Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > એકસાથે જોખમો ઊભાં કરી શકે એવા વધારે પરિબળો કાર્યરત

એકસાથે જોખમો ઊભાં કરી શકે એવા વધારે પરિબળો કાર્યરત

29 May, 2020 01:45 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એકસાથે જોખમો ઊભાં કરી શકે એવા વધારે પરિબળો કાર્યરત

પ્રતિકાત્મક તસવીર

પ્રતિકાત્મક તસવીર


સતત ત્રણ દિવસના ઘટાડા બાદ, અમેરિકા અને ચીન વચ્ચે સંભવિત તંગદિલીની અવગણના કરી રોકાણકારો જોખમ તરફ પરત ફરી રહ્યા હતા. શૅરબજાર વધી રહ્યું હતું અને સોનું અને ચાંદીમાં ઉપરના મથાળે વેચવાલી હતી. બુધવારે ૧૭૦૦ ડૉલરની નીચે સોનું અને ૧૭ ડૉલરની નીચે ચાંદીના ભાવ પછી ફરી જોખમો વધારે હાવી થઈ રહ્યાં હોય એવા સંકેત ચલણ બજારમાંથી મળી આવતાં સોનાના ભાવમાં વૃદ્ધિ જોવા મળી હતી અને એની સાથે ચાંદી પણ વધી હતી. ગઈ કાલે એકસાથે અનેક પરિબળો સોના અને ચાંદીની તેજીને આગળ વધારી રહ્યાં હતાં અને જોખમથી ફરી દૂર જવાનો સમય આવી ગયો હોય એવું લાગી રહ્યું છે. અમેરિકામાં પ્રથમ ત્રણ મહિનામાં આર્થિક વિકાસદર અગાઉના અંદાજ ૪.૮ ટકા સામે પાંચ ટકા ઘટ્યો હોવાના આંકડા આવ્યા હતા. વધુ ૨૧.૨ લાખ લોકોએ બેરોજગારીના લાભ માટે અરજી કરી હતી અને ચીને હૉન્ગકૉન્ગ પર રાષ્ટ્રીય સુરક્ષાનો નવો કાયદો અમલમાં મૂક્યો હતો. આ ત્રણ પરિબળો ઉપરાંત, સોશ્યલ મીડિયા કંપનીઓ પર રાષ્ટ્રપતિ ટ્રમ્પ નિયંત્રણ મૂકે એવી શક્યતાએ સોનામાં ફરી વૃદ્ધિ જોવા મળી રહી છે.

વૈશ્વિક બજારમાં સોનાનો વાયદો સતત ત્રણ દિવસ સુધી ઘટ્યા પછી બુધવારે એક તબક્કે ૧૬૮૪.૮૦ ડૉલર પ્રતિ ઔંસની સપાટીએ હતો. આ પછી અમેરિકાએ હૉન્ગકૉન્ગ સાથેના સંબંધો વિશે પુનર્વિચાર કરવાનું નિવદેન આપતાં એમાં ઝડપી વૃદ્ધિ થઈ હતી અને ભાવ ૧૭૧૦.૭ ડૉલર પ્રતિ ઔંસની સપાટીએ બંધ રહ્યા હતા. ગઈ કાલે પણ કોમેકસ ખાતે વાયદો વધુ મક્કમ જોવા મળી રહ્યો છે. ગઈ કાલે વાયદો ૦.૭૧ ટકા કે ૧૨.૧૦ ડૉલર વધી ૧૭૨૨.૪૫ની સપાટીએ છે. સોનાની સાથે ચાંદી પણ બુધવારની નીચી સપાટી ૧૭.૨૨૫ સામે વધી ૧૭.૭૨ની સપાટીએ બંધ આવી હતી. ગઈ કાલે વાયદો ૦.૪૮ ટકા કે ૮ સેન્ટ વધી ૧૭.૮૧૫ ડૉલરની સપાટી પર છે. હાજરમાં સોનું ૦.૬૫ ટકા કે ૧૧.૧૯ ડૉલર વધી ૧૭૨૦.૬૬ અને ચાંદી ૦.૪૦ ટકા કે ૭ સેન્ટ વધી ૧૭.૩૩ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર છે.



ભારતમાં સોના અને ચાંદીમાં


ફરી આગળ વધતી તેજી

વૈશ્વિક તેજીના પડખે ભારતીય બજારમાં પણ સોનું અને ચાંદી બંધ બજારે ખાનગીમાં વધ્યાં હતાં. આજે સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૬૭૯ વધી ૪૮,૨૧૯ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૧૦૩૬ વધી ૪૯,૦૫૫ રૂપિયા બંધ આવ્યાં હતાં.


એમસીએક્સ સોનું જૂન વાયદો ૧૦ ગ્રામદીઠ ૪૬,૪૪૪ ખૂલી, ઉપરમાં ૪૬,૭૮૮ અને નીચામાં ૪૬,૩૫૬ રૂપિયાના મથાળે અથડાઈ પ્રથમ સત્રના અંતે ૨૧૦ વધીને ૪૬,૭૪૧ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની મે કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રના અંતે ૧૭૫ વધીને ૮ ગ્રામદીઠ ૩૮,૦૦૭ રૂપિયા અને ગોલ્ડ-પેટલ મે કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રના અંતે ૨૧ વધીને ૧ ગ્રામદીઠ ૪૭૭૦  થયા હતા, જ્યારે સોનું-મિની જૂન વાયદો ૧૦ ગ્રામદીઠ ૧૧૦ વધીને બંધમાં ૪૬,૭૫૭ રૂપિયાના ભાવ રહ્યા હતા.

ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ કોન્ટ્રેક્ટ કિલોદીઠ ૪૮,૪૦૦ ખૂલી, ઉપરમાં ૪૮,૭૫૦ અને નીચામાં ૪૮,૨૮૦ રૂપિયાના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે ૨૭૮ વધીને ૪૮, રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની જૂન ૨૫૬ વધીને ૪૯,૦૧૯ રૂપિયા અને ચાંદી-માઇક્રો જૂન ૨૪૭ વધીને ૪૯,૧૦૪ રૂપિયા બંધ રહ્યા હતા.

 વૈશ્વિક બજારમાં ઊંચા

મથાળેથી ડૉલર ફરી ઘટ્યો

બુધવારે વૈશ્વિક બજારમાં ડૉલર મક્કમ રહ્યા પછી ગઈ કાલે દિવસભર મક્કમ રહ્યા બાદ એમાં અમેરિકન સત્ર પહેલાં ઘટાડો જોવા મળી રહ્યો છે. અમેરિકન ડૉલરનું વિશ્વનાં છ મુખ્ય ચલણ સામે મૂલ્ય નક્કી કરતો ડૉલર ઇન્ડેક્સ બુધવારે ૯૯.૦૫૬ બંધ રહ્યા બાદ ગઈ કાલે એક તબક્કે વધી ૯૯.૦૯૭ થયા બાદ ૯૮.૯૪૫ની સપાટી પર છે. બજારમાં એકસાથે ઘણી ચિંતાઓ છે. ગઈ કાલે અમેરિકામાં બેરોજગારીના આંકડા જાહેર થશે, રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ સોશ્યલ મીડિયા કંપનીઓ પર નિયંત્રણ મૂકે એવો ઑર્ડર કરવાના છે અને બીજી તરફ ચીને હૉન્ગકૉન્ગ પર નિયંત્રણ મૂકતો કાયદો પસાર કર્યો છે. આ તંગ વાતાવરણમાં સાવચેતીના ભાગરૂપે ડૉલરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

એશિયાઈ બજારોમાં મોટા ભાગનાં ચલણો સામે ચીન અને અમેરિકા વચ્ચે વધી રહેલી તંગદિલીના કારણે ડૉલર વધ્યો હતો. દક્ષિણ કોરિયામાં વ્યાજના દર ઘટાડી વિક્રમી નીચા સ્તરે પહોંચતાં અને સેન્ટ્રલ બૅન્કે આર્થિક વૃદ્ધિનું અનુમાન ઘટાડતાં દક્ષિણ કોરિયાના વૉનમાં વધારે તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. ગઈ કાલે ડૉલર સામે વૉન ૦.૬૦ ટકા ઘટી ગયો હતો. અન્ય ચલણોમાં યેન ૦૦૮ ટકા, સિંગાપોર ડૉલર ૦.૦૮ ટકા, ફિલિપીન્સ પેસો ૦.૧૯ ટકા, ઇન્ડોનેશિયાનો રૂપિયો ૦.૪૪ ટકા અને મલેશિયાનો રિંગીટ ૦.૧૬ ટકા ઘટ્યા હતા. આજે ચીનનો યુઆન જોકે ૦.૦૩ ટકા વધી મક્કમ હતો.

ડૉલર સામે રૂપિયો બીજા

દિવસે પણ નરમ

શૅરબજારમાં ભલે જોવા નથી મળી રહ્યું, પણ અમેરિકા અને ચીન વચ્ચેની તંગદિલીની અસર ફોરેકસ માર્કેટમાં ચોક્કસ છે. આ તંગદિલીના કારણે વિશ્વની બે આર્થિક મહાસત્તાઓ ટ્રેડ-વૉરની જેમ ફરી આમને-સામને આવશે અને એનાથી કોરોના વાઇરસના કારણે મંદીમાં સરી પડેલા વૈશ્વિક અર્થતંત્રને વધુ નુકસાન થશે. આ ચિંતામાં જોખમી ચલણો છોડી સલામતી તરફ પ્રયાણ જોવા મળી રહ્યું છે. વૈશ્વિક બજારમાં પણ ડૉલર વધ્યો હતો.

બુધવારે ડૉલર સામે ૭૫.૭૧ બંધ રહેલો રૂપિયો આજે તીવ્ર રીતે ઘટી ૭૫.૯૦ ખુલ્યો હતો પણ પછી મહિનાના અંતની આયાતકારોની ડૉલરના વેચાણ અને નિકાસકારોની ખરીદી વચ્ચે એ ઘટી ૭૫.૬૯ થઈ દિવસના અંતે ૭૫.૭૬ની સપાટી બંધ રહ્યો હતો જે આગલા બંધથી પાંચ પૈસાનો ઘસારો છે. ડૉલર ઉપરાંત રૂપિયો યુરો સામે નબળો પડ્યો હતો, પણ પાઉન્ડ અને યેન સામે વધ્યો હતો.

Whatsapp-channel Whatsapp-channel

29 May, 2020 01:45 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK