યુરોપ, અમેરિકામાં વધી રહેલા કોરોના કેસથી વૈશ્વિક શૅરબજારમાં કડાકો

Published: 29th October, 2020 12:27 IST | Mumbai correspondent | Mumbai

સેન્સેક્સ ૫૯૯ પૉઇન્ટ ઘટી ૪૦૦૦૦ની અંદર બંધ

યુરોપ, અમેરિકામાં વધી રહેલા કોરોના કેસથી વૈશ્વિક શૅરબજારમાં કડાકો
યુરોપ, અમેરિકામાં વધી રહેલા કોરોના કેસથી વૈશ્વિક શૅરબજારમાં કડાકો

શિયાળા પહેલાં જ અમેરિકા અને યુરોપમાં સતત વધી રહેલા કોરોના કેસના કારણે નવાં નિયંત્રણો અમલમાં આવશે એવી દહેશત જોવા મળી છે. ફ્રાંસ અને ઇટલી પછી જર્મનીએ પણ ગઈ કાલે કેટલાંક નિયંત્રણની જાહેરાત કરી હતી. અમેરિકામાં ચૂંટણી પહેલાં હવે આર્થિક પૅકેજ નહીં આવે તેની નિરાશા જોવા મળી રહી છે. ગઈ કાલે એશિયાઇ શૅરો નરમ હતા, યુરોપિયન બજાર પાંચ મહિનાની નીચી સપાટીએ હતું અને અમેરિકન શૅરબજાર મોટા ઘટાડા સાથે ખૂલશે એવી શક્યતા જોવામાં આવી રહી છે. આ બધાની વચ્ચે બૅન્કિંગ, રીઅલ એસ્ટેટ, ફાઇનૅન્સ સહિત દરેક ક્ષેત્રોમાં વ્યાપક વેચવાલીએ ભારતીય બજારમાં પણ કડાકો જોવા મળ્યો હતો. નિફ્ટી માંડ ૧૧૭૦૦ની ઉપર ટકી રહ્યો હતો જ્યારે સેન્સેક્સ ૪૦૦૦૦ની નીચે બંધ આવ્યો હતો.
આગલા સત્રમાં બે મહિનામાં સૌથી મોટી ખરીદી બાદ વિદેશી ફન્ડ્સની આક્રમક વેચવાલી જોવા મળી હતી. વિદેશી ફન્ડ્સ દ્વારા ગઈ કાલે ૧૧૩૧ કરોડ રૂપિયાના શૅર વેચ્યા હતા. સામે સ્થાનિક ફન્ડ્સની ૧૧ દિવસની વેચવાલી ગઈ કાલે અટકી હતી. સ્થાનિક ફન્ડ્સે ગઈ કાલે માત્ર ૧.૪૮ કરોડ રૂપિયાના શૅર ખરીદ્યા હતા.
સત્રના અંતે સેન્સેક્સ ૫૯૯.૬૪ પૉઇન્ટ કે ૧.૪૮ ટકા ઘટી ૩૯૯૨૨.૪૬ અને નિફ્ટી ૧૫૯.૮૦ પૉઇન્ટ કે ૧.૩૪ ટકા ઘટી ૧૧૭૨૯.૬ પૉઇન્ટની સપાટીએ બંધ આવ્યા હતા. નિફ્ટી એક તબક્કે ભારે વેચવાલીના કારણે ૧૧૬૮૪ની સપાટીએ સ્પર્શ્યો હતો. સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી માત્ર ચાર અને નિફ્ટીની ૫૦ કંપનીઓમાંથી માત્ર નવના શૅરના ભાવ વધ્યા હતા. આજના ઘટાડા માટે એચડીએફસી, એચડીએફસી બૅન્ક, આઇસીઆઇસીઆઇ બૅન્ક, રિલાયન્સ, ઇન્ફોસિસ અને કોટક મહિન્દ્ર બૅન્ક જવાબદાર હતા.
છેલ્લા પાંચ મહિનાથી શૅરબજારમાં વાયદાની પતાવટના દિવસોની આસપાસ વેચવાલી જોવા મળે છે. સિરીઝમાં નિફ્ટી અને શૅરબજારમાં ભલે ઉછાળો આવ્યો હોય પણ સિરીઝ પૂરી થવાની હોય એ પહેલાં ચોક્કસ વેચવાલી જોવા મળે છે. જૂન ૨૦૨૦થી આ પ્રકારે ટ્રેડિંગ થતું જોવા મળી રહ્યું છે.
નૅશનલ સ્ટૉક એક્સચેન્જના બધા ૧૧ ક્ષેત્રોમાંથી  ગઈ કાલે બધા ઘટ્યા હતા. સૌથી મોટો ઘટાડો બૅન્કિંગ, ફાઇનૅન્સ, રીઅલ એસ્ટેટ, ફાર્મા અને મેટલ્સમાં જોવા મળ્યો હતો. એક્સચેન્જ  ઉપર ૩૩ કંપનીઓના શૅરના ભાવ નવી બાવન સપ્તાહની ઉપરની સપાટીએ બંધ આવ્યા હતા અને નવ નવી નીચી સપાટીએ બંધ આવ્યા હતા. અહીં ૭૯ કંપનીઓમાં તેજીની સર્કિટ હતી જ્યારે ૧૦૨ કંપનીઓમાં મંદીની સર્કિટ જોવા મળી હતી.
બીએસઈ ઉપર ૮૮ કંપનીઓના શૅરના ભાવ નવી બાવન સપ્તાહની ઉપરની સપાટીએ બંધ આવ્યા હતા જ્યારે ૪૭ના ભાવ નવી નીચી સપાટીએ બંધ આવ્યા હતા. અહીં ૨૧૩ કંપનીઓમાં તેજીની સર્કિટ હતી જ્યારે ૩૨૪માં મંદીની સર્કિટ જોવા મળી હતી. બીએસઈ સ્મૉલ કૅપ ઇન્ડેક્સ ૦.૭૬ ટકા અને મિડ કૅપ ઇન્ડેક્સ ૦.૯૩ ટકા  ઘટ્યા હતા. બુધવારે બૉમ્બે સ્ટૉક એક્સચેન્જનું માર્કેટ કેપિટલાઇઝેશન ૧,૫૬,૭૪૦ કરોડ ઘટી ૧૫૮.૨૨ લાખ કરોડ રૂપિયા રહ્યું હતું.
બૅન્કિંગ અને ફાઇનૅન્સમાં
જોરદાર વેચવાલી
ગઈ કાલે ફરી એક વખત બૅન્કિંગ અને ફાઇનૅન્સમાં જોરદાર વેચવાલી જોવા મળી હતી. નિફ્ટી બૅન્ક ગઈ કાલે નરમ જ ખૂલ્યો હતો અને દિવસના અંતે ૨.૧૭ ટકા ઘટીને બંધ આવ્યો હતો. ખાનગી બૅન્કોમાં નિફ્ટી પ્રાઇવેટ બૅન્ક ઇન્ડેક્સ ૨.૧૯ ટકા ઘટ્યો હતો. ફેડરલ બૅન્ક ૩.૪૨ ટકા, ઇન્ડસઇન્ડ બૅન્ક ૩.૧૮ ટકા, આઇસીઆઇસીઆઇ બૅન્ક ૩.૧૬ ટકા, બંધન બૅન્ક ૨.૬૫ ટકા, સિટી યુનિયન બૅન્ક ૨.૪૫ ટકા, કોટક મહિન્દ્ર બૅન્ક ૧.૯૭ ટકા, એચડીએફસી બૅન્ક ૧.૮૪ ટકા, આઇડીએફસી ફર્સ્ટ બૅન્ક ૦.૯૬ ટકા અને એક્સીસ બૅન્ક ૦.૬૧ ટકા ઘટ્યા હતા જ્યારે આરબીએલ બૅન્ક ૨.૫૪ ટકા વધ્યો હતો.
સરકારી બૅન્કોનો નિફ્ટી પીએસયુ ઇન્ડેક્સ ૧.૫૭ ટકા ઘટ્યો હતો. સ્ટેટ બૅન્ક ૨.૧૬ ટકા, બૅન્ક ઑફ બરોડા ૧.૯૮ ટકા, બૅન્ક ઑફ મહારાષ્ટ્ર ૧.૭૬ ટકા, સેન્ટ્રલ બૅન્ક ૧.૩૫ ટકા, યુકો બૅન્ક ૧.૨૪ ટકા, કૅનરા બૅન્ક ૦.૯૬ ટકા, ઇન્ડિયન બૅન્ક ૦.૯૨ ટકા, પંજાબ નૅશનલ બૅન્ક ૦.૯૧ ટકા, બૅન્ક ઑફ ઇન્ડિયા ૦.૬૩ ટકા ઘટ્યા હતા. સામે યુનિયન બૅન્ક ૦.૮૩ ટકા, જમ્મુ અૅન્ડ કાશ્મીર બૅન્ક ૦.૬૮ ટકા અને ઇન્ડિયન ઓવરસીઝ ૦.૫૪ ટકા વધ્યા હતા.
નિફ્ટી ફાઇનૅન્શિયલ સર્વિસ ઇન્ડેક્સ ૨.૩૧ ટકા ઘટ્યો હતો. શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઇનૅન્સ ૩.૫૫ ટકા, એચડીએફસી ૩.૫ ટકા, મહિન્દ્ર અૅન્ડ મહિન્દ્ર ફાઇનૅન્સ ૩.૨૨ ટકા, પાવર ફાઇનૅન્સ ૩.૦૫ ટકા, બજાજ ફાઇનૅન્સ ૨.૩૬ ટકા, ચોલામંડલમ ૨.૩૧ ટકા, પિરામલ એન્ટરપ્રાઇસ ૨.૨૧ ટકા,  રૂરલ ઇલેક્ટ્રિક ૧.૮૧ ટકા, આઇસીઆઇસીઆઇ જનરલ ૧.૦૩ ટકા, આઇસીઆઇસી પ્રુડેન્શિયલ ૧.૦૨ ટકા, એસબીઆઇ લાઈફ ૦.૨૫ ટકા, એચડીએફસી એએમસી ૦.૨૪ ટકા, એચડીએફસી લાઇફ ૦.૨૨ ટકા ઘટ્યા હતા. બજાજ હોલ્ડિંગ ૧.૪ ટકા અને બજાજ ફિનસર્વ ૦.૧૪ ટકા વધ્યા હતા.
ચોથા દિવસે પણ રીઅલ એસ્ટેટ નરમ
ગત સપ્તાહ સુધી રીઅલ એસ્ટેટ શૅરોમાં જોરદાર તેજી જોવા મળી રહી હતી. એવી દલીલ હતી કે ગ્રાહકો બજારમાં પરત ફરી રહ્યા છે અને માગ વધી રહી છે, પણ અચાનક જ શૅરોમાં હવે પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે. સતત ચોથા દિવસે નિફ્ટી રીઅલ એસ્ટેટ ઇન્ડેક્સ ઘટીને બંધ આવ્યો છે. ગઈ કાલે ૨.૦૩ ટકા ઘટ્યા સહિત આ ઇન્ડેક્સ ચાર દિવસમાં ૫.૬૨ ટકા ઘટી ગયો છે. ડીએલએફ ૫.૩૩ ટકા, ઇન્ડિયાબુલ્સ રીઅલ એસ્ટેટ ૪.૧૮ ટકા, ગોદરેજ પ્રૉપર્ટી ૨.૭૫ ટકા, સનટેક રીઅલ્ટી ૧.૮ ટકા, શોભા લિમિટેડ ૧.૬૪ ટકા, ઓબેરોય રીઅલ એસ્ટેટ ૦.૬૬ ટકા, પ્રેસ્ટીજ એસ્ટેટ ૦.૬૩ ટકા ઘટ્યા હતા. સામે બ્રિગેડ એન્ટરપ્રાઈસ ૩.૧૯ ટકા અને ફિનિક્સ લિમિટેડ ૨.૫૫ ટકા વધ્યા હતા.
કેન્દ્ર સરકારે સપ્ટેમ્બરના અંતે જાહેર થયેલી લૉકડાઉન અને અનલૉકની માર્ગદર્શિકા ગઈ કાલે લંબાવી હતી એટલે દેશમાં કમર્શિયલ ફ્લાઈટ ઉપરના નિયંત્રણ તા.૩૦ નવેમ્બર સુધી અમલમાં રહેશે. આ જાહેરાતના અંતે સ્પાઈસ જેટના શૅર ૨.૭૯ ટકા અને ઇન્ટરગ્લોબના શૅર ૨.૫૩ ટકા ઘટ્યા હતા.
સારા પરિણામની અસરથી
શૅરોમાં વધઘટ  
કંપનીઓનાં સારા પરિણામની અસરથી શૅરોમાં ખરીદી જોવા મળી રહી છે અને ભાવ વધી રહ્યા છે. કેસ્ટ્રોલ ઇન્ડિયાનો નફો સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં ૮.૬ ટકા અને વેચાણ ૪ ટકા વધ્યું હોવાથી શૅરના ભાવ ગઈ કાલે ૬.૪૮ ટકા વધી ૧૧૫.૮૫ની સપાટીએ બંધ રહ્યા હતા. નફો અને આવક બન્ને વધવાના કારણે કેપીઆર મિલ્સના શૅર ગઈ કાલે એક વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યા પછી થોડા નરમ બંધ આવ્યા હતા. સત્રના અંતે શૅર ૬.૧૦ ટકા વધી ૭૧૭.૯૫ બંધ આવ્યો હતો. મંગળવારે ધારણા કરતાં સારા પરિણામ જાહેર કર્યા પછી ગઈ કાલે બીજા દિવસે પણ એન્જલ બ્રોકિંગના શૅર ઉછળ્યા હતા. ગઈ કાલે એન્જલ બ્રોકિંગના શૅર ૫.૯૩ ટકા વધી ૩૧૬.૦૫ રૂપિયા બંધ આવ્યા હતા. છેલ્લા બે સત્રમાં શૅર ૨૦ ટકા જેટલા વધી ગયા છે.
બીજા ક્વૉર્ટરમાં ધારણા કરતાં આવકમાં મોટો ઉછાળો નોંધાયો હોવાથી અને પ્રતિ યુઝર આવક વધી હોવાથી ખોટ નોંધાવ્યા પછી પણ ભારતી એરટેલના શૅર ગઈ કાલે એક તબક્કે ૧૨.૬ ટકા વધ્યા હતા, પણ શૅરબજારમાં આવેલી આક્રમક વેચવાલી વચ્ચે ઘટ્યા હતા. સત્રના અંતે શૅર ૪.૨૭ ટકા વધી બંધ આવ્યા હતા. નફો બમણો થવાથી રૂટ મોબાઈલના શૅર ૧૦ ટકા વધ્યા હતા. ફાર્મા કંપની ડૉ. રેડ્ડીઝનો નફો ઘટી જતા શૅર ૩.૨૨ ટકા ઘટ્યા હતા. ધારણા કરતાં વધારે મોટી ખોટ નોંધાવતા અને આવક પણ ઓછી રહેતા તાતા મોટર્સના શૅર ૦.૭ ટકા ઘટ્યા હતા.
નફો ૬.૯ ટકા અને વેચાણ ૮.૭ ટકા વધતા મેરિકોના શૅર ૨.૨૧ ટકા વધ્યા હતા. બીજા ક્વૉર્ટરના પરિણામ બજાર બંધ થયા બાદ જાહેર કરનાર ટાઇટનના શૅર ૧.૨ ટકા ઘટ્યા હતા. કંપનીનો નફો ૩૭.૬ ટકા અને આવક ૧૧ ટકા ઘટી હતી. આઇસીઆઇસીઆઇ પ્રુડેન્શિયલના શૅર નફો માત્ર ૦.૫ ટકા વધ્યો હોવાથી ૦.૯૫ ટકા ઘટ્યા હતા. 

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK