Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > રાત કેટલી પણ લાંબી હોય, સવાર પડે જ છે!

રાત કેટલી પણ લાંબી હોય, સવાર પડે જ છે!

16 March, 2020 09:57 AM IST | Mumbai Desk
Jayesh Chitalia

રાત કેટલી પણ લાંબી હોય, સવાર પડે જ છે!

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


એક જ સપ્તાહમાં આટલા બધા અને આટલા મોટા કડાકા ભાગ્યે જ જોવાયા હશે. મૂડીધોવાણ સાથે વિશ્વાસનું અને આશાનું પણ ધોવાણ થઈ ગયું છે. સખત ધીરજ-સંયમ જરૂરી બનશે. રિકવરી વધુ લાંબો સમય લઈ શકે. જોકે શુક્રવારની ૪૪૦૦ પૉઇન્ટની અસાધારણ વૉલેટિલિટી બાદ ૧૩૦૦ પૉઇન્ટના સુધારાએ સુખદ આશ્ચર્ય આપી નવી આશા જગાવી હતી

વીતેલું સપ્તાહ હોળીનું હતું, ધુળેટીનું પણ હતું, કિંતુ શૅરબજારે કોરોના વાઇરસને કારણે શૅરોના ભાવની માત્ર હોળી થતાં જોઈ અને ધુળેટીના રંગને બદલે કેવળ કાળા કડાકાને જ જોયો. ૯થી ૧૩ માર્ચનું સપ્તાહ શૅરબજારના ઇતિહાસમાં યાદગાર વિક્રમી  સપ્તાહ તરીકે નોંધાય તો નવાઈ નહીં. આ એક જ સપ્તાહમાં બજારે સૌથી મોટા - અસાધારણ કડાકાનો અનુભવ કર્યો હતો, રોકાણકારોની મૂડીનું સૌથી વધુ ધોવાણ થયું હતું. 
કોરોના વાઇરસના ભય તેમ જ વૈશ્વિક અર્થતંત્ર પર તેની અસરને પરિણામે શૅરબજારમાં ગયા સોમવારે અસાધારણ કડાકા બોલાયા હતા. આગલા સપ્તાહના કડાકાનો દોર વધુ જોરપૂર્વક આગળ વધી સોમવારે સેન્સેક્સ ૨૪૦૦ પૉઇન્ટ જેટલો તૂટયા બાદ અંતમાં ૧૯૪૨ માઈનસ રહી ૩૫૬૩૫ બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી ૫૩૮ પૉઇન્ટ ક્રેશ થઈને અંતમાં ૧૦૪૫૧ બંધ રહ્યો હતો. યસ બૅન્કની ક્રાઈસિસને પગલે ભારતીય ફાઇનૅન્શિયલ સેક્ટર વધુ જોખમમાં હોવાના સંકેત ફરતા થયા હતા. આ સમયે યસ બૅન્કના રિવાઇવલની આશાએ તેમાં ઉછાળો જોવાયો હતો. જોકે ગ્લોબલ માર્કેટ કડાકા સાથે નીચે ઊતરી જવાનું કારણ પણ સેન્સેક્સ–નિફ્ટીના જંગી ધોવાણ માટે નિમિત્ત બન્યું હતું. ગ્લોબલ ગ્રોથનો ભય સતત વધતા ફોરેન ઇન્વેસ્ટરો સતત વેચવાલ રહ્યા હતા, હાલ તો ક્રૂડ યુદ્ધ શરૂ થયું હોવાના પણ એંધાણ ગણાય છે. ક્રૂડની મંદીને વિશ્વની આર્થિક મંદી તરીકે પણ જોવાય છે. જોકે એકંદરે ભારત માટે ક્રૂડનો ભાવઘટાડો પૉઝિટિવ પરિણામ આપશે એવી આશા છે.
મંગળવારે બજાર ધુળેટી નિમિત્તે બંધ હતું, બુધવારે બજારની શરૂઆત પૉઝિટિવ થઈ એટલું જ નહીં, સેન્સેક્સ અઢીસો પૉઇન્ટ સુધી પ્લસ પણ થયો, કિન્તુ પછીથી કરેક્શન આવતા અંતમાં સેન્સેક્સ માત્ર ૬૨ પૉઇન્ટ અને નિફ્ટી માત્ર સાત પૉઇન્ટ થઈ બંધ રહ્યો હતો. બજાર માટે કંઈક અંશે આશ્વાસન એ હતું કે બજાર વધુ તૂટતું અટક્યું હતું.
કડાકાનો એક નવો વિક્રમ
ગુરુવારે બજારે કડાકાનો એક નવો વિક્રમજનક દિવસ બતાવ્યો હતો. એક દિવસના સૌથી મોટા ઇન્ડેકસ ઘટાડાનો આ કાળો ગુરુવાર કોરોના વાઇરસનું અત્યાર સુધીનું સૌથી કપરું અને વરવું સ્વરૂપ કહી શકાય. અમેરિકાએ બ્રિટન સિવાયના યુરોપિયન દેશોમાંથી યુએસ આવતા લોકો પર પ્રતિબંધ મૂકી દેતા અને વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઈઝેશને કોરોના વાઇરસને મહામારી તરીકે જાહેર કરતા વિશ્વ આખામાં તંગ અને સંવેદનશીલ માહોલ બની ગયો હતો. આ અહેવાલને પગલે સેન્સેક્સ ૩૨૦૦ પૉઇન્ટ જેટલો ક્રેસ થઈ અંતમાં ૨૯૧૯ પૉઇન્ટ માઇનસ થઈ ૩૨૭૭૮ બંધ રહ્યો હતો અને નિફ્ટી પણ બિગેસ્ટ ફોલ સાથે ૮૬૮ પૉઇન્ટ તૂટીને ૯૫૯૦ બંધ રહ્યો હતો. આમ લાંબા સમય બાદ નિફ્ટી દસ હજારની સપાટીથી નીચે ઊતરી ગયો હતો. એક જ દિવસમાં રોકાણકારોની ૧૧.૪૩ લાખ કરોડ રૂપિયાની મૂડીનું ધોવાણ થયું હતું. શૅરબજારના ઇતિહાસમાં આ દિવસ સૌથી મોટા મૂડીઘાતક દિવસ તરીકે યાદ રહેશે. કરુણતાની સાથે વધુ આઘાતની વાત એ હતી કે ડૉલર સામે રૂપિયો ૫૭ પૈસા વધુ ડાઉન થયો હતો. અહીં અે નોંધવું પણ જરૂરી છે કે યુએસ માર્કેટનો ડો જોન્સ ઇન્ડેકસ પણ ૧૯૦૦ પૉઇન્ટ તૂટયો હતો.
છેલ્લા મહિનાના આ કડાકામાં સ્મૉલ અને મિડ કૅપ સ્ટૉકસના પણ ભુક્કા બોલાઈ ગયા હતા, જે બજેટ બાદ રિકવર થવાની મોટી આશા હતી.
હાલના સંજોગોમાં નિષ્ણાતોના મતે બજાર નોંધપાત્ર નીચે આવ્યું છે અને હજી ગ્લોબલ પરિબળોને લીધે નીચે આવી શકે છે, જોકે આ સમય ખરીદી માટે ઉત્તમ માની શકાય. અગાઉ આવું ઘણીવાર થયું છે. છેલ્લાં ૩૯ વર્ષમાં ઘણીવાર સેન્સેક્સ ૧૦ ટકાથી વધુ નીચે આવી ગયો હોવાનું બન્યું છે. ૧૯૯૨માં એક જ વર્ષમાં સેન્સેક્સ ૫૪ ટકા તૂટ્યો, એ પછીના દોઢ વરસમાં ૧૨૭ ટકા વધ્યો હતો. ૧૯૯૬માં સેન્સેક્સ ચાર વરસમાં ૪૦ ટકા તૂટ્યો અને પછીના વર્ષે ૧૧૫ ટકા સુધરી ગયો હતો. વરસ ૨૦૦૦માં દોઢ વરસમાં ૫૬ ટકા ડાઉન ગયેલો સેન્સેક્સ પછીના અઢી વર્ષમાં ૧૩૮ ટકા રિકવરી સાથે વધ્યો હતો. ૨૦૦૮માં માત્ર એક વર્ષમાં ૬૧ ટકા કરેક્શન બાદ દોઢ વર્ષમાં સેન્સેક્સ ૧૫૭ ટકા સુધર્યો હતો. ૨૦૧૦માં એક વર્ષમાં ૨૮ ટકા ડાઉન થયેલો સેન્સેક્સ એ પછીના ત્રણ વર્ષમાં ૯૬ ટકા રિકવર થયો હતો. આવા ઐતિહાસિક આંકડા બજારના કરેક્શન અને રિકવરીના સંકેત આપે છે. આમ કાયમ થવું જરૂરી નથી, પરંતુ એટલું સત્ય યાદ રાખવું જરૂરી છે કે કરેક્શન કામચલાઉ હોય છે, હાલમાં ઘણાં સારા સ્ટૉકસ વાજબી ભાવે ઉપલબ્ધ થઈ રહ્યા છે. લોંગ ટર્મ માટે આ તક ઉપાડી લેવી જોઈએ. અત્યારની અસર ગભરાટની વધુ છે. એક ચેતવણી એ પણ ધ્યાનમાં લેવી પડે કે અગાઉ દર વખતે વાઇરસ બાદ ઓવરઓલ સ્થિતિ અત્યારે છે એવી નહોતી. હાલ તો ઓલરેડી ગ્લોબલ આર્થિક મંદી ચાલુ છે ત્યારે આ વાઇરસનું વિશ્વવ્યાપી આક્રમણ થયું છે જેથી આની રિકવરી સંભવતઃ વધુ સમય માગી લે તો નવાઈ નહીં.
કેટલાક સારા આર્થિક સંકેત
અમુક સારા સમાચાર મુજબ રીટેલ ઇન્ફલેશનનો દર ફેબ્રુઆરીમાં ઘટીને ૬.૫૮ ટકા આવ્યો હતો, જે જાન્યુઆરીમાં ૭.૫૯ ટકા હતો. જાન્યુઆરીમાં ઔદ્યોગિક ઉત્પાદન પણ સાધારણ સુધર્યુ હતું. દેશની કરન્ટ અકાઉન્ટ ડેફિસિટ પણ ડિસેમ્બર ક્વૉર્ટરમાં ઝડપી ઘટીને ૧.૪ અબજ ડૉલર થઈ, જે જીડીપીના ૦.૨ ટકા થાય છે. બૅન્ક ધિરાણમાં પણ ફેબ્રુઆરીના બીજા ભાગમાં ૬.૧૩ ટકા જેટલી વૃદ્ધિ નોંધાઈ છે. યસ બૅન્કને ઉગારવા સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાએ નેતૃત્ત્વ લઈને તેમાં ૭૨૫૦ કરોડનું રોકાણ કરવાનો નિર્ણય લીધો છે, અન્ય બૅન્કો પણ તેમાં સહયોગ આપી રહી હોવાથી આ બૅન્કના રિવાઇવલની આશા નક્કર બની રહી છે. જાહેર ક્ષેત્રની બૅન્કોના મર્જર બાદ ધિરાણપ્રવાહને અસર ન થાય તેની તકેદારી રાખવા નાણાં ખાતાએ જણાવ્યું છે. વધુમાં રિઝર્વ બૅન્ક એપ્રિલમાં તેની મોનેટરી પૉલિસીમાં વ્યાજદરમાં કાપ મૂકશે એવી સંભાવના વધી છે. આ તમામ પરિબળ અર્થતંત્ર માટે પૉઝિટિવ કહી શકાય.
બ્લૅક ઍન્ડ વાઇટ ફ્રાઇડે
શુક્રવારનો આરંભ ગુરુવાર કરતાં પણ બદતર સાબિત થયો હતો, જેણે શરૂમાં જ દસ ટકા તૂટીને સર્કિટ બ્રેકર લાગુ કરાવી દીધી હતી. સેન્સેક્સ ૩૧૦૦ પૉઇન્ટ જેટલો તૂટીને ૩૦૦૦૦ની નીચે અને નિફ્ટી પણ ૧૦.૭ ટકા તૂટીને ૮૬૨૪ થઈ ગયો હતો જેને કારણે માર્કેટ થોડો સમય બંધ રાખવાની ફરજ પડી હતી. નવસેરથી ખૂલ્યા બાદ કડાકાની ગતિ ધીમી પડી હતી. જોકે થોડા સમય બાદ માર્કેટે પૉઝિટિવ ટર્ન લીધો અને સૌના આશ્ચર્ય વચ્ચે સેન્સેક્સ ૩૧૦૦ના ઘટાડાથી રિકવર થઈને અંતમાં ૧૩૨૫ પૉઇન્ટ પ્લસ થઈ ૩૪૧૦૩ બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી ૩૬૫ પ્લસ થઈ ૯૯૫૫ બંધ રહ્યો હતો. આમ આ વિતેલું સપ્તાહ બંધ થતાં પહેલાં તેના પરના કાળા દાગને કંઈક અંશે મિટાવી ગયું હતું.
બૉટમ શોધાઈ ગઈ?
બજારે બૉટમ શોધી લીધી હોવાનું કહેવાય તો નવાઈ નહીં. જો વિશ્વના તમામ દેશો કોવિદ-૧૯ને બરાબર મૅનેજ કરીને તેનો વ્યાપ વધતો અટકાવી શકે તો એ હાલના સમયની મોટી સફળતા ગણાશે. આ સફળતા શૅરબજારને સ્પીડી રિકવરી તરફ લઈ જઈ શકશે. રોકાણકારો નીચા ભાવે ખરીદી કરવાની હિંમત કરતા થયા છે એ નોંધાયું છે. ગ્લોબલ રોકાણકારોએ પણ ખરીદી શરૂ કરી દીધી હોવાનું મનાય છે. અગાઉ માર્કેટ તોડીને નીચા ભાવે શૅરો પડાવી જનાર આ ચાલાક રોકાણકારો હવે નવી ખરીદી કરી અઢળક નફો રળશે એવું ચર્ચાય છે. આગામી સપ્તાહ હજી વોલેટાઈલ રહેવાની શકયતા ઊંચી છે. મંદી યા ડાઉનવર્ડ ટ્રૅન્ડ માટેના ઘણાં પરિબળ હજી ઊભાં છે. વિવિધ દેશો જે અગમચેતીનાં પગલાં ભરી રહ્યા છે એને લોકો પૅનિકમાં ખપાવવાની ભૂલ કરી રહ્યા છે. આ તબક્કામાંથી પસાર થયા વિના છૂટકો નથી. યાદ એ રાખવાનું છે કે રાત કેટલી પણ લાંબી હોય, સવાર પડે છે એ વાતમાં વિશ્વાસ ધરાવતા લોકો અને હોલ્ડિંગક્ષમતા ધરાવતા લોકો હાલ રોકાણ કરે એમાં ડહાપણ છે. સારા શૅરો શ્રેષ્ઠ ભાવે મળવાનો આ અવસર છે.


Whatsapp-channel Whatsapp-channel

16 March, 2020 09:57 AM IST | Mumbai Desk | Jayesh Chitalia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK