Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > કોરોના વિસ્તરે છે, અર્થતંત્ર ડગમગે છે, તેમ છતાં માર્કેટ વધે છે!

કોરોના વિસ્તરે છે, અર્થતંત્ર ડગમગે છે, તેમ છતાં માર્કેટ વધે છે!

21 September, 2020 10:37 AM IST | Mumbai
Jayesh Chitalia

કોરોના વિસ્તરે છે, અર્થતંત્ર ડગમગે છે, તેમ છતાં માર્કેટ વધે છે!

શૅર બજાર

શૅર બજાર


ગયા સપ્તાહની શરૂઆત ઝિગઝેગ થઈ હતી. શરૂમાં ઊંચે ગયા બાદ માર્કેટ  પાછું ફરતું જઈ અંતમાં સાધારણ માઇનસ બંધ રહ્યું હતું. સેન્સેક્સ ૯૭ પૉઇન્ટ અને નિફ્ટી ૨૪ પૉઇન્ટ નીચે ઊતરી અનુક્રમે ૩૮૭૫૬ અને ૧૧૪૪૦ રહ્યા હતા. જોકે સોમવારે લાર્જ કૅપ સ્ટૉક્સ ભલે નીચે ગયા, પરંતુ સ્મૉલ કૅપ તેમ જ મિડ કૅપ શૅરો વધ્યા હતા. આમ થવામાં નિયમન સંસ્થા સેબીનો ફાળો હોવાનું નોંધાયું  હતું. મ્યુચ્યુઅલ ફન્ડની મલ્ટિકૅપ સ્કીમ માટે સેબીએ સ્મૉલ કૅપ, મિડ કૅપ અને લાર્જ કૅપ સ્ટૉક્સની ખરીદીના નવા નિયમ જાહેર કરવાના પરિણામે આમ થયું હતું. નોંધનીય બાબત એ હતી કે માર્કેટ ઘટવા છતાં માર્કેટ કૅપમાં સવા લાખ કરોડ રૂપિયા જેટલો વધારો થયો હતો.

સેન્સેક્સ ૩૯૦૦૦ને પાર



કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ફલેશન ઑગસ્ટમાં ૬.૬૯ ટકા રહ્યો હતો, જે રિઝર્વ બૅન્કની ધારણા કરતાં ઊંચો હતો. કોરોનાના સંક્રમણને કારણે સપ્લાય ચેઇન પર અસર થતા ફૂડ પ્રાઇસ વધવાથી આમ થયું હતું. જોકે હોલસેલ પ્રાઇસ ઇન્ડેકસ છેલ્લા પાંચ મહિનામાં સાધારણ વધ્યો હતો. મંગળવારે ફરી વધઘટ સાથે ચાલેલું બજાર વિદેશી સંસ્થાકીય રોકાણકારોની સતત લેવાલી તેમ જ ગ્લોબલ પૉઝિટિવ સેન્ટિમેન્ટને લીધે સેન્સેક્સ ૨૮૭ પૉઇન્ટ વધીને ૩૯૦૦૦ને પાર કરી ગયો હતો. નિફ્ટી ૮૧ પૉઇન્ટ પ્લસ થઈ ૧૧૫૦૦ને પાર કરી ગયો હતો. મંગળવારે પણ સેબીની મહેરબાનીથી સ્મૉલ અને મિડ કૅપ સ્ટૉક્સ વધ્યા હતા. ચીનના ડેટા સારા આવતા તેમ જ વેક્સિનની  આશાએ  વર્લ્ડ માર્કેટમાં કરન્ટ હતો. બુધવારે માર્કેટ ટ્રૅન્ડ બુલિશ રહ્યું હતું.  વધઘટ સાથે સેન્સેક્સ ૨૫૮ પૉઇન્ટ વધીને અને નિફ્ટી ૮૨ પૉઇન્ટ વધીને બંધ રહ્યો હતો. સેબી કૃપાથી સ્મૉલ અને મિડ કૅપ સ્ટૉકસે વધવાની હેટટ્રિક નોંધાવી હતી. વિદેશી રોકાણકારોની ખરીદી પણ ચાલુ હતી. જોકે સ્થાનિક ફન્ડસ વેચવાલ હતા.


રિઝર્વ બૅન્કની ધીમી આશા

દરમ્યાન રિઝર્વ બૅન્કના ગવર્નર શક્તિકાંત દાસે અર્થતંત્રના પુનરુત્થાન માટે ઊંચો આશાવાદ વ્યક્ત કર્યો હતો. તેમના મતે ભારતની રિકવરી ધીમી ગતિએ શરૂ થઈ છે, જેને વેગ આપવામાં હ્યુમન કેપિટલ, ફૂડ પ્રોસેસિંગ, ટૂરિઝમ, નિકાસ અને ઉત્પાદકતા મુખ્ય ભૂમિકા ભજવશે. હાલ આની ગતિ ધીમી હોવાનું કારણ કોરોનાનો વધતો વ્યાપ છે. જોકે ભારત બાઉન્સ બેક કરશે એવું જણાવતા દાસ કહે કે રિઝર્વ બૅન્ક આ દિશામાં સતત સક્રિય છે અને રહેશે. રિઝર્વ બૅન્કના આ સંકેત માર્કેટ માટે પણ મહત્ત્વના કહેવાય.


બજારમાં કરેક્શન, આઇપીઓમાં લીલાલહેર

ગુરુવારે માર્કેટમાં કરેક્શન આવ્યું હતું. યુએસ ફેડરલ રિઝર્વની મીટિંગમાં વ્યાજદર શૂન્ય આસપાસ જ રહેવા દેવાનો નિર્ધાર કરાયો હતો, પણ અન્ય સ્ટિમ્યુલસ પૅકેજ યા પ્રોત્સાહક પગલાનો કોઈ ઉલ્લેખ ન કરાતાં યુએસ માર્કેટ નિરાશ થયું હતું. આ ઉપરાંત હાલના દિવસોમાં ભારત-ચીન સીમાવિવાદ પણ સતત માથે લટકતો રહેતો હોવાથી પણ બજારમાં સાવચેતીનું માનસ રહ્યા કરે છે. આમ ગ્લોબલ સંકેતને પગલે સેન્સેક્સ ૩૨૩ પૉઇન્ટ ડાઉન જઈ ૩૯૦૦૦ની નીચે ઊતરી ગયો અને નિફ્ટી ૮૮ પૉઇન્ટ માઇનસ સાથે ૧૧૫૦૦ આસપાસ આવી ગયો હતો.

ગુરુવારે માર્કેટ ભલે નેગેટિવ રહ્યું, પરંતુ હેપ્પીએસ્ટ માઇન્ડના આઇપીઓનું લિસ્ટિંગ ધમાકેદાર થયું હતું. આશરે ૧૧૧ ટકા ઊંચા ભાવે આ લિસ્ટિંગ થતાં જેમને શૅરોની ફાળવણી થઈ છે તે રાજી-રાજી હતા. હવે રૂટ મોબાઇલના આઇપીઓ લિસ્ટિંગ પર આશાભરી મીટ છે.

કોરોના પર નજર

ભારતની સૌથી મોટી ચિંતા હાલ કોરોનાના વધતા ફેલાવાની છે, જે આર્થિક ગતિવિધિને બ્રેક મારી શકે યા તેની સામે સ્પીડ બ્રેકર ઊભા કરી શકે છે. આને કારણે દેશના જીડીપી દર વિશે પણ નેગેટિવ ધારણા વધતી જાય છે. તાજેતરમાં ઓર્ગેનાઈઝેશન ફોર ઇકૉનૉમિક કો-ઓપરેશન અૅન્ડ ડેવલપમેન્ટ (ઓઇસીડી) તરફથી પણ ચાલુ નાણાકીય વરસમાં જીડીપી દર ૧૦.૨ ટકા ઘટવાનો અંદાજ મુકાયો છે, જે અગાઉ જૂનમાં ૩.૭ ટકાના ઘટાડાની ધારણા હતી.

વિદેશી રોકાણકારો ભારતીય માર્કેટના ટ્રૅન્ડ પ્રત્યે પૉઝિટિવ હોવા છતાં સાવચેત રહે છે. તેમની ખરીદીને પગલે માર્કેટને નવી ઊંચાઈ મળતી ગઈ છે, કિંતુ આ સાથે આ ગ્લોબલ ઈન્વેસ્ટર્સ ભારતના કોરોના કેસના ટ્રૅન્ડ પર નજર રાખી રહ્યા છે. તેમની ચિંતામાં કોરોનાનો વધતો વ્યાપ અને આર્થિક પ્રવૃત્તિની અનિશ્ચિતતા ભાગ ભજવી રહ્યા છે.

સેન્સેક્સ ૪૦૦૦૦ને પાર કરશે?

શુક્રવારે બજાર સાધારણ વધઘટ સાથે અંતમાં નીચે બંધ રહ્યું હતું. નિફ્ટી સાવ નજીવો એવો માત્ર ૧૧ પૉઇન્ટ માઇનસ થઈ ૧૧૫૦૪ બંધ રહ્યો, જ્યારે સેન્સેક્સ ૧૩૪ પૉઇન્ટ ઘટીને ૩૯૦૦૦ની નીચે ઊતરી ૩૮૮૪૫ બંધ રહ્યો હતો. ફોરેન ઇન્વેસ્ટરો વેચવાલ રહ્યા હતા.

પ્રોફિટ બુકિંગ પણ થયું હતું. જોકે મિ઼ડ કૅપ સ્ટૉક્સ વધવાતરફી રહ્યા હતા, પણ સ્મૉલ કૅપમાં સાધારણ ઘટાડો થયો હતો. સીમા વિવાદની સંવેદનશીલતા પણ માર્કેટને વધુ ઊંચે જતા રોકે છે. વર્તમાન સંજોગો અને સંકેત સેન્સેક્સને ૪૦૦૦૦ની પાર અને નિફ્ટીને ૧૧૭૦૦ની પાર જવા દેશે નહીં, આ બેન્ચમાર્ક ઇન્ડેકસ ઊંચે જશે તો પણ પ્રોફિટ બુકિંગના કરેક્શન સાથે પાછા ફરી જશે. આર્થિક ગતિવિધિ ક્યાંક પૉઝિટિવ, ક્યાંક નેગેટિવ રહેવાના સંકેત મળતા હતા. વીજ વપરાશ વધેલો નોંધાયો હતો, આયાત-પેમેન્ટમાં સપ્ટેમ્બરમાં વૃદ્ધિ થઈ હતી. પ્રોપર્ટી રજિસ્ટ્રેશન સપ્ટેમ્બરમાં માર્ચની તુલનાએ વધ્યું હતું, જ્યારે વાહનોની નોંધણી ઘટી હતી. જોકે અન્ય દેશોની તુલનાએ ભારતીય ઇકૉનૉમીની રિકવરી પાછળ હોવાનું ગણાય છે.

આઇપીઓની ડિમાન્ડ

બજારમાં હાલ આઇપીઓની બોલબાલા સતત વધી રહી છે. હેપ્પીએસ્ટ માઇન્ડ અને રૂટ મોબાઇલને મળેલા જબરદસ્ત પ્રતિસાદ બાદ હવે કેમ્સ (કમ્પ્યુટર એજ મૅનેજમેન્ટ સર્વિસિસ)ના આઇપીઓ પર મીટ છે. આ કંપનીમાં નૅશનલ સ્ટૉક એક્સચેન્જનો મોટો હિસ્સો છે, જે એના આઇપીઓ માર્ગે છૂટો કરાશે. આ શૅરમાં ગ્રે માર્કેટમાં ૩૫૦ રૂપિયા જેટલું ઊંચું પ્રીમિયમ બોલાવા લાગ્યું છે. આ સમયગાળામાં કેમકોન સ્પેશ્યલિટી કેમિકલ્સ અને એન્જલ બ્રોકિંગનો આઇપીઓ પણ આવી રહ્યો છે. આ બન્ને ઇશ્યુ આ સપ્તાહમાં જ ખૂલી રહ્યા છે. હાલ બહુ મોટું ભંડોળ આઇપીઓમાં રોકાણ કરવા માટે બૅન્કોમાં હોલ્ડ થયું છે.

સ્મૉલ, મિડ કૅપ સ્ટૉક્સને લૉટરી લાગી

સેબીના નવા નિયમને કારણે સ્મૉલ કૅપ-મિ઼ડ કૅપ સ્ટૉક્સની નીકળી પડી છે. જે ફન્ડે પોતાની મલ્ટિ કૅપ સ્કીમ ચાલુ રાખવી છે તેમણે સ્મૉલ કૅપ સ્ટૉકસ ફરજિયાત ખરીદવા પડી રહ્યા છે. આમાં ઘોડા ભેગા ગધેડા પણ ખરીદાઈ જાય તો નવાઈ નહીં. ફન્ડ મૅનેજરે વધુ સ્માર્ટ બનવું પડશે. આવો જ લાભ મિડ કૅપ સ્ટૉક્સને પણ મળશે, શૅરબજારમાં છેલ્લા અમુક દિવસથી સ્મૉલ અને મિડ કૅપ સ્ટૉક્સમાં આવેલા ઉછાળા માટે સેબીના નવા નિયમ જવાબદાર ગણાય છે. આનો (ગેર) લાભ ઓપરેટરો પણ  લેશે. સ્મૉલ કૅપ શૅરોમાં લાંબું ચાલે એવું મજબૂત પરિબળ હોવાની શક્યતા ઓછી ગણાય. કોઈ પણ ફન્ડે મલ્ટિકૅપ સ્કીમને ટકાવવી હશે તો મિનિમમ ૨૫ ટકા સ્ટૉકસ સ્મૉલ કૅપ અને ૨૫ ટકા સ્ટૉક્સ મિડ કૅપનો રાખવો પડશે. છેલ્લા અમુક સમયથી અગ્રણી ફન્ડસે લાર્જ કૅપ સ્ટૉક્સમાં પ્રોફિટ બુક કરીને સિલેકટેડ સ્મૉલ-મિડ કૅપ સ્ટૉક્સ ખરીદ્યા છે. આમ હાલ માર્કેટનું ધ્યાન આઇપીઓ તેમ જ સ્મૉલ અને મિડ કૅપ સ્ટૉક્સ પર વધી ગયું હોવાનું જોવા મળે છે. જોકે આ બધા વચ્ચે પણ માર્કેટ ઊંચું રહ્યું છે એ નવાઈ પમાડે તેવી બાબત ગણાય.

Whatsapp-channel Whatsapp-channel

21 September, 2020 10:37 AM IST | Mumbai | Jayesh Chitalia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK