટૉક્સમાં તાતા સ્ટીલ (૭.૨૩ ટકા), તાતા મોટર્સ (૬.૬૦ ટકા), હિન્દાલ્કો (૫.૭૩ ટકા) અને યુપીએલ (૪.૮૪ ટકા) સામેલ હતા. અદાણી પોર્ટ્સ (૧.૭૫ ટકા) અને ડિવિઝ લૅબ (૧.૪૮ ટકા) મુખ્ય ઘટેલા સ્ટૉક્સ હતા.

બીએસઈનું માર્કેટ કૅપ ૧.૧૩ લાખ કરોડ રૂપિયા વધ્યું

ઇન્ડેક્સમાં ભલે નોંધપાત્ર વૃદ્ધિ થઈ નહોતી, પરંતુ એના સિવાયના સ્ટૉક્સમાં ખરીદારીને પગલે ભાવ વધતાં મંગળવારે બીએસઈના માર્કેટ કૅપમાં ૧.૧૩ લાખ કરોડની વૃદ્ધિ થઈ હતી અને બંધ આંક ૨૦૧.૩૯ લાખ કરોડ રૂપિયા રહ્યો હતો, જે સોમવારના અંતે ૨૦૦.૨૬ લાખ કરોડ રૂપિયા હતો. બીએસઈના સેક્ટરલ ઇન્ડેક્સમાંથી બેઝિક મટીરિયલ્સ ૨.૧૬ ટકા, જ્યારે સીડીજીએસ ૦.૫૬ ટકા, એનર્જી ૧.૧૧ ટકા, એફએમસીજી ૦.૩૮ ટકા, હેલ્થકૅર ૦.૧૭ ટકા, ઇન્ડસ્ટ્રિયલ્સ ૧.૮૩ ટકા, આઇટી ૦.૨૦ ટકા, યુટિલિટીઝ ૦.૪૦ ટકા, ઑટો ૦.૭૧ ટકા, કૅપિટલ ગુડ્સ બે ટકા, કન્ઝ્‍યુમર ડ્યુરેબલ્સ ૧.૧૬ ટકા, મેટલ ૩.૭૧ ટકા, ઑઇલ ઍન્ડ ગૅસ ૨.૦૨ ટકા, પાવર ૧.૩૦ ટકા, રિયલ્ટી ૨.૮૯ ટકા અને ટેક ૦.૦૯ ટકા વધ્યા હતા, જ્યારે ફાઇનૅન્સ ૦.૩૦ ટકા, ટેલિકૉમ ૦.૨૦ ટકા અને બૅન્કેક્સ ૦.૫૪ ટકા ઘટ્યા હતા.

ડેરિવેટિવ્ઝ રિપોર્ટ

બીએસઈના ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં મંગળવારે કુલ ૩,૧૫,૬૮૨.૦૭ કરોડ રૂપિયાનું ટર્નઓવર થયું હતું. કુલ ૭૪,૬૮૬ સોદાઓમાં ૨૭,૪૪,૭૨૨ કૉન્ટ્રૅક્ટનાં કામકાજ થયાં હતાં. કુલ ૩૨,૬૩,૯૮૨ કૉન્ટ્રૅક્ટ્સના ઓપન ઇન્ટરેસ્ટ રહ્યા હતા. ઇન્ડેક્સ ફ્યુચર્સ કૉન્ટ્રૅક્ટ્સમાં ૮.૭૯ કરોડ રૂપિયાના ૪૩ સોદામાં ૭૬ કૉન્ટ્રૅક્ટ્સનાં કામકાજ થયાં હતાં. ઇન્ડેક્સ કૉલ ઑપ્શનના ટ્રેડ થયેલા ૪૨,૩૦૨ સોદામાં ૧૫,૦૨,૦૦૭ કૉન્ટ્રૅક્ટ સાથે ૧,૮૯,૬૫૮.૧૦ કરોડ રૂપિયાનાં કામકાજ થયાં હતાં. ઇન્ડેક્સ પુટ ઑપ્શનના ટ્રેડ ૩૨,૩૪૧ સોદામાં ૧૨,૪૨,૬૩૯ કૉન્ટ્રૅક્ટ સાથે ૧,૨૬,૦૧૫.૧૯ કરોડ રૂપિયાનાં કામકાજ થયાં હતાં.

ટેક્નિકલ દૃષ્ટિએ

નિફ્ટીમાં ૧૪,૬૩૦ અને સેન્સેક્સમાં ૪૯,૬૦૦ની સપાટી તૂટે તો બજાર વધુ નીચે જઈને ૧૪,૫૩૦-૪૯,૩૦૦ થઈ શકે છે. ઉપરમાં ૧૪,૮૫૦-૫૦,૩૫૦ની સપાટી મહત્ત્વપૂર્ણ છે. ત્યાર બાદનું રેઝિસ્ટન્સ ૧૪,૯૫૦-૫૦,૭૫૦ની સપાટીએ છે. ટેક્નિકલી ઇન્ડેક્સ ૨૧ દિવસની મૂવિંગ ઍવરેજની નીચે ટ્રેડ થયો હોવાથી નજીકના ગાળામાં નરમાશ રહેવાની શક્યતા છે.

વિદેશી બજારો

નૅસ્ડૅકના ઘટાડા ઉપરાંત યુરોપમાં એફટીએસઈમાં મામૂલી ઘટાડો થયો હતો અને એશિયામાં નિક્કી ૨૨૫ તથા હૅન્ગસેન્ગમાં વૃદ્ધિ થઈ હતી. એશિયન બજારો બે સપ્તાહની નીચલી સપાટીએથી વધવા લાગ્યા છે.

બજાર કેવું રહેશે?

ટેક્નિકલ નિષ્ણાતોનું કહેવું છે કે મિડલ બોલિંજર બૅન્ડ રચાવાને કારણે શક્ય છે કે બુધવારે બજાર ઘટીને ખૂલે. બૉન્ડની ઊપજ અને કોરોનાના કેસની વધતી સંખ્યા એ બન્ને નકારાત્મક પરિબળો બજાર પર હાલમાં અસર કરતા રહેવાની ધારણા છે.

Whatsapp-channel Whatsapp-channel

24 February, 2021 09:16 AM IST | Mumbai | Stock Talk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK