ગોલ્ડ લોન અને પર્સનલ લોન વચ્ચે પસંદગી કરતી વખતે ખાસ ધ્યાનમાં રાખવાના મુદ્દા

Published: 21st September, 2020 10:37 IST | Khyati Mashroo Vasani | Mumbai

ભારતીયો માટે હંમેશાં ‘સોના કિતના સોણા હૈ’ જેવી સ્થિતિ રહી છે. સોનાનું મૂલ્ય ભારતીયોના મનમાં તો હોય જ છે, અનિશ્ચિતતાભર્યા સમયમાં ખિસ્સામાં પણ એનું મૂલ્ય વધી જાય છે.

ગોલ્ડ લોન
ગોલ્ડ લોન

ભારતીયો માટે હંમેશાં ‘સોના કિતના સોણા હૈ’ જેવી સ્થિતિ રહી છે. સોનાનું મૂલ્ય ભારતીયોના મનમાં તો હોય જ છે, અનિશ્ચિતતાભર્યા સમયમાં ખિસ્સામાં પણ એનું મૂલ્ય વધી જાય છે. કોરોના વાઇરસના રોગચાળાને પગલે સોનાના ભાવ હાલમાં ઘણા વધી ગયા છે. જોકે આ જ રોગચાળાએ સર્જેલી પરિસ્થિતિમાં ઘણા લોકોએ ઘરના સોના પર લોન લેવી પડી હોય અથવા સોનું વેચવું પડ્યું હોય એવા કિસ્સા બન્યા છે. સોના પર લોન લેવાની વાત આવે ત્યારે ઘણા લોકોના મનમાં સવાલ થતો હોય છે કે ગોલ્ડ લોન લેવી કે પછી પર્સનલ લોનથી કામ ચલાવવું. આજે આપણે આ સવાલનો જવાબ મળી રહે એવા કેટલાક મુદ્દાની વાત કરીશું...

પ્રોસેસિંગ માટે લાગતો સમય

પર્સનલ લોનના અરજદારોએ લોનની અરજીની સાથે પોતાની પગારની સ્લિપ અથવા ઇન્કમ ટૅક્સના રિટર્નની નકલ ઉપરાંત બીજા કેટલાક દસ્તાવેજો આપવા પડે છે. આ બધા દસ્તાવેજોની ચકાસણી કરવામાં થોડો સમય નીકળી જાય છે. આથી પર્સનલ લોન મેળવવામાં સહેજે બેથી સાત દિવસનો સમય લાગે છે. કેટલીક જગ્યાએ આ લોન જલદી પણ મળી શકે છે.

લોનની રકમ

ગોલ્ડ લોન લેવામાં આવે ત્યારે સોનું ગિરવે રાખવામાં આવે છે. આથી સોનાના બજારભાવના આધારે લોનની રકમ નક્કી થાય છે. અહીં જણાવવું રહ્યું કે રિઝર્વ બૅન્કે સોના સામે અપાતી લોનની રકમનો ગુણોત્તર એટલે કે લોન ટુ વૅલ્યુ (એલટીવી) રેશિયો ૭૫ ટકાથી વધારીને ૯૦ ટકા કરવાનો એક મહિના પહેલાં નિર્ણય લીધો છે. બીજી બાજુ, પર્સનલ લોનની રકમ સામાન્ય સંજોગોમાં ૫૦,૦૦૦થી લઈને ૨૦,૦૦,૦૦૦ રૂપિયા સુધીની હોઈ શકે છે. કેટલાક લોકો ૪૦,૦૦,૦૦૦ રૂપિયા સુધીની પર્સનલ લોન લીધી હોવાનો દાવો કરતા હોય છે. જોકે આપણે અહીં જાણવું રહ્યું કે પર્સનલ લોનની મુદત અને કરજદારની કરજ ચૂકવવાની ક્ષમતાના આધારે પર્સનલ લોનની રકમ નક્કી થાય છે.

વ્યાજદર

ગોલ્ડ લોન પરનો વ્યાજદર સામાન્ય રીતે વાર્ષિક ૭.૨૫ ટકાથી લઈને ૨૯ ટકા સુધીનો હોય છે. દર નક્કી કરતી વખતે લોનની મુદત, એલટીવી રેશિયો અને લોનની ચુકવણી માટે નક્કી કરાયેલી રીતને ધ્યાનમાં રાખવામાં આવે છે. જો ગોલ્ડ લોનની મુદત વધારે હોય અથવા તો એલટીવી રેશિયો વધારે હોય એના પરનો વ્યાજદર પણ વધારે હોય છે.

પર્સનલ લોન પરનો વાર્ષિક વ્યાજદર સામાન્ય રીતે ૮.૪૫ ટકાથી લઈને ૨૬ ટકા સુધીનો હોય છે. જેમનો ક્રેડિટ સ્કોર સારો હોય તેમના માટે ગોલ્ડ લોન અને પર્સનલ લોન પરના વ્યાજદરમાં વધુ તફાવત હોતો નથી. જેમનો ક્રેડિટ સ્કોર નબળો હોય એવા લોકોને ગોલ્ડ લોન સસ્તા દરે મળવાની શક્યતા વધારે હોય છે.

લોનની મુદત

પર્સનલ લોન માટેની મુદત એકથી લઈને સાત વર્ષની હોય છે, જ્યારે ગોલ્ડ લોનની મુદત સાત દિવસથી લઈને પાંચ વર્ષ સુધીની હોઈ શકે છે. આ બાબત લોન આપનાર કંપની પર નિર્ભર રહે છે. લોનની ચુકવણી વધારે લાંબો સમય ચાલવાની હોય તો ગોલ્ડ લોન મોંઘી પડે છે. જેઓ એકથી બે વર્ષની અંદર લોન ચૂકવવાનો વિશ્વાસ ધરાવતા હોય તેમના માટે ગોલ્ડ લોન સસ્તી પડે છે. લોનની રકમ વધારે હોય અને મુદત પણ વધારે હોય એ સંજોગોમાં પર્સનલ લોન વધારે સારી પડે. ગોલ્ડ લોનમાં હંમેશાં સોનું ગિરવે રાખવું પડતું હોય છે એથી એની મુદત અને લોનની રકમના આધારે વધારે સોનાની જરૂર પડી શકે છે એ મુદ્દો ખાસ ધ્યાનમાં રાખવો.

પરત ચુકવણીનો વિકલ્પ

પર્સનલ લોનની પરત ચુકવણી સામાન્ય રીતે ઈએમઆઇ (ઇક્વેટેડ મંથલી ઇન્સ્ટૉલમેન્ટ્સ)ના સ્વરૂપે હોય છે. ઈએમઆઇમાં મુદ્દલ અને વ્યાજ એ બન્ને મળીને એક રકમ નક્કી થયેલી હોય છે. ગોલ્ડ લોનમાં ઈએમઆઇ ઉપરાંતના વિકલ્પ પણ હોઈ શકે છે. દા.ત. અમુક જગ્યાએ ગોલ્ડ લોન લેનારે દર મહિને ફક્ત વ્યાજની ચુકવણી કરવાની હોય છે, મુદ્દલની રકમ પાકતી મુદતે ચૂકવવાની છૂટ આપવામાં આવે છે. બીજી અમુક જગ્યાએ ગોલ્ડ લોન આપતી વખતે જ વ્યાજની રકમ કાપીને લોન આપવામાં આવે છે અને મુદ્દલ પાકતી તારીખે પાછું ચૂકવવાનું હોય છે. અહીં જણાવવું રહ્યું કે ટૂંકા ગાળા માટે ગોલ્ડ લોન લેવાઈ હોય તો ઈએમઆઇ સિવાયનો વિકલ્પ સારો પડી શકે છે.

પ્રોસેસિંગ ફી

ગોલ્ડ લોનમાં કેટલાક લેન્ડર્સ માત્ર ૧૦ રૂપિયાની પ્રોસેસિંગ ફી રાખતા હોય છે, જ્યારે બીજા કેટલાક લોનની રકમના ૦.૧૦ ટકાથી લઈને બે ટકા સુધીની ફી પણ ચાર્જ કરતા હોય છે. પર્સનલ લોન માટેની પ્રોસેસિંગ ફી સામાન્ય રીતે લોનની રકમના ૩ ટકા જેટલી હોઈ શકે છે. લોન લેતી વખતે પ્રોસેસિંગ ફી પણ મહત્વનો મુદ્દો હોવાથી તેના પર ખાસ ધ્યાન આપવું. કોણ કેટલી ફી લે છે એ જોયા બાદ પોતાને અનુકૂળ આવે અને સસ્તું પડે એ જ રીતે લોન લેવી.

છેલ્લે એટલું કહેવાનું કે ગોલ્ડ લોન લેવી કે પર્સનલ લોન લેવી એ પ્રશ્નનો જવાબ દરેક વ્યક્તિના પોતપોતાના સંજોગો પર આધાર રાખે છે. જો લાંબા સમય માટે મોટી રકમની લોન જોઈતી હોય તો પર્સનલ લોનનો વિકલ્પ પસંદ કરી શકાય છે. જો પરત ચુકવણી કરવાનું સહેલું હોય અથવા તો પોતાનો ક્રેડિટ સ્કોર નબળો હોય એવા લોકોએ ગોલ્ડ લોનની પસંદગી કરવી સારી ગણાય.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK