Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > શું SIP ક્યારેય બંધ કરવો જોઈએ?

શું SIP ક્યારેય બંધ કરવો જોઈએ?

10 February, 2019 03:32 PM IST |
મુકેશ દેઢિયા

શું SIP ક્યારેય બંધ કરવો જોઈએ?

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મની-પ્લાન્ટ

તમે માંદા પડો ત્યારે ડૉક્ટર કોઈક દવા અમુક દિવસ સુધી લેવાનું કહે અને અમુક દવા કદાચ આજીવન લેવાનું કહેવામાં આવે. અમુક દિવસ સુધી લેવાની દવાને તમે એકસામટું રોકાણ અથવા તો મર્યાદિત સમયગાળા માટેનો સિસ્ટમૅટિક ટ્રાન્સફર પ્લાન (STP) કહી શકો. સિસ્ટમૅટિક ટ્રાન્સફર પ્લાનમાં રોકાણ પૂરું કરવાનો સમય નક્કી હોવાથી એને એકસામટું રોકાણ ગણવામાં કોઈ વાંધો નથી.



લાંબા સમય સુધી લેવાનું કહેવામાં આવે એ દવા સિસ્ટમૅટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) જેવી હોય છે. SIP ક્યારે બંધ કરવાનો છે એવું નક્કી હોતું નથી. આમ એકસામટું રોકાણ, STP અને SIP એ બધા વચ્ચે છેવટની તારીખનો જ ફરક હોય છે. આમ SIP એ જીવનભરનું પ્રિસ્ક્રિપ્શન હોય છે, જે ક્યારેય બંધ કરવાનું હોતું નથી.


બજાર ઘણું ઊંચે ગયું હોય એવા સમયે તમારો SIP શરૂ થયો હોય તો શક્ય છે કે થોડાં વર્ષો સુધી તમને ઊંચું વળતર મળે નહીં. બજાર સુધરવા લાગે પછી પણ થોડાં વર્ષો સુધી મધ્યમ સ્તરનું વળતર મળે એ શક્ય છે. સંપૂર્ણ મૅક્રો-ઇકૉનૉમિક પરિસ્થિતિ સુધરે ત્યારે જ અને બજારમાં આગઝરતી તેજી હોય ત્યારે જ તમને વર્ષો બાદ તમારા રોકાણ પર ખરેખર મોટું વળતર મળી શકે છે.

આમ SIPમાં મળેલા વળતરને દર વર્ષે જોતા રહેવાનું નિરર્થક છે. ખરી રીતે તો બજાર ઘટે એટલે કે કરેક્શન આવે ત્યારે થોડી એકસામટી રકમનું રોકાણ એમાં ઉમેરવું જોઈએ.


ઘણા રોકાણકારોને લાગતું હોય છે કે SIP કરાવ્યો એટલે ક્યારેય રોકાણ ઓછું નહીં થાય. એકાદ-બે વર્ષ વળતર નકારાત્મક હોય એ તો ઠીક, ક્યારેક ત્રણથી પાંચ વર્ષ સુધી પણ અને ક્યારેક લાંબા ગાળા સુધી ઘણું ઓછું વળતર મળતું હોય છે. આમ જો ખરેખર સારું વળતર મેળવવાની ઇચ્છા હોય તો ઓછામાં ઓછાં દસ વર્ષ રાહ જોવી જોઈએ. વળતર વધુ ઊંચું ન હોય એવા સમયે વધુ રોકાણ કરવું અને વધુ વળતર મળવા લાગે ત્યારે નાણાંનો ઉપાડ કરીને એ વખતની નાણાકીય જરૂરિયાતો પૂરી કરવી અથવા તો થોડા વખતમાં આવનારી જરૂરિયાતોને પૂરી કરવા માટે નાણાં અલાયદાં રાખી મૂકવાં.

જો તમે ૧૦ વર્ષ કરતાં વધુ સમય સુધી મોટી રકમનો SIP કરાવ્યો હશે તો ઘણી મોટી રકમ જમા થઈ હોઈ શકે છે. આવા સંજોગોમાં મોટા ભંડોળને સાચવી રાખવાનું અગત્યનું બની જાય છે.

જો તમને લાગે કે ઇક્વિટી બજારમાં અસ્થિરતા છે તો તમે જમા થયેલી ઍસેટ્સને અલગ-અલગ પ્રકારનાં હાઇબ્રિડ ફન્ડ્સમાં ખસેડી શકો છો અને જો ઇક્વિટી માર્કેટની ચંચળતા વધારે રહેશે એવી ખાતરી હોય તો ભંડોળ ડેટ કે મની માર્કેટ ફન્ડ્સમાં ખસેડી દેવું. આમ ભલે કરો, SIP બંધ કરાવવો નહીં.

ઇક્વિટીના વિશ્વવિખ્યાત મહાન રોકાણકારોએ કહ્યું છે કે લાગણીહીન રોકાણ લાંબા ગાળાના રોકાણની શ્રેષ્ઠ વ્યૂહરચના કહેવાય. તમે જ્યારે SIP મારફત રોકાણ કરો ત્યારે લાગણીઓ વચ્ચે આવતી નથી, એકસામટું રોકાણ કરો ત્યારે આવી જાય છે.

આમ ફુગાવાની અને લાગણીઓની સામે ઝીંક ઝીલવા માટે તથા નાણાકીય તંદુરસ્તી માટે SIP શ્રેષ્ઠ વિકલ્પ છે.

જો SIPમાં કરેલા રોકાણ પર મને ફુગાવા કરતાં પાંચથી સાત ટકા વધુ વળતર મળતું હોય તો મને SIPમાંથી મળનારા વળતરનો આંકડો જોવાની આતુરતા રહેતી નથી. જો લાંબા ગાળાનો ફુગાવાનો દર ચાર ટકાની આસપાસ હોય તો આઠથી દસ ટકાનું વાર્ષિક ચક્રવૃદ્ધિ વળતર મળે એ ઘણું સારું કહેવાય.

આ પણ વાંચો : બિઝનેસ ચલાવવામાં મૂડીના માળખાનું મહત્વ

ફુગાવાની સામે લડવા માટે મારો આ ઘણો સલામત અને સરળ રસ્તો છે. ફુગાવા નામના રાક્ષસની સામે લડવા માટેની આ ક્રાન્તિમાં તમે મારી સાથે હશો એવી હું આશા રાખું છું.

તમે નિયમિત લેવાની દવાનો ડોઝ ચૂકી જાઓ ત્યારે શું થાય છે એ સારી રીતે જાણો છો.

Whatsapp-channel Whatsapp-channel

10 February, 2019 03:32 PM IST | | મુકેશ દેઢિયા

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK