Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > સુરક્ષિત ધિરાણ, આર્થિક વિકાસમાં મહત્વનું યોગદાન છતાં MSMEની હાલત કફોડી

સુરક્ષિત ધિરાણ, આર્થિક વિકાસમાં મહત્વનું યોગદાન છતાં MSMEની હાલત કફોડી

11 May, 2020 02:27 PM IST | Mumbai
Sushma B Shah

સુરક્ષિત ધિરાણ, આર્થિક વિકાસમાં મહત્વનું યોગદાન છતાં MSMEની હાલત કફોડી

એમએસએમઇ

એમએસએમઇ


લઘુ અને મધ્યમ કદ (એમએસએમિ) ક્ષેત્રના એકમો દેશમાં રોજગારી સર્જન, નિકાસ અને ઉત્પાદનમાં સૌથી મહત્વનો હિસ્સો ધરાવતા હોવા છતાં અત્યારે લૉકડાઉનમાં તેમની હાલત કફોડી થઈ ગઈ છે. ઉદ્યોગોના અગ્રણી કહે છે કે લગભગ ૨૫ ટકા એકમો હવે ક્યારેય ચાલુ થઈ શકશે નહીં. સેંકડો એકમોએ એપ્રિલ મહિનામાં પગાર ચૂકવ્યો નથી. લૉકડાઉનના કારણે ઉત્પાદન બંધ હોવાથી તેમના નિકાસના ઓર્ડર અન્ય દેશોને જતા રહ્યા છે, બૅન્કોને હપ્તા કે વ્યાજ ચૂકવવાની હાલત નથી.

રિઝર્વ બૅન્ક દ્વારા મોટા ઉદ્યોગોને રાહત મળે એ પ્રકારે બજારમાં લિક્વિડિટી છૂટી કરવામાં આવી છે. લઘુ અને મધ્યમ કદના એકમોને હજી મોટી રાહત મળી નથી. કેન્દ્ર સરકારે માર્ચમાં જે પૅકેજ જાહેર કર્યું તેનો ઉપયોગ ઉદ્યોગો કરતાં ગરીબ માટે વધુ હતો. બીજા પૅકેજની રાહ જોવામાં આવી રહી છે.



ગત શુકવારે કેન્દ્ર સરકારે પોતે નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં ૭.૮૦ લાખ કરોડના બદલે ૧૨ લાખ રૂપિયાનું બોરોઇંગ કરશે એવી જાહેરાત કરી છે. એનો મતલબ થયો કે સરકાર વધારાના ૪.૨૦ લાખ કરોડ રૂપિયા બજારમાંથી ઉપાડશે. આ સંકેત આપી રહ્યા છે કે પૅકેજ હવે ટૂંક સમયમાં જાહેર થશે, સંભવ છે કે આ સપ્તાહ દરમ્યાન જ જાહેર થઈ જાય.


આશ્ચર્યની વાત એ છે કે મેગા કે લાર્જ કૉર્પોરેટ કરતાં એમએસએમઇની લોન લઈ પરત ચુકવણીનો રેકૉર્ડ સારો હોવા છતાં તેમનું દેશના આર્થિક વિકાસમાં યોગદાન વધારે મહત્વનું હોવા છતાં તેમને લાભ કેમ મળી રહ્યો નથી. શું નવા પૅકેજમાં તેમને લાભ મળશે?

લોન પરત કરવામાં એમએસએમઇ સારા?


કૉર્પોરેટ અને રિટેલ ગ્રાહકોના ક્રેડિટ સ્કોર એટલે કે લોન સામે પરત ચુકવણીનો રેકૉર્ડ તપાસી લોન પરત આવશે કે નહીં તેનું રેકિંગ ટ્રાન્સયુનિયન સિબિલ-સિડબી એમએસએમઇ પલ્સ રિપોર્ટ અનુસાર લોન લીધા પછી  ડિફોલ્ટ કરનાર મોટા કૉર્પોરેટની સરખામણીમાં તમામ એમએસએમઇ સેગમેન્ટમાં ડિફોલ્ટ રેટ ઓછો રહ્યો છે.

સિબિલના અહેવાલ અનુસાર એમએસએમઇ ઉપર લૉકડાઉનની અસરો વધારે સ્પષ્ટ જોવા મળી શકે છે, ત્યારે આ અભ્યાસનું હાર્દ મજબૂત એમએસએમઇને ઓળખવાનું અને રોગચાળાની સ્થિતિમાં તેમને ઓછામાં ઓછી અસર થવાની શક્યતા વ્યક્ત કરવાનું છે. લૉકડાઉન અગાઉ એમએસએમઇની પોઝિશન પર આ અભ્યાસ જણાવે છે કે ત્રણમાંથી લગભગ બે એમએસએમઇએ લૉકડાઉનમાં મજબૂત સ્થિતિ સાથે પ્રવેશ કર્યો છે, જેમાંથી અડધા એમએસએમઇ અતિ મજબૂત સ્થિતિમાં છે.

સિબિલના આ અહેવાલ અનુસાર જાન્યુઆરીમાં મોટા કૉર્પોરેટનો એનપીએ રેટ ૧૯.૭ ટકા હતો ત્યારે એમએસએમઇ સેગ્મેન્ટમાં તેનું પ્રમાણ ૧૨.૫ ટકા હતું. દેશમાં બૅન્કો અને અન્ય મળી જાન્યુઆરીમાં કુલ ધિરાણ ૬૪.૬૫ લાખ કરોડ હતું તેમાંથી એમએસએમઇને મળેલું ધિરાણ ૧૭.૭૫ લાખ કરોડ રૂપિયા હતું. કેલૅન્ડર વર્ષ ૨૦૧૯માં એમએસએમઇ સેગ્મેન્ટમાં ૧ કરોડ રૂપિયાથી ઓછું હોય એવું કુલ નવું ધિરાણ ૯૨,૨૬૨ કરોડ રૂપિયા હતું.

આ અંગે સિડબીના ચૅરમૅન અને મૅનેજિંગ ડાયરેક્ટર મોહમ્મદ મુસ્તફાએ કહ્યું હતું કે ‘માઇક્રો સેગ્મેન્ટ અર્થતંત્રના આગામી વૃદ્ધિકારક પરિબળ બની શકે છે અને ધિરાણ સંસ્થાઓએ આ માઇક્રો સેગ્મેન્ટની આ કંપનીઓને ઓળખવાની તક ઝડપી લેવી જોઈએ, જે અગાઉની મુશ્કેલ ઘટનાઓમાં મજબૂત રહી છે અને આ સમયગાળા દરમ્યાન તેમને ફન્ડ આપી શકાય છે. બૅન્કો અને ધિરાણ સંસ્થાઓ સેક્ટરલ ડેટા પર આધારિત ધિરાણના ઉચિત અને નીતિગત નિર્ણયો લઈને એમએસએમઇ ક્ષેત્રને મજબૂત કરવામાં અને અર્થતંત્રને પુનઃ ધબકતું કરવામાં પથપ્રદર્શક ભૂમિકા ભજવી શકે છે.’

સિબિલ એમએસએમઇ પ્લસમાં નોંધે છે કે છેલ્લા થોડા ક્વૉર્ટરમાં એમએસએમઇને મળી રહેલા ધિરાણમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આ ક્ષેત્રને મળી રહેલા ધિરાણમાં સરકારી અને ખાનગી બૅન્કોનો હિસ્સો લગભગ સરખો છે જ્યારે ૧૦ લાખથી ઓછું ધિરાણ હોય તેમાં સરકારી બૅન્કો અને ૫૦ લાખથી ૧ કરોડ રૂપિયા સુધીના ધિરાણમાં ખાનગી બૅન્કોનું વર્ચસ્વ છે.

લૉકડાઉનમાં ૨૫ ટકા લઘુ એકમો બંધ થઈ જશે!

કોરોના વાઇરસના કારણે દેશમાં આર્થિક પ્રવૃત્તિઓ બંધ પડી ગઈ છે ત્યારે મોટી કંપનીઓને થઈ રહેલા નુકસાનને લીધે લઘુ અને મધ્યમ (એમએસએમઇ) કદના એકમોની હાલત પણ કથળી ગઈ છે. આ કંપનીઓ પાસે અત્યારે કર્મચારીઓનો પગાર કરવાના પૈસા નથી અને એવી દહેશત છે કે દેશની અંદર કાર્યરત ૬.૯ કરોડ જેટલા એમએસએમઇ એકમોમાંથી લગભગ ૨૫ ટકા હવે ક્યારેય ચાલુ થશે નહીં. વિવિધ ઉદ્યોગ સંગઠન, એમએસએમઇ ચેમ્બર દ્વારા તાકીદે મદદ માટે સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે, પણ અત્યારે કોઈ પૅકેજ જાહેર થયું નથી. આ સ્થિતિમાં તેમની હાલત વધારે કથળી રહી છે.

એમએસએમઇ ક્ષેત્ર માટે અત્યારે સમય કપરો છે અને એમાંથી કઈ રીતે બહાર આવશે એ કહેવું મુશ્કેલ છે. મારી દૃષ્ટિએ ૨૫ ટકા જેટલા એકમો હવે ક્યારેય કાર્યરત થઈ શકશે નહી, એવું એસએમઇ ચેમ્બરના અધ્યક્ષ ચંદ્રકાંત સાળુંકે જણાવે છે. એમના માટે વર્કિંગ કેપિટલ સૌથી મહત્વની સમસ્યા છે.

નાના અને મધ્યમ કદના એકમો મોટાભાગે મોટા કે મેગા પ્રોજેક્ટ સાથે કાર્યરત હોય છે. અત્યારે એવી સ્થિતિ છે કે આ મેગા કંપનીઓ બંધ છે કે ઓછી ક્ષમતા ઉપર કાર્ય કરી રહી છે. એટલે એમાં ઓર્ડર ઘટી ગયા છે, પેમેન્ટ મોડા આવશે એવો ખ્યાલ છે. નાના એકમોની ક્ષમતા નથી કે તેઓ આ મેગા કંપનીઓ સાથે બાથ ભીડી શકે. એક મોટી કંપનીને અસર થાય તો સેંકડો નાની કંપનીઓને અસર થાય, એટલે સ્થિતિ બહુ વિકટ છે. અત્યારે તાકીદે કોઈ પણ પ્રકારની વિગતો જાણ્યા વગર એમએસએમઇ ક્ષેત્રને વર્કિંગ કેપિટલ લોનની લિમિટ વધે એ જરૂરી છે. આ માટે રજૂઆત થઈ છે પણ તે અંગે કોઈ પૅકેજ જાહેર થયું નથી, એમ સાળુંકે ઉમેરે છે.

આ વિકટ સ્થિતિમાં બૅન્કો ધિરાણ કરવાના બદલે વધારાની રકમ રિઝર્વ બૅન્કમાં રિવર્સ રેપો તરીકે જમા કરાવી રહી છે. બજારમાં નાણાંની અછત નથી. જોખમ લેવા બૅન્કો તૈયાર નથી પણ જો મોટા કૉર્પોરેટ કરતાં લઘુ અને મધ્યમ કદના એકમોમાં ધિરાણ વધારે સુરક્ષિત હોય તો તેમને મળવું જ જોઈએ.

પ્રધાન પણ માને છે કે હાલત કફોડી

કેન્દ્ર સરકારના વરિષ્ઠ પ્રધાન નીતિન ગડકરીએ જાહેરમાં સ્વીકાર્યું હતું કે લઘુ અને મધ્યમ કદના એકમો ભાંગી પડવાની તૈયારીમાં છે. ગડકરીએ વધુમાં મોટા ઉદ્યોગોને એમએસએમઇનાં બાકી લેણાં તાકીદે છૂટા કરવાની માગ પણ કરી હતી. આ ઉપરાંત કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને જાહેર સાહસો દ્વારા પણ બાકી ચૂકવવાનાં નાણાંની માત્રા પણ બહુ ઊંચી છે. લઘુ અને મધ્યમ એકમોનો હવાલો સંભાળી રહેલા નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે રૂપિયા એક લાખ કરોડના ફંડની માગણી પણ કરી છે.

કેન્દ્રનું પૅકેજ આવી રહ્યું છે

લઘુ ને મધ્યમ કદના એકમો માટે એક જંગી પૅકેજ તૈયાર હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જેમાં કેન્દ્ર સરકાર આ એકમોની નાણાંની જરૂરિયાતના ૨૦ ટકા માટે ગેરન્ટર બને અને લગભગ ૩ લાખ કરોડ રૂપિયાની લોન માટે ગેરન્ટર બને એવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.

આ ઉપરાંત લઘુ અને મધ્યમ કદના એકમો માટે પગાર કે અન્ય પ્રકારની કામદારોને ચૂકવવાપાત્ર રકમમાં પણ સરકારનો ટેકો મળે એવી વિચારણા પણ ચાલી રહી છે. આ માટે નીતિ આયોગ દ્વારા દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે. લગભગ ૧૦ કરોડ જેટલા કામદારોને લાભ મળે એવી આ વ્યવસ્થા હશે, એક બાજુ તેમની રોજગારી સુરક્ષિત થશે અને બીજી તરફ તેમના હાથમાં નાણાં આવતાં બજારમાં માગ પણ જોવા મળી શકે છે. 

Whatsapp-channel Whatsapp-channel

11 May, 2020 02:27 PM IST | Mumbai | Sushma B Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK