Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > શૅરબજારમાં નરમાઈની હૅટ-ટ્રિક, મેટલ શૅર સામા પ્રવાહે રહ્યા

શૅરબજારમાં નરમાઈની હૅટ-ટ્રિક, મેટલ શૅર સામા પ્રવાહે રહ્યા

13 February, 2019 09:04 AM IST |
અનિલ પટેલ

શૅરબજારમાં નરમાઈની હૅટ-ટ્રિક, મેટલ શૅર સામા પ્રવાહે રહ્યા

શૅરબજારમાં નરમાઈની હૅટ-ટ્રિક, મેટલ શૅર સામા પ્રવાહે રહ્યા


શૅરબજારનું ચલકચલાણું 

શૅરબજાર નરમાઈની હૅટ-ટ્રિકમાં ગઈ કાલે ૨૪૧ પૉઇન્ટની નબળાઈમાં ૩૬,૧૫૪ની અંદર તથા નિફ્ટી ૫૭ પૉઇન્ટ ઘટીને ૧૦,૮૩૧ બંધ રહ્યા છે. ખૂલતાની સાથે ક્ષણિક સુધારાને બાદ કરતાં માર્કેટ આખો દિવસ માઇનસ ઝોનમાં હતું. છેલ્લો કલાક સીધી લપસણીનો હતો જેમાં સેન્સેક્સ અઢીસો પૉઇન્ટથી વધુ ખરડાયો હતો. સેન્સેક્સના ૩૦માંથી આઠ અને નિફ્ટીના ૫૦માંથી ૨૦ શૅર ગઈ કાલે વધ્યા હતા. સન ફાર્મા પરિણામ પૂર્વે બે ટકાની મજબૂતીમાં ૪૩૭ નજીક બંધ આવી સેન્સેક્સ ખાતે ટૉપ ગેઇનર તો હીરો મોટોકૉર્પ અઢી ટકાથી વધુની ખરાબીમાં ૨૮૦૭ના બંધમાં ટૉપ લૂઝર બન્યો હતો. નિફ્ટીમાં ચાર ટકા આસપાસની તેજીમાં ઝી એન્ટરટેઇનમેન્ટ અને JSW સ્ટીલ વધવામાં મોખરે હતા. ભારતી ઇન્ફ્રાટેલ સવાત્રણ ટકા જેવી ખરાબીમાં ટૉપ લૂઝર હતો. BSE ખાતે ૧૯માંથી ૧૬ બેન્ચમાર્ક રેડ ઝોનમાં બંધ હતા. ટેલિકૉમ ઇન્ડેક્સ સર્વાધિક ૧.૭ ટકા કટ થયો હતો. ય્.કૉમ જોકે અહીં સવાપાંચ ટકાના પ્રત્યાઘાતી સુધારામાં સાડાપાંચ રૂપિયા ઉપર બંધ આવીને ટૉપ ગેઇનર જોવાયો છે. વિંધ્ય ટેલી દસ ટકા, તેજસ નેટ સવાછ ટકા, વોડાફોન પોણાપાંચ ટકા ડાઉન હતા. રિયલ્ટી ઇન્ડેક્સ સવા ટકો તરડાયો હતો. એનર્જી‍ તથા હેલ્થકૅર ઇન્ડેક્સ નજીવા સુધર્યા હતા, પરંતુ મેટલ ઇન્ડેક્સ ૧૦માંથી આઠ શૅરની મજબૂતીમાં સર્વાધિક ૧.૭ ટકા ઊંચકાયો હતો. જિન્દલ સ્ટીલ દસ ટકાની નજીક, સેઇલ સાડાપાંચ ટકા, JSW સ્ટીલ ચાર ટકા, કોલ ઇન્ડિયા બે ટકા જેવો અને તાતા સ્ટીલ દોઢ ટકો અપ હતા. નાલ્કો પોણાચારેક ટકા અને હિન્દાલ્કો સાધારણ નરમ હતા. સન ફાર્માનાં પરિણામો બંધ બજારે આવ્યાં હતાં. કંપનીએ અગાઉના મુકાબલે લગભગ ચાર ગણો ૧૨૪૨ કરોડ રૂપિયાનો નેટ પ્રૉફિટ કર્યો છે. બજારની એકંદર ધારણા ૯૮૦ કરોડના પ્રૉફિટની હતી. આજે સન ફાર્મા લાઇમલાઇટમાં અવશ્ય જોવાશે. અનિલ અંબાણી ગ્રુપની રિલાયન્સ હોમનો ત્રિમાસિક નફો ૩૭ ટકા વધીને ૫૫ કરોડ રૂપિયા થવા છતાં શૅર ગઈ કાલે નીચામાં ૨૪ થઈ અંતે આઠ ટકાથી વધુના કડાકામાં ૨૪.૩૦ રૂપિયા બંધ રહ્યો છે. રિલાયન્સ ઇન્ફ્રા ૨.૮ ટકા અને રિલાયન્સ પાવર સવાબે ટકા નરમ હતા. ઇન્ફોસિસ દોઢ ટકા ઘટી ૭૫૦ રૂપિયા અને વ્ઘ્લ્ પોણા ટકાની નરમાઈમાં ૨૦૫૦ રૂપિયા બંધ રહેવાની સાથે ગઈ કાલે IT ઇન્ડેક્સ એક ટકો ઘટીને બંધ આવ્યો છે. અત્રે રામકો સિસ્ટમ્સ, હોવ સર્વિસીસ, રોલ્ટા, સેરેબ્રા ઇન્ટરનૅશનલ, ઇન્ફિબીમ પોણાત્રણથી છ ટકા ઊંચકાયા હતા. સિમેન્ટ કંપનીઓનાં એકંદર સાધારણ પરિણામો આવી રહ્યાં છે ત્યાં હેડલબર્ગ સિમેન્ટમાં ૮૪ ટકાના વધારામાં ૫૯ કરોડ નજીકનો નેટ પ્રૉફિટ નોંધાયો છે. પ્રૉફિટ માર્જિન પાંચેક ટકા વધી ૨૧.૭ ટકા જોવાયું છે. શૅર પાંચ ગણા વધીને ૧૪૭ રૂપિયા બંધ હતો. કેનફિન હોમ્સ ૨૭૦ આસપાસના ઉપલા મથાળે જઈ છ ગણા કામકાજમાં સાડાદસ ટકા ઊંચકાઈને ૨૬૫ રૂપિયા બંધ હતો.



સરકાર ઍક્સિસ બૅન્કના શૅરમાં રોકડી કરશે


સરકારે SUTTI હસ્તકની ઍક્સિસ બૅન્કમાંના ૯.૫૬ ટકા કે ૨૩૮૭ લાખ શૅરના હોલ્ડિંગમાંથી કુલ ત્રણ ટકા કે ૭૭૦ લાખ શૅર ઑફર ફૉર સેલ મારફત ગઈ કાલે વેચવાનો નર્ણિય કર્યો હતો. ફ્લૉર પ્રાઇસ ૭૧૦ રૂપિયાના આગલા બંધ સામે ૬૮૯ રૂપિયા જેવી નક્કી થઈ હોવાથી આ ધોરણે સરકારે કરેલી રોકડી આશરે ૫૩૧૦ કરોડ રૂપિયા થવા જાય છે. ડાઇવેસ્ટમેન્ટના રૂપાળા નામે થઈ રહેલી આ રોકડી સરકાર બજેટખાધ ઓછી બતાવવા પાછળ વાપરશે એ કહેવાની જરૂર નથી. ગઈ કાલથી શરૂ થયેલી ઑફર ફૉર સેલની આ યોજના બે દિવસ ચાલવાની છે. ગઈ કાલે ઍક્સિસ બૅન્ક ૭૦૧ નજીક ખૂલી નીચામાં ૬૯૮ અને ઉપરમાં ૭૧૩ થઈ અંતે એક ટકો ઘટી ૭૦૪ રૂપિયા બંધ હતો. દરમ્યાન ગઈ કાલે બૅન્કેક્સ ૧૦માંથી નવ તથા બૅન્ક નિફ્ટી બારમાંથી દસ શૅરના ઘટાડામાં પોણા ટકાથી વધુ ઘટ્યા છે. PSU બૅન્ક નિફ્ટી બારમાંથી ત્રણ શૅરના સુધારા વચ્ચે દોઢ ટકાથી વધુ ઢીલો હતો. સમગ્ર બૅન્કિંગ ઉદ્યોગમાં ૧૦ શૅર વધ્યા સામે ૩૦ જાતો નરમ હતી. કૉર્પોરેશન બૅન્ક ૧૨૪૦ કરોડની નેટ લૉસ સામે આ વખતે ડિસેમ્બર ક્વૉર્ટરમાં ૬૦ કરોડ રૂપિયાના નેટ પ્રૉફિટમાં આવતાં શૅર પાંચ ગણા કામકાજમાં ઉપરમાં ૨૬ નજીક જઈ અંતે દોઢ ટકા વધીને ૨૫ રૂપિયા બંધ હતો. આંધþ બૅન્કની ત્રિમાસિક ચોખ્ખી ખોટ ૫૩૨ કરોડથી વધીને ૫૭૮ કરોડ રૂપિયાને વટાવી ગઈ છે. ભાવ ૨૩ની ઐતિહાસિક બૉટમ બનાવી અંતે ૨.૭ ટકા ઘટીને ૨૩.૩૦ રહ્યો છે. કરૂર વૈશ્ય બૅન્કે અગાઉના ૭૧૪૯ લાખની સામે આ વખતે ૨૧૨૦ લાખના નેટ પ્રૉફિટ સાથે નબળો દેખાવ કર્યો છે. NPA ગ્રોસ લેવલે અઢી ટકા અને નેટ લેવલે એક ટકાથી વધુ વધી છે. શૅર નીચામાં ૮૦ થઈ અંતે સવાબે ટકા ગગડી ૮૩ હતો. ધનલક્ષ્મી બૅન્ક સર્વાધિક ચારેક ટકા ડૂલ થયો હતો.

GNFC ખરાબ રિઝલ્ટમાં ૧૮ મહિનાના તળિયે


ગુજરાત સરકારની GNFC દ્વારા ડિસેમ્બર ક્વૉર્ટરમાં ૨૭ ટકાના ઘટાડામાં ૧૬૬ કરોડ રૂપિયાથી ઓછા નેટ પ્રૉફિટ સાથે પ્રૉફિટ માર્જિન અગાઉના મુકાબલે ૭૫ ટકા જેવું ઓછું, માત્ર સાડાછ ટકા દર્શાવાયું છે. આના કારણે શૅર ગઈ કાલે સાડાપાંચ ગણા કામકાજમાં નીચામાં ૨૭૫ રૂપિયા બંધ રહ્યો છે. નવેક મહિના પૂર્વે આ શૅર ૫૦૮ રૂપિયાના શિખરે હતો. કંપનીમાં સહપ્રમોટર તરીકે GSFC ૧૯.૮ ટકા હોલ્ડિંગ ધરાવે છે. એનો ભાવ નીચામાં ૮૮ થઈ અંતે દોઢ ટકો ઘટી ૮૯ રૂપિયા હતો. ગુજરાત સરકારના અન્ય સાહસમાં GMDC ગઈ કાલે ૭૪ની મલ્ટિયર બૉટમ બનાવી ૧.૪ ટકાના ઘટાડે ૭૬ રહ્યો છે. ગુજરાત આલ્કલીઝ ત્રણ ટકા ઘટી ૪૬૭ રૂપિયા, ગુજરાત ગૅસ સવા ટકો ઘટીને ૧૨૩ રૂપિયા, GSPL અડધા ટકાની નરમાઈમાં ૧૬૫ રૂપિયા, ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પાવર કંપની નહીંવત્ સુધારામાં ૭૦ રૂપિયા બંધ હતો. ગુજરાતની વાત થાય છે તો ગુજ્જુ કંપની ગોપાલા પૉલિપ્લાસ્ટ જેનાં પરિણામો ૧૪મીએ છે એ ગઈ કાલે પાંચ ગણા કામકાજમાં ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૮૦ નજીક જઈ અંતે ૧૮.૨ ટકા ઊછળી ૭૯ નજીક હતો. જ્યોતિ રેઝિન્સ ૨૦ ટકાની તેજીની સર્કિટે ૯૪ રૂપિયા વટાવી જઈ છેલ્લે ૧૯ ટકા પ્લસની તેજીમાં ૯૪ હતો. એના રિઝલ્ટ પણ ૧૪મીએ છે. એસ્ટ્રલ પૉલિનો ત્રિમાસિક નેટ પ્રૉફિટ ૧૪ ટકા જેવા વૃદ્ધિદરમાં બાવન કરોડ રૂપિયા નજીક આવ્યો છે. આશાપુરા માઇનકેમની ત્રિમાસિક ખોટ ચાર કરોડથી વધીને ૧૮ કરોડ રૂપિયાને વટાવી ગઈ છે. ભાવ એક ટકો ઘટીને ૨૧ રૂપિયા બંધ હતો.

આ પણ વાંચોઃ પાયલટ્સની અછતના કારણે 30 ઇંડિગોની 30 ફ્લાઇટ્સ થઈ રદ

HEG અને ગ્રૅફાઇટમાં તોફાની વધઘટ

ગ્રૅફાઇટ ઇલેક્ટ્રોડ્સ ઉત્પાદક HEG નરમાઈની આગેકૂચમાં ૨૨૧૦ના આગલા બંધથી ઘટી નીચામાં ૨૦૨૫ થયો હતો. કંપનીએ ડિસેમ્બર ક્વૉર્ટરમાં ૩૫ ટકાના વધારામાં ૮૬૭ કરોડના નેટ પ્રૉફિટની સામે માર્જિનમાં ચાર ટકાનો વધારો હાંસલ કરતાં ભાવ ત્રણેક ગણા વૉલ્યુમમાં શાર્પ ઉછાળામાં ૨૪૩૨ વટાવી અંતે ૮.૭ ટકાની મજબૂતીમાં ૨૪૦૩ રૂપિયા બંધ રહ્યો છે. અન્ય ગ્રૅફાઇટ ઇલેક્ટ્રોડ્સ ઉત્પાદન કંપની ગ્રૅફાઇટ ઇન્ડિયા પણ નબળાઈની આગેકૂચમાં ગઈ કાલે ૩૯૫ રૂપિયાની મલ્ટિયર બૉટમે ગયો હતો, પરંતુ HEGની હૂંફમાં પ્રત્યાઘાતી સુધારો દાખવી ૪૩૨ નજીક જઈ છેલ્લે ૩.૩ ટકાના ઘટાડે ૪૨૧ રહ્યો છે. વૉલ્યુમ બમણું હતું. રેલવે ખાતાની લિસ્ટેડ કંપની રાઇટ્સનો ત્રિમાસિક નફો ૧૦ ટકા વધી ૧૧૭ કરોડ થયો છે, પણ નફામાર્જિન બાર ટકા ગગડી ૨૬ ટકા નોંધાયું છે. શૅર ૨૨૭ની ટોચથી નીચામાં ૨૧૪ થઈ અંતે ૨.૮ ટકાની નરમાઈમાં ૨૧૬ રૂપિયા હતો. PI ઇન્ડસ્ટ્રીઝે ૩૩ ટકાના વધારામાં ૧૦૭ લાખ રૂપિયાનો ત્રિમાસિક ચોખ્ખો નફો હાંસલ કરતાં શૅર ગઈ કાલે ૧૪ ગણા કામકાજમાં ઉપરમાં ૯૧૪ નજીક જઈ અંતે ૬.૭ ટકાની મજબૂતીમાં ૮૯૫ રૂપિયા જોવાયો હતો. નેટ પ્રૉફિટ ૧૮ ટકાના ઘટાડે ૩૦૬૦ લાખ રૂપિયા આવતાં ભાવ ૯૨૩ રૂપિયાની નીચે ઐતિહાસિક તળિયું બનાવી છેલ્લે અઢી ટકાની નબળાઈમાં ૯૪૫ રૂપિયા રહ્યો હતો.

Whatsapp-channel Whatsapp-channel

13 February, 2019 09:04 AM IST | | અનિલ પટેલ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK